અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાનને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા મોહિત ઉલવાની મહેનત ફળી, સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohit Ulva News : અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર મોહિત ઉલવાને તેના શાનદાર પ્રદર્શનનું મોટું ઇનામ મળ્યું છે. 18 વર્ષીય મોહિત ઉલવાની હવે સિનિયર ક્રિકેટમાં એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં તેનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્દોરમાં સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાશે મોહિત
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે આ નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મોહિતને સીધા ઈન્દોર પહોંચીને સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્રની ટીમ ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના મુકાબલા રમી રહી છે, જ્યાં મોહિત પોતાની બેટિંગનો જલવો બતાવતો જોવા મળશે.
સુરેન્દ્રનગરના સામાન્ય પરિવારમાંથી આવે છે મોહિત
જયદેવ શાહે મોહિતની પ્રશંસા કરતા કહ્યું કે, તેણે મેદાન પર જે જુસ્સો અને સંઘર્ષ બતાવ્યો તે ખરેખર અદભુત હતો. મોહિત સુરેન્દ્રનગરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલ રાજકોટમાં રહીને ક્રિકેટની તાલીમ મેળવી રહ્યો છે. SCA હંમેશા યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહે છે અને મોહિત સિનિયર ટીમ માટે ખૂબ જ ઉપયોગી ખેલાડી સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી પાકિસ્તાન પાસેથી છીનવી હતી જીત
ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે ઓમાનના મસ્કત ખાતે રમાયેલી અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાની સમર્થકોની ભારે ભીડ વચ્ચે મોહિત ઉલવાએ અદભુત ધીરજ બતાવી હતી. મોહિત ઉલવાએ 26 બોલમાં 49 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. તેણે પોતાની આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ભારે દબાણની સ્થિતિમાં તેણે ઇનિંગ્સના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને 1 વિકેટથી ઐતિહાસિક જીત અપાવી હતી, જેની ઉજવણી સમગ્ર દેશ અને ગુજરાતમાં કરવામાં આવી હતી.




