2 ડિસેમ્બરથી અમદાવાદથી વિયેતનામના ફૂ ક્વોકની સીધી ફ્લાઇટ શરૂ થશે, જાણો ભાડું અને ટાઇમટેબલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad to Phu Quoc Direct Flight: અમદાવાદના પ્રવાસીઓ માટે વિયેતનામ જવું હવે વધુ સરળ બનશે. વિયેતનામની સન ફૂ ક્વોક એરવેઝ (SPA) દ્વારા 2 ડિસેમ્બર, 2026થી અમદાવાદ અને વિયેતનામના પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફૂ ક્વોક (પર્લ આઇલેન્ડ) વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં આ એરલાઇનનો પ્રથમ રૂટ છે. શરૂઆતમાં અઠવાડિયામાં 5 દિવસ આ ફ્લાઇટ ઓપરેટ થશે, જેના કારણે ગુજરાતના પ્રવાસીઓને કનેક્ટિંગ ફ્લાઇટ કે સ્ટોપઓવરની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ફ્લાઇટનું ટાઇમટેબલ અને ભાડાની વિગત
આ રૂટ પર 'ફુલ-સર્વિસ' સુવિધા સાથે એરબસ A321neo વિમાન ઉડાન ભરશે. ફ્લાઇટનું ટુ-વે ભાડું 30,000 રૂપિયાથી શરૂ થશે, જેમાં ભોજન, 23 કિલો ચેક-ઇન બેગેજ અને 7 કિલો કેબિન બેગેજનો સમાવેશ થાય છે. ફૂ ક્વોકથી આ ફ્લાઇટ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે. ફેબ્રુઆરી 2027ની શરૂઆતથી આ સેવા અઠવાડિયાના સાતેય દિવસ શરૂ કરી દેવામાં આવશે.
- ફ્લાઇટ 9G315 (ફૂ ક્વોક - અમદાવાદ): સાંજે 7:35 વાગ્યે ઉપડશે અને સ્થાનિક સમય મુજબ રાત્રે 11:30 વાગ્યે અમદાવાદ ઍરપૉર્ટ પર ઉતરશે.
- ફ્લાઇટ 9G314 (અમદાવાદ - ફૂ ક્વોક): રાત્રે 1:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને સવારે 7:15 વાગ્યે ફૂ ક્વોક પહોંચશે. વહેલી સવારે લેન્ડિંગ થવાથી પ્રવાસીઓ પ્રથમ દિવસથી જ રજાઓની મજા માણી શકશે.
ટિકિટ બુકિંગ પર 20 ટકા ડિસ્કાઉન્ટ અને ખાસ ભારતીય મેનુ
16 ઑક્ટોબરથી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન એરલાઇનની વેબસાઇટ અથવા મોબાઇલ એપ પરથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને 31 માર્ચ, 2027 સુધીની મુસાફરી માટે બેઝ ફેર પર વધારાનું 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ફ્લાઇટમાં ભારતીય મુસાફરોની સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને ખાસ ભોજન અને પીણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે.
પ્રવાસન અને બિઝનેસ કનેક્ટિવિટીને વેગ મળશે
મળતી માહિતી મુજબ, વર્ષ 2025માં સીધી ફ્લાઇટ ન હોવા છતાં ફૂ ક્વોકમાં અંદાજે 1,50,000 ભારતીય પ્રવાસીઓ ગયા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં 328 ટકાનો વધારો દર્શાવે છે. સમગ્ર વિયેતનામમાં ભારતમાંથી 7,46,000 પ્રવાસીઓ ગયા હતા. આ ઉપરાંત ભારતના પ્રવાસન મંત્રાલય મુજબ 2024માં 54,091 વિયેતનામી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. સીધી ફ્લાઇટથી ફૂ ક્વોક ઉપરાંત હનોઈ, હો ચી મિન્હ સિટી, દા નાંગ, ન્હા ત્રાંગ, વાન ડોન અને હાઈ ફોંગ જેવા શહેરોની કનેક્ટિવિટી પણ સરળ બનશે. એરલાઇન 2027ના પ્રથમ ક્વાર્ટરમાં દિલ્હી અને મુંબઈથી પણ ફ્લાઇટ શરૂ કરવાની યોજના ધરાવે છે.
સન ફૂ ક્વોક એરવેઝના સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું કે, 'અમારી અમદાવાદ-ફૂ ક્વોક સેવાની શરૂઆત ભારત અને વિયેતનામ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટીમાં એક મહત્ત્વપૂર્ણ કડી છે. સીધી ફ્લાઇટ સેવાથી બંને સ્થળો એકબીજાની વધુ નજીક આવશે અને મુસાફરોને પ્રવાસનુ આયોજન કરવામાં સરળતા રહેશે.'




