4 ઓવરમાં 8 વિકેટ! 45 રનમાં તો ટીમ ઑલ આઉટ: 22 વર્ષના ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ, ક્રિકેટ જગત ચકિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhutan Sonam Yeshey Create World Record : ભૂતાનના ડાબા હાથના સ્પિનર સોનમ યેશે T20 ક્રિકેટમાં 8 લેનાર દુનિયાનો પહેલા બોલર બન્યો છે. ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં રમાયેલી મ્યાનમાર સામે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 22 વર્ષીય ખેલાડી યેશે 4 ઓવરમાં 8 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભૂતાનના 127/9ના ટાર્ગેટ સામે મ્યાનમારની ટીમને માત્ર 45 રને ઑલ આઉટ કરી દેતા ક્રિકેટ જગત ચકિત થઈ ગયું હતું.
22 વર્ષના ખેલાડીએ 4 ઓવરમાં 8 વિકેટ લીધી
ભૂતાન અને મ્યાનમાર વચ્ચેની મેચમાં 22 વર્ષીય યેશે T20 ઇતિહાસમાં 8 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બનીને રેકોર્ડ બનાવ્યો છે. જેમાં યેશેને ઇનિંગની ત્રીજી ઓવરમાં બોલિંગ માટે બોલાવવામાં આવ્યો અને પહેલા જ બોલે ફ્યો વાઈને ક્લીન બોલિંગ કરીને શાનદાર શરૂઆત કરી હતી. આ જ ઓવરમાં તેણે કેકે લિન થુ અને લિન આંગને કોઈ રન આપ્યા વિના આઉટ કર્યા હતા. જ્યારે બીજી ઓવરમાં યેશે ખિન આયને આઉટ કર્યો હતો. યેશેએ ત્રીજી ઓવરમાં વધુ બે વિકેટ લીધી, જ્યારે અંતિમ ઓવરમાં બે વિકેટ લઈને આઠ વિકેટનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો.
અગાઉ કોના નામે હતો રેકોર્ડ
આ પહેલા પુરુષ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર બે બોલર્સે 7 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં સ્યાઝરૂલ ઈદ્રુસે વર્ષ 2023માં મલેશિયા માટે ચીન સામે 7/8 અને અલી દાઉદે વર્ષ 2025માં બહરીન માટે ભૂતાન સામે 7/19થી વિકેટ લીધી હતી.
મહિલા બોલર્સનો રેકોર્ડ
જ્યારે મહિલા T20 આંતરરાષ્ટ્રીય અને કુલ T20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલર્સનો આંકડો 7/0નો છે, જે વર્ષ 2024માં ઈન્ડોનેશિયાની રોહમાલિયાએ મંગોલિયા સામે મેળવ્યો હતો. મહિલા T20Iમાં ચાર અન્ય બોલર્સે પણ 7 વિકેટ લીધી છે. જેમાં ફ્રેડરિક ઓવરડાઇક (નેધરલેન્ડ્સ, ફ્રાન્સ સામે 7/3), એલિસન સ્ટોક્સ (આર્જેન્ટિના, પેરુ સામે 7/3) અને સમંતી ડુનુકેદેનિયા (સાયપ્રસ, ચેક રિપબ્લિક સામે 7/15).
યેશે વર્ષ 2022માં કર્યું હતું ડેબ્યુ
સોનમ યેશેએ આ તમામને પાછળ છોડી દીધા છે અને 8 વિકેટ લઈને નવો ઈતિહાસ રચ્યો છે. તેણે જુલાઈ 2022માં મલેશિયા સામે T20I ડેબ્યુ કર્યુ હતું અને તે મેચમાં 3/16નો આંકડો બનાવ્યો હતો. અત્યારસુધીમાં યેશેએ તેના કરિયરમાં 34 T20I મેચમાં 37 વિકેટ લીધી છે.









