ક્રિસમસ પહેલા BCCIની ખેલાડીઓને મોટી ગિફ્ટ, મહિલા ક્રિકેટર્સની મેચ ફીસમાં અઢી ગણો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI Increases Domestic Match Fees For Women Cricketers: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાલમાં વનડે વર્લ્ડકપ 2025નો ખિતાબ જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વખત આ ટ્રોફીને પોતાના નામે કરવામાં સફળ રહી હતી. આ જીતનો જશ્ન દરેક ભારતીયોયે મનાવ્યો હતો. હવે BCCIએ દેશભરની મહિલા ક્રિકેટરોને ક્રિસમસ પહેલા મોટી ગિફ્ટ આપી છે. BCCIએ તાજેતરની પોતાની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ડોમેસ્ટિક મહિલા ક્રિકેટર્સની મેચ ફીસમાં મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાને મહિલા ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ અને સકારાત્મક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.
આ પ્રસ્તાવ સોમવાર, 22 ડિસેમ્બરના રોજ યોજાયેલી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ નવા નિર્ણય હેઠળ મહિલા ઘરેલુ ખેલાડીઓ હવે પહેલા કરતા 2.5 ગણી વધુ કમાણી કરશે. આનાથી ક્રિકેટને વ્યાવસાયિક કારકિર્દી તરીકે અપનાવવાની આર્થિક મજબૂતી પણ વધશે. આ અગાઉ સીનિયર મહિલા ખેલાડીઓને પ્રતિ દિવસ 20,000 મેચ ફી મળતી હતી, જે હવે વધારીને 50,000 પ્રતિ દિવસ કરી દેવામાં આવી છે. આ દર પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓ પર લાગુ થશે.
રિઝર્વ ખેલાડીઓને પણ મળશે લાભ
જોકે, આ નવા માળખાનો લાભ માત્ર પ્લેઈંગ ઈલેવન સુધી મર્યાદિત નથી. ટીમમાં રિઝર્વ તરીકે પસંદ કરાયેલા ખેલાડીઓની મેચ ફીમાં પણ બંપર વધારો કરવામાં આવ્યો છે. સીનિયર રિઝર્વ ખેલાડીઓની પ્રતિ દિવસ ફીસ 10,000 થી વધારીને 25,000 કરી દેવામાં આવી છે, જેનાથી આખી ટીમને સારી આર્થિક સુરક્ષા મળશે.
BCCIનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે મહિલા ક્રિકેટ ઝડપથી લોકપ્રિય અને માળખાકીય રીતે મજબૂત બની રહી છે. જય શાહના કાર્યકાળ દરમિયાન બોર્ડે મહિલા ક્રિકેટને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા હતા. આ પ્રયાસોની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેખાઈ, ICCમાં પણ આવી જ ગતિ જોવા મળી, જ્યાં હાલમાં જય શાહ અધ્યક્ષ છે.
મિથુન મન્હાસ BCCIના અધ્યક્ષ બન્યા બાદ પણ બોર્ડનું ફોકસ મહિલા ક્રિકેટના વિકાસ પર બની રહ્યું છે. તાજેતરના પગારમાં સુધારો દેશમાં મહિલા ક્રિકેટરો માટે એક મજબૂત અને ટકાઉ પારિસ્થિતિક તંત્ર બનાવવા માટે બોર્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મહિલા ઘરેલુ ક્રિકેટરો માટે BCCIનું નવું પગાર માળખું
વર્તમાન પગાર માળખું (પહેલાનું)
સીનિયર મહિલા ટૂર્નામેન્ટ
- પ્લેઈંગ ઈલેવન- 20,000 પ્રતિ દિવસ
- રિઝર્વ ખેલાડી- 10, 000 પ્રતિ દિવસ
જુનિયર મહિલા ટૂર્નામેન્ટ
- પ્લેઈંગ ઈલેવન- 10,000 પ્રતિ દિવસ
- રિઝર્વ ખેલાડી- 5, 000 પ્રતિ દિવસ
પગાર વધારાનું નવું માળખું
સીનિયર મહિલા ટૂર્નામેન્ટ
- પ્લેઈંગ ઈલેવન- 50,000 પ્રતિ દિવસ
- રિઝર્વ ખેલાડી- 25, 000 પ્રતિ દિવસ
જુનિયર મહિલા ટૂર્નામેન્ટ
- પ્લેઈંગ ઈલેવન- 25,000 પ્રતિ દિવસ
- રિઝર્વ ખેલાડી- 12,500 પ્રતિ દિવસ
T20 મેચ માટે
સીનિયર મહિલા ટૂર્નામેન્ટ
- પ્લેઈંગ ઈલેવન- 25,000 પ્રતિ દિવસ
- રિઝર્વ ખેલાડી- 12,500 પ્રતિ દિવસ
જુનિયર મહિલા ટૂર્નામેન્ટ
- પ્લેઈંગ ઈલેવન- 12,500 પ્રતિ દિવસ
- રિઝર્વ ખેલાડી- 6,250 પ્રતિ દિવસ
આ પણ વાંચો: ગિલને બદલે આ સ્ટાર ખેલાડી બનશે કેપ્ટન? ટી20 બાદ હવે વનડે વર્લ્ડકપ મુદ્દે અટકળો તેજ
મહિલા ક્રિકેટરોની મેચ ફીસમાં છેલ્લે 2021માં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે સીનિયર ખેલાડીઓની ફીસ 12,500થી વધારીને 20,000 કરવામાં આવી હતી. હાલનો વધારો ત્યાર બાદનો સૌથી મોટો વધારો છે.








