Get The App

ટીમ ઇન્ડિયામાં નવા કોચની આગમન: સચિન-ગાંગુલી સાથે રમી ચૂકેલા ખેલાડીની એન્ટ્રી

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ટીમ ઇન્ડિયામાં નવા કોચની આગમન: સચિન-ગાંગુલી સાથે રમી ચૂકેલા ખેલાડીની એન્ટ્રી 1 - image

New Indian Cricket Team Spin Bowling Coach: અફઘાનિસ્તાન સામે 6 Juneથી શરૂ થઈ રહેલી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મંગળવારે સત્તાવાર જાહેરાત કરીને પૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલેને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

સચિન અને ગાંગુલી સાથે રમવાનો અનુભવ

53 વર્ષીય સાઈરાજ બહુતુલે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં જન્મેલા સાઈરાજે 1997 થી 2003 દરમિયાન ભારત માટે 2 ટેસ્ટ અને 8 વન-ડે મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે તેમણે માત્ર 10 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેમનો અનુભવ ઘણો વિશાળ છે. તેમણે 188 ફર્સ્ટ-ક્લાસ મેચ, 143 લિસ્ટ-A મેચ અને 12 ઘરેલુ T20 મેચ રમી છે.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 630 વિકેટનો દબદબો

BCCI એ પોતાના સત્તાવાર નિવેદનમાં સાઈરાજ બહુતુલેના અનુભવની પ્રશંસા કરતા જણાવ્યું છે કે: "સાઈરાજ બહુતુલેને ભારતીય ક્રિકેટ ટીમના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરતા અમને આનંદ થાય છે. ખેલાડી અને કોચ બંને તરીકે તેમની પાસે બહોળો અનુભવ છે. લગભગ બે દાયકાની શાનદાર ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં તેમણે 6,176 રન બનાવ્યા છે અને 630 વિકેટ ઝડપી છે, જેના કારણે તેઓ ઘરેલુ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણાય છે."

અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના પણ કોચ રહ્યા છે

ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા બાદ સાઈરાજે કોચિંગની દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી છે. તેઓ ઘરેલુ ક્રિકેટમાં વિદર્હ, કેરળ, ગુજરાત અને બંગાળ જેવી મોટી ટીમોના મુખ્ય કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો: VIDEO: IPL બાદ વિરાટ-અનુષ્કા ભક્તિમાં ડૂબ્યાં, ઉઘાડા પગે ચાલી પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ

આ ઉપરાંત આઈપીએલમાં તેઓ રાજસ્થાન રોયલ્સ અને તાજેતરમાં IPL 2026માં પંજાબ કિંગ્સના સ્પિન બોલિંગ કોચ તરીકે કાર્યરત હતા. તેઓ 2022માં ચેમ્પિયન બનેલી ભારતની ICC અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ ટીમના બોલિંગ કોચ હતા અને 2024ની એડિશનમાં પણ સપોર્ટ સ્ટાફનો હિસ્સો હતા. વર્ષ 2021થી 2024 દરમિયાન તેઓ BCCIની નેશનલ ક્રિકેટ એકેડમીના કોચિંગ સેટઅપના મહત્ત્વના સભ્ય રહ્યા હતા.

આ પણ વાંચો: ‘ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો!’ – સુનિલ ગાવસ્કર આયોજકો પર ભડક્યા, જાણો શું છે વિવાદ

જવાબદારી મળ્યા બાદ સાઈરાજે શું કહ્યું?

ભારતીય ટીમમાં સ્પિન કોચની મહત્ત્વની જવાબદારી મળ્યા બાદ સાઈરાજ બહુતુલેએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિન બોલિંગ કોચ બનવું મારા માટે ખૂબ મોટું સન્માન છે. એક ખેલાડી તરીકે ભારતની જર્સી પહેરવી હંમેશા ગર્વની વાત હતી અને હવે કોચ તરીકે ભારતીય ક્રિકેટમાં ફરી યોગદાન આપવાની તક મળવી મારા માટે અત્યંત ખાસ છે. હું ટીમના ખેલાડીઓ સાથે કામ કરવા અને તમામ ફોર્મેટમાં ટીમને સફળતા અપાવવા માટે ઉત્સુક છું."