Sports

Explainer: મુંબઈના ‘વિવિયન રિચર્ડ્સ’નો કરુણ અંત, જાણો તેંદુલકર-કાંબલી યુગના એક ‘મહાન’ ક્રિકેટરનું પતન કેવી રીતે થયું!

By GS Team
2 Apr 20264 mins read
TukuTouch Logo
અનિલ ગુરવનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. સચિન તેંદુલકર અને વિનોદ કાંબલી સહિત અનેક ક્રિકેટરોના પ્રખ્યાત કોચ રમાકાંત આચરેકરે જ તેમની પ્રતિભા નિખારી હતી. અનિલ ગુરવ એટલી પરફેક્ટ બેટિંગ કરતા હતા કે, તે સમયના યુવા ક્રિકેટરો માટે તે જીવતી જાગતી પ્રેરણા સમાન હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: મુંબઈના ‘વિવિયન રિચર્ડ્સ’નો કરુણ અંત, જાણો તેંદુલકર-કાંબલી યુગના એક ‘મહાન’ ક્રિકેટરનું પતન કેવી રીતે થયું!

Anil Gurav Obituary: મુંબઈ જ નહીં, દેશભરની ક્રિકેટ દુનિયામાં એક નામની બોલબાલા હતી, અનિલ ગુરવ. આજે આ નામ એક કરુણ યાદ બનીને રહી ગયું છે. 31 માર્ચ, 2026ના રોજ 61 વર્ષની વયે અનિલ ગુરવનું નાલાસોપારામાં અવસાન થયું. એક સમય હતો જ્યારે લોકો તેને ‘મુંબઈનો વિવિયન રિચાર્ડ્સ’ કહીને સંબોધતા, પરંતુ અંતે એ જ ખેલાડી ગુમનામીમાં ધકેલાઈ ગયો અને સંઘર્ષમાં જીવતા-જીવતા જ દુનિયાને અલવિદા કહી ગયો. 

ચાલો જાણીએ એક સમયે ‘ભવિષ્યનો ગાવસ્કર’ અને ‘સચિન પહેલાનો સ્ટાર’ કહેવાયેલા અનિલ ગુરવની કરુણ કહાની...



પ્રખ્યાત કોચ દ્વારા તરાશાયેલો હીરો 

અનિલ ગુરવનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. સચિન તેંદુલકર અને વિનોદ કાંબલી સહિત અનેક ક્રિકેટરોના પ્રખ્યાત કોચ રમાકાંત આચરેકરે જ તેમની પ્રતિભા નિખારી હતી. અનિલ ગુરવ એટલી પરફેક્ટ બેટિંગ કરતા હતા કે, તે સમયના યુવા ક્રિકેટરો માટે તે જીવતી જાગતી પ્રેરણા સમાન હતા. આચરેકર ખુદ બીજા ખેલાડીઓને અનુલ ગુરવની બેટિંગ જોવાનું કહેતા. તેંદુલકર-કાંબલી જેવા ખેલાડીઓ પણ તેમને જોઈને ટેક્નિક શીખતા હતા. 

સ્ટમ્પ પર સિક્કો મૂકાવાનું સન્માન મેળવ્યું 

પ્રખ્યાત કોચ રમાકાંત આચરેકર નેટ પ્રેક્ટિસ વખતે કોઈ બેટ્સમેનથી પ્રભાવિત થાય, ત્યારે તેના સ્ટમ્પ પર સિક્કો મૂકીને તેને એક ચેલેન્જ આપતા કે, આખું સેશન આઉટ થયા વગર રમી બતાવો! જો બેટ્સમેન નોટઆઉટ રહે, તો સિક્કો તેનું ઈનામ બની જતો, નહીં તો તેને આઉટ કરનારા બોલરને મળતો. 

આ પરંપરા પ્રતિભાની કસોટી અને આત્મવિશ્વાસ બંનેનું પ્રતીક હતી. આ રીતે મૂકાયેલા અનેક સિક્કા તેંદુલકરે જીત્યા હતા. તેંદુલકર અગાઉ આ સન્માન અનિલ ગુરવને મળતું હતું. તેઓ આચરેકર સાહેબના સૌથી પ્રિય શિષ્યોમાંના એક હતા.

‘મુંબઈનો વિવિયન રિચાર્ડ્સ’ કેમ કહેવાયા?

અનિલ ગુરવને ‘મુંબઈનો વિવિયન રિચાર્ડ્સ’ ઉપનામ અમસ્તું જ નહોતું મળ્યું. તેમની બેટિંગ શૈલી એટલી જબરદસ્ત હતી કે, આ ઉપનામ તેની પ્રતિભા સાથે જોડાઈ ગયું. ક્રીઝ પર ઉતરતી વખતે એનામાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળતો. સ્ક્વેર કટ, હૂક અને લેગ સાઇડના તેના શોટ્સમાં એટલી શક્તિ અને ચોકસાઈ હતી કે દર્શકો તાળી પાડવા મજબૂર થઈ જતા. તેની રમત જોનારા ઘણાં લોકો માનતા કે અનિલ ભવિષ્યનો સુનિલ ગાવસ્કર બનશે, એ નક્કી છે. 

સચિન સાથેનું અનોખું જોડાણ

અનિલ ગુરવના જીવનમાં સૌથી રસપ્રદ અને ચર્ચિત કિસ્સામાંનો એક, તેમનું સચિન તેંદુલકર સાથેનું જોડાણ છે. શારદાશ્રમ વિદ્યામંદિરમાં ક્રિકેટની તાલીમ લેતાં ત્યારે અનિલ ગુરવ સચિનના સીનિયર હતા. કહેવાય છે કે અનિલ ગુરવે આપેલા બેટથી જ સચિને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી હતી. તેંદુલકરે અનિલ ગુરવ પાસેથી કટ અને હુક શોટની ટિપ્સ પણ લીધી હતી.

મોટી ઇનિંગ્સ ન રમવાની નબળાઈ નડી ગઈ 

પ્રતિભાશાળી હોવા છતાં અનિલ ગુરવની કારકિર્દી આગળ વધી શકી નહીં. તેઓ અન્ડર 16 કે 19 સુધી રમ્યા, પરંતુ ત્યાર પછી આગળ ના વધી શક્યા. મહત્ત્વના સમયે મોટી ઇનિંગ્સ નહીં રમી શકવાના કારણે પણ તેઓ કારકિર્દીમાં આગળ વધી ના શક્યા અને પસંદગીકારોની નજરે ના ચઢ્યા. એક મહત્ત્વપૂર્ણ મેચમાં 84 રને આઉટ થઈ ગયા, ત્યારે પણ તેઓ રણજી ટ્રોફી માટે પસંદ થતા રહી ગયા હતા. એ ઘટના પછી અનિલ ગુરવ ક્યારેય ફરી લય મેળવી ના શક્યા. 

બીજી તરફ ગેંગસ્ટર ભાઈનો ભાર નડી ગયો

આ જ સમયગાળામાં અનિલ ગુરવની સફળતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ બન્યો, નાનો ભાઈ અજિત ગુરવ. તે એક કુખ્યાત ગેંગ માટે કામ કરતો હતો. તેની ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે પોલીસે અનિલ ગુરવ અને તેની માતા સુમિત્રાનો પીછો શરૂ કર્યો. અજિત ગુરવના ગુના બદલ પોલીસ ઘણી વાર અનિલ ગુરવને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જતી અને તેને માર મારતી. આ કારણસર અનિલ ગુરવ સતત દબાણ અને ભય અનુભવતા. એ સ્થિતિમાં તેમના માટે મેદાન પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનતું ગયું અને ધીમેધીમે તેમનું ક્રિકેટ સાથેનું જોડાણ નબળું પડતું ગયું.

દારૂની લતે પતનની દિશામાં ધકેલી દીધો 

આ સ્થિતિમાં હતાશ થઈ ગયા. તેમણે પોલીસના સતત ત્રાસ અને કારકિર્દીમાં આવેલી નિરાશાને કારણે દારૂનો સહારો લીધો. ક્રિકેટ છૂટી ગયું અને મેદાન પર પૂરબહાર ખીલતી જુવાની નાલાસોપારાના એક 200 ચોરસ ફૂટના નાનકડા રૂમમાં કેદ થઈ ગઈ. એક સમયનો તેજસ્વી ખેલાડી હવે નશામાં ડૂબી ગયો, જેના માટે રમત અને સપના બંને દૂર થઈ ગયા. આચરેકર સાહેબે એકવાર તેમને નશામાં જોઈને કહ્યું હતું, ‘મેં તને ક્રિકેટ રમવાનું શીખવ્યું હતું, દારૂ પીવાનું નહીં. તેં તારી જિંદગી કેવી બનાવી નાંખી છે!’ 

મેદાન પર પરફેક્ટ શોટની પસંદગી કરનારો અનિલ મેદાનની બહાર બધી જ ખોટી પસંદગી કરી બેઠો, જે તેની બરબાદીનું કારણ બની.

ગુમનામીમાં જીવેલા અંતિમ દિવસો

જીવનના અંતિમ વર્ષોમાં અનિલ નાલાસોપારાના નાનકડા અને જર્જરિત ઘરમાં રહેતો હતો. સંપત્તિમાં તેની પાસે ભૂતકાળની સુમધુર યાદો, જૂના સમાચારના કટિંગ્સ અને સર્ટિફિકેટ્સ સિવાય બીજું કંઈ ખાસ નહોતું. પાડોશીઓ માટે તે માત્ર એક દારૂડિયો હતો. પછી તો કોઈને તેની અંદર છુપાયેલા ક્રિકેટરની લેશમાત્ર કદર પણ ના રહી. 

અનિલ ગુરવનું જીવન શું શીખવે છે? 

અનિલ ગુરવનું જીવન આપણને એ શીખવે છે કે ફક્ત પ્રતિભાવાન હોવું પૂરતું નથી. જીવનમાં યોગ્ય નિર્ણયો, મજબૂત સ્થિતિ અને સારી સંગતનું પણ મહત્ત્વ હોય છે. તેમની પાસે પણ પ્રતિભા, તક અને ઓળખ- એ બધું જ હતું. પરંતુ વિપરિત સંજોગોમાંથી બહાર નીકળવાના બદલે હાર માની લેવાના કારણે તેમની કારકિર્દી આગળ ના વધી. તેની સામે સચિન તેંદુલકરની સફર દર્શાવે છે કે યોગ્ય દિશા અને સંયમ સાથે પ્રતિભા કેવી રીતે શિખર સુધી પહોંચી શકે છે.