Sports

149 વર્ષના ઈતિહાસના ઓલ ટાઈમ ટોપ-10 સ્પિનર, અશ્વિનને સ્થાન પણ કુંબલે-હરભજન OUT

By GS Team
1 Nov 20264 mins read
TukuTouch Logo
ICCની સર્વકાલીન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતના રવિચંદ્રન અશ્વિન 904 પોઈન્ટ સાથે પાંચમા અને રવીન્દ્ર જાડેજા 899 પોઈન્ટ સાથે નવમા ક્રમે છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન 920 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે ઈંગ્લેન્ડના ટોની લોક અને ડેરેક અંડરવુડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં અનિલ કુંબલે અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ભારતીય સ્પિનરો સ્થાન મેળવી શક્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

149 વર્ષના ઈતિહાસના ઓલ ટાઈમ ટોપ-10 સ્પિનર, અશ્વિનને સ્થાન પણ કુંબલે-હરભજન OUT

ICC All Time Test Bowling Rankings : ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં અનેક દિગ્ગજ સ્પિનરોએ પોતાની બોલિંગથી અલગ ઓળખ બનાવી છે. જોકે, ICCની સર્વકાલીન ટેસ્ટ રેટિંગમાં સ્થાન મેળવવું દરેક બોલર માટે શક્ય બન્યું નથી. ICCની રેટિંગ સિસ્ટમમાં 1,000 પોઇન્ટનો આંકડો સર્વોચ્ચ માપદંડ માનવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગની વાત આવે ત્યારે સર ડોન બ્રેડમેન જ આ આંકડો પાર કરી શક્યા હતા. બીજી તરફ, સ્પિન બોલિંગમાં પણ ગણતરીના બોલરો જ 900 કે તેથી વધુ રેટિંગ પોઇન્ટ સુધી પહોંચી શક્યા છે.

ICCની સર્વકાલીન શ્રેષ્ઠ ટેસ્ટ બોલરોની રેટિંગમાં ભારતના બે સ્પિનર ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. રવિચંદ્રન અશ્વિન પાંચમા અને રવીન્દ્ર જાડેજા નવમા સ્થાને છે. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ચોથા ક્રમે રહેલા અનિલ કુંબલે અને હરભજન સિંહ આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. જાણો ICCની સર્વકાલીન રેટિંગના આધારે ટોપ-10 સ્પિનર કોણ છે.

  1. મુથૈયા મુરલીધરન – 920 પોઇન્ટ

શ્રીલંકાના મુથૈયા મુરલીધરન 920 રેટિંગ પોઇન્ટ સાથે યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. તેમણે 22.72ની સરેરાશથી કારકિર્દી પૂરી કરી હતી. 22 વખત એક ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેઓ 1,711 દિવસ સુધી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર રહ્યા હતા.

  1. ટોની લોક – 912 પોઇન્ટ

ઇંગ્લેન્ડના ડાબોડી સ્પિનર ટોની લોકે 912 રેટિંગ પોઇન્ટ મેળવ્યા હતા. તેમણે 49 ટેસ્ટમાં 25.58ની સરેરાશથી 174 વિકેટ ઝડપી હતી. 1950ના દાયકામાં ઇંગ્લેન્ડના સફળ સ્પિનરોમાં તેમનું નામ સામેલ હતું. જિમ લેકર સાથે મળીને તેમણે ઇંગ્લેન્ડની ખતરનાક સ્પિન જોડી બનાવી હતી.

  1. ડેરેક અંડરવુડ – 907 પોઇન્ટ

ઇંગ્લેન્ડના ડાબોડી સ્પિનર ડેરેક અંડરવુડ 907 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેમણે 86 ટેસ્ટમાં 25.83ની સરેરાશથી 297 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના કોઈપણ સ્પિનર કરતાં તેમની વિકેટની સંખ્યા સૌથી વધુ છે. તેમણે 17 વખત પાંચ વિકેટ અને છ વખત એક મેચમાં 10 વિકેટ ઝડપી હતી.

  1. શેન વોર્ન – 905 પોઇન્ટ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન 905 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. તેમણે 145 ટેસ્ટમાં 708 વિકેટ ઝડપી હતી. તેમના નામે 37 વખત પાંચ વિકેટ અને 10 વખત એક મેચમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં તેઓ બીજા ક્રમે છે.

  1. રવિચંદ્રન અશ્વિન – 904 પોઇન્ટ

ભારતના રવિચંદ્રન અશ્વિન 904 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે. તેમણે ટેસ્ટ કારકિર્દીમાં 537 વિકેટ ઝડપી હતી, જેમાંથી 383 વિકેટ ઘરઆંગણે લીધી હતી. અશ્વિને 32 વખત પાંચ વિકેટ અને આઠ વખત એક મેચમાં 10 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજા સાથે મળીને તેમણે ભારતીય ટેસ્ટ ટીમ માટે અસરકારક સ્પિન જોડી બનાવી હતી.

  1. ક્લેરી ગ્રિમેટ – 901 પોઇન્ટ

ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટ 901 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. તેમણે 1925માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પ્રથમ જ મેચમાં 11 વિકેટ ઝડપી હતી. માત્ર 36 ટેસ્ટમાં 200 વિકેટ પૂરી કરનાર તેઓ સૌથી ઝડપી બોલર બન્યા હતા. 1935-36માં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ ટેસ્ટની શ્રેણીમાં તેમણે 14.59ની સરેરાશથી 44 વિકેટ ઝડપી હતી.

  1. બિલ જૉન્સ્ટન – 900 પોઇન્ટ

ઓસ્ટ્રેલિયાના બિલ જૉન્સ્ટન 900 પોઇન્ટ સાથે સાતમા સ્થાને છે. તેમણે 40 ટેસ્ટમાં 23.91ની સરેરાશથી 160 વિકેટ લીધી હતી. તેઓ ઝડપી બોલિંગ અને ઓફ સ્પિન બંને કરી શકતા હતા. 1948ની એશિઝ શ્રેણીમાં તેમણે 15.33ની સરેરાશથી 27 વિકેટ ઝડપી હતી.

  1. બિલ ઓ'રેલી – 900 પોઇન્ટ

ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર બિલ ઓ'રેલી પણ 900 પોઇન્ટ સુધી પહોંચ્યા હતા. તેમણે 27 ટેસ્ટમાં 22.59ની સરેરાશથી 144 વિકેટ ઝડપી હતી. તેમની લેગ સ્પિનમાં ટર્ન અને ચોકસાઈનું અનોખું સંયોજન હતું. ડોન બ્રેડમેન તેમને પોતાના સમયના શ્રેષ્ઠ બોલરોમાંના એક માનતા હતા.

  1. રવીન્દ્ર જાડેજા – 899 પોઇન્ટ

ભારતના રવીન્દ્ર જાડેજા 899 પોઇન્ટ સાથે નવમા સ્થાને છે. આ યાદીમાં તેઓ એકમાત્ર સક્રિય સ્પિનર છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 330 વિકેટ ઝડપી છે અને 15 વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. ડાબોડી સ્પિન ઉપરાંત તેમની શાનદાર ફિલ્ડિંગ અને ઉપયોગી બેટિંગે પણ ભારતીય ટીમમાં તેમનું મહત્ત્વ વધાર્યું છે.

  1. જિમ લેકર – 897 પોઇન્ટ

ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકર 897 પોઇન્ટ સાથે દસમા સ્થાને છે. તેમણે 46 ટેસ્ટમાં 21.24ની સરેરાશથી 193 વિકેટ ઝડપી હતી. 1956માં ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં તેમણે કુલ 19 વિકેટ ઝડપી હતી. એક ટેસ્ટ મેચમાં કોઈ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે પ્રથમ ઇનિંગમાં 37 રન આપીને 9 અને બીજી ઇનિંગમાં 53 રન આપીને 10 વિકેટ ઝડપી હતી.