VIDEO| અમદાવાદનું ઇમ્યુનિટી બજાર: રોજ રાત્રે 30થી વધુ ટ્રક-રિક્ષાઓ ભરીને ઠલવાય છે શિંગોડા-ચણી બોર, દિલ્હી ચકલાનું અનોખું માર્કેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Delhi Chakla Shingoda-Chani Bor Market: શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ અમદાવાદના ખાનપાન અને મૌસમી ફળોના બજારમાં રોનક વધી ગઈ છે. શહેરના ઐતિહાસિક દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલું 'ભોઈવાડા' માર્કેટ આ દિવસોમાં મોડી રાત્રે અને વહેલી સવારે એક અનોખા જ રૂપમાં જોવા મળે છે. અમદાવાદ શહેરનું આ એકમાત્ર એવું બજાર છે જ્યાં દરરોજ રાત્રે અને સવારે વિપુલ પ્રમાણમાં શિંગોડા (Water Chestnuts) અને ચણી બોરની આવક થાય છે.
30થી વધુ ટ્રકો ભરીને આવે છે શિંગોડા
ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ રાત્રે 30થી વધુ ટ્રકો ભરીને કાચા શિંગોડા સીધા ભોઈવાડા ખાતે ઠાલવવામાં આવે છે. અહીંથી જ આખા અમદાવાદ શહેરના છૂટક વેપારીઓ અને લારીવાળાઓ સુધી શિંગોડા પહોંચાડવામાં આવે છે. હાલમાં આ માર્કેટમાં કાચા શિંગોડાનો હોલસેલ ભાવ અંદાજે ₹160 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. લારીધારકો તેને લઈ જઈ, બાફીને શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ₹320 પ્રતિ કિલો સુધીના ભાવે વેચે છે.
સવારે માત્ર 2-3 કલાક માટે ભરાય છે ચણી બોરનું બજાર
બીજી તરફ, ખાટા-મીઠા ચણી બોર માટે પણ આ માર્કેટ હબ બન્યું છે. અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ વહેલી સવારે રિક્ષાઓ ભરીને ચણી બોર ભોઈવાડામાં લાવવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી શરૂ કરીને માત્ર બેથી ત્રણ કલાક માટે જ આ હોલસેલ માર્કેટ ધમધમે છે, જ્યાં ચણી બોર હોલસેલમાં અંદાજે ₹60 પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
આયુર્વેદિક અને મેડિકલ દૃષ્ટિએ શિંગોડા-ચણી બોરના ફાયદા
આ મૌસમી ફળો માત્ર સ્વાદ જ નહીં, પરંતુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ઔષધિ સમાન માનવામાં આવે છે.
શિંગોડાના ફાયદા
આયુર્વેદ અનુસાર શિંગોડામાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ અને મિનરલ્સ હોવાથી તે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. શિંગોડાની તાસીર ઠંડી હોવાથી તે શરીરના એસિડિટી અને પિત્તને શાંત કરે છે અને પાચનતંત્ર સુધારે છે. તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર (હાઇ બીપી)ને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
ચણી બોરના ફાયદા
ચણી બોર વિટામિન-સીથી ભરપૂર હોય છે, તે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. જે શિયાળામાં શરદી-ઉધરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલા નેચરલ ફાઈબર પેટ સાફ રાખવામાં અને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. બોરમાં રહેલાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાની તંદુરસ્તી જાળવવામાં અને માનસિક તણાવ ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.




