Sports

પત્નીની ચૂંટણી લડવાની ચેલેન્જ પર મોહમ્મદ શમીનો જવાબ- જેને જ્યાંથી લડવું હોય લડે, ખુલ્લું મેદાન છે

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શમી કે તેના પરિવાર સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ અંગે શમીએ ઉત્તરાખંડના રૂરકીમાં કહ્યું કે, "જેને જ્યાંથી ઇલેક્શન લડવું હોય ત્યાંથી લડે, અમને કોઈ વાંધો નથી, આ ખુલ્લું મેદાન છે." શમીના ભાઈ હસીબ અહેમદે પણ RLD પ્રમુખ જયંત સિંહ સાથે મુલાકાત કરી હતી, જેનાથી શમી પરિવારના રાજકારણમાં પ્રવેશની અટકળો તેજ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્નીની ચૂંટણી લડવાની ચેલેન્જ પર મોહમ્મદ શમીનો જવાબ- જેને જ્યાંથી લડવું હોય લડે, ખુલ્લું મેદાન છે

Mohammed Shami Reacts To Hasin Jahan: રાષ્ટ્રીય લોકદળ (RLD)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી જયંત સિંહ સાથે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની તસવીર વાયરલ થયા બાદ શરૂ થયેલો રાજકીય વિવાદ હવે વધુ ગરમાયો છે. શમીની પત્ની હસીન જહાંએ શમી કે તેના પરિવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી, જે બાબતે હવે ખુદ મોહમ્મદ શમીએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે.

હસીન જહાંના નિવેદન પર મોહમ્મદ શમી શું બોલ્યા?

ઉત્તરાખંડના રૂરકી ખાતે ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર સાથે મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે શમીને હસીન જહાંના ચૂંટણી લડવાના પડકાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું:

"જેને જ્યાંથી ઇલેક્શન લડવું હોય ત્યાંથી લડે, અમને કોઈ વાંધો નથી, આ ખુલ્લું મેદાન છે."

જોકે, આ વાતચીત દરમિયાન પણ શમીએ પોતાની સીધી રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા કે આગામી વિધાનસભા ચૂંટણીમાં અમરોહા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે કોઈ સત્તાવાર ફોડ પાડ્યો નહોતો કે કોઈ ખુલ્લો સંકેત આપ્યો નહોતો.

વિવાદની શરૂઆત અને હસીન જહાંનો આકરો પ્રહાર

ગત સપ્ટેમ્બર મહિનામાં મોહમ્મદ શમીએ રાલોદ પ્રમુખ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી, જેની તસવીરો જયંત સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારથી શમી અમરોહા સીટ પરથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. આ મુલાકાત બાદ હસીન જહાંએ ખુલ્લેઆમ સામે આવીને જાહેરાત કરી હતી કે જો શમી કે તેના પરિવારનો કોઈ પણ સભ્ય ગમે ત્યાંથી ચૂંટણી લડશે, તો તે પણ તેમની સામે જ મેદાનમાં ઉતરશે. હસીન જહાંએ પોતાના ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ્ય શમી અથવા તેના પરિવારના સભ્યોની હાર સુનિશ્ચિત કરવાનો ગણાવ્યો હતો. તાજેતરમાં હસીન જહાંએ વધુ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું:

"શમી કે તેના કોઈ પણ પરિવારજનની મારી સામે ચૂંટણી લડવાની કોઈ હેસિયત જ નથી. મારી જાહેરાત પછી જ ચૂંટણી લડવાની અને ધારાસભ્ય બનવાની પોતાની ઇચ્છા તે ખુલીને વ્યક્ત કરી શકતો નથી. હિંમત હોય તો અમરોહાથી જ મારી સામે ચૂંટણી લડીને બતાવે. અહીંના લોકો તેની અસલિયત સારી રીતે જાણે છે. થોડા દિવસોની ખોટી દોલત અને શોહરતથી ચૂંટણી જીતી શકાતી નથી. ગમે તે ભોગે હું તેની સામે લડીશ અને તેની ડિપોઝિટ પણ જપ્ત થશે."

શમી બાદ ભાઈ હસીબ અહેમદે પણ કરી જયંત સિંહ સાથે મુલાકાત

શમી બાદ હવે તેના મોટા ભાઈ હસીબ અહેમદે પણ દિલ્હી ખાતે રાલોદ સુપ્રીમો ચૌધરી જયંત સિંહ સાથે મુલાકાત કરી છે. સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો સામે આવ્યા બાદ શમી પરિવારના રાજકારણમાં પ્રવેશ અંગેની ચર્ચા વધુ તેજ બની છે. જોકે, હસીબ અહેમદે હાલમાં આ મુલાકાતને સંપૂર્ણ પારિવારિક ગણાવી છે, પરંતુ ભવિષ્યમાં ચૂંટણી લડવાની સંભાવનાઓને સંપૂર્ણપણે નકારી પણ નથી.