એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sawan Barwal: સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.
44 વર્ષ બાદ મેરેથોનમાં દેશ માટે મેડલ
નાગોયામાં ભારતના સાવન બરવાલે એ કરી બતાવ્યું જેની રાહ આખો દેશ છેલ્લા 44 વર્ષથી જોઈ રહ્યો હતો. સાવને શનિવારે વહેલી સવારે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડનો સમય નોંધાવ્યો, જે તેમનો પર્સનલ બેસ્ટ સમય પણ છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતને 1982 પછી પહેલીવાર એશિયન ગેમ્સની મેરેથોનમાં પોડિયમ ફિનિશ મળી છે. આ સાથે જ આ સમય હવે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બની ગયો છે.
જાપાનના ઇચિટાકા યામશિતાએ 2:10:49ના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, જ્યારે સાવન તેમનાથી માત્ર 48 સેકન્ડ પાછળ રહ્યા હતા. ચીનના પેઇયુ ફેંગે 2:12:13ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
રેસની શરૂઆતથી જ સાવનનું શાનદાર પ્રદર્શન
સાવને રેસની શરૂઆતથી જ દમદાર પ્રદર્શન બતાવ્યું હતું. 5 કિમી પર તેઓ 15:28ના સમય સાથે બીજા સ્થાને હતા, પરંતુ 10 કિમી સુધી પહોંચતા-પહોંચતા તેમણે લીડ મેળવી લીધી હતી. 15 કિમી અને 20 કિમી પર પણ તેમનો સમય શાનદાર રહ્યો અને તેઓ સતત આગળ ચાલી રહ્યા હતા. હાફવે એટલે કે 21.1 કિમી પર તેમણે 1:05:54નો સમય કાઢ્યો હતો અને ત્યારે પણ તેઓ સૌથી આગળ હતા.
25 કિમી સુધી સાવનની સરસાઈ યથાવત રહી હતી. જોકે, 30 કિમી પર જાપાનના યામશિતાએ તેમને પકડી લીધા અને સાવન એક સેકન્ડ પાછળ રહીને બીજા સ્થાને આવી ગયા. આ પછી 35 કિમી પર સાવને ફરીથી સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ ૪૦ કિમી પછી યામશિતાએ નિર્ણાયક હુમલો કર્યો જેના કારણે સાવને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
દેશની બહાર એશિયન ગેમ્સમાં પહેલો મેડલ
ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં મેરેથોનનો છેલ્લો મેડલ 1982ના દિલ્હી ગેમ્સમાં જીત્યો હતો. તે પહેલાં 1951માં છોટા સિંહે ગોલ્ડ અને સુરત સિંહ માથુરે બ્રોન્ઝ જીત્યો હતો, જ્યારે 1982માં એચ.કે. સીતારામએ બ્રોન્ઝ મેળવ્યો હતો. આમ, નાગોયામાં સાવનનો સિલ્વર એ ભારતનો એશિયન ગેમ્સમાં દેશની બહાર આવેલો પહેલો મેરેથોન મેડલ છે.
ઉલ્લેખનીય છે કે, સાવને આ વર્ષે જ એપ્રિલમાં રોટરડામ મેરેથોનમાં 2:11:58નો સમય કાઢીને શિવનાથ સિંહનો 48 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. શિવનાથ સિંહે 1978માં 2:12:00નો રેકોર્ડ બનાવ્યો હતો. નાગોયામાં સાવને પોતાના જ તે રેકોર્ડથી વધુ સારો સમય નોંધાવ્યો છે. આ રેસમાં બીજા ભારતીય દોડવીર કાર્તિક કરકેરા 19 દોડવીરોમાં 17મા સ્થાને રહ્યા હતા.




