રોહિત શર્માને કારણે અગરકરનું ટીમ ઇન્ડિયામાં ભવિષ્ય અધ્ધરતાલ! BCCI નો શું છે પ્લાન?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ajit Agarkar vs BCCI: ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર હાલમાં મોટા ધર્મસંકટમાં મુકાયા છે. સપ્ટેમ્બરમાં તેમનો સત્તાવાર કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ તેમનો કોન્ટ્રેક્ટ આગળ વધારવામાં આવશે કે નહીં તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે. હાલના સંજોગોમાં એક તરફ અગરકરનું આત્મસન્માન અને વલણ છે, તો બીજી તરફ બીસીસીઆઈ (BCCI)ની જિદ્દ જોવા મળી રહી છે. આગામી વર્ષે ત્રણ દેશોમાં યોજાનારા 50-50 ઓવરના વર્લ્ડ કપની તૈયારીઓની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વિવાદથી ટીમ ઇન્ડિયાને સંભવિત નુકસાન થવાની ભીતિ છે. બીસીસીઆઈ આજે અગરકર સાથે તેમના કોન્ટ્રેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરશે, જેનાથી આગામી 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે તેઓ પોતાના પદ પર જળવાઈ રહેશે કે નહીં. જોકે બોર્ડ તેમના કાર્યકાળના વિસ્તરણ પક્ષમાં છે, પણ અગરકર તરફથી સકારાત્મક સંકેત મળી રહ્યા નથી.
અજીત અગરકરનું પદ પર બન્યા રહેવું કેમ છે અત્યંત મહત્ત્વપૂર્ણ?
આગામી વર્લ્ડ કપની પ્લાનિંગ જ્યારે ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ટીમ ઇન્ડિયા માટે અજીત અગરકરનું રહેવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો આ સમયે કોઈ નવો ચીફ સિલેક્ટર આવે છે, તો તેના માટે કપ્તાન, ટીમ, હેડ કોચ અને બીસીસીઆઈ સાથે તાલમેલ બેસાડવો અત્યંત મુશ્કેલ બની જશે. આ ઉપરાંત, નવી વ્યક્તિ માટે તાત્કાલિક ધોરણે આખી સિસ્ટમમાં ફિટ થઈને વર્લ્ડ કપની તૈયારીઓ સંભાળવી પણ મોટો પડકાર રહેશે. તેથી નવા સિલેક્ટરના આગમનથી ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર સીધી અસર પડી શકે છે.
રોહિત શર્માને લઈને અગરકર અને બીસીસીઆઈ વચ્ચે ‘કોલ્ડ-વોર’
આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા છે. સિલેક્શન કમિટી અને હેડ કોચ ગૌતમ ગંભીરની વર્લ્ડ કપની પ્લાનિંગમાં રોહિત શર્મા ફિટ બેસતો નથી. આ બંને ઈચ્છે છે કે બાકી રહેલી વન-ડે મેચોમાં રોહિતની જગ્યાએ અન્ય કોઈ યુવા ઓપનરને તક આપવામાં આવે, જેથી તેને યોગ્ય અનુભવ મળી શકે. પરંતુ જ્યારે રોહિત શર્માને આ અંગે જાણ કરવામાં આવી, ત્યારે વિવાદ ઊભો થયો હતો. રોહિતે આ મામલે બીસીસીઆઈના અધિકારીઓ સાથે વાત કરી હતી, જેના પછી બોર્ડ સચિવે રોહિતનો ખુલ્લેઆમ ટેકો આપતા સ્પષ્ટ કર્યું હતું કે રોહિત સારું રમી રહ્યો છે અને જ્યાં સુધી તે સારું પ્રદર્શન કરશે ત્યાં સુધી રમતો રહેશે.’
અજીત અગરકરે પદ છોડવાના આપ્યા સંકેત
બીસીસીઆઈનું રોહિત શર્મા પ્રત્યેનું વલણ અજીત અગરકર સુધી પહોંચી ગયું હતું. આ જ કારણે પૂર્વ ફાસ્ટ બોલરે તાજેતરમાં યોજાયેલી ટીમ રિવ્યુ અને વર્લ્ડ કપ પ્લાનિંગ મીટિંગમાં હાજરી આપી નહોતી, અને તેઓ ઓનલાઈન પણ જોડાયા નહોતા. આ ઘટના બાદ મીડિયા, પૂર્વ ક્રિકેટરો અને ફેન્સ વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અગરકર હવે ચીફ સિલેક્ટર પદ પર રહેશે કે નહીં. રોહિત શર્મા મુદ્દે સિલેક્શન કમિટી એક તરફ અને બીસીસીઆઈ બીજી તરફ છે. હવે અગરકર શું નિર્ણય લે છે, તે આગામી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે.




