Sports

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના 3 ખેલાડીનો દબદબો, બુમરાહની મોટી છલાંગ, 10 ખેલાડીને ફાયદો તો 7ને નુકસાન, જુઓ લિસ્ટ

By GS Team
25 Nov 20265 mins read
TukuTouch Logo
ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો. ન્યુઝીલેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ટોપ-10 બેટ્સમેનોમાં સ્થાન પામ્યા. જસપ્રીત બુમરાહ બોલિંગમાં બીજા સ્થાને પહોંચ્યો, જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર યાદીમાં બીજો ક્રમ જાળવી રાખવામાં સફળ રહ્યો. આ રેન્કિંગમાં કુલ 6 ભારતીય બેટ્સમેનો અને 3 બોલરોના સ્થાનમાં સુધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના 3 ખેલાડીનો દબદબો, બુમરાહની મોટી છલાંગ, 10 ખેલાડીને ફાયદો તો 7ને નુકસાન, જુઓ લિસ્ટ

ICC Men Test Player Rankings : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ખેલાડીઓને ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. બુધવારે (25 નવેમ્બર) જાહેર કરાયેલી ICC પુરુષ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ભારતના ત્રણ બેટ્સમેન ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ બોલિંગ રેન્કિંગમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત રીતે બીજું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ઓલરાઉન્ડર યાદીમાં રવિન્દ્ર જાડેજા પોતાનો બીજો ક્રમ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

ટોપ-10 બેટ્સમેનોમાં ભારતની ત્રિપુટીનો જલવો

ભારતીય બેટ્સમેનોની યાદીમાં ઋષભ પંત હજુ પણ ટોચ પર યથાવત છે. વેલિંગ્ટન ટેસ્ટમાં 128 રનની આકર્ષક ઇનિંગ રમનાર પંત એક સ્થાન આગળ વધીને 744 રેટિંગ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને પણ તેની 98 રનની ઇનિંગનો ફાયદો મળ્યો છે, જેના કારણે તે ત્રણ સ્થાનના સુધારા સાથે 728 પોઈન્ટ્સ મેળવી સાતમા નંબરે આવી ગયો છે. આ ઉપરાંત ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે 85 રનની ઇનિંગના દમ પર પાંચ સ્થાનની છલાંગ લગાવી છે અને તે 713 પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને પહોંચી ગયો છે. નોંધનીય છે કે બેટિંગ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો હેરી બ્રુક (861) પ્રથમ અને જો રૂટ (816) બીજા સ્થાને છે.

કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલની રેન્કિંગમાં પણ મોટો ઉછાળો

વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 136 રન બનાવનાર કેએલ રાહુલને ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 645 રેટિંગ પોઈન્ટ્સ સાથે 25મા ક્રમે પહોંચી ગયો છે. આ જ મેચમાં 80 રનની ઇનિંગ રમનાર દેવદત્ત પડિક્કલે 15 સ્થાનની લાંબી છલાંગ લગાવીને 570 પોઈન્ટ્સ સાથે 39મું સ્થાન હાંસલ કર્યું છે.

બોલિંગ રેન્કિંગમાં બુમરાહ સંયુક્ત રીતે બીજા સ્થાને

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વેલિંગ્ટન ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપીને રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. તે ત્રણ સ્થાન ઉપર ચઢીને 856 રેટિંગ પોઈન્ટ્સ સાથે ઈંગ્લેન્ડના ઓલી રોબિન્સનની બરાબરી પર સંયુક્ત રીતે બીજા નંબરે પહોંચી ગયો છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક 881 પોઈન્ટ્સ સાથે વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર બનેલો છે.

ભારતીય બેટ્સમેન (6 ખેલાડીઓનું રેન્કિંગ સુધર્યું, 2નું બગડ્યું)

તાજેતરના ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં કુલ 6 ભારતીય ખેલાડીઓના સ્થાનમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે 2 ખેલાડીઓનું રેન્કિંગ નીચે ઉતર્યું છે અને 1 ખેલાડીનું સ્થાન યથાવત રહ્યું છે. ટોપ-10માં સ્થાન મેળવનાર ઋષભ પંત (છઠ્ઠો ક્રમ, 744 પોઈન્ટ્સ), શુભમન ગિલ (સાતમો ક્રમ, 728 પોઈન્ટ્સ) અને યશસ્વી જયસ્વાલ (નવમો ક્રમ, 713 પોઈન્ટ્સ) ઉપરાંત કેએલ રાહુલ (25મો ક્રમ, 645 રેટિંગ) અને દેવદત્ત પડિક્કલ (39મો ક્રમ, 570 રેટિંગ)ને ફાયદો થયો છે. આ સાથે ધ્રુવ જુરેલ પણ 7 સ્થાન આગળ વધીને 64મા (503 રેટિંગ) ક્રમે આવ્યો છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજા 4 સ્થાન ગગડીને 31મા (614 રેટિંગ) અને વોશિંગ્ટન સુંદર 1 સ્થાન નીચે ઉતરીને 45મા (548 રેટિંગ) ક્રમે ખસ્યા છે, જ્યારે અક્ષર પટેલ 437 રેટિંગ સાથે 75મા ક્રમે યથાવત રહ્યો છે.

1.png

ભારતીય બોલર્સ (3 ખેલાડીઓનું રેન્કિંગ સુધર્યું, 2નું બગડ્યું)

ભારતીય બોલર્સના તાજેતરના રેન્કિંગમાં 3 ખેલાડીઓના સ્થાનમાં સુધારો થયો છે, 2 ખેલાડીઓનું રેન્કિંગ બગડ્યું છે અને 4 ખેલાડીઓ પોતાના જૂના સ્થાને યથાવત રહ્યા છે. જસપ્રીત બુમરાહ 3 સ્થાનના સુધારા સાથે 856 રેટિંગ પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા 4 સ્થાન આગળ વધીને 42મા (484 રેટિંગ) અને અક્ષર પટેલ 1 સ્થાન સુધરીને 48મા (427 રેટિંગ) ક્રમે આવ્યા છે. તેનાથી વિપરીત મોહમ્મદ સિરાજ 1 સ્થાન ગગડીને 17મા (689 રેટિંગ) અને વોશિંગ્ટન સુંદર 1 સ્થાન નીચે ઉતરીને 52મા (415 રેટિંગ) ક્રમે પહોંચ્યા છે. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા 18મા (675 રેટિંગ), કુલદીપ યાદવ 22મા (644 રેટિંગ), માનવ સુથાર 43મા (480 રેટિંગ) અને આકાશ દીપ 59મા (376 રેટિંગ) ક્રમે યથાવત રહ્યા છે.

2.png

ભારતીય ઓલરાઉન્ડર્સ (1 ખેલાડીનું રેન્કિંગ સુધર્યું, 6નું બગડ્યું)

ભારતીય ઓલરાઉન્ડર્સની યાદીમાં મોટાભાગના ખેલાડીઓને નુકસાન થયું છે, જેમાં 1 ખેલાડીનું સ્થાન યથાવત રહ્યું છે અને 1 ખેલાડીને ફાયદો થયો છે. રવિન્દ્ર જાડેજા 414 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે યથાવત રહ્યો છે, જ્યારે માનવ સુથાર 2 સ્થાનના સુધારા સાથે 62 રેટિંગ પોઈન્ટ્સ મેળવી 49મા ક્રમે પહોંચ્યો છે. જોકે, અન્ય ક્રમાંકોમાં ઘટાડો થયો છે, જેમાં વોશિંગ્ટન સુંદર 2 સ્થાન ગગડીને નવમા (227 રેટિંગ), અક્ષર પટેલ 2 સ્થાન નીચે ઉતરીને 15મા (186 રેટિંગ), કુલદીપ યાદવ 2 સ્થાન ખસીને 48મા (89 રેટિંગ) અને જસપ્રીત બુમરાહ પણ 2 સ્થાન ગગડીને 48મા (86 રેટિંગ) ક્રમે પહોંચ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ 2 સ્થાન નીચે ઉતરીને 73મા (45 રેટિંગ) અને નીતિશ કુમાર રેડ્ડી 6 સ્થાનના ઘટાડા સાથે 84મા (37 રેટિંગ) ક્રમે ખસ્યા છે.

3.jfif

ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને પણ થયો ફાયદો

વેલિંગ્ટન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની રેન્કિંગમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. મેચમાં અણનમ 175 અને 31 રનની ઇનિંગ રમીને 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલો હેનરી નિકોલ્સ 10 સ્થાન આગળ વધીને 30મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે 118 અને અણનમ 26 રન બનાવનાર ગ્લેન ફિલિપ્સે 13 સ્થાનની છલાંગ લગાવીને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 17મી રેન્કિંગ મેળવી છે.

બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનના ખેલાડીઓનું પ્રદર્શન

આ તાજેતરની રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ તેમજ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રદર્શનને પણ આવરી લેવામાં આવ્યું છે. બાંગ્લાદેશના તૌહીદ હૃદયોયે પ્રથમ ઇનિંગમાં 137 રન બનાવ્યા બાદ 28 સ્થાનના જમ્પ સાથે 33મું સ્થાન મેળવ્યું છે, જ્યારે લિટન દાસ 120 રનની ઇનિંગના આધારે નવ સ્થાન ઉપર ચઢીને 24મા નંબરે આવી ગયો છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રયાન રિકેલ્ટન કરિયરની સર્વશ્રેષ્ઠ સંયુક્ત 15મી રેન્કિંગ પર પહોંચ્યો છે અને માર્ક્સ એકરમેનને 60મું સ્થાન મળ્યું છે.

કાગીસો રબાડા અને મોહમ્મદ અબ્બાસની રેન્કિંગમાં સુધારો

બોલરોમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં કુલ આઠ વિકેટ ઝડપીને ટીમને નવ વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે બે સ્થાન ઉપર ચઢીને 838 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. બીજી તરફ રાવલપિંડી ટેસ્ટની બંને ઇનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલો પાકિસ્તાનનો ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ બે સ્થાન આગળ વધીને 12મા ક્રમે પહોંચી ગયો છે.