વિદેશમાં MBBS કરનારા ભારતીય વિદ્યાર્થીઓએ જે તે દેશમાંથી પ્રેક્ટિસ લાયસન્સની મંજૂરી લેવામાંથી મુક્તિ, સરકારનો મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NMC Foreign Medical Graduate Regulations : વિદેશમાં MBBSનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા મહત્ત્વનો ડ્રાફ્ટ સુધારો જાહેર કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા માટે જે તે દેશના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવાની મંજૂરી હોવી ફરજિયાત નહીં રહે. તેના બદલે, જે તે દેશના સક્ષમ મેડિકલ સત્તામંડળમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી રહેશે.
ભારતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હતું
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ MBBS માટે રશિયા, ચીન, જ્યોર્જિયા, ફિલિપાઈન્સ અને જર્મની જેવા દેશોમાં જાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ (FMGE), ઈન્ટર્નશિપ સહિતના નિયમોનું પાલન કરવું પડે છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે હતી મુશ્કેલી
2021ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સની સેક્શન 4Bમાં અગાઉ એવી જોગવાઈ હતી કે વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાંના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે લાયક હોવા જોઈએ. રશિયા સહિતના કેટલાક દેશોમાં ભાષાની પરીક્ષા અને અન્ય પ્રક્રિયાઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને આ શરત પૂરી કરવામાં મુશ્કેલી પડતી હતી.
શરત હળવી કરવામાં આવી
NMCના ડ્રાફ્ટ સુધારામાં આ શરત હળવી કરવામાં આવી છે. હવે વિદેશમાં મેડિકલ ડિગ્રી મેળવ્યા બાદ જે તે દેશના સક્ષમ સત્તામંડળ અથવા મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું પૂરતું રહેશે. આ ડ્રાફ્ટ અંગે સૂચનો અને મંતવ્યો માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સુધારો ફાઈનલ થયા બાદ 18 નવેમ્બર 2021 અથવા ત્યારબાદ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે.




