India

બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર, શેખ હસીનાની વાપસી પહેલા 8 શરતો મૂકાઈ

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વાપસીના એલાનથી રાજકીય માહોલ ગરમાયો છે. દેશભરમાં હિંસા અને તણાવ વચ્ચે અવામી લીગે 27 અને 28 નવેમ્બરે લૉકડાઉનની જાહેરાત કરી છે. પાર્ટી પરનો પ્રતિબંધ હટાવવા અને રાજકીય કેદીઓની મુક્તિ જેવી માંગણીઓ મૂકી છે. 16 ડિસેમ્બરે શેખ હસીનાની પરત ફરવાની શક્યતાથી તણાવ વધશે. જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પીએમ તારિક રહેમાનને મળવાના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર, શેખ હસીનાની વાપસી પહેલા 8 શરતો મૂકાઈ
IMAGE - IANS

Sheikh Hasina Bangladesh return: બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને દેશના વિવિધ ભાગોમાં હિંસા તથા તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે અવામી લીગે 27 અને 28 નવેમ્બરના રોજ સમગ્ર બાંગ્લાદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. સાથે જ પાર્ટીએ પોતાની અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે, જેમાં પાર્ટી પર લાગેલો પ્રતિબંધ હટાવવા અને રાજકીય કેદીઓને મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

શેખ હસીનાની વાપસીથી બાંગ્લાદેશમાં તણાવ વધવાની શક્યતા

શેખ હસીના 16 ડિસેમ્બરે 1971ના મુક્તિ સંગ્રામની વિજય વર્ષગાંઠ નિમિત્તે બાંગ્લાદેશ પરત ફરવાના છે, જેને લઈને આગામી દિવસોમાં તણાવ વધુ વકરે તેવી શક્યતા છે. તેમની વાપસીની માંગ સાથે અવામી લીગ સક્રિય બની છે અને મંગળવારે દેશમાં મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બુધવારથી વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ છે.

શફીકુર્રહમાન વતન પરત, વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત

શેખ હસીનાના પરત ફરવાના એલાન અને વધતા રાજકીય તણાવ વચ્ચે બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પોતાનો ઑસ્ટ્રેલિયા-મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને દેશ પરત ફરી રહ્યા છે. આજે તેઓ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વાપસી અને દેશની વર્તમાન તણાવભરી સ્થિતિ અંગે વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરવાના છે.

અવામી લીગની મુખ્ય માંગણીઓ

  1. શેખ હસીના અને પાર્ટીના નેતાઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવે તેમજ રાજકીય હેતુથી પ્રેરિત નિર્ણયો રદ કરવામાં આવે.
  2. અવામી લીગ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને પાર્ટીને રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવે.
  3. તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે અને તેમની સામે ચાલતા મુકદ્દમા સમાપ્ત કરવામાં આવે.
  4. દેશમાં વધી રહેલી મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં આવે અને વીજળી, ગેસ, પાણી, ઇંધણ, ખાતર તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે.
  5. બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરવામાં આવે અને બેરોજગાર કામદારોને રોજગારી આપવામાં આવે.
  6. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે; હત્યા, દુષ્કર્મ, ખંડણી, લૂંટફાટ અને ગેરકાયદે કબજા અટકાવવામાં આવે તેમજ મહિલાઓ, બાળકો અને લઘુમતીઓનું રક્ષણ થાય.
  7. લશ્કરી-નાગરિક અધિકારીઓ અને પત્રકારો સામેના કથિત ખોટા કેસ પાછા ખેંચવામાં આવે અને અભિવ્યક્તિ તથા પ્રેસની સ્વતંત્રતા જળવાય.
  8. ઉગ્રવાદ અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જેલમાંથી મુક્ત કરાયેલા આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની ફરી ધરપકડ કરવામાં આવે.