Sports

27 ચોગ્ગા, 10 છગ્ગા અને 350 રન... બાંગ્લાદેશી બેટરે ત્રેવડી સદી ફટકારી બનાવ્યો મહારેકોર્ડ

By GS Team
3 Sep 20264 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશ A ટીમના તૌહીદ હ્રિદોયે દક્ષિણ આફ્રિકા સામે પોચેફસ્ટ્રુમમાં 350 રનની અણનમ ઇનિંગ રમી ઇતિહાસ રચ્યો છે. 481 બોલમાં 27 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારી, તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવનાર અને વિદેશી ધરતી પર ત્રિપલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો. તેણે તમીમ ઇકબાલનો 334 રનનો રેકોર્ડ તોડ્યો, અને 78 વર્ષ જૂનો વિદેશી ધરતી પરનો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

27 ચોગ્ગા, 10 છગ્ગા અને 350 રન... બાંગ્લાદેશી બેટરે ત્રેવડી સદી ફટકારી બનાવ્યો મહારેકોર્ડ

Tawhid Hridoy Smashes 350: બાંગ્લાદેશ A ટીમના યુવા બેટ્સમેન તૌહીદ હ્રિદોયે દક્ષિણ આફ્રિકાની ધરતી પર બેટથી એવું તોફાન મચાવ્યું છે જે ક્રિકેટ ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રખાશે. દક્ષિણ આફ્રિકા A સામે પોચેફસ્ટ્રુમ ખાતે રમાયેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં હ્રિદોયે અણનમ 350 રનની ઐતિહાસિક મેરાથોન ઇનિંગ રમી છે. તેણે 481 બોલનો સામનો કરીને પોતાની ઇનિંગમાં 27 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ સાથે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈપણ બાંગ્લાદેશી બેટ્સમેન દ્વારા સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર અને વિદેશી ધરતી પર ત્રિપલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે. 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રમાયેલી આ મેચ ડ્રોમાં પરિણમી હતી અને હ્રિદોયને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે 6, 9 અને 12 સપ્ટેમ્બરે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે.

તમીમ ઇકબાલનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, તમીમે કરી પ્રશંસા

હ્રિદોયે મેચના ચોથા દિવસે ટી-સેશન પછી તમીમ ઇકબાલનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તમીમે વર્ષ 2020માં બાંગ્લાદેશ ક્રિકેટ લીગની એક મેચમાં અણનમ 334 રન બનાવ્યા હતા, જેને પાછળ છોડીને હ્રિદોય હવે 350 રને પહોંચી ગયો છે. આ સાથે તે બાંગ્લાદેશ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રિપલ સેન્ચુરી ફટકારનારા માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે; આ અગાઉ રકીબુલ હસને 2007માં નેશનલ ક્રિકેટ લીગમાં અણનમ 313 રન અને તમીમે 334 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ તૂટ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) સાથે સંકળાયેલા તમીમ ઇકબાલે ફેસબુક પર ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે:

"રેકોર્ડ્સ તૂટવા માટે જ બનતા હોય છે અને મને ખુશી છે કે મારો રેકોર્ડ તૂટ્યો છે. આ ઇનિંગ માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટની પ્રગતિનું પ્રતીક છે."

વિદેશી ધરતી અને સાઉથ આફ્રિકામાં 78 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

વિદેશી ધરતી પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રિપલ સેન્ચુરી ફટકારનાર તૌહીદ હ્રિદોય પ્રથમ બાંગ્લાદેશી બેટ્સમેન બન્યો છે. આ પહેલાં વિદેશમાં બાંગ્લાદેશ તરફથી ફક્ત હબીબુલ બશરે 2003માં બેવડી સદી ફટકારી હતી. વધુમાં, દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા કોઈપણ વિદેશી બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ડેનિસ કોમ્પટનના નામે હતો, જેમણે 1948માં નોર્થ ઇસ્ટર્ન ટ્રાન્સવાલ સામે 300 રન બનાવ્યા હતા; હ્રિદોયે 350 રન બનાવીને કોમ્પટનનો આ 78 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. સાઉથ આફ્રિકામાં ઓવરઓલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે; તેણે ડેરેક કલિનનના 337 રનને પાછળ છોડ્યો છે, જ્યારે તેનાથી આગળ હવે ફક્ત સ્ટીફન કુક (390 રન) છે.

અંડર-19 વર્લ્ડ કપ જીત્યા તે જ મેદાન પર રચ્યો ઇતિહાસ

પોચેફસ્ટ્રુમનું આ મેદાન હ્રિદોય માટે ભાવનાત્મક રીતે ખૂબ ખાસ રહ્યું છે, કારણ કે 2020માં બાંગ્લાદેશની અંડર-19 ટીમે આ જ મેદાન પર ભારતને હરાવીને અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને હ્રિદોય તે ચેમ્પિયન ટીમનો મહત્ત્વનો ભાગ હતો. મેચના ત્રીજા દિવસે જ્યારે તેણે બેવડી સદી પૂરી કરી ત્યારે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે તેણે પોતાના હોમટાઉન બોગુરામાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને હવે જે મેદાન પર 2020માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યાં જ તેમણે બેવડી સદી ફટકારી છે, જેને આગળ વધારીને તેણે 350 રન સુધી પહોંચાડીને વધુ યાદગાર બનાવી દીધી.

ઝાકેર અલી અને મોહમ્મદ સૈફુદ્દીનનો મજબૂત સાથ

હ્રિદોયની આ મેરાથોન ઇનિંગમાં અન્ય બેટ્સમેનોએ પણ બીજા છેડેથી ઉત્કૃષ્ટ સાથ આપ્યો હતો. ઝાકેર અલીએ 94 રન બનાવ્યા હતા અને હ્રિદોય સાથે પાંચમી વિકેટ માટે 151 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ત્યારબાદ મોહમ્મદ સૈફુદ્દીને 87 રનની લડાયક ઇનિંગ રમીને હ્રિદોય સાથે સાતમી વિકેટ માટે 185 રન જોડ્યા હતા. નંબર-10 પર બેટિંગ કરવા આવેલા રેઝાઉર રહેમાન રાજાએ પણ 110 બોલમાં અણનમ 31 રન બનાવીને મજબૂત ટેકો આપ્યો હતો.

બાંગ્લાદેશ Aનો સૌથી મોટો સ્કોર અને સીરિઝ પરિણામ

તૌહીદ હ્રિદોયના 350 રન અને નીચલા ક્રમના યોગદાનથી બાંગ્લાદેશ A ટીમે પોતાની પ્રથમ ઇનિંગ 8 વિકેટે 676 રન બનાવીને ડિકલેર કરી હતી, જે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. સાઉથ આફ્રિકા A ટીમે પ્રથમ ઇનિંગમાં 512 રન કર્યા બાદ બીજી ઇનિંગમાં વિના વિકેટે 18 રન બનાવ્યા હતા, જેના પગલે બંને ટીમોએ મેચ ડ્રો કરવા પર સહમતિ દર્શાવી હતી. જોકે બે મેચોની અનઓફિશિયલ ટેસ્ટ શ્રેણી સાઉથ આફ્રિકા A ટીમે 1-0થી જીતી લીધી હતી, કારણ કે પ્રથમ મેચમાં બાંગ્લાદેશ Aને ઇનિંગ અને 413 રને કારમી હાર મળી હતી; છતાં બીજી મેચ હ્રિદોયના રેકોર્ડબ્રેક પરાક્રમને કારણે હંમેશા માટે યાદગાર બની ગઈ છે.