કોણ છે 11 વર્ષનો યુકી કુરિહારા? જેણે દિવસમાં 8 કલાક ગેમિંગ શીખીને જીત્યો ગોલ્ડ મેડલ, જાપાનના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની અદ્ભુત સિદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yuki Kurihara E-sports Gold at Asian Games: ભારતના 15 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી નામના મેળવી છે અને તે સતત ચર્ચામાં રહે છે. પરંતુ, શું તમે કલ્પના કરી શકો છો કે માત્ર 11 વર્ષનો કોઈ બાળક એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી શકે? જાપાનના પ્રાથમિક શાળામાં ભણતા યુકી કુરિહારાએ આ અશક્ય લાગતી બાબતને શક્ય બનાવી છે. તેણે શારીરિક રમતમાં નહીં, પરંતુ ઈ-સ્પોર્ટ્સ(કમ્પ્યુટર અથવા કન્સોલ પર રમાતી ગેમ)માં આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરીને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે.
બે-અઢી ગણા મોટી ઉંમરના ખેલાડીઓ સામે એકતરફી જીત મેળવી
2026 એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સની 'પુયો પુયો ચેમ્પિયન્સ' ઇવેન્ટમાં યુકીનો કોઈ જ મુકાબલો ન હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ ખેલાડી તેને પડકાર આપી શક્યો નહીં. તેણે શનિવારે રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાના 25 વર્ષના કાંગ ડોંગશીનને 10-2ના મોટા અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સેમિફાઇનલમાં તેણે થાઇલૅન્ડના 28 વર્ષીય ખેલાડી તનારાક વોંગકિટિકુનને 10-1થી કચડી નાખ્યો હતો. નોંધનીય છે કે, તનારાક ઉંમરમાં યુકી કરતા અઢી ગણો મોટો છે, છતાં તે 11 વર્ષના બાળકની સ્પીડ અને ગેમિંગ સ્કિલ સામે બિલકુલ ટકી શક્યો નહીં.
દરરોજ 8 કલાકની સખત તાલીમ
ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ 11 વર્ષના બાળકે ખૂબ જ નિર્દોષતાથી પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું, ‘આ મેડલ ખૂબ જ સુંદર, ચમકદાર અને ભારે છે.’ તેને મેડલ સાથે મળેલી સોનેરી રંગની રમકડાની ઢીંગલી (પ્લશ ટોય) પણ ખૂબ ગમી હતી. આ સફળતા રાતોરાત નથી મળી. યુકી કિન્ડરગાર્ટનથી જ આ ગેમ રમી રહ્યો છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ, તે શાળાના અભ્યાસની સાથે-સાથે દરરોજ 8 કલાક ગેમિંગની પ્રેક્ટિસ કરે છે.
એશિયન ગેમ્સનો સૌથી યુવા ગોલ્ડ મેડલિસ્ટ બન્યો
એશિયન ગેમ્સની શરૂઆત 1951માં ભારતની રાજધાની નવી દિલ્હીથી થઈ હતી. સૌથી યુવા મેડલ વિજેતાનો કોઈ સત્તાવાર જાહેર રૅકોર્ડ ઉપલબ્ધ નથી, પરંતુ યુકીને એશિયન ગેમ્સના ઇતિહાસનો સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મેડાલિસ્ટ માનવામાં આવી રહ્યો છે. ઈ-સ્પોર્ટ્સને 3 વર્ષ પહેલા ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું, જ્યાં તેની ટિકિટો લોટરી સિસ્ટમથી વેચાઈ હતી. જાપાનમાં પણ આ રમતનો ક્રેઝ ઘણો વધારે છે.
નાની વયના અન્ય ખેલાડીઓ પણ સફળ થયા
આ વખતની ગેમ્સમાં માત્ર યુકી જ નહીં, અન્ય યુવા ખેલાડીઓ પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
- હોંગકોંગની 12 વર્ષની કામુસ વોંગ સ્કેટબોર્ડિંગમાં ભાગ લઈ રહી છે.
- ચીનની 13 વર્ષની યુ ઝીદીએ સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતીને ધૂમ મચાવી છે.
- આટલા નાના બાળકો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવાથી ગુરુવારે 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં વર્લ્ડ રૅકોર્ડ બનાવનાર જાપાનની 17 વર્ષની તરણવીર શિન ઓહાશીને તો આ વય જૂથમાં ‘સિનિયર’ ખેલાડી ગણવામાં આવી રહી છે!
આવો જ ઇતિહાસ ભૂતકાળમાં પણ રચાયો છે.
- 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયાની બુંગા ન્યામાસે 12 વર્ષની ઉંમરે મહિલા સ્કેટબોર્ડિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- ચીનની કુઇ ચેન્ક્સીએ 13 વર્ષની ઉંમરે હાંગઝોઉમાં મહિલા સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ તમામ ઉદાહરણો સાબિત કરે છે કે જો ટેલેન્ટ અને સખત મહેનત હોય, તો ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે, અને બાળકો પણ મોટેરાઓને હરાવીને મેડલ્સ જીતી શકે છે.




