Shatdal
ઓસબિંદુનું સ્મરણ તેં તો લખ્યું ઇતિહાસમાં ફેરવું પાનું અને મોતી જડે છે શ્વાસમાં
By GS Team
14 Jul 20268 mins read
અગ્રણી સહકારી બેન્કના પરા વિસ્તારની શાખાના મેનેજર ગણાત્રાએ કર્મચારી દેવદત્તને બેન્કના ચેરમેન જિતુકાકાનો ફોન કરવાનું કહેતાં, જિતુકાકાએ તેને ઘરે જમવા બોલાવ્યો. ત્યાં, દેવદત્ત અને અલકાના અધૂરા પ્રેમની વાત નીકળતા, જિતુકાકાએ જણાવ્યું કે અલકા તેમની ભાણેજ છે અને તેના પતિના અવસાન બાદ તે પાછી આવી રહી છે. દેવદત્તની પ્રતિજ્ઞા પૂરી થઈ.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info
અગ્રણી સહકારી બેન્કના પરા વિસ્તારની શાખાના મેનેજર ગણાત્રાએ કર્મચારી દેવદત્તને બેન્કના ચેરમેન જિતુકાકાનો ફોન કરવાનું કહેતાં, જિતુકાકાએ તેને ઘરે જમવા બોલાવ્યો. ત્યાં, દેવદત્ત અને અલકાના અધૂરા પ્રેમની વાત નીકળતા, જિતુકાકાએ જણાવ્યું કે અલકા તેમની ભાણેજ છે અને તેના પતિના અવસાન બાદ તે પાછી આવી રહી છે. દેવદત્તની પ્રતિજ્ઞા પૂરી થઈ.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

- યહી હે જિંદગી - મહેશ યાજ્ઞિાક
- લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખરા હૃદયથી મેં એને કહેલું કે હું પરણીશ તો માત્ર તને જ. એ માટે બીજા જન્મ સુધી પણ રાહ જોવા હું તૈયાર છું.
'આપણી બ્રાન્ચનું બિઝનેસ પર્ફોમન્સ બિરદાવતા કાલે જિતુકાકા આવવાના છે. બેન્કના બીજા ડાયરેક્ટરો શોભાના ગાંઠિયા છે. આ જિતુકાકો ચેરમેન એ જ ફાઈનલ ઓથોરિટી. એ સારી છાપ લઈને જાય એ માટે કાલનો દિવસ સાચવી લેજો. મોબાઈલ ટોટલી બંધ અને જગ્યા છોડવાની નથી…' અગ્રણી સહકારી બેન્કના પરા વિસ્તારની શાખાના મેનેજર ગણાત્રાએ કર્મચારીઓને તાકીદ કરી.
બીજા દિવસે ત્રણ વાગ્યે મેનેજરની ચેમ્બરમાં સ્ટાફ માટે ખુરસીઓ ગોઠવાઈ ગઈ. મેનેજિંગ ડાયરેક્ટરને સાથે લઈને જિતુકાકા આવ્યા.
'જિલ્લાની સત્તર શાખાઓમાં તમારો દેખાવ ઉત્તમ રહ્યો છે, એ બદલ દિલથી અભિનંદન… સાથે બેન્ક તરફથી તમને સહુને નાનકડી ભેટ…' જિતુકાકાએ હસીને જાહેર કર્યું અને મેનેજિંગ ડાયરેક્ટરે બ્રીફકેસમાંથી ચાંદીના દસ દસ ગ્રામના સિક્કાઓ કાઢ્યા. ગણાત્રા વારાફરતી નામ બોલ્યો અને કર્મચારીઓને જિતુકાકાના હાથે સિક્કા અપાયા. વિશેષ મહત્વ ધરાવતા કર્મચારીઓનો ગણાત્રાએ જિતુકાકાને પરિચય આપ્યો.
'આ અમારા સ્ટાફનો હીરો દેવદત્ત. એકેએક ટેબલના કામમાં એની માસ્ટરી. કોી પણ કામ અટકી પડયું હોય ત્યારે એ સંકટ સમયની સાંકળ…' ગણાત્રા પ્રશંસા કરતોહતો ત્યારે ચોવીસ વર્ષનો દેવદત્ત જિતુકાકાની સામે અદબ વાળીને ઊભો હતો.
'માર્ચનું ક્લોઝિંગનું કામ કે ઓડિટ હોય ત્યારે ચાર-પાંચ દિવસ સુધી ચોવીસેય કલાક એનો મુકામ બ્રાન્ચમાં જ હોય. નોટબંધી વખતે પણ એણે કમાલ કરેલી. ઓફિસને જ ઘર બનાવી દીધેલું…'
મેનેજિંગ ડાયરેક્ટર આદરથી દેવદત્ત સામે જોયું, 'તારી ઇર્ષ્યા થાય છે, દોસ્ત ! ખોટું નહીં બોલું. હું જો આવું કરવા જાઉં તો છૂટાછેડાની નોબત આવી જાય !'
એ સાંભળીને બધા હસી પડયા. બંને મહેમાનો સામે જોઈને ગણાત્રાએ ખુલાસો કર્યો. 'આવી સેવા આપવાની હિંમત તો દેવદત્ત જ કરી શકે, સાહેબ ! એ બાજપેયીજીનો સાઢુભાઈ છે, એટલે એને કોઈ ઉપાધિ નથી !' એ જે બોલ્યો એનો અર્થ સમજ્યા પછી સ્ટાફની સાથે બંને મહાનુભાવો પણ ખડખડાટ હસી પડયા.
'સુખી આત્મા !' દેવદત્તની સામે ધ્યાનથી જોઈને જિતુકાકાએ પૂછ્યું 'નામ શું કહ્યું ?'
'જી… દેવદત્ત શુકલ.'
'વેલડન, દેવદત્ત ! કીપ ઇટ અપ !' જિતુકાકાએ એને બિરદાવ્યો. 'તારા જેવા બે-બે યુવાનો જો બધી બ્રાન્ચમાં હોય તો બેન્કનો ડંકો વાગી જાય.' બીજા કર્મચારીઓને પણ આ રીતે અભિનંદન આપીને મહેમાનોએ વિદાય લીધી.
બીજા દિવસે ગણાત્રાએ દેવદત્તને બોલાવ્યો. 'જિતુકાકા તારા ઉપર ખુશ છે.' એણે કાગળની ચબરખી દેવદત્તના હાથમાં પકડાવી. 'એમના સેક્રેટરીએ ફોન કરેલો. આ નંબર ઉપર રાત્રે આઠથી નવમાં તારે જિતુકાકાને ફોન કરવાનો છે. લાગે છે કે તને હેડઓફિસમાં ખેંચી જશે.' દેવદત્ત સાથે હાથ મિલાવીને એણે ઉમેર્યું. 'એની વે, ઓલ ધ બેસ્ટ !'
દેવદત્તને નવાઈ લાગી. પોતાનો પર્સનલ નંબર આપીને બેન્કનો ચેરમેન ફોન કરવાનું કેમ કહે ?
સાંજે બેન્કેથી ઘેર જતી વખતે રોજની જેમ રસ્તામાં બાઈક રોકીને દૂધની થેલી અને રીંગણ-બટાકા ખરીદ્યાં. બે વર્ષ અગાઉ બંને બહેનોને સાસરે વળાવ્યાં પછી દેવદત્તે પાકશાસ્ત્ર શીખી લીધું હતું. સવારે ભાખરી-શાક અને સાંજે મસાલેદાર ખીચડી અને દહીં. બહારનું જમીને તબિયત બગાડવાને બદલે થોડીક તકલીફ લેવી વધુ સારી. વાસણ અને કચરાપોતા માટે એક માજી આવતાં હતાં.
રાત્રે સવા આઠ વાગ્યે એણે મોબાઈલ હાથમાં લીધો. 'સર, દેવદત્ત બોલું. ગણાત્રાસાહેબે આપને ફોન કરવાનું કહેલું.'
'તારું એક કામ છે દેવદત્ત, રવિવારે અગિયાર વાગ્યે આવવાનું ફાવશે ? સાથે જમીશું…' બેન્કના ચેરમેનને બદલે વડીલની જેમ જિતુકાકાએ હસીને ઉમેર્યું. 'એક દિવસ રાંધવાની માથાકૂટમાંથી તને મુક્તિ મળશે.'
બેન્કના સર્વોચ્ચ હોદ્દા ઉપર બેઠેલા આ માણસને ના પાડવાનું દેવદત્ત પાસે કોઈ કારણ નહોતું. એણે હા પાડી કે તરત જ જિતુભાઈએ વોટસેપ મેસેજ કરીને સરનામું મોકલી આપ્યું.
રવિવારે દેવદત્ત પહોંચ્યો ત્યારે જિતુભાઈએ ઉમળકાભેર એને આવકાર્યો. ડ્રોઈંગરૂમમાં જિતુભાઈના પત્ની જયાબહેન પણ હાજર હતાં. નોકર આવીને ચા-નાસ્તાની પ્લેટ ટિપોઈ પર મૂકી ગયો. જયાબહેને આગ્રહ કર્યો પણ દેવદત્તે માત્ર ચા પીધી.
એ પછી જિતુભાઈએ વરસાદની ચર્ચા શરૂ કરી. વરસાદની વાત ઉપરથી રશિયા-યુક્રેન અને ઇરાન-અમેરિકા-ઇઝરાયેલની વાતો એમણે શરૂ કરી દીધી. એ બંને વાતો કરતા હતા ત્યારે જયાબહેન દેવદત્તનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં. ઇરાન-અમેરિકાનું શું થશે એની ચર્ચા માટે તો આ માણસે મને નથી જ બોલાવ્યો, એની સ્પષ્ટ સમજ હોવાથી જિતુભાઈ મૂળ મુદ્દાની વાત માટે મોં ખોલે એની દેવદત્ત રાહ જોતો હતો.
'તમે સવારે નાસ્તો કરીને બેઠા છો. સવા બાર વાગવા આવ્યા છે. આ છોકરાને ભૂખ લાગી હશે…' એમ કહીને જયાબહેન ડાઈનિંગ ટેબલ તરફ ગયાં.
એ પતિ-પત્નીએ આગ્રહ કરીને દેવદત્તને જમાડયો. જમ્યા પછી ત્રણેય ડ્રોઈંગરૂમમાં સોફા પર ગોઠવાયાં. 'દેવદત્ત, ચેરમેન તરીકે નહીં, પણ એક વડીલ સ્વજન તરીકે અંગત પ્રશ્ન પૂછું એમાં વાંધો તો નથીને ?' જિતુભાઈનો અવાજ ગંભીર હતો.
'સર, મારી જિંદગી તો ખુલ્લી કિતાબ જેવી છે. ક્યારેય ખોટું નથી બોલતો. વડીલ તરીકે અધિકારપૂર્વક પૂછો.' દેવદત્તે નિખાલસતાથી જવાબ આપ્યો.
જિતુભાઈ અને જયાબહેને તરત એકબીજાની સામે જોયું.
'મારે એક જ વાત પૂછવાની છે…' જિતુભાઈનો અવાજ વધુ ગંભીર બન્યો. 'અલકા સાથે પ્રેમ હતો પણ એ સંબંધ તૂટી કેમ ગયો ?'
પગ પાસે જ એટમબોમ્બનો વિસ્ફોટ થયો હોય એમ દેવદત્ત ભડક્યો. બેન્કના ચેરમેન આ વાત પૂછશે એવું તો એણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. માંડ માંડ જાત ઉપર કાબૂ મેળવીને એણે એ બંનેની સામે જોયું. જવાબની જિજ્ઞાાસા એ બંનેના ચહેરા પર છલકાતી હતી.
'મારી જિંદગીના આ પહેલા અને છેલ્લા - એક માત્ર પ્રેમસંબંધમાં નસબીે દગો આપ્યો. પરસ્પરનો પ્રેમ અકબંધ હતો, પણ એ બાપડીને કોઈ મજબૂરી હશે એટલે એણે છેડો ફાડી નાખ્યો. કોઈને સાચા હૃદયથી પ્રેમ કરીએ, એ પછી એની પરવશતા ઉપર શંકા ના કરાય…'
આટલું કહીને એ અટક્યો, એ છતાં વધુ માહિતી માટેની તરસ પેલા બંને ચહેરા પર છલકાતી હતી એટલે એણે વિગતવાર કથા સંભળાવી.
'પપ્પાએ ભાગીદારો પર વિશ્વાસ રાખેલો. પરિણામે પ્રોપર્ટી હોવા છતાં પુષ્કળ દેવું હતું. એના ઉચાટમાં જ એ ગુજરી ગયા. મારાથી ચાર અને ત્રણ વર્ષ નાની બે બહેનો અને મમ્મી એ ત્રણેયની જવાબદારી મારા ઉપર આવી ગઈ. પછી તો મમ્મી પણ દેવલોક પામી. એ સમયે ફર્સ્ટ ક્લાસ બી.કોમ. થઈને નોકરી શોધતો હતો ત્યારે તમારી બેન્કમાં આઠ કર્મચારીઓની ભરતી થઈ એમાં નોકરી મળી ગઈ. તાલીમના સમયગાળમાં જ હું અને અલકા મિત્રો બની ગયાં. તાલીમ પછી અમને પોસ્ટિંગ પણ હેડ ઓફિસમાં એક જ ડિપાર્ટમેન્ટમાં મળ્યું એટલે સતત સહવાસથી એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.'
લગીર અટકીને એણે ટિપોઈ પરથી ગ્લાસ લઈને બે ઘૂંટડા પાણી પીધું.
'લગ્નની વાત નીકળી ત્યારે મેં એને સ્પષ્ટ કહેલું કે બંને બહેનોને પરણાવ્યા પછી જ આપણે પરણીશું. પપ્પાના ડૂબેલા પૈસા પરત મેળવવા માટે વકીલોની મદદ લઈને હું મથતો હતો. એનું પરિણામ સારું આવશે એવી મને શ્રદ્ધા હતી. અલકા મને ગમતી હતી. જીવથી પણ વધારે વહાલી હતી. એના ગળાડૂબ પ્રેમમાં એટલી હદે પાગલ બની ચૂક્યો હતો કે એના સિવાય કશું સૂઝતું નહોતું. લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખરા હૃદયથી મેં એને કહેલું કે હું પરણીશ તો માત્ર તને જ. એ માટે બીજા જન્મ સુધી પણ રાહ જોવા હું તૈયાર છું. તારા સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે ક્યારેય લગ્ન નહીં કરું… પ્રેમના ભાવાવેશમાં મેં એને આ વચન આપેલું…'
લગીર અટકીને દેવદત્તે એ બંનેની સામે જોયું. 'આજે શિવરાત્રીનો પવિત્ર દિવસ છે, સર ! જરાયે ખોટું નહીં બોલું. આજ સુધી લગ્ન નથી કર્યા એનું કારણ પણ અલકા અને માત્ર અલકા જ છે !…'
ઉશ્કેરાટથી એક શ્વાસે એ બોલતો હતો. બંને શ્રોતાઓ સ્તબ્ધ થઈને સાંભળતાં હતાં.
'એ દરમિયાન મારી ટ્રાન્સફર આ શાખામાં થઈ. વન ફાઈન મોર્નિંગ અલકા મને મળવા આવી. એણે રહીને કહ્યું કે આપણાં લગ્ન શક્ય નથી, મને ભૂલી જજો. જિંદગીમાં મનગમતું પાત્ર મળે એ નસીબની વાત છે, પણ હું સાવ અભાગણી છું. મારી મજબૂરી સમજીને માફ કરી દેજો… એણે એ કહ્યું એ સાંભળીને હું ભાંગી પડયો. એક દાવમાં સર્વસ્વ ગૂમાવી દેનાર જુગારી જેવી મારી દશા હતી. એ છતાં, એના ખભે હાથ મૂકીને ભીની આંખે મેં એટલું જ કહ્યું કે સાચા પ્રેમમાં કોઈ ખુલાસા ના પૂછાય. તું જ્યાં જાય ત્યાં સુખી થજે. મારી વાત અલગ છે. હું તો છેલ્લા શ્વાસ સુધી તારી જ રાહ જોઈશ… એ ગઈ એ પછી આજ સુધી એ ક્યાં છે, શું કરે છે એની તપાસ પણ નથી કરી. એનું સુખ એને મુબારક. એની યાદ ના સથવારે એકલા જીવવાની આદત કેળવી લીધી છે…'
ફિક્કું હસીને એણે બંનેની સામે જોયું. 'પછીના વર્ષે વકીલની મહેનત ફળી. બધું દેવું ચૂકવાઈ ગયું. બહેનોના લગ્ન પણ થઈ ગયા અને ફલેટ પણ લેવાઈ ગયો. એ છતાં, પ્રિય પાત્રનો અભાવ હૈયું વલોવી નાખે છે. અલકાની યાદમાં અનેક રાત એકલો એકલો રડું છું…'
પ્રેમાવેશમાં આ બબડયા પછી અચાનક સભાનતા ઊગી એટલે એ અટક્યો. 'સોરી, સર, સેન્ટિમેન્ટલ બનીને વધારે પડતું બોલી ગયો. રીયલી આઈ એમ સોરી…'
'સોરી તો અમારે તને કહેવાનું છે, દેવદત્ત !' જિતુભાઈએ ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો. 'બનેવીના અવસાન પછી વિધવા બહેન અને એની દીકરીની જવાબદારી મેં સ્વીકારી હતી. અલકા મારી સગી ભાણેજ છે. મામા તરીકે ભાણીનું હિત જોવામાં મેં જડતા વાપરી. બી.કોમ.મમાં એ માંડ પાસ થયેલી એટલે બેન્કમાં નોકરી આપી ત્યારે જ મેં એને તાકીદ કરેલી કે તું મારી ભાણી છે એ વાત કોઈને ય કહેવાની નથી. તારી સાથે પ્રેમમાં પડીને એ મારી સંમતિ લેવા આવી ત્યારે મેં એને ધમકાવેલી. મુગ્ધાવસ્થામાં મગજના બદલે હૃદયના ભરોસે ભવિષ્યનું સપનું જોનારી યુવતીઓ ભરમાઈ જાય છે. લાગણીમાં ખેંચાઈને ભાણી કોઈ ઉપાધિમાં મૂકાય એ અગાઉ એને અટકાવવી તો પડેને ? એ સમયે રૂબરૂ મળીને તને માપવાની મહેનત ના કરી એ મારી મૂર્ખતા, તને પારખવાની તક મને ના મળી એ તારી કમબસીબી ! માહિતીના આધારે મારી સામે જે ચિત્ર રજૂ થયું એમાં તારી ખૂબીઓ ઢંકાઈ ગયેલી અને માત્ર મજબૂરીઓ જ હાઈલાઈટ થયેલી. જેના માથે બે બે નાની બહેનોની જવાબદારી છે એવો એક ગરીબ યુવાન કે જેનો બાપ દેવું મૂકીને મરી ગયો છે - બસ આવી રીતે જ તારો પરિચય મળેલો. એટલે મેં અલકાને ધમકાવીને ના પાડી દીધેલી.'
જિતુભાઈએ આગળ કબૂલાત કરી. 'બંને બહેનોના લગ્ન પછી જ લગ્નની વાત અલકાએ મને કહેલી કે તરત મેં કહી દીધેલું કે આવા વેવલા સાથે સંબંધ ના બંધાય. આઈ થિંક, એ સમયે નિર્ણય કરેલો એ મામા તરીકે મારી દ્રષ્ટિએ ઉચિત હતો… આજે… અત્યારે જે ચુકાદો આપીશ એ પણ બેસ્ટ જ હશે.'
દેવદત્ત ચમક્યો. જિજ્ઞાાસાથી એમની સામે જોઈ રહ્યો.
'મારો નિર્ણય સાંભળીને બિચારી અલકા ખૂબ રડેલી. મારા ઉરકારના ભારથી દબાયેલાં એ મા-દીકરી પાસે મારો વિરોધ કરવાની હિંમત નહોતી. અમેરિકા રહેતા એક મિત્રના દીકરા સાથે પરણાવીને મેં એને અમેરિકા મોકલી દીધેલી.'
સહેજ અટકીને દેવદત્તની આંખોમાં આંખો પરોવીને એમણે કહ્યું. 'છ મહિના અગાઉ કાર અકસ્માતમાં અલકાના પતિનું અવસાન થયું છે. ત્યાંનો બિઝનેસ વાઈન્ડઅપ કરીને આવતા રવિવારે અલકા મારા ઘેર આવવાની છે. બ્રાન્ચમાં તને પારખ્યા પછી એ રાત્રે જ મેં અલકાને ફોન કરેલો. કહેલું કે દેવદત્ત હજુય તારી રાહ જોઈને બેઠો છે. અલકાએ નિર્ણય તારા ઉપર છોડયો છે. હવે ?'
ચારેય આંખો દેવદત્તની સામે આતુરતાથી તાકી રહી હતી.
'નસીબનો ખેલ તો જુઓ, મામાજી !…'
દેવદત્ત ભીના અવાજે બોલ્યો. 'છેલ્લા શ્વાસ સુધી - છેક બીજા જન્મ સુધી એની રાહ જોવાની પ્રતિજ્ઞાા કરેલી, પણ પરમેશ્વરે પાંચ જ વર્ષમાં પરિમામ આપી દીધું !'
(શીર્ષક પંક્તિ ઃ લેખક)




