Shatdal

પેલેસ ઓફ વર્સેલ્સમાં શાંતિ સમજૂતી પછી પણ ગલ્ફ ક્ષેત્રમાં અશાંતિ કેમ?

By GS Team
21 Jul 20266 mins read
પેલેસ ઓફ વર્સેલ્સમાં શાંતિ સમજૂતી પછી પણ ગલ્ફ ક્ષેત્રમાં અશાંતિ કેમ?

મીડ વીક- હસમુખ ગજજર
પરસ્પર અવિશ્વાસ, મતભેદ, ગેર સમજણ અને શરત ભંગના આરોપ- પ્રતિ આરોપના પગલે પરિસ્થિતિ ઇરાન યુધ્ધ પાર્ટ-2 સુધી પહોંચી છે

ઇ રાન અને અમેરિકા યુધ્ધે ચડે ત્યારે શાંતિની અને શાંતિના મેજ પર આવે ત્યારે યુધ્ધનું વલણ ધરાવે છે. તાજેતરમાં અમેરિકાના ઇરાન પરના હુમલા અને ઇરાનના પ્રતિ જવાબથી જૂન મહિનામાં પેરિસ પાસેના વર્સેલ્સ શહેરના ઐતિહાસિક મહેલમાં થયેલી ૬૦ દિવસની વચ્ચગાળાની શાંતિ સમજૂતી તૂટી છે. ૧૪ મુદ્વા આધારિત મેમોરેંડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના કારણે ઇરાન યુધ્ધ અટકી ગયું હતું. વર્સેલ્સ સમજૂતીથી મધ્યપૂર્વના અંધકારમાં શાંતિનું કિરણ જોવા મળ્યું હતું. દેખીતી રીતે આ સમજૂતીનું સ્થળ જેટલું મોટું હતું તેટલું બંને પક્ષોનું મન મોટું ન હતું. એક પછી એક પેચિંદા,કઠણ અને નાજૂક મુદ્વાઓ માત્ર કાગળ પર લખી દેવાથી નિકાલ આવતો નથી. ૧૭ જૂન ૨૦૨૬ના રોજ વર્સેલ્સ મહેલમાં ઇરાન અને અમેરિકા વચ્ચે થયેલી અસ્થાયી શાંતિ સમજૂતી કાચા તાંતણા જેવી હતી જેમાં હોર્મુઝ સહિતના અનેક મુદ્વે પહેલાથી જ મતભેદો હતો. સમજૂતી મુજબ વ્યાપારિક જહાજોના આવન જાવન માટે હોર્મુઝનો દરિયાઇ રસ્તો ખોલવાનો હતો. ૬૦ દિવસ શાંતિ રાખીને ટકાઉ શાંતિની દિશામાં આગળ વધવાનું હતું તેના સ્થાને અધ વચ્ચેથી જ બખેડો શરુ થયો છે. પરસ્પર અવિશ્વાસ, મતભેદ, ગેર સમજણ અને શરત ભંગના આરોપ- પ્રતિ આરોના પગલે પરિસ્થિતિ ઇરાન યુધ્ધ પાર્ટ-૨ સુધી પહોંચી છે. હોર્મુઝ અંગે શરત હતી કે ઇરાન પોતાની ફારસની ખાડીથી ઓમાનસાગર સુધી વિપરિત દિશામાં જહાજોનું આવન જાવન જોશે અને ૬૦ દિવસ સુધી કોઇ જ શૂલ્ક લેશે નહી. ઇરાને આનો એવો મતલબ કાઢયો કે અમેરિકાએ આ સમગ્ર જળમાર્ગ પર અધિકાર આપી દીધો છે. માત્ર બે મહિના સુધી જ આ કામ કોઇ પણ પ્રકારના શૂલ્ક કે ટોલ વગર કરવાનું છે. ઇરાને હોર્મુઝમાં કેટલાક જહાજો પર ફાયરિંગ કર્યુ હતું. ઇરાનની દલીલ હતી કે જહાજો જળમાર્ગના એવા રુટ પરથી જવાનો પ્રયાસ કરતા હતા જેની મંજુરી જ આપવામાં આવી ન હતી ત્યાર પછી ઇરાને રસ્તો બંધ કરી દીધો હતો.ઇરાનની હોર્મુઝમાં એક તરફી કાર્યવાહી, અર્થઘટન અને વલણ સાથે અમેરિકા અને ખાડી દેશોને વાંધો છે. નિષ્ણાતો માને છે કે વર્સેલ્સમાં થયેલી સમજૂતિના અનેક બિંદુઓ પરના શબ્દો સ્પષ્ટ ન હતા. હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ અંતરિમ સમજૂતી અર્થહિન બની ગઇ છે. ૨૮ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ ઇરાન પર શરુ કરેલા હુમલાનો મુખ્ય હેતું ઇરાનના પરમાણુ કાર્યક્રમને અટકાવવાનો અને શાસન ઉથલાવીને નિયંત્રણ મેળવવાનો હતો. આ ભૂલીને ઇરાન-અમેરિકાના સંઘર્ષમાં સૌથી વધુ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ મુદ્વો હોર્મુઝ સ્ટ્રેટ રહયો છે. વાસ્તવમાં તો યુધ્ધ પહેલા હોર્મુઝ એક મુકત આંતરરાષ્ટ્રીય દરિયાઇ માર્ગ હતો જેનો ઉત્તર છેડો ઇરાન અને દક્ષિણ છેડો ઓમાન તરફ છે. પહેલા ઇરાન ન હતું ટોલટેકસ ઉઘરાવતું કે ન હતું અમેરિકાનો નિયંત્રણ કરવાનો ઇરાદો. હવે બંનેને હોર્મુઝ પર નિયંત્રણ મેળવવું છે અને ટોલ વસૂલી કરવી છે.
વર્સેલ્સ સમજૂતી પછી ઇઝરાયેલે લેબનોન સ્થિત હિજબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા ચાલું કરતા ઇરાન ક્રોઘે ભરાયું હતું. ઇરાની માંગણી હતી કે ઇઝરાયેલ પર લેબનોનમાં યુદ્ધ રોકવું એ પણ આ સમજૂતીનો જ હિસ્સો છે. વર્સેલ્સ પેલેસમાં થયેલી કામચલાઉ શાંતિ સમજૂતીના એમઓયુના આર્ટિકલ ૧૦ મુજબ ઇરાનને કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસની છૂટ આપવામાં આવી હતી જેમાં બેંકો દ્વારા લેણ દેણ, વીમા અને પરિવહનનો પણ સમાવેશ હતો. અમેરિકાએ સમજૂતી હેઠળ ઇરાનની જપ્ત કરેલી પ્રતિબંધિત સંપતિ અને નાણા આપવાના થતા હતા. આ સંપતિઓમાં કતારની બેંકોમાં જમા ૬ અબજ અમેરિકી ડોલરનો પણ સમાવેશ થતો હતો. ૨૨ જુને અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે રકમ છુટી થયા પછી પણ અમેરિકા અને કતારની આ નાણાના ખર્ચ પર નજર રહેશે એવી સ્પષ્ટતા કરી હતી. ખાસ કરીને આ નાણા અમેરિકી મક્કાઇ,સોયા અને ઘઉંની ખરીદી માટે જ ખર્ચ થશે. ઇરાને આનો વિરોધ કરતા સંયુકત રાષ્ટ્રસંઘના જિનિવા કાર્યાલયમાં ઇરાની રાજદૂત અલી બાહરેનીએ કહયું હતું કે આ પૈસાનો કેવો ઉપયોગ થશે તે માત્ર ઇરાન નકકી કરશે. જો કે કતારે ૩૦ જુનના રોજ ચોખ્ખ કરી હતી કે આ રકમ હજુ ઇરાનને આપી નથી.
વર્સેલ્સના મહેલમાં ૬૦ દિવસની શાંતિ સમજૂતી પછી બંને પક્ષો ટકાઉ સમજૂતી માટે આગળ વધવાના હતા અંતરિમ સમજૂતી પછી ખૂદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા હતા કે મે વર્સેલ્સમાં સાઇન કરી છે તેનાથી સ્પષ્ટ છે કે આ કોઇ સામાન્ય જગ્યા નથી. ટ્મ્પની વાત સાચી હતી કારણ કે આ મહેલમાં હસ્તાક્ષર કરવા એ માત્ર કાગળ પર કલમ ચલાવવી એવું નથી પરંતુ ઇતિહાસમાં નામ નોંધાવવા જેવું છે. વર્સેલ્સ મહેલ રાજકીય ભૂગોળ અને ઇતિહાસ બદલી નાખનારી અનેક સંધીઓનો સાક્ષી રહયો છે. ફ્રાંસના પેરિસની નજીક વર્સાય શહેરમાં આવેલા વર્સેલ્સ મહેલને ફ્રેચમાં શેટો ડી વર્સાય કહેવામાં આવે છે જે બેરોક આર્કિટેકચરનું બેનમૂન ઉદાહરણ છે. વર્સેલ્સની દુનિયાના સૌથી વિશાળ અને ભવ્ય મહેલમાં ગણતરી થાય છે. ૧૯૭૯માં યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સ્થાન આપ્યું હતું. એક સમયે આ શાહી નિવાસ ફ્રાંસની રાજધાની ગણાતી હતી. ૧૬૨૩માં ફ્રાંસના રાજા લૂઇ તેરમાએ પોતાના શિકારના શોખ માટે વર્સાયમાં શિકાર માટે એક નાનું ઘર (હંટિગ લોજ) તૈયાર કર્યુ હતું. ત્યાર પછી રાજા લુઇ ચૌદમાએ મહેલનો વિસ્તાર કરીને રાજાશાહી માટે એક ભવ્ય મહેલ તૈયાર કર્યો હતો. વર્સેલ્સનો મહેલ શાહી ઠાઠનું પ્રતિક છે જે રાજા લુઇ ચૌદમાંની શાહી તાકાતનું કેન્દ્ર હતી. શિકાર સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતું સ્થળ ફ્રાંસિસી ક્રાંતિ દરમિયાન ફ્રાંસની રાજનીતિનું કેન્દ્ર બન્યું હતું. ૨૩૦૦ રુમ ધરાવતો પેલેસ ઓફ વર્સેલ્સ ૮૧૫ હેકટર વિસ્તારમાં ફેલાયેલો છે.
વર્સેલ્સ મહેલ બદલાતા સમયની સાથે દેશો વચ્ચે શાંતિ અને કુટનીતિનો મંચ બની ગયો છે. ઇસ ૧૭૫૬માં સદીઓથી દુશ્મન રહેલા ફ્રાંસ અને ઓસ્ટ્રિયાએ ટ્રીટી ઓફ વર્સાયા દ્વારા દોસ્તીનો હાથ મિલાવ્યો હતો.એ સમયે યુરોપમાં ઝડપથી શકિત સંતૂલન બદલાઇ રહયું હતું આ સમજૂતી સૌથી મોટી રાજકીય ચાલ હતી. કારણ કે ફ્રાંસ અને ઓસ્ટ્રિયાએ બ્રિટન કે પ્રશિયા તેના પર હુમલા કરે તો એક બીજાની મદદ કરશે એવા વચને બંધાયા હતા. ૧૭૮૩માં ટ્રીટી ઓફ વર્સાય અમેરિકીની આઝાદીના સંઘર્ષ વચ્ચેની એક સમજૂતીથી જે બ્રિટન, ફ્રાંસ અને સ્પેને સાથે મળીને કરી હતી. આ ટ્રીટી ઓફ પેરિસ દ્વારા બ્રિટને અમેરિકાની સ્વતંત્રતાને માન્યતા આપી હતી. ફ્રાંસ અને સ્પેનનેે બ્રિટનની વિરુધ અમેરિકાની મદદ કરવા બદલ અનેક ક્ષેત્રિય ફાયદા હતા પરંતુ આ સાથે જ દુનિયાના નકશા પર નવી વૈશ્વિક વ્યવસ્થાએ આકાર લીધો હતો. પ્રથમ વિશ્વયુધ્ધ પછી ૨૮ જૂન ૧૯૧૯ની વર્સેલ્સની સંધિ ઇતિહાસમાં સૌથી મશહૂર છે. આ સંધીથી અમેરિકા,બ્રિટન અને ફ્રાંસ જેવા મિત્ર રાષ્ટ્રો અને જર્મની વચ્ચેના સંઘર્ષનો અંત આવ્યો હતો. પ્રથમ વિશ્વયુધ્ધમાં થયેલા વિનાશ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. જર્મની પર મિત્ર રાષ્ટ્રોને યુધ્ધની નુકસાનીના દંડ પેટે ૫ અબજ ડોલરની રકમ ચુકવવાનું દબાણ કરવામાં આવ્યું હતું. જર્મનીએ વર્સાયા સંધી હેઠળ પૂર્વ યુધ્ધ ક્ષેત્રોનો અંદાજે ૧૩ ટકા હિસ્સો જયારે પોતાના તમામ વિદેશી ઉપનિવેશ પરનું નિયંત્રણ છોડવું પડયું હતું. ઇતિહાસકારો માને છે કે વર્સેલ્સની સંધી જર્મની માટે અત્યંત કઠોર અને અપમાનજનક હતી. સંધિમાંથી જન્મેલી લાચારીએ જ જર્મન લોકો અને એડોલ્ફ હિટલરના મનમાં બદલાની ભાવના ભરી દીધી હતી. પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તિ માટેની સંધિથી જ બીજા વિશ્વયુધ્ધની પૂષ્ઠભૂમિ તૈયાર થઇ હતી.વર્સેલ્સનો ઇતિહાસ સદીઓથી સત્તાના જન્મ, હાર, શાંતિ અને નવી વિશ્વ વ્યવસ્થાનો સાક્ષી રહયો છે. અહીંયા એક સમયે રાજાશાહી સામ્રાજય પોતાની તાકાત દેખાડતું હતું ત્યાર પછી દેશોએ અહીંયા યુદ્ધ સમાપ્ત કરવા અને ભવિષ્યનો માર્ગ નકકી કરવા માટે સમજૂતીઓ કરી હતી. આજે પણ મોટી સમજુતીઓ વર્સેલ્સમાં થાય છે. અમેરિકા ઇરાન પર ગમે તેટલો બોંબમારો કરે કે ઇરાન મિસાઇલો અને ડ્રોન છોડે પરંતુ ખરા અર્થમાં શાંતિ જોઇતી હશે તો લાગે છે કે વર્સેલ્સના મહેલમાં વધુ એક વાર મંત્રણાનો મેજ તૈયાર કરીને નવી સમજૂતી કરવી પડશે.