Shatdal

બે પ્રેમીઓમાંથી પસંદગી કોની ?

By GS Team
8 Sep 20265 mins read
બે પ્રેમીઓમાંથી પસંદગી કોની ?
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • મને મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જશે પણ બિલ આવે ત્યારે કહેશે, યાર, મારું બેલેન્સ પતી ગયું છે ! તું પૈસા આપી દે ને !

'યા ર ! બહુ મોટું કન્ફયુઝન છે ! મારા બે પ્રેમીઓ છે, એમાંથી કોની પસંદગી કરવી ?'
કોલેજના ફાઈનલ યરની એકઝામો પતી ગયા પછી ઝિનલે એની ફ્રેન્ડ સલોની આગળ ધડાકો કર્યો !
પહેલાં તો સલોની ચોંકી ગઈ. 'બડી છુપી રુસ્તમ નીકળી તું તો ? બબ્બે પ્રેમીઓ ? મને તો તેં કીધું જ નથી !
'તો હવે કહું છું ને ? યાર તારી સલાહ જોઈએ છે !'
'શું સલાહ જોઈએ છે ? બોલને!'
'યાર બેમાંથી કોની સાથે મેરેજ કરવાં એ સમજાતું નથી…' ઝિનલે આખી વાતની શરૂઆત કરી.
'જો, એક તો છે રૂપિન ! એ મસ્તીખોર છે, બિન્દાસ છે, હસમુખો છે, સ્માર્ટ છે અને જ્યારે જુઓ ત્યારે કંઈને કંઈ તોફાનમાં જ હોય છે ! પણ એ છે ને -'
'એ છે ને - પછી શું ?'
'એ સાવ કડકો છે ! આઈ મિન પૈસા મેનેજ કરવાની જરાય અક્કલ નથી !'
મને મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જશે પણ બિલ આવે ત્યારે કહેશે, યાર, મારું બેલેન્સ પતી ગયું છે ! તું પૈસા આપી દે ને ! કોઈની ઉધાર બાઈક લઈ આવે, અને પેટ્રોલ મારે નંખાવવાનું ! કોઈની મોંઘી કાર લઈને આવે, મને સોમનાથ, દીવ વગેરે ઠેકાણે ફરવા લઈ જાય ! પછી નફ્ફટ થઈને મારું જ પર્સ ખોલીને મારું જ ક્રેડિટ કાર્ડ કાઢીને પેમેન્ટો કરે !
'લે ! તું આવા લુઝરને ભાવ જ કેમ આપે છે ?'
'ના યાર ! એ જ્યાં સુધી સાથે હોય છે ત્યારે જિંદગી સ્વર્ગ જેવી લાગે છે ! હું સાતમા આસમાનમાં ઉડતી હોઉં એવું લાગે ! જોકે એની બીજી પણ એક ખરાબ આદત છે, જે મને બિલકુલ પસંદ નથી !'
'કઈ આદત ?'
'અરે યાર, ચાર વાગે મળવાનો ટાઈમ નક્કી થયો હોય તો ભાઈ સાહેબ પાંચ વાગ્યા સુધી તો દેખાયા જ ના હોય ! ફોન પણ ના ઉપાડે ! પછી દોઢેક કલાકે ફોન ઉપાડે ત્યારે…આવું છું, રસ્તામાં જ છું…બે જ મિનિટ…..એમ કરતાં કરતાં છેક છ સાડા છ વાગે પહોંચે !'
'વેરી ગુડ !' સલોનીએ કહ્યું. 'એ રૂપિન જોડે જ મેરેજ કર ! લગ્નનું મુરત આઠ વાગ્યાનું હશે તો એ જાન લઈને દસ વાગે આવશે તો ખરોને ?'
'મજાક ના કર સલોની !'
આ રૂપિન સિવાય બીજો એક છોકરો છે. જે રૂપિનથી સાવ અલગ છે.
'અચ્છા ? એ કોણ છે ?'
'એ છે સૌમિલ ! એકદમ શાંત, ભણવામાં હોંશિયાર, દેખાવે પણ હેન્ડસમ, અને સ્વભાવે એકદમ જેન્ટલમેન !'
'જેન્ટલમેન ?'
'હા ! એ મારા ઘરની નજીક જ રહે છે. રોજ મને એના સ્કૂટર પર બેસાડીને કોલેજ મુકવા આવે છે. કોલેજથી છૂટું ત્યારે લેવા આવે છે. મારી બર્થ-ડે, મારી ફર્સ્ટ ડેટ, મારી મનપસંદ ચીજો, મનપસંદ ફૂડ, મનપસંદ ગાયનો….બધું જ એને યાદ છે ! રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડનાઈટના સ્વીટ મેસેજો કરે છે ! અને ટાઈમની બાબતમાં તો એકદમ પંકચ્યુઅલ !'
'અચ્છા, મતલબ.. કે ચાર વાગે મળવાનું હોય તો પોણા ચારે હાજર ! એમ જ ને ?'
'હાસ્તો !' અરે રેસ્ટોરન્ટમાં મને બેસવા માટે એ ખુરશી ખસેડી આપે ! મને પૂછ્યા વિના એકપણ આઈટમ ઓર્ડર ના કરે…અને બિલ ? યાર, શું કહું ? દર વખતે ફીફટ્ી-ફીફટી !
'મતલબ કે એની પાસે પણ ખાસ પૈસા નથી હોતા એમને ?'
'હા. પણ યાર, એ મને દિલથી પ્રેમ કરે છે..હવે તું જ બોલ, મેરેજ કોની જોડે કરાય ?'
'જો મિનલ ! સૌમિલ ભલે મિડલ કલાસ હોય પણ ભણવામાં હોંશિયાર છે, તો જતે દહાડે એને સારી સેલેરીવાળી જોબ મળી જશે.'
'હા, પણ એની જોડે લાઈફ આખી બોરિંગ નહીં લાગે ? યાર, એ જરા વધારે પડતો જ 'કુલ' ટાઈપ છે.'
'લે ! તારે લાઈફમાં એક્સાઈટમેન્ટ જોઈતો હોય તો રૂપિનને પરણી જા ! મેરેજ પછી એ જરા ઠરેલ થશે તો રૂપિયા પણ કમાઈ લાવશે.'
'એ જ તો પ્રોબ્લેમ છે ! એને રૂપિયા ક્યાં અને કેવી રીતે વાપરવા કે કેવી રીતે સાચવવા એનું જરાય ભાન નથી !'
'તો હવે શું કરીશ ?'
'ખરેખર મને કોઈ જ આઈડિયા નથી ! ટોટલ કન્ફયુઝન છે યાર….'


આ વાતને બે વરસ વીતી ગયાં. સલોની રાજકોટની કોલેજ અને હોસ્ટેલ છોડીને પાછી જામનગર જતી રહી હતી. સલોનીની પણ સગાઈની વાતો ચાલી રહી હતી ત્યાં એક દિવસ અચાનક ઝિનલનો ફોન આવ્યો.
'સલોની ! આ મહિનાની પંદર તારીખે તારે રાજકોટ આવવાનું છે ! મારી સગાઈ છે !'
'વાઉં ! કોણછે એ ? રૂપિન કે સૌમિલ ?'
'તું જાતે જ આવીને જોઈ લેજે ને ?'
સગાઈ એક શાનદાર હોટલના બેન્કવેટ હોલમાં હતી. સગાઈના ફંકશનનો ટાઈમ સાત વાગ્યાનો હતો. સલોની ત્યાં પહોંચી ત્યારે સાડા સાત વાગી ગયા હતા. પણ એન્ટ્રીમાં જ જે મોટા મોટા ફોટા હતા એમાં ઝિનલ સાથે તો કોઈ બીજો જ છોકરો હતો ! નામ પણ લખ્યું હતું. 'ઝિનલ વિથ વૈભવ !'
'હવે આ વૈભવ કોણ હશે ?'
સલોનીના મનમાં આ સવાલ સળવળી રહ્યો હતો. અંદર જઈને તે સીધી જ ઝિનલને મળી. 'કોંગ્રેચ્યુલેશન્સ' કીધા પછી તરત જ પૂછ્યું :
'ઝિનલ ? પેલો મસ્તીખોર રૂપિન નહીં, ને ડાહ્યોડમરો સૌમિલ પણ નહીં ? તો આ વૈભવ કોણ છે ? અને કેવો છે ? પેલા બન્ને જેવો કડકો તો નથી જ ને ?'
'અરે, વૈભવ મસ્તીખોર પણ છે અને પૈસાદાર પણ છે !' ઝિનલે ચપટી વગાડીને આંખ મિચકારતાં કહ્યું 'જોયું ને ? મેરેજનું મેં પરફેક્ટ સોલ્યુશન કાઢ્યું ને ?'
સલોનીએ કાન પકડયા : 'વાહ ! તું તો બહું હોંશિયાર નીકળી હોં ? પણ યાર, આઠ વાગવા આવ્યા….તારો મૂરતિયો હજી કેમ દેખાતો નથી ?'
ત્યાં જ ઝિનલના ફોનમાં એક વોઇસ મેસેજ આવ્યો, 'ડિયર ઝિનુ ! બસ, હું રસ્તામાં જ છું ! આ દીવથી નીકળવામાં જરાક, લેટ થઈ ગયું…લવ યુ માય ડાર્લિંગ !'
'દીવ ?' સલોનીને નવાઈ લાગી, 'યાર ઝિનલ ! આજે તમારી સગાઈ છે અને તારો આ વૈભવ હજી દીવમાં ફરે છે ?'
ઝિનલે જવાબ ન આપ્યો. સલોનીના મનમાં એ વખતે એક ગાયન ગુંજી ઊઠયું : 'કભી કિસી કો મુકમ્મિલ જહાઁ નહીં મિલતા….'