આ ઑરા ફાર્મિંગ એટલે શું?

- નેટ-બોલી
- રજનીકાંત પોતાના સનગ્લાસને સ્ટાઇલથી ઉતારે છે અને પહેરે છે. રજનીકાંત અહીં ઑરા ફાર્મિંગ કરે છે. બીજો કોઈ ફિલ્મી હીરો મોટો વિસ્ફોટ કરે છે
સૌ થી પહેલાં તો, ઑરા (છેચિ)એટલે શુ? ઑરા એટલે માણસની ફરતે રચાતું તેજમંડળ, એક અદ્રશ્ય ઉર્જા… પણ સોશિયલ મીડિયા પર 'ઑરા'નો અર્થ સાવ અલગ જ થાય છે. અહીં ઑરા એટલે કોઈ વ્યક્તિનું કૂલ હોવું, કોન્ફિડન્ટ હોવું, આકર્ષક વ્યક્તિત્વ ધરાવવું, પોતાની વાઇબ હોવી. ઑરા હોવી એટલે રૂઆબ જમાવવો, સ્ટાઇલ મારવી, સ્વેગ દેખાડવો તેમ પણ કહી શકાય.
જો તમે કોઈ સરસ કામ સ્ટાઇલિશ કે આત્મવિશ્વાસપૂર્ણ કામ કરો છો, તો તમે ઑરા મેળવો છો. જો તમે શરમાવવું પડે તેવું કે શરમજનક કામ કરો છો, તો તમે ઑરા ગુમાવો છો!
કેટલાક ઉદાહરણ લો:
વિરાટ કોહલી સનગ્લાસ પહેરીને મેદાન પર આવે છે:
+૧૦૦૦ ઑરા
એક સ્ટુડન્ટ સ્ટેજ પર જતાં જ ઠોકર ખાઈને ગબડી પડે છે:
-૫૦૦ ઑરા
કોઈ ક્રિકેટર એક ઓવરમાં ચાર છગ્ગા મારે છે: 'બ્રો ગેઇન્ડ ઇન્ફાઇનાઇટ ઑરા.'
કોઈ યુવાન ભરી રેસ્ટોરાંમાં એની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે: 'બોસ… +૧૦,૦૦૦ ઑરા!'
હવે ઑરા પછી હવે ઑરા ફાર્મિંગ પર આવીએ. હવે આ ઑરા ફાર્મિંગ શું છે? ઑરાની ખેતી? નો, સર. ઑરા ફાર્મિંગ એટલે કોઈ માત્ર 'કૂલ' દેખાવા માટે જ જાણીજોઈને સ્ટાઇલિશ હરકતો કરતો હોય, તે.
યાદ કરો, રજનીકાંત પોતાના સનગ્લાસને સ્ટાઇલથી ઉતારે છે અને પહેરે છે. રજનીકાંત અહીં ઑરા ફાર્મિંગ કરે છે. બીજો કોઈ ફિલ્મી હીરો મોટો વિસ્ફોટ કરે છે અને પછી પાછળ જોયા વગર સ્લો-મોશનમાં રોફથી ચાલે છે. આ હીરો પણ અહીં ઑરા ફાર્મિંગ કરી
રહ્યો છે.
સોશિયલ મિડીયા પર ઑરા ફાર્મિંગ શબ્દપ્રયોગ સામાન્યપણે મજાકમાં વપરાય છે. જેમ કે, 'અરે યાર, એ ક્રિકેટ નથી રમતો, એ તો ઑરા ફાર્મિંગ કરી
રહ્યો છે.'
તમારો ફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરે છે. મોંઘી કાર, ડિઝાઇનર કપડાં, મોંઘીદાટ રિસ્ટવોચ અને કોઈ કેપ્શન નહીં. તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો: 'ઑરા ફાર્મિંગ એટ ઇટ્સ પીક!'
અગાઉ નોંધ્યું તેમ, સોશિયલ મિડીયા પર નેટિઝન્સ ઑરા સ્કોર પણ આપે છે.
ઉદાહરણો:
અજાણી વ્યક્તિ માટે દરવાજો ખુલ્લો રાખવો: +૩૦૦ ઑરા
તમારું અપમાન કરનાર વ્યક્તિને ઇગ્નોર કરવી: +૭૦૦ ઑરા
કોઈને ઇમ્પ્રેસ કરવા જતાં હાથમાંથી ફોન પાડી દેવો:
-૧૦૦૦ ઑરા









