Shatdal

વિજ્ઞાન ભૈરવ તંત્ર: અનુભવથી આત્મબોધ સુધી

By GS Team
18 Aug 20266 mins read
વિજ્ઞાન ભૈરવ તંત્ર: અનુભવથી આત્મબોધ સુધી
  • ગોચર-અગોચર-દેવેશ મહેતા
  • શૈવદર્શનમાં પ્રકાશ માત્ર ભૌતિક પ્રકાશ નથી. તે ચેતનાની એવી સ્વપ્રકાશી ક્ષમતા છે જેને કારણે અનુભવ 'જ્ઞાત' બને છે.
    સમગ્ર શરીરને ચેતનામય માનો અને સમગ્ર જગતને પણ ચેતનામય તરીકે અનુભવો જ્યારે મન વિકલ્પોથી મુક્ત થાય છે ત્યારે પરમ અવસ્થાની અનુભૂતિ તરફ ગતિ થાય છે. 'યત્ર યત્ર મનો યાતિ બાહ્યાભ્યન્તરવર્તિષુ ।
    તત્ર તત્ર શિવાવસ્થા વ્યાપ્યતે કિં નુ વર્તતે ।।
    મન બહારની કે અંદરની કોઇપણ વસ્તુ તરફ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં શિવની અવસ્થા વ્યાપ્ત છે, એવું કયું સ્થાન છે જ્યાં તે વ્યાપ્ત નથી ?'
    'કિંચિદ્ અન્તર્મુખીભૂય કર્ણે નાદં વિચિન્તયેત્ ।
    અનાહતસ્ય શબ્દસ્ય ધ્વને: અન્તે મનો લય: ।।
    મનને થોડું અંતર્મુખ કરીને આંતરિક નાદનું ધ્યાન કરવું. અનાહત નાદના સૂક્ષ્મ ધ્વનિના અંતમાં મનનું વિલીન થવાનું અનુભવાય છે.'
    'સર્વં દેહં ચિન્મયં હિ જગધા પરિભાવયેત્ ।
    યુગપન્નિર્વિકલ્પેન મનસા પરમં વ્રજેત્ ।।
    સમગ્ર શરીરને ચેતનામય માનો અને સમગ્ર જગતને પણ ચેતનામય તરીકે અનુભવો જ્યારે મન વિકલ્પોથી મુક્ત થાય છે ત્યારે પરમ અવસ્થાની અનુભૂતિ તરફ ગતિ થાય છે.'
    'ક્રોધે ચ ભયસંભ્રમે વા હર્ષે વા ચિત્ત વિભ્રમે ।
    તત્ર તત્ર સ્થિતં ચિત્તં ભૈરવત્વં પ્રપદ્યતે ।।
    ક્રોધ, ભય, અચાનક ચકિત થવું કે અત્યંત આનંદ જેવી સ્થિતિઓમાં જ્યારે ચિત્તની સામાન્ય ગતિ બદલાઈ ત્યારે તે ક્ષણમાં જાગૃત રહેવું, આવી તીવ્ર ક્ષણો ચિત્તને ભૈરવ-ચેતનાની અનુુભૂતિ તરફ લઇ જઇ શકે છે.'
    'જ્ઞાનં નિરાશ્રયં કૃત્વા જ્ઞાનહોયવિવર્જિતમ્ ।
    જ્ઞાનમાત્રં પરં તત્ત્વં ભૈરવં પરિભાવયેત્ ।।
    જ્ઞાનને કોઇ આધાર કે અલગ જ્ઞોય પર આધારિત ન રાખીને, જ્ઞાતા અનએ જ્ઞોયના ભેદથી આગળ જે શુદ્ધ જ્ઞાનમાત્ર તત્ત્વ છે તેનું ભૈરવ રૂપે ધ્યાન કરવું.'
    'શક્તિસંગમસંક્ષોભે યદ્ આનંદ પ્રવર્તતે ।
    તત્રૈવાત્મા ચિદાનંદં મનસા સંવિભાવયેત્ ।।
    શક્તિના સંયોગથી જ્યારે અચાનક ગહન આનંદની અનુભૂતિ થાય, ત્યારે તે આનંદમાં જ ચેતનાના આનંદ સ્વરૂપનું ધ્યાન કરવું. અર્થાત્ આનંદને માત્ર ઇન્દ્રિય સુખ તરીકે ન જોવો, પરંતુ આનંદની ક્ષણે પ્રગટ થતી ચેતનાને ઓળખવાનો પ્રયત્ન કરવો.'
  • વિજ્ઞાન ભૈરવ તંત્ર
    માનવ જાતના જ્ઞાનના ઇતિહાસમાં કેટલાક એવા ગ્રંથો છે જે યાવચ્ચદ્રદિવાકરૌ મૂલ્યવાન રહે એવા છે. કાશ્મીર શૈવ પરંપરાનો વિજ્ઞાન ભૈરવ તંત્ર એવો જ એક અદ્ભુત ગ્રંથ છે. તે માત્ર ધાર્મિક કે તાંત્રિક ગ્રંથ જ નથી. તે મૂળભૂત રીતે ચેતના, અનુભવ, શ્વાસ, વિચાર, શૂન્યતા, ધ્વનિ, દ્રષ્ટા અને પરમ વાસ્તવિકતાની શોધ માટેની એક આંતરિક યાત્રા છે. ભૈરવી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે ભૈરવ ચેતનાના સ્વરૂપ સુધી પહોંચવાના અનેક માર્ગો બતાવે છે. આ ગ્રંથ આધ્યાત્મિક સાધનાનો ગ્રંથ તો છે જ, તે સનાતન સત્યને પામવાનો ઉપાય પણ દર્શાવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં જ્યારે માનવી પદાર્થની અત્યંત સૂક્ષ્મ રચનાથી લઇને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ સુધીના રહસ્યો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે વિજ્ઞાન ભૈરવ તંત્ર વધુ આંતરિક પ્રશ્ન આપણી આગળ મૂકે છે - જે ચેતનાના માધ્યમથી આપણે આ સમગ્ર વિશ્વને જાણીએ છીએ તે ચેતના પોતે શું છે ?
    વિજ્ઞાન ભૈરવની શરૂઆત જ એક ઊંડા પ્રશ્નથી થાય છે. ભૈરવી (પાર્વતી) ભૈરવ (શિવ)ને પૂછે કે વિવિધ તંત્રો અને દર્શનો સાંભળ્યા પછી પણ એક વાત જાણવી છે કે પરમ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? આ જ આ ગ્રંથની વિશેષતા છે. તે કોઇ એક મતને અંતિમ સત્ય માનીને યાત્રા શરૂ કરતો નથી તે પ્રશ્ન હતો કે વસ્તુઓ પૃથ્વી તરફ શા માટે પડે છે ? આઈન્સ્ટાઈન સામે પ્રશ્ન હતો કે પ્રકાશ, સમય અને ગતિનો વાસ્તવિક સંબંધ શું છે ? ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાન સામે પ્રશ્ન હતો કે સૂક્ષ્મ જગત આપણી સામાન્ય બુદ્ધિના નિયમોનું પાલન શા માટે કરતું નથી ? જો કે વિજ્ઞાન ભૈરવનો પ્રશ્ન એક પગલું વધારે અંદર જાય છે - જે ચેતનાના માધ્યમથી હું સમગ્ર વિશ્વને જાણું છું તે ચેતના પોતે શું છે ?
    અર્વાચીન વિજ્ઞાન મુખ્યત્વે બાહ્ય જગતનું માપન કરે છે. વિજ્ઞાન ભૈરવ પોતે જ અનુભવને પ્રયોગ શાળા બનાવી દે છે. આપણને સામાન્ય દ્રષ્ટિએ જગત વસ્તુઓથી બનેલું દેખાય છે. પથ્થર, વૃક્ષ, પાણી, પૃથ્વી, શરીર આ બધું પદાર્થ કે વસ્તુ રૂપ દ્રશ્યમાન થાય છે પરંતુ વિજ્ઞાનની યાત્રાએ આપણને શીખવ્યું કે દેખાતી વસ્તુ તેની અંતિમ રચના નથી. પ્રાચીન ભારતમાં વૈશેષિક દર્શને પદાર્થના પરમાણુવાદી વિશ્લેષણનો વિકાસ કર્યો હતો. આધુનિક વિજ્ઞાને આ પ્રશ્નને આગળ ધપાવ્યો - પરમાણુની અંદર શું છે ? પછી નાભિક ઇલેક્ટ્રોન, ક્વૉન્ટમ અવસ્થાઓ અને ક્વૉન્ટમ ફિલ્ડસ સુધી વિચાર આગળ વધ્યો. આજે ક્વૉન્ટમ ફિલ્ડ થિયરીમાં કણોને સંબંધિત ક્ષેત્રોની ઉત્તેજિત અવસ્થાઓ તરીકે સમજવામાં આવે છે.
    વિજ્ઞાન ભૈરવનો સ્પંદ શબ્દ વૈજ્ઞાનિક-તાત્ત્વિક પ્રતિધ્વનિ ઊભો કરે છે. કાશ્મીર શૈવ દર્શનમાં 'સ્પંદ'નો અર્થ માત્ર યાંત્રિક કંપન નથી. તે ચેતનાની જીવંત સ્ફુરણશીલતા, ગતિશીલ અભિવ્યક્તિ અને સતત સર્જનાત્મક શક્તિ તરફ સંકેત કરે છે. ભૌતિક વિજ્ઞાન સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે આપણને સ્થિર વસ્તુ દેખાય છે તેની પાછળ કોઇ વધુ મૂળભૂત ગતિશીલ પ્રક્રિયા હોઈ શકે ? વિજ્ઞાન ભૈરવ અનુભવના સ્તરે કહે છે કે સ્થિર દેખાતી વસ્તુઓ અને અવસ્થાઓની પાછળ પણ સતત સ્ફુરણ છે.
    વિજ્ઞાન ભૈરવ અને કાશ્મીર શૈવદર્શનમાં શિવ અને શક્તિને બે સ્વતંત્ર વસ્તુઓ તરીકે જોવામાં આવતાં નથી. શિવ ચેતનાનું મૂળ તત્ત્વ છે અને શક્તિ એ જ ચેતનાની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. શૈવ પરંપરા આ સંબંધને અગ્નિ અને તેની દાહક શક્તિના ઉદાહરણથી સમજાવે છે.
    વૈજ્ઞાન ભૈરવની અદ્ભુત વિશેષતાઓમાંની એક એ છે કે તે સાધકને કોઇ દૂરના લોકમાં મોકલતો નથી. તે કહે છે - તમારા પોતાના શ્વાસને જુઓ. શ્વાસ અને મન વિજ્ઞાન ભૈરવની જીવંત પ્રયોગશાળા છે. શ્વાસ આવે છે અને જાય છે પરંતુ બે શ્વાસોની વચ્ચેના સૂક્ષ્મ સંક્રમણ પર આપણે સામાન્યરીતે ધ્યાન આપતા નથી. વિજ્ઞાન ભૈરવ આજ અવકાશ પર ધ્યાન દોરે છે. શ્વાસના આવાગમન અને તેના સંક્રમણ બિંદુઓમાં એવી ક્ષણો આવે છે જ્યાં મનને તેની સામાન્ય ગતિથી થોડું પાછળ ખેંચીને વધુ સૂક્ષ્મ જાગૃતિમાં સ્થિર કરી શકાય. શ્વાસ અહીં માત્ર શરીરની જૈવિક ક્રિયા નથી રહેતો, તે ચેતનાનું નિરીક્ષણ કરવાની જીવંત પદ્ધતિ બની જાય છે. આધુનિક વિજ્ઞાન શ્વાસને શારીરિક અને ન્યૂરોફિઝિયોલોજિકલ પ્રક્રિયા તરીકે સમજાવે છે જ્યારે વિજ્ઞાન ભૈરવ તંત્ર શ્વાસને આત્મ-અવલોકનના દ્વાર તરીકે જુએ છે. શ્વાસ શરીર અને આત્માને જોડનારો સેતુ છે.
    વિજ્ઞાન ભૈરવ તંત્રનું શૂન્ય અનુભવાત્મક અને તાત્ત્વિક સંદર્ભ ધરાવે છે. જ્યારે સામાન્ય વિચારો, કલ્પનાઓ અને માનસિક ક્રિયાકલાપો થોડા સમય માટે શાંત થાય છે ત્યારે જે આંતરિક અવકાશનો અનુભવ થાય છે તેને શૂન્ય તરફના સંકેત તરીકે જોઇ શકાય છે. અહીં એક ગહન પ્રશ્ન ઊભો થાય છે - જો વિચાર નથી તો શું ચેતના પણ નથી ? વિજ્ઞાન ભૈરવનો દ્રષ્ટિકોણ કહે છે કે વિચારનો અભાવ ચેતનાનો અભાવ નથી. 'પ્રકાશ' શબ્દ પણ વિજ્ઞાન ભૈરવમાં ખૂબ ગહન અર્થ ધરાવે છે. ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન છે જે ઊર્જાવહન કરે છે અને આપણા માટે બ્રહ્માંડને જાણવાનું મુખ્ય માધ્યમ છે. પરંતુ શૈવદર્શનમાં પ્રકાશ માત્ર ભૌતિક પ્રકાશ નથી. તે ચેતનાની એવી સ્વપ્રકાશી ક્ષમતા છે જેને કારણે અનુભવ 'જ્ઞાત' બને છે. સૂર્યનો પ્રકાશ કોઇ વસ્તુને દ્રશ્યમાન બનાવે છે જ્યારે ચેતનાનો પ્રકાશ કોઇ અનુભવને જ્ઞાત બનાવે છે. ભૌતિક વિજ્ઞાન આપણને પૂછે છે કે બહારનું વિશ્વ કેવી રીતે દેખાય છે ? જ્યારે વિજ્ઞાન ભૈરવ પૂછે છે કે જે દેખાય છે તેને જાણનાર કોણ છે ?
    વિજ્ઞાન ભૈરવનો અહીં ગહન પ્રશ્ન સામે આવે છે - 'દ્રષ્ટા કોણ છે ?' આપણે વિચારને જોઇ શકીએ છીએ, ભાવનાને જોઈ શકીએ છીએ, શરીરને અનુભવી શકીએ છીએ, શ્વાસનો અનુભવ કરી શકીએ છીએ, પરંતુ જે આ બધાને જોઈ-જાણી-અનુભવી રહ્યું છે તેનું સ્વરૂપ શું છે ? તમે જે શોધી રહ્યા છો તેની સાથે શોધનારને પણ જુઓ. તમે વિચારને ઓળખો છો, પણ વિચારને ઓળખનાર કોણ છે ? તમે શ્વાસને અનુભવો છો પરંતુ શ્વાસના અનુભવનો સાક્ષી કોણ છે ? વિજ્ઞાન ભૈરવ કહે છે કે આના અનુભવ માટે સીધા આંતર અનુભવની યાત્રા કરવી પડે છે. ચેતનાના પ્રત્યક્ષ અનુભવનું આંતરિક અનુસંધાન પ્રાપ્ત કરવાથી શિવતત્વની અનુભૂતિ થાય છે. વિજ્ઞાન ભૈરવ તંત્રમાં મનની પાર જવાની અને ચેતનાને સમજવાની ૧૧૨ ધ્યાનપદ્ધતિઓ આપેલી છે. આ બધી જ પદ્ધતિઓ જીવનમાં જાગૃતિ લાવવાની પ્રવિધિઓ છે.