Shatdal

આઈહોલ પારણે ઝૂલે અનુપમ મંદિર સ્થાપત્ય

By GS Team
14 Jul 20266 mins read
TukuTouch Logo
કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલા આઈહોલમાં પ્રાચીન મંદિરોનો ખજાનો છુપાયેલો છે. યુકેના સ્થપતિ જ્યોર્જ મિશેલ અને ભારતના સ્નેહલ શાહ જેવા સંશોધકોએ આ સ્થળનો ઊંડો અભ્યાસ કર્યો છે. માલપ્રભા નદી કિનારે આવેલા આ રાવણફડી ગુફા મંદિરો 6ઠ્ઠી સદીના ચાલુક્ય શાસનની કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે, જે વૈશ્વિક સ્તરે ઓળખાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઈહોલ પારણે ઝૂલે અનુપમ મંદિર સ્થાપત્ય
  • રસવલ્લરી - સુધા ભટ્ટ
  • પ્રાચીન ગ્રંથોમાં માલપ્રભા નદીનાં નીર યુદ્ધને કારણે લાલ થઈ ગયાનો
    ઉલ્લેખ છે - ત્યારે પનિહારીઓએ
    'હોળે એ હોળે' !
    ચિત્કાર કરેલો.

પારકી છઠ્ઠીના જાગતલ સ્થપતિ જ્યોર્જ મિશેલ
સંશોધકોએ ધમરોળેલો આ પ્રદેશ તેના કણેકણમાં વિશિષ્ટ દૈવી તત્વો ધરાવે છે. આરંભે ઉલ્લેખિત ચારેય ગામોમાં ભારતીય ઉપરાંત વિદેશી અભ્યાસુઓએ પણ ખાસ્સો રસ લીધો. વારંવાર ભારતની મુલાકાત લઈ તેમણે આ સ્થાપત્યોની શૈલીઓનો અભ્યાસ કરી વિવિધ તારણો રસિકો સમક્ષ મૂક્યાં. પિઆ બ્રાન્કેશિયો નામના સ્થપતિએ મહારાષ્ટ્રની ઇલોરા ગુફાઓ, આઈહોલના રાવણફડી ગુફા મંદિરનો સુપેરે અભ્યાસ કરી દક્ષિણ ભારતની રૉકકટ શૈલી વિશે પોતાના અમૂલ્ય અભિપ્રાયો આપ્યા. તેમણે દક્ષિણના તામિલાડુના મંદિરોની શૈલી ઉપર પણ પ્રકાશ પાડયો. જેમ્સ હર્લી નામના સંશોધક કહે છે કે આઈહોલની રાવણફડી ગુફા શૈલીની દ્રષ્ટિએ સાવ નોખી-અનોખી છે. અહીંના ગીચ છતાં સુંદર કલાકર્મને વિશ્વસ્તરે ઓળખ મળી છે. યુ.કે. સ્થિત જ્યોર્જ મિશેલ નામક સ્થપતિની સંશોધન કાર્યની રીત બિલકુલ અલગ છે. તેઓ થોડા થોડા સમયના અંતરાલે સતત કર્ણાટકની મુલાકાતે આવીને દર વખતે કાંઈક નવું શોધી કાઢી ભાવકોને આશ્ચર્યમુગ્ધ કરી દે છે. તેમનાં સંશોધન અને રચનાત્મક લેખનમાંથી નીકળતું નવનીત વાચકને તેમાં રસતરબોળ કરી દે. ઝીણું કાંતીને ભારતના આ ખજાનાને ગૌરવ અપાવવા તેઓ પ્રવૃત્ત રહે છે. સતત ભ્રમણ, ઝીણાં એ અવલોકનોનો લાભ અમદાવાદ સ્થિત જાણીતા આર્કિટેક્ટ શ્રી સ્નેહલ શાહને તેઓ સાદર સમર્પિત કરે છે અને એકમેકના સાથમાં, પરિવારભાવનાસહ ભારતની આ ધરોહરને નવાં આયામ અપાવવાની રીત શોધી કાઢે છે. સ્થપતિની દ્રષ્ટિએ શાસ્ત્રીય રીતે સ્કેચ (રેખાચિત્રો) બનાવી ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણને આધારિત, વૈજ્ઞાનિક ઢબે થિયરી બનાવી નવાં સ્થાપત્યોની રચનામાં આપણી વારસાગત કળા કખઈરીતે કામ આવે એનું ચયન કરે છે. જ્યોર્જ મિશેલ તસવીરો સહિતના આધારસ્તંભ જેવાં પુસ્તકો પ્રકાશિત કરી ઉત્સુકોનાં મન, હૃદય, મસ્તિષ્કમાં અજવાળાં પાથરે છે.
ભારતીય મંદિર સ્થાપત્યનું પારણું છે આઈહોલ
આ આઈહોલ ગામનું મૂળ નામ છે આર્યપુરા. એને આઈવલ્લી, આહિવોલણ, એહોળે, એહોળ, આય્યાવળે, અય્યાહોળે, અહિહોળે અને સંસ્કૃત નામ આહિચ્છત્રપુરથી પણ ઓળખી શકાય. પ્રાચીન ગ્રંથોમાં માલપ્રભા નદીનાં નીર યુદ્ધને કારણે લાલ થઈ ગયાનો ઉલ્લેખ છે - ત્યારે પનિહારીઓએ 'હોળે એ હોળે' ! ચિત્કાર કરેલો. 'હોળે' શબ્દ રક્ત કે લાલ રંગના અનુસંધાને હોઈ શકે - તેથી એહોલે. તો ચાલુક્ય વંશના શાસકોએ આ સ્થળે મંદિર સ્થાપત્ય ક્ષેત્રે ઝૂકાવ્યું. પાંચમી સદીથી અહીંના ખડકો અને ગુફાઓની નોંધ તો લેવાની શરૂ થઈ જ ગઈ હતી પરંતુ એના રેતિયા પથ્થરો અને એની નૈસર્ગિક ગોઠવણીઓ જોઈ રાજા-મહારાજા અંજાઈ ગયેલા. કુદરતની કળા સાથે માનવીય કલાનો સંગમ થયેલો. અહીં ઊડીને આંખે વળગે છે. જ્યોર્જ મિશેલના મતે તો ચોથી સદીમાં આઈહોલમાં કાષ્ઠનાં અને ઇંટોના મંદિર બન્યાં હશે જે નાશ પામ્યાં હશે અને પછી પેલો પ્રયોગોનો દોર શરૂ થયો હશે. પાંચમી સદીમાં પથ્થરોના બેલાનો ઉપયોગ આ સ્થાપત્યોમાં થયો હોવાના પણ એંધાણ મળે છે. ગુપ્તવંશનો વહીવંચો આ સાખ પૂરે છે. લેખક મિશેલ નોંધે છે કે ચાલુક્યો આવ્યા પછી તેમાં કલ્યાણી અને રાષ્ટ્રકુટ રાજવંશો ભળેલા અને બૌદ્ધ મઠ, જૈન મંદિરો પણ પોતાનાં પગલાંની છાપ અહીં મૂકતા ગયા છે. શૈલીગત પુરાવાઓ, શિલાલેખોની નોંધ, ગ્રંથો આધારિત સ્થપતિઓ મળે છે કે આ વિસ્તાર સમૃદ્ધ, માપસરની વસ્તી અને છલકાતી સંપત્તિ ધરાવતો હતો તેથી અહીં મંદિર બાંધવા સહેલાં બન્યાં. આઈહોલનો કિલ્લો, માલપ્રભા નદી, તળાવાનો વૈભવ મુલાકાતીઓને આકર્ષતો. આ સ્થળ અને એના ખોળામાં બિરાજેલું કળાકર્મ વિધ વિધ પ્રકારની શૈલીનાં મંદિરોની સાક્ષી પૂરે છે. ગેરીટાર્ટકોવ નામના સંશોધક તો આ મંદિરોને બીજી સદીના અજંતા ઇલોરાના મંદિરો સાથે સરખાવતાં કહે છે કે 'સમયગાળો વધુ હોવા છતાં ગુફા અને પથ્થર નામનાં બે તત્વો તો સરખાં જ છે ને !'
આઈહોલ એટલે કળા, જ્ઞાન અને વિજ્ઞાનનો સરવાળો
ક્રિસ્ટોફર ટેડગેલ નામના અભ્યાસુ તો ત્યાં સુધી કહે છે કે આઈહોલનાં મંદિરો ઉપર બૌદ્ધ ચૈત્યગૃહોની અસર છે. ખેર ! અહીંના મંદિલો ભારતીય કળાનો ઉજાગર કરતા સ્થાપત્યો જ કહેવાય છે. અહીં ચાર પ્રકારના ખડક મહીં જન્મેલાં મંદિરો છે. જેમાં જૈન મંદિરો પણ સામેલ છે. દીવાલ કે પથ્થર પર ઉપસેલા 'રિલીફકલાકર્મ'ની અહીં બોલબાલા છે. આગળ આપણે રાવણફડી ગુફાની વાત કરીએ શ્રીસ્થળે આપણે સ્હેજ ઉંચા પગથિયાં ચડીને જ્યાં પહોંચીએ તો ગુફાની દીવાલ ઉપર અર્ધનારીશ્વરનું શિલ્પ દેખાય - શિવ અને પાર્વતી કૈલાસ પર્વતની જેમ અહીં પણ સ્હેજ ઊંચા ખડક પર સ્થિત છે. અહીં, પ્રવેશે નંદી ગર્ભગૃહ તરફ મુખારવિંદ કરી બેઠેલા છે. લંબચોરસ પરસાળે શિવલિંગ અને મંડપ નજરે ચડે. આ ગુફામાં પ્રવેશદ્વારે ડાબે-જમણે બે દ્વારપાળ નજરે ચડે. જેમની બાજુનાં 'નિધિ' (ભંડાર-ખજાનો)નું પ્રતીક છે. પ્રથમ મંડપમાં કલાત્મક નક્શી-કોતરણીવાળો ગોખલો છે. છઠ્ઠી સદીનું આ કલામંડળ એક અદ્ભુત આભા ધરાવે છે. સાથે સપ્તમાતૃકાઓ શાક્ત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. નટરાજ અહીં પાર્વતી સાથે દ્રષ્ટિગોચર થાય. ગણેશ અને કાર્તિકેય વડે પરિવાર અહીં પૂર્ણ થતો લાગે. મુખ્યમંડપની 'હરિહર' કલાકૃતિમાં શિવ અને વિષ્ણુ ડાબે-જમણે દર્શન દે. અહીં થોડાં ઝાંખા થયેલા ચિત્રોમાં નદીઓનાં વહેણ દેખાય. મુખ્યમંડપ અન્ય બે ચોરસ મંડપને જોડાયેલો છે. જેમાં ગર્ભગૃહમાં વરાહ અવતાર અને મહિષાસુર મર્દિની ઉપરાંત છતમાં અદ્વિતીય શૈલીનાં ગરૂડની પાંખે લક્ષ્મી-વિષ્ણુ ઉડ્ડયન કરતા લાગે. ઇન્દ્ર-ઇન્દ્રાણી અને ઐરાવત હાથીની હાજરી અહીં સેહ પૂરતાં કહે છે કે આઈહોલનાં બીજા મંદિરો કેવાં હશે!!
લસરકો ઃ
કર્ણાટકના બાગલકોટ જિલ્લાના આઈહોલમાં રેતિયા પથ્થરોના ખડકો, ગુફાઓ, નદી-તળાવોના સાન્નિધ્યમાં એક ગૂંજ ઉઠી… 'મંદિરો દેવનાં દીધેલ છે, માંગી લીધેલ છે… ઘડાયાં છે તો અમર થઈને રહો… હા… હા… આ… તમને હાલાં.. વ્હાલાં…'

  • છઠ્ઠી સદીનાં 'નોટાબેને' (પંક્તિમાં પ્રથમ) મંદિરો કર્ણાટકમાં!

કર્ણાટકના પ્રાચીન મંદિરોના લલાટે જશરેખા અંકાયેલી છે. અલબત્ત, ઇતિહાસ સાક્ષી બને છે કે ચાલુક્ય વંશે બદામી, આઈહોલ, પટ્ટદકલ અને હમ્પીનાં એવાં સ્મારકો ઊભાં કર્યાં કે જે આ પૃથ્વી પર માનવસર્જિત સ્થાપત્યોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આનંદ અને આશ્ચર્યની વાત તો એ છે કે આ ચારેય સ્થળોનાં થઈને સેંકડો મંદિરોમાં દરેકમાં કોઈ એક નવું અચરજ જોવા મળે. જેમ જેમ તેઓ આ સ્થાપત્યોમાં ઊંડા ઉતરતાં ગયાં તેમ તેમ તેમના પ્રયોગોએ સીમા વટાવી. દરેક સિંગલ મંદિરમાંય કાંઈક નવું હોવું જોઈએ એવું એ રાજાઓનું રટણ કામ કરી ગયું. એ સમયના રાજાઓ પ્રજાવત્સલ પણ હતા અને કલાપ્રેમી તો હતા જ - તેથી એમના દ્રષ્ટિકોણ હંમેશ આગવા જ રહેતા. છેક છઠ્ઠી સદીથી અગિયારમી-બારમી સદી સુધી આ સર્જનયાત્રા ચાલી અને પછી… હંમેશ મુજબ આ કલાનો ખજાનો ગુમ થઈ ગયો. ક્યાં તો કોઈ કુદરતી આપત્તિ અથળા દુશ્મનોની કુમતિ. સોળમી, સત્તરમી સદીમાં સ્થાનિક રાજાઓ વચ્ચેના વૈમનસ્યો, મુસ્લિમ સુલતાનોના આક્રમણો, મરાઠા શાસન ઉપરાંત અઢારમી સદીમાં ટીપુ સુલતાનનું રાજ અને એને અનુસરીને બ્રિટિશ પંજો ભારત દેશ પર કસાયો. યાદ છે અજંતા-ઇલોરાની ગુફાઓ ? એ બીજી સદીની રચનાઓ પણ કાળમાં ગરકાવ થઈ ગઈ હતી અને પછી અઢારમી-ઓગણીસમી સદીમાં એક અંગ્રેજ અમલદારની નજરે પડી અને પછી તો આપણે સૌ જાણીએ છીએ… એ કેવી જગપ્રસિદ્ધ થઈ ગઈ ! હા, સંશોધનોનો દોર ચાલતો રહ્યો અને ઘણાં અભ્યાસુઓ, રસિકો, સ્થપતિઓ, સંશોધકો અને સર્જકો ભારતની ભોમકાની સુગંધીના મોહપાશમાં જકડાયા. પ્રસ્તુત 'આર્કિયોલોજિકલ સાઈટ્સ' ઉપરની રજ ખંખેરાઈ. એ બધાનું દસ્તાવેજીકરણ થવા માંડયું અને આઝાદી પછી તો 'પુરાતત્વ ખાતા'એ પણ આંખ તથા દ્રષ્ટિ બન્નેને કલાસેવાર્થે ખુલ્લાં મુકી દીધાં.