Shatdal

તુકારામ મુંઢે: સરકારી તંત્રના સિંઘમ બનવાની કળા

By GS Team
18 Aug 20265 mins read
તુકારામ મુંઢે: સરકારી તંત્રના સિંઘમ બનવાની કળા
  • હાઇ કોર્ટે ટિપ્પણી કરી કે તમે ફક્ત પ્રાઇવેટ કંપનીઓનું જ ઇન્સ્પેક્શન કરશો કે સરકારી જગ્યાઓને પણ ધ્યાનમાં લેશો? તુકારામે સૌથી પહેલાં હાઇ કોર્ટની કેન્ટીનમાં જ ઇન્સપેક્શન કરાવી નાખ્યું.

કલ્પના કરો કે ફિલ્મસ્ટારો અને ક્રિકેટરો પાછળ ઘેલા થઈ જતા આપણા દેશમાં એક આઈએએસ ઓફિસરને સેલિબ્રિટી સ્ટેટસ મળી જાય છે… અને તે પણ સાચાં કારણોસર! વાત થઈ રહી છે આજકાલ ખૂબ વાઈરલ થયેલા તુકારામ હરિભાઉ મુંઢેની. મહારાષ્ટ્ર કેડરના ૨૦૦૫ બેચના તેઓ IAS અધિકારી છે, જેમણે યુપીએસસીમાં તેમણે ઓલ ઇન્ડિયા રેન્ક ૨૦ મેળવી હતી. દુષ્કાળગ્રસ્ત બીડ જિલ્લાના એક સામાન્ય ખેડૂત પરિવારમાં એમનો જન્મ. નિયમોનો નિષ્પક્ષ અને કડક અમલ કરાવનારા અધિકારી તરીકેની એમની જડબેસલાક છાપ. ગેરકાયદેસર બાંધકામ, દબાણ, ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામે અનેક વખત કાર્યવાહી કરી છે. તેમન કામ કરવાની આ પ્રકારની નો-નોન્સેન્સ પદ્ધતિને કારણે જ રાજકારણીઓ અને વગદાર લોકો સાથે એમનો ટકરાવ થતો રહે છે. એટલે જ તુકારામના ચાહકો અને સમર્થકો એેમને મહારાષ્ટ્રની સરકારી વ્યવસ્થાના 'સિંઘમ' તરીકે ઓળખાવે છે. આ માણસની ૨૧ વર્ષની સર્વિસમાં ૨૫ વખત ટ્રાન્સફર થઈ હોય તો એમાં આશ્ચર્ય પામવા જેવું ખરું? આપણે ત્યાં પ્રામાણિક આઈએએસ-આઈપીએસ અધિકારીઓ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર થવો સામાન્ય બાબત છે. મે ૨૦૨૬માં તેમને મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર બનાવવામાં આવ્યા ને તે સાથે જે એમણે સપાટો બોલાવી દીધો. તેમ છતાં તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ બહુ સ્પષ્ટ છે - તેમણે લોકોમાં આશા જગાવી છે કે સામે ગમે એવડો મોટો તીરમારખાં કેમ ન હોય, નિયમો બધા માટે સરખા છે. પ્રફુલ્લ ગર્ગ નામના એક કોન્ટેન્ટ ક્રિયેટરે તુકારામ મુંઢે વિશે બનાવેલી રીલ ખાસ્સી વાઈરલ છે. આ યુવાન લગભગ મુગ્ધતાપૂર્વક દેશના વડાપ્રધાનને આગ્રહ કરે છે કે તુકારામ મુંઢેને તમે, પ્લીઝ, સરકારમાં ઊંચી પદવી પર નિયુક્ત કરો. લો, સાંભળો પ્રફુલ્લ ગર્ગની વાત અને પછી લોકોની કમેન્ટ્સ પણ વાંચો…

મોદીજીએ બે સિવિલ સર્વન્ટ્સને ટોપ પોલિટિકલ પોઝિશન આપી. એમણે એસ. જયશંકરને વિદેશપ્રધાન અને અશ્વિની વૈષ્ણવને રેલવેપ્રધાન બનાવ્યા. બન્નેએ સરસ કામ કર્યું. તો મોદીજીને વિનંતી એ છે કે - પ્લીઝ બધા એમને ટેગ કરજો - કે તુકારામ મુંઢેને પણ તમે હેલ્થ મિનિસ્ટ્રીમાં ઊંચી પોઝિશન આપો. એમને FSSAI (Food Safety and Standards Authority of India) ના વડા બનાવો, અથવા DCGI (Drugs Controller General of India)ના વડા બનાવો. શા માટે? કેમ કે ખાદ્ય પદાર્થો અને દવાઓ ભેળસેળ વગરનાં મળી શકે છે એવી આશા ભારતે લગભગ છોડી દીધી હતી. તુકારામ મુંઢેને FDA (Food and Drugs Administration) -મહારાષ્ટ્રના વડાના પદ પર માત્ર બે જ મહિના થયા હતા, ને એમણે ૩૧૩૭ હોટલો, રેસ્ટોરાંઓ, ખાણીપીણીની જગ્યાઓનું ઇન્સપેક્શન કરાવ્યું, અમેઝોન અને બ્લિન્કિટ સહિત ૭૬૪ કંપનીઓને નોટિસો મોકલી, વાંધાજનક ખોરાકનો ૫૫.૭૨ કરોડ રૂપિયાની કિંમતનો ૨૮.૬ લાખ કિલો જેટલો સ્ટોક જપ્ત કર્યો, ૯૧ હજાર લીટર જેટલું ભેળસેળિયું દૂધ જપ્ત કર્યું. મામલો કોર્ટમાં ગયો તો હાઇ કોર્ટે ટિપ્પણી કરી કે તમે ફક્ત પ્રાઇવેટ કંપનીઓનું જ ઇન્સ્પેક્શન કરશો કે સરકારી જગ્યાઓને પણ ધ્યાનમાં લેશો? તુકારામે શું કર્યું? એમણે સૌથી પહેલાં હાઇ કોર્ટની કેન્ટીનમાં જ ઇન્સપેક્શન કરાવી નાખ્યું.
…અને હવે વાત માત્ર મહારાષ્ટ્ર પૂરતી રહી નથી. કર્ણાટકના એફડીએ દ્વારા બેંગલુરુની કુલ ૨૬ થ્રી-સ્ટાર અને ફાઇવ-સ્ટાર હોટલનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું, જેમાંથી છ ફાઇવ-સ્ટાર હોટલોનું વાસી ખાણું ફેંકાવી દેવામાં આવ્યું. આજે તુકારામ મુંઢે જ્યાં પણ જાય છે લોકો એમને તાળીઓથી વધાવી લે છે. આવા પ્રામાણિક અને કાર્યદક્ષ ઓફિસરને શા માટે ટોપ પોઝિશન ન મળવી જોઈએ? મોદીજી, જો તમે એવો સંદેશો આપવા માગતા હો કે તમે દેશમાં પરિવર્તન આણી શકો છે, તો મહેરબાની કરીને તુકારામ મુંડેને તમે લીડરશિપ પોઝિશન આપો. - પ્રફુલ્લ ગર્ગ

ખરેખર, જો આ માણસ ભારતનો હેલ્થ મિનિસ્ટર બને તો અડધોઅડધ ભારતીયોની માંદગી દૂર થઈ જાય.

ચુપ! તુકારામ મુંઢે મિનિસ્ટર બનશે તો સરકારના ગુલામ થઈ જશે. એના કરતાં અત્યારે જ્યાં છે ત્યાં બરાબર છે.

ભાઈ, તુકારામને હેલ્થ મિનિસ્ટર બનાવવાની ડિમાન્ડ તો બરાબર છે, પણ એ રિટાયર થાય પછીને? એસ. જયશંકર અને અશ્વિની વૈષ્ણવ બન્ને રિટાયર થયા તે પછી જ મિનિસ્ટર બન્યા હતા.

સર, પેટ્રોલમાં પણ આ કડકાઈ જોઈએ છે. નો મિલાવટ.

તુકારામ મુંઢેેને ગ્રાઉન્ડ પર જ રહેવા દો. સાફસફાઈ અહીં જ કરવાની છે. જો એ મિનિસ્ટર બની જશે તો ગ્રાઉન્ડ લેવલ પર પાછો ભ્રષ્ટાચાર ખદબદવા લાગશે.

ના, એવું નથી. એક મિનિસ્ટર તરીકે પણ એ અદભુત કામ જ કરશે. પણ પહેલાં એમનો આ કાર્યકાળ પૂરો થવા દો. એ ભલે ગ્રાઉન્ડ લેવલ પર કચકચાવી સાફસફાઈ કરે. પછી એમને ઊંચી પોસ્ટ બનાવજો.

મોદીજી, આપણને તુકારામ મુંઢે જેવા સિવિલ સર્વન્ટ્સ અને ટોપ લીડર્સની જરૂર છે. વિચાર કરો, બે મહિનામાં ત્રણ હજાર કરતાંય વધારે ઇન્સપેક્શન કર્યાં, હાઇ કોર્ટની કેન્ટીનને પણ ન છોડી… આવા અધિકારીને સરકારે ફુલ સપોર્ટ કરવો જોઈએ. PMO India,, અમિત શાહ સર, ફૂડ સેફ્ટીના મામલામાં તુકારામ મુંડેજીને છુટ્ટો દોર આપી દો.

મોદીજી, પ્લીઝ, ડુ ઇટ સર.

આ વાત સોશિયલ મિડીયા પર એટલી ફેલાવી દો કે એની ગૂંજ છેક કેન્દ્ર સરકાર સુધી પહોંચે.

દોસ્ત, ઇતને એક્સાઇટ મત હોઈએ. ઇનકો રહને દીજિયે ઈસી પોસ્ટ પર. ઉનકે પાસ હેલ્થ મિનિસ્ટર સે જ્યારે પાવર હોતા હૈ. કમ સે કમ દો સાલ બિના રુકાવટ ઉનકો બસ કામ કરને દીજિયે. મૈં તો યહી દુઆ કરતા હૂં.

મારા મનની વાત કરી તેં, દોસ્ત.

સૌથી પહેલાં મને એ કહો કે તુકારામની પહેલાં મહારાષ્ટ્ર-એફડીએના કમિશનર કોણ હતા?

મોદીજી આપણે જે કહીએ છીએ તે ક્યાં માને છે? તેઓ તો લેફ્ટ લિબ્રાન્ડુઓનું જ સાંભળે છે ને એમનું કહ્યું જ સાંભળે છે.

અરે, પોલિટિશિયન્સને જો તુકારામ પસંદ જ હોત, તો એમની પચ્ચીસ-પચ્ચીસ વાર ટ્રાન્સફર શું કામ થઈ હોત?

રાજકારણીઓ પાસેથી તું વઘારે પડતી ઊંચી અપેક્ષાઓ રાખે છે. તને લાગે છે કે રાજકારણીઓ તુકારામને એમની રીતે કામ કરવા દેશે?