Shatdal

આ સદીએ 'શબ્દ'ને ખોઈ નાખ્યો છે

By GS Team
11 Aug 20265 mins read
આ સદીએ 'શબ્દ'ને ખોઈ નાખ્યો છે
  • ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
  • આપણા સમયમાં શબ્દને વધુને વધુ એના કૃત્રિમ કે કૃતકરૂપે યોજીને આપણે આપણી સાચી ભાષાને જ ગુમાવી દીધી છે.

શ બ્દ વિશે તો ઘણું લખાયું છે અને હજી પણ તે વિશે લખાતું રહેશે. છતાં પ્રશ્ન એ છે કે શબ્દની સાચી ઓળખ આપણને થઇ છે ખરી ? થોડા શબ્દો જાણ્યા, થોડી એક ભાષા આવડી, થોડીક ચાતુરી હાથવગી બની પછી ઇદમ્ તૃતીયમ્ લખવાનું શરૂ કરી દઇએ, એ શબ્દો વડે, શબ્દોને શણગારીએ, ભાષણો આપીએ, બડાશો હાંકીએ કે નમ્રતાનું મહોરું પહેરી ભાષાની પેલી ચાતુરીને યુક્તિ પ્રયુક્તિઓને વિસ્તારીએ તેથી શું શબ્દ સાથેનું સગપણ સાચું છે એવું કહી શકીશું ખરા ? કેટલાક મહાશયો શબ્દને માધ્યમ કહે છે. શબ્દ તેઓને માટે માધ્યમથી વધુ કશું નથી. માધ્યમ એટલે શું એમનો નોકર ચાકર ? પણ વાત જવા દો. કેટલાક શબ્દને જ ગતિ અને ગંતવ્ય લખે છે. શબ્દ જ તેમનો હેતુ અને શબ્દ જ જોખીને તોળીને બબોલે કે લખે છે. શબ્દને તે કદી દાસ લેખતા નથી કે શબ્દ સ્વામી જેવા જાતે જ ઇલ્કાબો લઇ લેતા નથી. શબ્દ જાણ્યા પછી પણ કબીરે એવા શબ્દ વિશે ક્યાં કશો ફોડ પાડયો હતો ? ઊલટાનું કહેતા હતા કે શબ્દમાં ખબર પડવી કે શબ્દને જાણવો તો ઘણી અઘરી અને દૂરની વાત છે.
કેટલાકને માટે શબ્દ શબ્દ નહીં, ચિત્ર હોય છે. ચિત્ર અંદરનું અને ચિત્ર બહારનું ચિત-ચિત્ત બંને સાથે એવાં શબ્દ જોડાઈને સ્પંદતો હોય છે. કેટલાકને માટે શબ્દ ધબક હોય છે. એકે એક શબ્દને હૈયામાં ઝબકોળે, તેની ધબક સાથે જોડે અને પછી એ શબ્દની ધબકમાં બધું એકાકાર કરી મૂકે. કેટલાકને માટે શબ્દ સુવાસ છે. શબ્દ લખે, ઉચ્ચારે કે તેના વિશે વાત કરે ત્યારે તે શબ્દ શબ્દ મટીને પુષ્પ થઇ જાય, મહેકથી ભર્યો ભર્યો હોય તેવું અનુભવી રહે. ક્યારેક એવા અલ્પાતિઅલ્પ શબ્દો પણ વિશ્વના ઘણા ગૂઢાર્થો કે સંકેતો પ્રસારી રહેતા હોય છે.
વાત એમ પણ કરી શકાય. શું શબ્દ આપણું માધ્યમ છે કે આપણે શબ્દનું માધ્યમ છીએ ? સાચું કદાચ એ છે કે આપણે માધ્યમ છીએ. શબ્દ આપણાં વડે પ્રકટ થવા જાય છે ત્યારે આપણા કુળ-મૂળ-સંસ્કાર બધાંનો પરિચય કરાવી રહે છે. આપણા અર્થ અને ધ્યાનને પણ તે સ્પષ્ટ કરી રહે છે. આપણી ચાતુરી કે યુક્તિ-પ્રયુક્તિને પણ તે છતાં કરી રહે છે. શબ્દના હું કે તમે ક્યારેય સ્વામી નથી કે થઈ શકનાર પણ નથી. શબ્દ સ્વયં સ્વામી છે. શબ્દને જે ઋષિ-મુનિઓએ બ્રહ્મની કક્ષાએ મૂક્યો હોય તેનો પછી તે કોઈ સ્વામી હોઈ શકે કે ?આ શબ્દ પાસે શું નથી કે શું છે તેનો હિસાબ કોઇએ માંડવા જેવો છે. વિશ્વની પ્રશિષ્ટ કૃતિઓ પર જો નજર નાખીએ તો તે વાત તરત સમજાઈ જશે.
આ શબ્દ નિ:સીમ છે. સ્વતંત્ર છે, તેના પોતાનાં નીતિ-નિયમો છે. તાબેદારી તેને સ્વીકાર્ય નથી. નોકરશાઈ કે સત્તાશાઈથી તે દૂર રહે છે. કોઇક કોઈક એડી નીચે લાવવા મથ્યું છે ત્યારે પણ કાળના કોઈક વિશિષ્ટ પટ પર શબ્દ એ બધું ખુલ્લું મુકી દે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી રહે છે. કૃત્રિમ ઇતિહાસ કરામતી પ્રશસ્તિઓ કે તેવી રચનાઓ કાવ્યો- કથાઓ ઉપરથી આવરણો દૂર થઇ જાય છે. શબ્દને છેતરી જવામાં માહેર જ પછી એક દિવસ ખુલ્લા પડી રહે છે અને શબ્દ સત્-ચિત્ બધાંનો હિસાબ આપી રહે છે. પૃથ્વી પરના માનવીઓનાં કરતૂતોની સંતાયેલી અર્ધઢંકાયેલી કથાઓ શબ્દ જાણે છે. હજારો હજારો લોકોની આંખમાં અકાળે થીજી ગયેલાં આંસુઓનું ભગ્ન વિશ્વ પણ એ શબ્દ પાસે છે. તો પીડનવૃત્તિવાળાનો વ્યંગ્ય-ઉપહાસ કટાક્ષ બધું પણ એ શબ્દ પોતાની ભીતર સંગ્રહીને બેઠો છે. શબ્દ પાસે કરુણાનું વિશ્વ પણ છે. માનવની ઉદાત્ત ઉન્નત ધબકતો એક ઇતિહાસ પણ એની ભીતર જ ધબકી રહ્યો છે. ન્યાય અન્યાયનાં નાટકોવેળા પણ શબ્દ સાક્ષી રૂપે ઊભો જ હતો, છે અને રહેશે. માત્ર કેટલાકની તદબીરોએ એક આવરણ એની આડે લાવી મૂક્યું હતું જે સમયના પ્રવાહ સાથે ફરી એકવાર તેની મૂળ સ્થિતિનો આપણને અનુભવ કરાવી રહે છે. શબ્દ વડે આપણે કોઇને છેતરતા હોઈએ છીએ કે તેવો કારસો રચીએ છીએ ત્યારે શબ્દ તો ભીતરથી મરક મરક હસતો જ હોય છે. તે બધું જાણે છે પણ તમને મને માધ્યમ બનાવીને તે અસત્ કે જૂઠાણાનો ત્યારે વરઘોડો કાઢતો હોય છે. ચાલો, જાતને જ પ્રશ્ન પૂછીએ કે મંદિરમાં મૂર્તિ સામે ઊભા રહી બોલાતા શબ્દો સાચી પ્રાર્થના હોય છે ? ચાલો, તમે સોદાબાજી કરતા હો, અથવા ખરેખર કોઇને ચાહતા હો ત્યારે તમે જે શબ્દો ઉચ્ચારો છો તેમાં પૂરેપરો સામનો રણકો હોય છે ખરો ? તમે અમુકતમુક પક્ષ વિચારધારાથી બધ્ધ હો ત્યારે જાહેરમાં શબ્દની જે રમઝટ બોલાવો છો તેમાં તમારું સાચું ચૈતન્ય પ્રક્ટે છે ખરું ? કે પછી તમારા કુટિલ વ્યક્તિત્વને જ પ્રદર્શિત કરતા હો છો ? તમે ત્યારે અન્યને નહીં, ખુદને દૂર્ત-મૂર્ખ સાબિત કરી રહ્યા હો છો. શબ્દ અદ્ભુત લીલા છે. તમે માધ્યમ બની શબ્દની એ લીલા દ્વારા પ્રકટ થતા હો છો. આપણાં ન્યાયાલયો, આપણાં તંત્રો, આપણા વ્યવહારો, આપણાં રોજબરોજનાં કામો વગેરેમાં પણ શબ્દને, એના મૂળ રૂપને, ખોઈ બેઠા છીએ. આપણે જેને 'શબ્દ' કહીને નાચીએ છીએ, છાતી ફૂલાવીને ફરીએ છીએ એ તો કોશના શબ્દો છે. કંઇક નિર્જીવ અને ધબકવિહોણા. આપણા સમયમાં શબ્દને વધુને વધુ એના કૃત્રિમ કે કૃતકરૂપે યોજીને આપણે આપણી સાચી ભાષાને જ ગુમાવી દીધી છે. બાકી 'શબ્દ' સાચો શબ્દ તો મુક્તિદાતા છે, સાચો શબ્દ ખુદ એક પ્રાર્થના છે, શબ્દ ચૈતન્ય છે, તે સમયથી અતિરિક્ત થઇ, વ્યક્તિથી પર રહી, અમુક-તમુકના પ્રભુત્વોથી પણ આઘે રહી તે મહાકાલની સામે નર્તન કરી રહ્યો છે. એવો 'શબ્દ' ક્યારેક સાંપડે, ક્યારેક એની અલપઝલપ પણ મુલાકાત થાય, અથવા કદાચિત એનું સાન્નિધ્ય પામી રહેવાય તો તો ધન્ય ધન્ય થઇ જવાય. શબ્દ જ પટાન્તરે ઇશ્વર છે. માત્ર તેનાં એકાધિકિ સ્તરો સુધી પહોંચવું પડે, ધ્યાનથી, ધીરજથી… શબ્દને નિ:શબ્દ કરી દેવા સુધી !