Shatdal

આગે ભી ટેક્સ હૈ, પીછે ભી ટેક્સ હૈ, ઉપર ભી ટેક્સ હૈ, નીચે ભી ટેક્સ હૈ...

By GS Team
22 Sep 20269 mins read
આગે ભી ટેક્સ હૈ, પીછે ભી ટેક્સ હૈ, ઉપર ભી ટેક્સ હૈ, નીચે ભી ટેક્સ હૈ...
  • અનાવૃત-જય વસાવડા
  • પ્રોબ્લેમ ટેક્સ નથી. પ્રોબ્લેમ તો એ ટેક્સના પ્રોડકશનનો ફાયદો જનતાની જાહેર સુખાકારીને બદલે ચૂંટણી જીતવાની રાહતો, મળતિયા ઉદ્યોગપતિઓના ફાયદા અને નેતા- અધિકારીઓના પરિવારની પ્રગતિમાં જ વેડફાયા કરે છે, એ છે!

એ ક વાર ડિજીટલને બદલે ફિઝિકલ રેલ્વે ટિકિટ હાથમાં લઈ વાંચેલી, તો એમાં એ મતલબનું લખેલું હતું કે ''ભારતીય રેલ પ્રવાસ ખર્ચના ૫૭ % જ આમાંથી રિકવર કરે છે!'' પહેલી નજરે શું લાગે? રેલ્વે અડધોઅડધ ખર્ચ મુસાફરો માથે ન નાખીને દિવ્ય ઉપકાર કરે છે. એ ખરું કે ભારતમાં વિકસીત દેશોની સરખામણીએ ખર્ચ ઓછો આવે છે પ્રવાસનો. પણ રેલવેને જે પૈસા ટિકિટમાંથી નથી મળતા એ થોડા કેબિનેટ મિનિસ્ટર્સ પોતાના અંગત ભંડોળમાંથી દાન આપે છે? એ ખાતું સરભર તો નૂર ભાડા યાને માલ પરિવહન ખર્ચ અને અમુક સરકારી સબસિડીમાંથી થતું હોય છે. તો આ માલનું ભાડું પણ ભારતના જ નાગરિકો આપે છે ને? કોઇ નોર્વે કે ન્યુઝીલેન્ડમાંથી નથી આપી જતું! અને સરકારી સહાય પણ એકે પક્ષના નેતાઓના પ્રાઇવેટ બેન્ક એકાઉન્ટસમાંથી થોડી આવે છે? સરકાર જનતા પાસેથી જે ટેક્સ વસૂલે, એમાંથી તો આવે છે!
રિમેમ્બર ધેટ. એક સમયે ખાલીખોટો હોબાળો મચેલો ત્યારે પણ લખેલું કે દેશમાં માત્ર સાડા ત્રણ ટકા લોકો જ આવકવેરો ચૂકવે છે એ અર્ધસત્ય છે. પહેલું તો એ કે એ ટોપ સ્લેબની વાત છે. બીજું એ કે આ વાતનો ટોન બાકીના ભિખારી હોય એ અર્થમાં કહેવાય છે જે સદંતર જૂઠ છે. ને ત્રીજું એ કે ઈન્કમટેક્સ એકમાત્ર ડાયરેક્ટ ટેક્સ નથી.
વેલ, સમજાયું? ઈન્કમટેક્સ રિટર્નમાં વધુ ન ચૂકવતા હોય એવા ભારતવાસીઓ પણ કોઇને કોઇ રીતે ટેક્સની અજીબ અદ્રશ્ય ઇન્દ્રજાળમાં આવી જ જતા હોય છે. સવારે ઉઠીને બ્રશ કરો ત્યારથી રાત્રે લાઈટની સ્વીચ બંધ કરો ત્યાં સુધી કોઇને કોઇ રીતે આપણે ટેક્સ ચૂકવતા જ રહીએ છીએ! ભારતમાં જ બનેલો નવો આઈફોન ભારત કરતાં અમેરિકામાં કેમ પચાસેક હજાર સસ્તો છે? કારણ ડયુટી એન્ડ ટેક્સ! તમે રમકડું ખરીદો કે રાઈમેથીના કુરિયા ખરીદો, ટેક્સ તો ચૂકવો જ છો. બૂક પર ટેક્સ નથી, પણ એના કાગળ પરનો ટેક્સ ચૂકવાયો છે. કોથમીર પર જીએસટી નહિ હોય, પણ એની હેરફેર માટે પેટ્રોલિયમ ટેક્સ ફ્રી નથી.
આ જરૂરી પણ છે. રેવન્યુ વિના તો સરકાર ફતનદેવાળિયા જેવી થઈ જાય. દુનિયાના ઘણા ડેવલપ્ડ નેશનમાં પણ ખાસ્સો ટેક્સ હોય છે. પણ ત્યાં નાગરિકોને ભરોસો છે કે સરકારો એમને સોંપાયેલું 'ટ્રસ્ટી' જેવું 'મેનેજમેન્ટ' કામ કરીને એ રકમ પાછી અપાવશે! રોકડેથી નહિ, પણ સુવિધાઓના સ્વરૂપે. ત્યાં અસાધારણ વરસાદ સિવાય થોડાંક ઝાપટામાં પાણી નથી ભરાઈ જતાં. નવા બનેલા રોડ પર તરત તોતિંગ ગાબડાંઓ નથી પડતા. ગમે ત્યારે લાઈટ ગુલ નથી થતી. પીવાનું પાણી સીધું નળમાંથી પી શકાય છે. રેલ્વે સ્ટેશન કે એસટી સ્ટેન્ડ ગંદાગોબરા નથી ભરાયેલા રહેતા. સરકારી હોસ્પિટલો ને સ્કુલોની ગુણવત્તા ખુદ સરકારી અધિકારી કે નેતાઓ પણ ભરોસો ન કરે એમ તળિયે નથી જતી. કોર્ટમાં વર્ષો સુધી ન્યાય માટે તારીખો નથી પડતી. રોજીંદી ખાવાપીવાની ચીજોમાં ચિક્કાર ભેળસેળ નથી થતી. સડક પર ઉભેલા પોલિસ સાથે સીધી તોડની વાત નથી થતી.
બેશક, આમાં આપણી જાહેર અશિસ્તમાં આગળ અને જાહેર નૈતિકતામાં પાછળ પ્રજાનો પણ વાંક છે. સત્તા અને શાસનને એકાઉન્ટેબિલિટીનો ડર આવી ટોળાંશાહીને લીધે જ નથી રહેતો. પણ અને લીધે ભ્રષ્ટાચારના દોષનું આખું કન્ટેઈનર પબ્લિક માથે ઢોળી દેવાનો મતલબ નથી. પ્રોબ્લેમ ટેક્સ નથી. પ્રોબ્લેમ તો એ ટેક્સના પ્રોડકશનનો ફાયદો જનતાની જાહેર સુખાકારીને બદલે ચૂંટણી જીતવાની રાહતો, મળતિયા ઉદ્યોગપતિઓના ફાયદા અને નેતા- અધિકારીઓના પરિવારની પ્રગતિમાં જ વેડફાયા કરે છે, એ છે!
જેમ કે, જેને ખાસ કવરેજ મીડિયામાં નથી મળ્યું એવા એક સમાચાર રિફ્રેશ કરવા જેવા છે. બેન્ક ઓફ બરોડાએ થોડા સમય પહેલા ૩૫,૭૧૫ કરોડની લોન રાઈટ ઓફ કરી દીધી. યાને વસૂલાત માંડી વાળી. ના, ખેડૂતો કે ગરીબો કે ઈવન મિડલ ક્લાસની લોન નહિ, કાર કે હાઉસ કે એજ્યુકેશનની પણ લોન નહિ. જેમની લોન ૧૦૦ કરોડથી વધુ હતી (ફરી વાંચો, સો કરોડ!) એમની! કોણ એવું પૂછીને શરમાવશો નહિ. કારણ કે, આરટીઆઈમાં એમના નામ એટલે જાહેર નથી કરાયા કે સામાજિક બદનામી ન થાય! લોન ડિફોલ્ટર તો દુનિયાભરમાં મોટા મોટા હોવાના! પણ સરકારી તંત્ર નામ પણ જાહેર ન થવા દે ઇટસ હેપન્સ ઓન્લી ઈન ઇન્ડિયા!
જમ્પ ટુ સુભાષચંદ્ર. બાવીસ હજારના છ કરોડની લોન માફીવાળી વાત ફેરતપાસમાં ગઇ પછી હેડલાઈન ના રહી. આર્થિક ગોટાળા કરનારા એવા ભેજાબાજ હોય છે કે શું કળા કરી ગયા એ સમજવામાં જ દમ નીકળી જાય. તો આ 'તુમ મુઝે આઝાદી દો, તો હમ તુમ્હારા ખૂન ભી લે સકતે હૈ' વાળી 'ઝી હજૂર' સુભાષબાબુના કેસમાં ખણખોદિયા નિષ્ણાતો એવું શોધી લાવ્યા કે જેમાં ખુલાસો આવ્યો કે આ તો પોતાની કંપનીની લોન નથી, પણ બીજાની 'ગેરંટી' યાને જામીનગીરી છે, એમં જ ઝોલઝાલ છે. કોર્પોરેટ લોનમાં પૈસા પાછા આવે એની સુરક્ષા માટે ત્રણ સિક્યુરિટી હોય. એક, પ્રાઈમ સિક્યોરિટી, જે બાબત (માનો કે ફેકટરીની જમીન) માટે લોન હોય તો એ બેન્ક પાસે જમા રહે. બીજી, કોલોટરલ સિક્યુરિટી. એવી પહેલેથી હોય તેવી મિલકત જે વેચીને ન ચૂકવાયેલા પૈસા ભરપાઈ થાય, અને ત્રીજી પર્સનલ ગેરેન્ટી. જે લોનની રકમ હોય એ મુજબની અંગત જામીનગીરી જે માટે જે જામીન પડે છે એની ખરેખર ક્ષમતા જરૂર પડે એ ચૂકવવાની છે કે નહિ એ ચેક થાય.
ખેલ આમાં એ થયો હોવાનું દેખાય છે કે લોન લેતી વખતે ૪૪,૦૦૦ કરોડની 'નેટ વર્થ' યાને કેપેસિટી બતાવ્યાં બાદ પોતાના ધંધા નિષ્ફળ ગયા તેવું બતાવીને હવે એ માત્ર છ-સાત કરોડની જ રહી ગઇ એવું કહી દેવાનું (ઘણીવાર જાણી જોઇને ફલોપ ફિલ્મો બનાવવામાં પ્રોડયુસરને રસ હોય છે, એ જાદુગરી સમજાય છે?) ટેકનિકલી, ઘણા ઉસ્તાદો આમ ઠનઠનગોપાળ થયાનું જાહેર કરતા પહેલા ખુદના પૈસા બીજાના નામે સગેવગે કરી નાખતા હોય છે. માલ્યા જેવા પૈસા ચૂકવીને પણ ફરાર કહેવાય છે ત્યાં આવું કેમ થાય એ તો સ્કેમ જેવી કોઇ સિરિઝનો ટોપિક છે. એક સરકારી નિયમ છે કે લોનવસૂલીમા જે મોટા ૭૫% રકમના લેણદાર હોય એમની વાતનું વજન પડે. કહેવાય છે કે એનો (ગેર) લાભ ઉઠાવવા માટે ચાર-પાંચ હજાર કરોડની લોન બેન્ક કે ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટયુશનની લઈને બીજા સોળ સત્તર હજાર કરોડ મિત્રો- પરિચીતોની લોન ગણાવાઈ (જે કોને ખબર પાછલે બારણે પોતાના જ પૈસા હોય તો!) ને એ 'મોટા લેણદાર' ઘરના નામો ચોપડે ચડાવી, એમની પાસેથી ૭૫% બહુમતીથી કહેવડાવી દેવાયું કે અમારે કશું જોતું નથી. એટલે ભેગા જેન્યુઈન ઉધાર દેનારા બાકીના (જે પૈસા ખરેખર તો લોકોએ બેન્ક કે સરકારી સંસ્થાને ડિપોઝીટ અથવા ટેક્સરૂપે આપેલા છે) નું ઇતિ સ્વાહા થઈ ગયું!
બોલો, આપણા કોઇ સામાન્ય હિસાબમાં થોડા હજારની ચૂક નીકળે કે એક-બે લાખનો હપ્તો ચૂકાઈ જાય ત્યાં તો ગરદનેથી ઝાલી લેવા આખું મિકેનિઝમ ધમધમતું હોય ને ભારતનો મોટા ભાગનો મધ્યમવર્ગ એ બે છેડાનો મેળ કરવામાં જીવન પૂરું કરતો હોય, ત્યાં આવા સરાજાહેર તાગડધિન્ના પામતા પહોંચતા લોકો લેતા હોય ત્યારે ટેક્સ ભરવાની લ્હાય ડબલ ન થઈ જાય? પાછા નિયમોની ભાષા એવી હોય કે કોઇ પેચીદા કાનૂની નિષ્ણાત વગર સમજાય નહિ ને સહી કરીને એમને ફી દઇ દેવી પડે!
ભારતમાં ઈન્કમટેક્સ ઓછો ભરાય છે એ વાત સાચી, પણ એમાં આ માનસિકતા કામ કરે છે. ભર્યા બાદ મહેનતની કમાણીએ બીજા વગર મહેનતે માત્ર નેટવર્ક નેકસસના જોરે જલસા કરે, એ જોતાં જોતાં ઘણાને ટેક્સચોરીનું મન થાય છે. તમારા પૈસા છૂટથી વાપરવા તમારી પાસે રહે જ નહિ, તો મોટિવેશન ખતમ થઇ જાય. આગળ કમાવાનું ને 'સેટિંગ પાડવા'માં ધ્યાન જતું રહે. આમે ભારતની ખાસ્સી પબ્લિક તો ૧૧ વર્ષ નીચેની યુવા છે, જે ઇન્કમટેક્સમાં આવે નહિ. બીજો મોટો ભાગ તો સત્તાવાર આંકડા મુજબ ગરીબી રેખા નીચે રાશન માંગીને જીવે છે. આમે વસતી વધારાને લીધે માથાદીઠ આવકમાં આપણે છેક ૧૪૯ ક્રમે જગતમાં છીએ. સરેરાશ બે અઢી લાખની માથાદીઠ આવક સામે આવે એથી વધુની તો ઇન્કમટેક્સમાં છૂટ છે! તો ક્યાંથી સેંકડો કરોડ જનતા આવકવેરો ભરે?
પણ આ જનતા પર જીએસટી, સીજીએસટી, એસજીએસટી, ઇમ્પોર્ટ ડયુટી, કસ્ટમ ડયુટી, રોડ ટેક્સ, ટોલટેક્સ, વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ ગિફ્ટ ટેક્સ જેવા કિસમ કિસમના ટેક્સ છે. કુલ ૪૪.૦૪ લાખ કરોડની અંદાજીત ગ્રોસ ટેક્સ રેવન્યુમાં ૯૦ % થી વધુ ડાયરેક્ટ ટેક્સની (જેમાં ૨૧ % હિસ્સો ઈન્કમટેક્સનો છે!) અને ચાલીસ ટકાથી સહેજ ઓછી - ઇન્ડાયરેક્ટ ટેક્સની છે ને એમાં મોટા ભાગની પ્રજા કવર થાય છે. હા, બધાની આર્થિક ક્ષમતા સરખી નથી ને અસમાનતા છે, એટલે સરકાર ઘણું રાહતભાવે સમાજવાદી ઝોક રાખીને કરે, એવું આઝાદીના લોકલક્ષી લીડરોએ ઠરાવેલું. પણ હવે તો પોતડીવાળા ગાંધીજી રહ્યા નથી. નેતાઓ જ ખાસ્સી માફી જાતે જ લઇ લે છે. ટોલટેક્સ જ જુઓને, નેતાલોગ માટે ફ્રી બાકી ફરજીયાત ફાસ્ટટેગ!
હવે આ બધું ઓછું હોય એમ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, મોંઘવારી વધી, બેરોજગારી વધી અને ભારતની આસાન શાન ગણાતી યુપીઆઈમાં પાછલા બારણે મામૂલી લાગતો પણ કુલ વોલ્યુમમાં ગુણાકાર કરો તો મસમોટો ટેક્સ આવી ગયો છે. એ ખરું કે ટ્રાન્ઝેક્શન ટેક્સ અમુક રકમ ઉપર ને વેપારીઓ પર છે. પણ છેલ્લે આ ગ્રાહક પર આવે એ બધા જાણે છે. અને મૂળ વાત તો એ છે કે યુપીઆઈ પરનો ભરોસો ડામાડોળ થઈ જાય એમાં લોકો નુસખા શોધતા થઈ જાય ને જેન્યુઈનલી વધુ ટ્રાન્જેક્શન જુદા કારણથી થાય તે ધંધાદારી ન પણ હોય છતાં ટેક્સ ભરવો પડે ચેકબૂક ને એટીએમ વગેરેની જેમ.
નોટબંધીમાં ધાર્યા બહાર ઓલમોસ્ટ બધી નોટો પાછી જમા થઈ ગઈ, ત્યારે ડિજીટલ ટ્રાન્ઝેક્શનના પલટાયેલા પવને ગોથાં ખાતી તાવડીને બચાવી લીધેલી કે દુનિયામાં ન હોય એવો આ એક ફાયદો આપણને થયો. રોજીંદા વ્યવહારમાં આસાની, પૈસા સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ ઉપરાંત એનો તગડો ફાયદો વ્હાઈટ ટ્રાન્ઝેક્શનનો છે. રોકડિયો વહેવાર ચોપડે ચડી ડાય. એટલા બ્લેક મની ઘટે.
પણ 'ગાંડી કૂકરી'ની જેમ અશનીર ગ્રોવરે બધાનું જેમાં ધ્યાન ખેંચ્યું એ પરિબળો ય મહત્વના છે. રિઝર્વ બેન્કની જ એન્યુઅલ રિપોર્ટ બતાવે છે કે ૨૦૨૫-૨૬ના વર્ષમાં કરન્સી નોટ છાપવાનો ખર્ચ ૪,૮૭૫ કરોડ આવ્યો જે આખા ૨૦૨૪-૨૫ના વર્ષના ૬,૩૭૨ કરોડથી ૧૪૯૭ કરોડ જેટલો ઘટયો. યાને ૧૫૦૦ કરોડની સીધી બચત ડિજીટલ ટ્રાન્ઝેક્શન જેમાં મોટો ફાળો યુપીઆઈનો છે, એને આભારી છે પરચૂરણ ને નાની નોટોની માથાકૂટમાંથી છૂટકારો થયો. અબજોના વ્યવહાર દર મહીને મોબાઈલમાં બટન દબાવવાથી થાય છે, એ નોટ સિક્કાથી કરવા જાવ તો ઘસારો લાગતા આયુષ્ય ઘટવાનું એનું. વળી, કેશ કરન્સી પ્રિન્ટ કર્યા પછી પણ એને સલામત રીકે મોકલવાનો, દરેક બેન્કની બ્રાન્ચમાં સુરક્ષિત સાચવવાનો, એટીએમ મશીન કે એસી ચલાવવાનો આવા તો ઢગલાબંધ ખર્ચ દેશના બચી રહ્યા છે. એક અંદાજ દરેક હજાર રોકડા રૂપિયે ચાર-પાંચ રૂપિયાનો છે. ખાલી જુલાઈમાં જ યુપીઆઈ થકી ૩૦ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા. મતલબ મહિને ૧૫ હજાર કરોડ એટલા રોકડ વ્યવહારો પર લાગતા, એ બચ્યા ! વર્ષે અંદાજ ઘટાડી મૂકો તો પણ એક લાખ કરોડના ખર્ચની બચત ગણાય ! સામે બજેટ મુજબ ભીમ અને રૂપે જે ભારતીય એપ છે, એમની સબરિડી ૨૦૨૫-૨૬ના વર્ષમાં સરકારે ૨,૧૯૬ કરોડની આપી. વધુ વપરાતી જીઓ, ફોનપે તો આમે વિદેશી એપ છે. પણ વધુ સરળ, સિક્યોર્ડ છે. એમાં સરકારે સબસિડી દેવાની થતી નથી.
પણ સરકારની જગતના તમામ સભ્ય લોકશાહી દેશોમાં ફરજ હોય છે, નાગરિકોને ટેક્સના બદલામાં પાયાની સગવડો આપવાની. યુપીઆઈ ચલાવતી એકમ એનપીસીઆઈનું સરપ્લસ ૧,૮૮૮ કરોડ છે. અશનીર ગ્રોવરે ઉર્જિત પટેલના સમયને યાદ કરાવી કહ્યું કે રિઝર્વ બેન્ક પણ પોતાના સરપ્લસ ૨.૮૭ લાખ કરોડ સરકારને આપે છે, લિસ્ટેડ બેન્કોનો પ્રોફિટ ૪.૧૧ લાખ કરોડ છે. પછી જે એક સીસ્ટમ સરખી ચાલતી હતી એમાં સળી કરવાની જરૂર ક્યાં હતી ? ક્રેડિટ કાર્ડ કે એટીએમ પર પ્રેમ ઉભરાઈ ગયો હોય એમ અચાનક !
પણ આવું પૂછો તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ સંભળાવે છે કે 'આટલા રૂપિયા દેવામાં લોકો મરી જવાના છે ?' તો લોકો પણપૂછે ને કે, 'આટલા મામૂલી રૂપિયા જ મળતા હોય તો ના લેવાથી તમે ક્યાં મરી જવાના છો !' છેલ્લા દસ વર્ષોમાં એનપીએ યાને સમજો કે લોનમાફી ખાતે સરકારે ૧૬.૩૫ લાખ કરોડ રૂપિયા જતા કર્યા જેમાં મોટા ઉદ્યોગો-સેવાઓના જ ૯.૨૭ લાખ કરોડ હતા. તો ૪ વર્ષમાં જે ખર્ચ યુપીઆઈનો વર્ષ બે અઢી હજાર કરોડ (પાછળ લાખ નથી) એમાં નજર બગાડીને લોકોને નવા છીંડા શોધવાની કસરત કરાવવાની ક્યાં જરૂર હતી ? કે 'ધુરંધર-૩' જોવું પડશે આ સમજવા ?
ઝિંગ થિંગ
'મૃત્યુ અને ટેક્સ બેમાંથી કોઈ છટકી શકતું નથી, પણ મૃત્યુની શરતો વારંવાર બદલાયા નથી કરતી ને એ એક જ વાર ભોગવવાનું હોય છે !'
(વિલ રોજર્સ)