Shatdal

એવા લોકો છે જે ક્યારેય તુટતા નથી, ઝુકતા નથી અને હાર સ્વીકારતા પણ નથી

By GS Team
22 Sep 20265 mins read
એવા લોકો છે જે ક્યારેય તુટતા નથી, ઝુકતા નથી અને હાર સ્વીકારતા પણ નથી
  • વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
  • સમગ્ર સુખની ચાવી એક જ વ્યક્તિના હાથમાં ન આપો. કારણ કે પછી તે વ્યક્તિ બદલાય ત્યારે તમારા આખા જીવનનું તાળું બંધ થઈ જાય છે

( ગતાંકથી ચાલુ)
આ પણે ગતાંકમાં ચર્ચી ગયા કે, બેંકમાં પૈસા ખૂટી જાય, ધંધો પડી ભાંગે, મિલકત વેચવી પડે, દેવું વધી જાય, આપણે તેને નાદારી કહીએ છીએ. પરંતુ મનોચિકિત્સક તરીકે વર્ષોથી માણસોના મન અને સંબંધોને નજીકથી જોતાં મને લાગે છે કે એક બીજી નાદારી ઘણી વધારે પીડાદાયક હોય છે એ છે સંબંધોની નાદારી! જેમાં બેંક ખાતું ખાલી નથી થતું, પણ માણસનું મન ખાલી થઈ જાય છે. નાદારીની આ અવસ્થામાંથી બહાર આવી એક નવી દુનિયા ઉભી કરવા માટે શું કરી શકાય? એની ચર્ચા આ લેખમાં કરીશું.
આ માટે સૌ પ્રથમ જરૂરી છે તમારો Resilience વધારો. આનો અર્થ નથી થતો કે તમે લાગણી શૂન્ય કે પત્થર બની જાવ.
કેટલાક લોકો કહે છે : પરિસ્થિતિનો સ્વીકાર કરી લો. પણ સ્વીકાર એટલે શરણાગતી નહિ. સ્વીકાર એટલે સંબંધોથી અલિપ્ત થઇ જવું એવું પણ નહિ. સ્વીકાર એટલે એવું પણ ન વિચારવું કે,
''હવે હું કોઈ પર વિશ્વાસ જ નહીં કરું.''
''હવે કોઈ માટે કંઈ કરવાનું નહીં.''
''હવે લાગણી રાખવી જ નહીં.''
આ Rresilience- એટલે કે માનસિક સ્થિતિસ્થાપકતા નથી. આ તો ઘા પછી બાંધેલો ભાવનાત્મક કિલ્લો છે.
સાચી ઇીજૈનૈીહબી માનસિક સ્થિતિસ્થાપકતા એટલે દુ:ખ ન થવું એવું નહીં. દુ:ખ થાય. આંખમાં આંસુ આવે. એકલતા લાગે. ગુસ્સો આવે. જે ગુમાવ્યું છે તેનો શોક પણ થાય. પરંતુ થોડા સમય પછી માણસ પોતાને પૂછે -
''હવે આગળ શું?''
આ એક નાનો પ્રશ્ન આખી દિશા બદલી શકે છે.
''મારી સાથે આવું કેમ થયું?'' માણસને ભૂતકાળમાં રાખે છે.
''હવે હું શું કરી શકું?'' માણસને ભવિષ્ય તરફ લઈ જાય છે.
સ્વીકાર એટલે શરણાગતિ નહીં
Acceptance શબ્દને આપણે ઘણી વાર ખોટી રીતે સમજીએ છીએ.
''મારી સાથે અન્યાય થયો છે તો શું ચૂપચાપ સ્વીકારી લઉં?''
ના. સ્વીકાર એટલે અન્યાયને યોગ્ય ઠેરવવો નહીં. સ્વીકાર એટલે -
''જે બન્યું તે મને ગમ્યું નથી. કદાચ એ ખોટું પણ હતું. પરંતુ હવે બની ગયેલી ઘટનાને મારી બાકીની જિંદગી ઉપર શાસન કરવા નહીં દઉં.''
કોઈ વ્યક્તિ પાછી આવશે કે નહીં એ આપણા હાથમાં નથી.
સંતાન બદલાશે કે નહીં એ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી.
મિત્ર પોતાની ભૂલ સમજશે કે નહીં એ પણ આપણા હાથમાં નથી.
પરંતુ,
આ બધાની વચ્ચે હું મારી જાતને કેવી રીતે સંભાળીશ એ હજી મારા હાથમાં છે. આ છે Internal Locus of Control— જીવનમાં જે આપણા નિયંત્રણમાં છે તેના પર પોતાની શક્તિ કેન્દ્રિત કરવી.
Healthy Detachment: પ્રેમ કરો, પણ પોતાની જાત ગુમાવીને નહીં.
ભગવદ્ ગીતાનો અનાસક્તિનો વિચાર હોય કે આધુનિક મનોવિજ્ઞાનનું Healthy Detachment,, બંનેમાં એક સુંદર જીવનસૂત્ર છે :
જોડાયેલા રહો, પણ જકડાયેલા નહીં.
પ્રેમ કરો. જવાબદારી નિભાવો. સંતાનો માટે બધુજ કરી છૂટો. મિત્રો માટે ઊભા રહો. જીવનસાથીને પ્રેમ આપો. પરંતુ તમારા સમગ્ર સુખની ચાવી એક જ વ્યક્તિના હાથમાં ન આપો. કારણ કે પછી તે વ્યક્તિ બદલાય ત્યારે તમારા આખા જીવનનું તાળું બંધ થઈ જાય છે.
સારો સંબંધ એ છે જેમાં ''અમે'' હોય, પણ ''હું'' મરી ન જાય. આઘાત પછી માત્ર પાછા જવું પડે છે એવું નહિ, આગળ પણ વધી શકાય.
મનોવિજ્ઞાનમાં એક સુંદર વિચાર છે Post-Traumatic Growth. મોટા આઘાત પછી દરેક વ્યક્તિ આવો વિકાસ અનુભવે જ એવું નથી. પરંતુ કેટલાક લોકો આઘાતમાંથી પસાર થયા પછી જીવનને નવી રીતે જોવાનું શીખે છે.
તેમની પ્રાથમિકતાઓ બદલાય છે. તેઓ ''ના'' કહેવાનું શીખે છે. તેઓ દરેકને ખુશ રાખવાની ફરજમાંથી બહાર આવે છે. તેઓ પોતાની કિંમત બીજા માણસના વર્તનથી માપવાનું બંધ કરે છે. અને કદાચ જીવનમાં પહેલી વાર કહે છે, ''હવે થોડું મારા માટે પણ જીવીશ.'' આ સ્વાર્થ નથી. આ Self-preservation છે. આ પોતાની જાત પ્રત્યેની જવાબદારી છે.
જીવનના બીજા દાવની શરૂઆત.
સાઠ, સિત્તેર કે એંસી વર્ષની ઉંમરે પણ જીવન માત્ર સંતાનોની રાહ જોવાનું નામ નથી. તમારા જૂના શોખ ક્યાં ગયા? જૂના મિત્રો ક્યાં છે? વાંચન, સંગીત, પ્રવાસ, સેવા, આધ્યાત્મિકતા, સમાજકાર્ય, નવી મિત્રતા, નવી કુશળતા-જીવનમાં હજુ કેટલાં દરવાજા છે!
જે સંબંધ બંધ થયો તેની સામે આખી જિંદગી બેસી રહેશો તો પાછળ ખુલેલા બીજા દરવાજા દેખાશે નહીં. Edison 67 વર્ષે ફરી ઊભા થઈ શકે તો આપણે પણ આપણા જીવનના બળેલા ભાગની રાખમાંથી કંઈક નવું ઊભું કરી શકીએ. ફેક્ટરી નહીં તો પોતાની નવી ઓળખ.
છેલ્લે એક વાત દિલમાં ઉતારી લો…
કદાચ તમે સંતાનો પાછળ જીવન ખર્ચ્યું હોય.. કદાચ કોઈ સંબંધ માટે પોતાની જાત ઘસી નાખી હોય… કદાચ મિત્રતા નિભાવવામાં કોઈ કસર ન રાખી હોય… અને છતાં આજે તમને લાગતું હોય…
''મારી જિંદગીની આખી મૂડી ડૂબી ગઈ.''
તો એક ક્ષણ થોભીને પોતાની અંદર જુઓ. શ્વાસ ચાલે છે. વિચાર કરવાની શક્તિ છે. નિર્ણય લેવાની શક્તિ છે. નવું શીખવાની શક્તિ છે. પ્રેમ કરવાની ક્ષમતા હજી છે. અને સૌથી અગત્યનું,
ફરી ઊભા થવાની શક્યતા હજી છે.
એટલે યાદ રાખજો :
તમારું રોકાણ ડૂબ્યું છે - તમે નથી ડૂબ્યા.
સંબંધ તૂટયો છે - તમારું અસ્તિત્વ નથી તૂટયું.
કોઈએ તમારી કિંમત ન કરી - એટલે તમારી કિંમત ઓછી નથી થઈ.
કેટલાક માણસોને જીવન વારંવાર તોડવાનો પ્રયત્ન કરે છે.
પણ કેટલાક માણસો એવા હોય છે-
એ તૂટતા નથી.
એ ઝૂકતા નથી.
એ હાર સ્વીકારતા નથી.
રાખ ખંખેરીને ફરી ઊભા થાય છે અને કહે છે-
''મારી જિંદગીની કમાણી ડૂબી હશે…
પણ મારી ખુમારી હજી મારી પાસે છે.''
કારણ કે અંતે સૌથી મોટી સંપત્તિ બેંકમાં પડેલી નથી હોતી.
તમારી સૌથી મોટી સંપત્તિ તમારી જાત છે . અને જે માણસ બધું ગુમાવ્યા પછી પણ પોતાની જાતને ગુમાવતો નથી, તે નાદાર નથી… તે અજેય છે.
ન્યુરોગ્રાફ
કિતની હસરત સે તકતી હૈ કલિયાં તુમ્હે, તુમ બહારો કો ફિરસે બુલાતે નહિ?
એક દુનિયા ઉજડ હી ગયી હૈ તો ક્યા, દુસરા તુમ જહાં કયું બસાતે નહિ?