બેસ્ટ ફ્રેન્ડનો ટાઈમ ટેસ્ટ : યહાં અચ્છા બૂરા કૌન હૈ પહેચાનના મુશ્કિલ !..એ દોસ્ત મેરે, મૈંને દુનિયા દેખી હૈ...

- અનાવૃત-જય વસાવડા
- પરિવાર, જવાબદારીઓ, કામકાજ દરમિયાન બદલાતા સ્થળો અને સંબંધો, જીવનમાં અચાનક બનેલી ઘટના કે આઘાતની અસર, બીમારી, બ્રેક અપ, લવ, પોલિટિક્સ, ઓફિસ… ઘણા પરિબળો આપણને સાવ પહેલા જેવા રહેવા નથી દેતા. સમજદાર મિત્ર આ વિકાસ સમજી એને આદર આપે.
એ વિશાળ સડક પર પોલીસમેન ગર્વીલી ડાંફો ભરતો ચાલ્યો જતો હતો. તેનું આમ ડાંફો ભરતા ચાલવું એ તદ્દન સ્વાભાવિક હતું અને એમાં ડંફાશનો અંશમાત્ર પણ નહોતો. કારણકે એને એને એ રીતે ચાલતો જોનાર પણ અત્યારે ક્યાં હતા? આમ તો અત્યારે રાતનાં માંડ દસ વાગ્યા હતા પણ સુસવાટાભેર વાતા કાતિલ પવન અને વરસાદનાં જોરે લોકોને વહેલા ઘરભેગા થવા મજબૂર કરી દીધા હતા. એટલે, હાથમાં પકડેલા દંડૂકાને છટાભેર ફેરવતા લોકવિહોણી અને સાવ સૂમસામ થઇ ગયેલી સડક પર રાત્રે ચાલ્યે જતો આ પડછંદ પોલીસમેન જાણે શાંતિ અને સલામતીના મૂર્તિમંત દેવદૂત સમો ભાસતો હતો.
આમ તો આ વિસ્તારમાં વહેલા જ પાટિયા પડી જતા. છતાં ક્યારેક એકાદ સિગરેટની દુકાન અથવા આખી રાત ખુલ્લી રહેતી હોટલમાં ઝબુકતી બત્તીઓનો ઝાંખો ઝાંખો પ્રકાશ જોવા મળી જાય. એકાદ બ્લોકની વચ્ચે આવેલી સડક પરથી પસાર થતા પોલીસમેની ઝડપી ડાંફોમાં અચાનક ઝોલ પડયો. એણે હાર્ડવેરની બંધ દુકાનનાં દરવાજા આગળ અંધારામાં હોઠ વચ્ચે ચેતવ્યા વગરની સિગરેટ દાબીને ઉભેલા એક માણસને જોયો. જયારે પોલીસમેન એની નજીક ગયો ત્યારે એ માણસ બોલી ઉઠયો, 'કશી ચિંતા જેવું નથી, સાહેબ મારા!'
પોલીસઅધિકારીને ધરપત થાય એટલે એણે આગળ કહ્યું, 'હું તો અહીં મારા મિત્રની રાહ જોતો ઉભો છું. વીસેક વર્ષ પહેલા અમે એકબીજાને અહીં મળવાનું વચન આપ્યું હતું. તમને ગમ્મત જેવું લાગ્યું હશે, ખરું ને? સહેજ વિસ્તારથી કહું તો તમને આખી વાત સમજાશે… વાત એમ છે કે આ દુકાનની જગ્યાએ અહીં વીસ વર્ષ પહેલા એક હોટલ હતી - 'બીગ જો બ્રેડી' એનું નામ.'
'હા, પાંચેક વર્ષ પહેલા સુધી હતી.' પોલીસમેન બોલ્યો, 'પછી એને તોડી પાડવામાં આવી.'
પેલા દરવાજા આગળ ઉભેલા માણસે હવે દિવાસળી વડે સિગરેટ ચેતવી. સિગરેટના અંગારનાં અજવાસમાં એનો ચોખંડી જડબાવાળો ચહેરો, અણીયાળી આંખો અને ખાસ તો એની જમણી ભ્રમર પાસે પડેલા ઘાનું સફેદ નિશાન દેખાઈ રહ્યું હતું. એની ટાઈપીનનો ટાંકેલો હીરો પણ એટલા પ્રકાશમાં ઝળકી ઉઠયો હતો.'
'બરાબર વીસ વર્ષ પહેલાની આવી રાત્રે મેં જિમ્મી વેલ્સ સાથે ત્યાં ખાણું લીધું હતું. જિમ્મી વેલ્સ, મારો જીગરજાન દોસ્ત અને દુનિયાના સારા માણસોમાંનો એક! અમારા બન્નેનો ન્યુ યોર્કમાં સગા ભાઈઓની જેમ સાથે ઉછેર થયો હતો. એ વખતે હું અઢારનો, અને જિમ્મી વીસનો. બીજે દિવસે સવારે મારે પશ્ચિમના રાજ્યો તરફ કારકિર્દી અર્થે નીકળી જવાનું હતું. જિમ્મી ન્યુયોર્ક છોડીને બીજે કશે જવા તૈયાર નહોતો, એના માટે તો ન્યુયોર્ક જ એની દુનિયા હતી. એટલે, અમે ખાણીપીણીની મિજબાની પછી પાર્ટી પૂરી થતા એ રાત્રે નક્કી કર્યું કે આપણે જેવી પણ પરિસ્થિતિમાં હોઈએ અને જ્યાં પણ હોઈએ પણ આપણે વીસ વર્ષ પછી આ જ તારીખે અને સમયે આ જ સ્થળે અચૂક મળીશું. અમે વિચાર્યું હતું કે આટલા વર્ષોમાં તો કેમેય કરીને અમે અમારી કારકિર્દી બનાવી લઈશું અને ઠરીઠામ થયા હોઈશું.' પેલો માણસ આટલું બોલીને અટક્યો.
તમારી વાત તો ખૂબ રસપ્રદ છે, પોલીસમેને કહ્યું, 'મારે મતે તો મળવા માટેનો તો આ તો ખૂબ લાંબો સમયગાળો કહી શકાય. પણ એ તો કહો કે તમે આ સમયગાળા દરમ્યાન એકબીજાનાં સંપર્કમાં હતા કે?'
'હા, થોડાક સમય પુરતા અમે પત્રાચારથી એકબીજાનાં સંપર્કમાં હતા. પણ એકાદ કે બે વર્ષ પછી એ પણ છૂટી ગયો. તમને ખબર છે કે પશ્ચિમના રાજ્યો કેટલા વિશાળ છે, અને એ વિશાળતામાં હું મારી કારકિર્દી બનાવવાની આંટીઘૂંટીઓમાં ખોવાઈ ગયો હતો. પણ મને એક વાતની ખબર હતી કે જો જિમ્મી જીવતો હશે તો એ ચોક્કસ અહીં આવશે જ કારણકે વચનપાલનની બાબતમાં એનો જોટો જડે એમ નથી. એ ક્યારેય કશું ભૂલે નહિ અને પોતાનું બોલ્યું ફોક ઠેરવે નહિ. એના ખાતર હું હજાર માઈલ દૂરથી અહીં આવ્યો છું. જોજો ને, એ હમણાં આવી ચડશે.'
પછી એણે પોતાની અફલાતૂન દેખાતી રિસ્ટ વોચમાં સમય જોયો. એ ઘડિયાળનાં ડાયલની કોરે નાના-શા હીરા જડેલા હતા. દસ વાગવામાં ત્રણ મિનીટની વાર છે. એણે કહ્યું. અમે બરાબર દસના ટકોરે અહીંની હોટલના દરવાજેથી છૂટા પડયા હતા. 'પશ્ચિમમાં તમે કારકિર્દી સારી બનાવી હશે, ખરું ને?' પોલીસમેને સવાલ કર્યો.
'કેમ નહિ, જરૂરથી! મને થાય છે કે જિમ્મીએ પણ એ બાબતમાં મારી સરખામણીએ અડધી મંઝિલ કાપી હોય. એ ઘણો મહેનતુ, ખંતીલો સારો માણસ હતો. મારે તો કારકિર્દી જમાવવા ભલભલા ભેજાબાજોને હંફાવવા પડયા હતા. ન્યુયોર્કમાં બીબાઢાળ જિંદગી જીવાઈ જાય, પણ પશ્ચિમમાં તો ડગલે ને પગલે આફતો ને પડકારોનો સામનો કરવો પડે.'
પોલીસમેને દંડૂકો ઘુમાવીને એક-બે ડગ ભર્યા. 'એ આવજો!' કહીને પોલીસમેને પેલા માણસની વિદાય લીધી અને બીજી સડક પર રોન મારવા નીકળી ગયો. હવે કાતિલ પવને વધારે જોર પકડયું અને ઝરમર ઝરમર વરસાદ વરસવો શરુ થયો. એટલે સડક પર ટહેલતા એકલદોકલ રાહદારીઓ પણ કોટના કોલર ઊંચા કરીને ખિસ્સામાં હાથ ઘાલીને વેગીલી ચાલે આઘાપાછા થવા લાગ્યા. અને આવામાં જે અહીં હજાર માઈલનું અંતર કાપીને જવાનીના પોતાના યારદોસ્તારને મળવા આમ આવી ચડયો હતો એવા પેલા હાર્ડવેરની દુકાનનાં બંધ દરવાજા આગળ ઉભેલા આદમીએ ફરી સિગરેટ ચેતવીને દોસ્તારની રાહ જોવા માંડી.
એણે વીસેક મિનીટ રાહ જોઈ હશે ત્યાં તો છેક કાનને ઢાંકે એટલે સુધી કોલર ચડાવી દીધેલો લાંબો ડાગલો પહેરેલો એક ઉંચોસરખો માણસ સડકની બીજી બાજુએથી એની પાસે જઈ ચડયો.
'બોબ, તું જ છે ને?' એણે સાશંક સવાલ કર્યો.
'કોણ, જિમ્મી, તું?' રાહ જોઈ રહેલા માણસે ઉત્સાહથી ઉછળીને કહ્યું.
'ઓહ ગોડ!' આ નવા આગંતુકે પેલા માણસના બન્ને હાથને ઉમળકાથી પોતાનાં હાથમાં દબાવ્યા. 'વાહ, બોબ! મને ખબર હતી કે તું હયાત હોઈશ તો ચોક્કસ આવીશ. ઓહ! વીસ વર્ષ જેટલો લાંબો અંતરાલ! કાશ આપણા નસીબમાં વધુ સમય જોડે રહેવાનું લખાયું હોત! ખેર,પશ્ચિમમાં કેવું રહ્યું, બોબ?'
'જોરદાર હોં! પશ્ચિમે મને મોં માંગ્યું બધું જ આપ્યું છે. પણ યાર જિમ્મી, તું ઘણો જ બદલાઈ ગયો છે આટલા વર્ષોમાં. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આટલા વર્ષોમાં તારી ઉંચાઈ આમ બે-ત્રણ ઇંચ વધી જશે.'
આમ ચાલતા ચાલતા તેઓ વીજળીના દીવાથી ઝળહળતી એક દવાની દુકાન સુધી આવી ચડયા. દીવાની રોશનીમાં બન્ને એકબીજાનો ચહેરો જોવા એકમેક તરફ ફર્યા. અચાનક બોબે ઝાટકો મારીને પોતાનો હાથ પેલા ઊંચા માણસના હાથમાંથી છોડાવી લીધો અને બોલ્યો, 'તું જિમ્મી નથી! વીસ વર્ષ ભલે ઘણો લાંબો સમયગાળો હોય પણ એમાં કંઈ કોઈનું અણીયાળું નાક સાવ ચીબું ના થઇ જાય!' પેલા ઊંચા 'જિમ્મી'એ કહ્યું, … 'પણ ક્યારેક સારો માણસ ખરાબ ચોક્કસ બની જાય. તારી ધરપકડ કરવામાં આવી છે, બોબ. અને હા, આપણે પોલીસ સ્ટેશન જઈએ એ પહેલા તારે માટે અમારા પોલીસવાળાએ એક ચિઠ્ઠી મોકલાવી છે. અહીં બારી પાસે અજવાળામાં ઉભો રહીને વાંચી લે.'
બોબે ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી પણ ચિઠ્ઠી પૂરી વંચાવા આવી ત્યારે એનો હાથ ધુ્રજવા માંડયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું : 'બોબ : હું વાયદા મુજબ આપણી નક્કી કરેલી જગ્યાએ તને હરખભેર મળવા આવ્યો હતો. તે સિગરેટ પેટાવી એ વખતે તારો ચહેરો જોઇને હું ચોંકી ઉઠયો કે આ તો શિકાગોનો એ બદનામ ગુનેગાર છે જેની શોધખોળ ચાલે છે. તારી ધરપકડ કરવાની હામ મારામાં નહોતી એટલે મેં સાદા વેશમાં રહેલા બીજા પોલીસમેનને આ કામ માટે મોકલ્યો. જિમ્મી.'
વાર્તાના છેલ્લે હંમેશા વીંછીના ડંખ જેવો પંચ આપતા સુખ્યાત અમેરિકન વાર્તાકાર ઓ' હેનરીની પ્રસિદ્ધ કથાના ટાઈટલનો અનુવાદ કરો તો એ થાય 'બીસ સાલ બાદ'. અને આ ભાષાંતર એઆઈનું નથી. સાહિત્યરસિક રીડરબિરાદર ઇશાન ભાવસારનું છે. ઓડિસીની સિરીઝ માટે ત્રણ દાયકાનો સિલસિલો તોડીને ફ્રેન્ડશિપ ડેનો આર્ટિકલ ભૂલવો પડયો. પણ મિત્રોને માફક ના આવ્યું એટલે ઓગસ્ટના પહેલા રવિવારને બદલે દોસ્તીની થોડીક મેચ્યોર વાતો કરતો લેખ આજે અને નોલાનની ફિલ્મની વાત હવે રવિવારે.
તો, આ વાર્તા પપ્પાએ સંભળાવી એ પહેલા એની સેન્ટ્રલ થીમનો અર્થવિસ્તાર કરતી હોય એવી હિન્દી ફિલ્મ દૂરદર્શન પર રવિવારે જોયેલી. સચ્ચાઈ. મૂળ એ તમિલની રિમેક હતી જેને એમજીઆરના ભત્રીજાએ હિન્દીમાં પ્રોડયુસ કરેલી. શમ્મી કપૂર, સંજીવ કુમાર અને સાધના હોવા છતાં દાયકાઓ પહેલા ૧૯૬૯માં એ એટલી ચાલી નહિ, પણ વાત મજબૂત હતી. શમ્મી અને સંજીવ બચપણના મિત્રો છે. દોસ્તી ગાઢ છતાં બેઉનો જીવન તરફનો દ્રષ્ટિકોણ સાવ અલગ છે. શમ્મી એવું મને છે કે આદર્શો, નીતિમત્તા, ભલાઈ જેવું કશું હોય નહિ. એમાં માણસો દુ:ખી જ થાય. ખાવ, પીવો ને મજા કરો. નૈતિકતાને અભેરાઈ પર ચડાવી દો. સંજીવ એમ મને છે કે સારપના સિદ્ધાંતો જ માણસને જીવતા શીખવાડે. જીવનમાં સદાચારના સિધ્ધાંત પહેલા. મોજમજા ને બાકી બધું પછી. બેઉ એકબીજાના અભિગમની ખિલ્લી ઉડાવે, મજાકો કરે, ઝગડી પડે, દલીલો કરે. પણ અંતે નાનપણની ભાઈબંધી એટલે એકમેક વગર ચાલે નહિ.
એમાં એક વાર ઉગ્ર થયા બાદ બેઉ નક્કી કરે છે કે આપણે જીવનને પોતપોતાની રીતે જીવીએ. અને થોડા વર્ષો પછી નક્કી કરેલી જગ્યાએ પાછા ફરીએ ને જોઈએ કે કોનો રસ્તો વધુ સફળતા અને સુખ લઇ આવ્યો. બેઉનું મિલન થાય છે. પણ બેઉ એકમેક સામે દલીલ કરી શકે એમ નથી. બેઉના જીવનમાં અણધારી ઘટનાઓ બની છે, વળાંકો આવ્યા છે, અને થયું છે એવું કે કાયમ મોજમસ્તીની ફેવરમાં રહેલો શમ્મી કપૂર હવે સરદાર પટેલ બધું છોડી ગાંધીમાર્ગે ચાલી નીકળ્યા એમ હૃદયપરિવર્તન પછી મોરાલિટીના રસ્તે ચાલી નીકળ્યો છે, અને સાધુતાની દુહાઈ દેતો સંજીવકુમાર દુનિયાની જાલિમ ઠોકરો ખાઈને બદલામાં અવ્વલ નંબરનો અપરાધી બની ગયો છે!
તમારા અનુભવો તમને ઘડે છે અને સ્વભાવ સમય જતા સાવ બદલાઈ શકે છે એવી વાત મનોરંજક રીતે 'સચ્ચાઈ' ફિલ્મમાં ફીલ થયેલી. એનું ધુ્રવગીત યાને થીમ સોંગ આખી ફિલ્મમાં ને ફરી મળ્યા બાદ કલાઇમેકસમાં વાગે છે એ મોહમ્મદ રફી અને મન્ના ડેના અવાજમાં હજુ સાંભળવું ગમે છે. એના શબ્દો શોધીને ધ્યાનથી સાંભળજો. એ જ લેખના શીર્ષકમાં છે. જેમાં બેઉ વારાફરતી નૈતિક અને અનૈતિક થવાના ફાયદા ગેરફાયદા ગણાવે છે. પણ વર્ષો બાદ પુન: મિલન થાય ત્યારે ગીત તો ગવાય છે, પણ હવે એ જ શબ્દો ગાનારા ફરી ગયા છે. જીવન તમને ઘણીવાર ધરમૂળથી બદલી કાઢે!
દોસ્ત દોસ્ત ના રહા જેવી ફીલ થોડાઝાઝા અંતરાલ બાદ મળતા મિત્રને જોઈ ઘણી વાર આવતી હશે. આપણા ગાઢ સખા કે સખી સાથે પછી પહેલા જેવું કનેક્શન મહેસૂસ નથી થતું. કાયમ બધા જોડે આવું થાય એવું નથી. પણ ક્યારેક આવું ય થાય. ક્યારેક શું વધુ વખત આવું જ થાય. એનું કારણ એ છે કે લાઈફ ઈઝ ઓલ એબાઉટ ગ્રોથ. વૃદ્ધિ પામે, બદલાતી રહે એ ચીજ જ જીવંત હોય. લાશમાં કોઈ ફેરફાર ના થાય પણ જીવતા માણસની ઉંમર તો સતત વધે. હવે સમય જતા ઘણી વાર શોખ બદલાય, વિચારો બદલાય, ચોઈસ બદલાય. અમુક મિત્રો હજુ ત્યાના ત્યાં જ હોય ને અમુક ટાઈમ લાઈનમાં આગળના પડાવ પર જઈ ચડે. ભેગા મિથુનની ફિલ્મોમાં સીટીઓ મારતા ચડ્ડીબડીઝમાં કોઈ હજુ મસાલા ફિલ્મોમાં મજા કરતા હોય. એમાં એમનો વાંક નથી. એમની પસંદ ના બદલાઈ. પણ કોઈ ત્યાંથી મુબી જેવા આર્ટહાઉસ પ્લેટફોર્મ પર ફેસ્ટિવલમાં એવોર્ડ લેતી કલાત્મક ફિલ્મો જોતા થઇ ગયા હોય. એ પણ ખોટા નથી. ધે જસ્ટ ગ્રો એપાર્ટ. મેળામાં ભેગા થઇ આઈસ્ક્રીમ કોન ખાવામાં ખિસ્સાનું પરચૂરણ ભેગું કરતા દોસ્તોમાંથી એક હજુ તહેવાર પર ચકડોળમાં બાળકોને બેસાડવા નીકળી પડતો હોય ને બીજો ઘરને તાળું મારી ફરવા જતો રહેતો હોય! જે બહેનપણીઓ એક સમયે ગમતા ક્રશ કે એકઝામના અઘરા સવાલની મુગ્ધ વાતો શેર કરતી હોય એમાંની એક ઈન્સ્ટાગ્રામ પર ટકાટક ડાન્સ કરતી હોય ને બીજી ધ્યાનશિબિરમાં બેસવા લાગી હોય એવું પણ બને. જોડે ખાવાની જયાફતો ઉડાવ્યા બાદ કોઈ ડાયેટ પ્લાનમાં તો કોઈ વ્યસનમાં ગુલતાન થઇ અલગ અલગ કેડી કંડારે એમ પણ બને.
મિત્રતાના મહત્વ માટે એક વાત અચૂક કહેવાય છે કે મૈત્રી એ જે તમારી ઉંમરને વધતા અટકાવે. જૂના સાચા મિત્રો મળે એટલે વાળ પરની સફેદી કે ગાલ પરની કરચલી સસલાંની જેમ ઠેકડો મારીને ભાગે. પાછા એમની જોડે નાના થઇ જવાય. તોફાનમસ્તીની ભાષા યાદ આવે. જોડે માણેલા સ્વાદ હવે પચતા ના હોય તો પણ નાકમાં એની સોડમ આવવા લાગે. ઓલ્ડ ફ્રેન્ડ ઈઝ એન્ટી એજિંગ થેરેપી. જવાન રહેવાનો પાસપોર્ટ છે જૂની દોસ્તી. કોઈ ગમતો તુંકારો, કોઈ અધ્ધી રાતનો હોંકારો, કોઈ આંસુથી પલાળેલો ખભો, કોઈ ખડખડાટ હાસ્ય સાથે પીઠ પર મારેલો ધબ્બો!
પણ એવું થાય કે સમયના વહેણ માત્ર ઉંમર જ ના વધારે. અંતર પણ વધારી દે. કોઈ એકબીજાનું ખરાબ ના ઈચ્છતા હોય, પણ વ્યક્તિત્વો ફરી જતા હોય. કેરેક્ટર ગ્રોથ જેવું ઘણી વાર આપણી કહાનીઓમાં પણ નથી હોતું. પણ બદલાવ આવતો હોય છે. એકબીજા માટે ભરપૂર લાગણી ધરાવતા લોકો માત્ર કોઈ પોલિટીકલ આઈડીયોલોજીના મતભેદથી ઓનલાઈન જ નહિ, ઓફલાઈન પણ મેન્ટલ બ્લોક મારી દેતા હોય છે. બધામાં એ મેચ્યોરિટી નથી હોતી કે એટ ધ એન્ડ, ફ્રેન્ડ વિથ ચેન્જનો સ્વીકાર કરે. એની જોડે એનામાં આવેલા પરિવર્તનને પણ ગમાડે.
પરિવાર, જવાબદારીઓ, કામકાજ દરમિયાન બદલાતા સ્થળો અને સંબંધો, જીવનમાં અચાનક બનેલી ઘટના કે આઘાતની અસર, બીમારી, બ્રેક અપ, લવ, પોલિટિક્સ, ઓફિસ… ઘણા પરિબળો આપણને સાવ પહેલા જેવા રહેવા નથી દેતા. સમજદાર મિત્ર આ વિકાસ સમજી એને આદર આપે. અગાઉની યાદો સાચવે પણ વર્તમાન પર એનો લગેજ મુકીને એને બેવડો ના વાળે. રાહ જુદા પડયા એમ માની પરસ્પર માન સાથે નવી દુનિયા મુબારક કહી બાજુએ હટે. વારતહેવારે એ તો મોટો માણસ, હવે ભૂલી ગયો, આપણને બોલાવે નહિ ટાઈપ બખાળા ના કાઢે. સાચે જ મિત્ર અભિમાની હોય કે એકદમ બદલી હોય તો એકાદ વાર એની ભૂલ કહી પછી જૂની યારીનું રિસ્પેકટ રાખી સ્વમાનભેર વિદાય લે. પણ પાછળ પડીને કે શત્રુ બનીને એ મિત્રને સંબંધ ઘટાડવા બદલ સાચો ના ઠેરવે.
ઉત્તમ રસ્તો તો વારંવાર એકબીજાની દુનિયા એકમેકમાં ભેળવવાના વ્યર્થ પ્રેયાસો કરી કડવાશ વધારવાને બદલે પોતપોતાની દુનિયાની આઝાદી ખીલવા દઈ, કોઈ સમયે અમુક મહિના પછી કે એમ થોડા વખત માટે વારતહેવારે મળી જેટલું કોમન રહ્યું છે એનું સેલિબ્રેશન કરવાનો છે. પણ ધારો કે ફિઝીકલી કે ઈમોશનલી કોઈ દોસ્ત બહુ જ દૂર જતા રહ્યા હોય તો કાયમ ઝૂરતા રહીને પોતાની જિંદગી થંભાવી દેવાને બદલે આપણી આસપાસથી નવા શોખ અને અનુકુળતા મુજબના ફ્રેન્ડસ બનાવતા રહેવા ને એ માટે બદલાતી ટેકનોલોજીનો ઉપયોગ શીખી લેવો કે સ્વયંની કંપની એન્જોય કરવાના શોખ ને કમાણી વધારતા રહેવી.
પણ એકલા એકલા માણેલા આનંદ વહેંચવા માટે પણ કોઈ મિત્ર જોઇશે ક્યારેક. સાચી મિત્રતા એ છે જે ચિંતા વધારે નહિ પણ ઘટાડે. અને ફ્રેન્ડશિપ કદી આપણે કેટલા હોશિયાર અને સફળ છીએ એ ઇમ્પ્રેશનથી નથી થતી. પણ આપણે કેવા મૂર્ખ ને નિષ્ફળ છીએ એના કન્ફેશનથી જ ગાઢ બનતી હોય છે !
ઝિંગ થિંગ
'જાહેરમાં જેનો ફોન સ્પીકર પર લઇ ના શકાય એ જ ખરા દોસ્તો !'
(રીડરબિરાદર દિપક માંકડ)









