કહાની મિસિસ સોલ્જરની

વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
દેશને માટે શહીદ થનાર સૈનિકોની શહાદત તો તેમની કુરબાની યાદ કરી બિરદાવવા જેવી હોય છે પરંતુ તેમની વિધવા પત્નીઓની જીવતે જીવ કુરબાની, દેશપ્રેમ અને પતિના પગલે ચાલવાની હિમ્મતને સો સો સલામ કરવી યથાસ્થાને છે
એ મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઊનકી, જરા યાદ કરો કુરબાની. દેશને માટે લોહી રેડી માતૃભૂમિ માટે શહીદ થનાર સૈનિકોની શહાદત તો બીરદાવવા લાયક હોય છેે જ. પરંતુ તેમની વિધવા પત્નીઓની જીવનકુરબાની, દેશપ્રેમ અને પતિના શહાદતને માર્ગે ચાલી, દેશ તેમજ પતિના પ્રેમ પ્રત્યેનું સમર્પણ પણ બીરદાવવા લાયક હોય છે.
હું તને ખૂબ પ્રેમ કરું છું અને કરતી રહીશ. તું સૌથી વધારે દેશને પ્રેમ કરતો હતો, અને માતૃભૂમિ માટે તું શહીદ થયો. હવે હું પણ દેશની સેવામાં મારું જીવન સમર્પીત કરી, તારા શહાદતના માર્ગે આગળ વધી, તારું અધૂરું સ્વપ્ન પૂરુ કરીશ. વિભૂ આઈ લવ યુ. આ શબ્દો છે ૨૯ વર્ષની નવ મહિના પેલા જ પરણેલી નવોઢા નીકીતા કોલ ઢૌંડિયાલના.
નીકીતા કોલના પતિ વિભૂત ઢૌંડિયાલ ૨૦૧૯ના ૧૮ ફેબુ્રઆરીએ પુલવામા જમ્મુકાશ્મીરમાં સૈનિકો પર આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. આતંકવાદીઓના હુમલા પછી તેમને પકડવા માટે ૨૦ કલાક ઓપરેશન ચાલ્યું ત્યારે, ટીમના કમાન્ડર તરીકે આગળ આવી ભાગતા એક આતંકવાદીને ગોળી માર્યા પછી, સામે ગોળી વાગતા શહીદ વિભૂત ઢૌંડિયાલનું મૃત્યુ થયું.
જ્યારે તેમનો પાર્થિવદેહ ત્રિરંગામાં વીંટાળીને ઘેર લાવવામાં આવ્યો ત્યારે, નીકીતા કોલ ઢૌંડિયાલના આ અંતિમ અંજલી અર્પણ કરતા શબ્દો હતા. જે સાંભળી આખા દેશના આંખમાં આંસુ આવ્યા હતા.
શું બહાદુરી, હિમ્મત અને દ્રઢ મનોબળનું સૈનિક પત્નીનું ચિત્ર ! નીકીતાને સો સલામ.
વાસ્તવમાં કોઈપણ સૈનિકની પત્ની બનવું તે, સામાન્ય સીવીલીયન યુવતી કરતાં સો ગણું અધિક અઘરું હોય છે. કારણ કે એક સૈનિકની પત્નીને મજબૂત માનસિક પરિસ્થિતિ અને સ્થિતી સ્થાપકતા હંમેશ રાખવી પડે છે. તે યુવતીને ઘણો સમય જીવનસાથી વગર વીતાવવો પડે છે. બોર્ડરો પર પોસ્ટીંગોને લીધે મહિનાઓ સુધી અલગ રહેવું પડે છે, કૌટુમ્બિક કાર્યો કાર્યક્રમો, બાળકોના ઉછેર અને અનિવાર્ય સંકટોનો સામનો એકલા જ કરવો પડે છે. એટલું જ નહિ પરંતુ પતિ કોઈપણ સમયે દેશ માટે શહીદ થઇ શકે છે તે માટે પણ તૈયાર રહેવું પડે છે.
શહીદ વિભૂત ઢૌંડિયાલની પત્ની નીકીતા કોલે તો લગ્નજીવન અને પ્રેમનું સર્વોપરી શીખર સર કરી, પોતે પણ પતિની દેશસેવાનું સ્વપ્ન પૂરું કર્યું.
જોઇએ આ આંખમાં પાણી લાવે તેવી નીકીતાની કહાની
કાશ્મીરી પંડીતને ત્યાં જન્મેલી નીકીતા સુંદર હતી તેટલી જ ભણવામાં તેજ હતી. તેણે માનવ રચના એન્જિનીયરીંગ કોલેજ ચંદીગઢથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો. ટાટા કન્સલટન્સીમાંથી આઈટી પ્રીસેલ અને બીઝનેસ એનાલીસ્ટની ટ્રેનીંગ લીધેલી અને એમબીએ કરી એચસીએલમાં કામ કરી રહી હતી.
ફેસબુક પર વિભૂત ઢૌંડિયાલનો પરીચય થતા, તેણે વિભૂત સાથે એપ્રિલ-૨૦૧૮માં લગ્ન કર્યા અને ૨૦૧૯ના ફેબુ્રઆરીમાં આ ઘટના બની.
શરૂઆતના ૬ મહિના નીકીતા પડી ભાંગી. પરંતુ પછી તરત જ નીકીતાને તેણે છેલ્લે શહીદ વિભૂત ઢૌંડિયાલ પતિને અંજલી અર્પેલા શબ્દો યાદ આવ્યા અને હિમ્મત મનોબળ અને પ્રેમને સમર્પણના ટેકે ઊભી થઇ ગઈ અને તેણીએ લશ્કરમાં જોડાવવાનો નિર્ણય કર્યો.
સામાન્ય જીવનમાં કોઈપણ સ્ત્રીના પતિનું મૃત્યુ થાય છે ત્યારે ઘણા વર્ષો સુધી તે શોકમાં ડૂબેલી રહેતી હોય છે, જ્યારે નીકીતાએ ૬ જ મહિનમાં શોકને બાજુએ મૂકી, લશ્કરમાં જોડાવવાની પરીક્ષા શોર્ટ સર્વીસ કમીશન (એસએસસી) માટે તૈયારીઓ શરૂ કરી દીધી.
એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે વિભૂત દેશને અને બીજાને પ્રેમ કરતો હતો તે બીજા કરતાં કંઇ અનોખો અને જુદા પ્રકારનો જ હતો. કારણ કે તેમણે પોતાની જિંદગી એવા લોકો માટે સમર્પીત કરી કે જેને તે ઓળખતો ન હતો.અને જેને ક્યારે મળ્યો પણ ન હતો. પરંતુ છતાં તેને માટે તેમણે જીવન આપવાનું નક્કી કર્યું. તેમની આ શહાદત માટે મને ગર્વ છે, અને આ જીવન હું તેમને પ્રેમ કરતી રહીશ. આ શબ્દો હતા જ્યારે નીકીતા કોલે લશ્કરમાં જોડાવવાનું નક્કી કર્યું.
સામાન્ય રીતે એસએસસીની પરીક્ષા માટેની ઉમર ૨૦-૨૭ વર્ષની હોય છે પરંતુ નીકીતા ઢૌંડિયાલ શહીદ સૈનિકની પત્ની હોવાને કારણે ૨૯ વર્ષની ઉંમરે આ પરીક્ષામાં બેસવાની છૂટ મળી. નીકીતાએ ૧ વર્ષ સખત તૈયારી કરી અને એસએસસીની પરીક્ષા આપી. આ પછી આર્મી સીલેકશન કમિટી બોર્ડનો ઇન્ટરવ્યુ પણ પહેલીવારમાં જ પાસ કરી દીધો અને ચેન્નાઈ ઓફિર્સસ (મીલીટરી)માં ટ્રેનીંગ લેવા ગઈ.
જ્યારે નીકીતા કોલ ઢૌંડિયાલ, ટ્રેનીંગ સેન્ટરમાં પ્રથમ પગ મૂક્યો ત્યારના તેમના અનુભવનું વર્ણન કરતા તેઓ કહે છે કે મેં જ્યારે ટ્રેનીંગ સેન્ટરમાં પગ મૂક્યો ત્યારે મને અહેસાસ થયો કે જાણે વિભૂત મારી જોડે જ છે. પ્રત્યક્ષ હાજર નથી, પરંતુ પરોક્ષ રીતે મને કહી રહ્યા છે, મેં જ્યાં ટ્રેનીંગ લીધી, ત્યાં જ તું ટ્રેનીંગ મીલીટરી સૈનિક માટેની લેવા આવી છું. તેં મારું સ્વપ્ન અધૂરું પૂરુ કર્યું. હું હંમેશા તારી સાથે જ છું. આ દ્રઢમનોબળ સાથે નીકીતાએ આર્મી ઓફિસરની સખત ટ્રેનીંગ શરૂ કરી.
આ મીલીટરી ઓફિસર્સની ટ્રેનીંગ ૧૧ મહિનાની હતી. જેમાં ૧૬૭ પુરુષો અને ૩૧ સ્ત્રીઓ હતી. જેમાં ટ્રેનીંગ પછી વન ઓફ ધ બેસ્ટ ટ્રેનીંગ ઓફિસર્સ તરીકે પસંદગી પામ્યા.
અત્રે ખાસ નોંધ લેવી જરૂરી છે કે, નીકીતા કોલ ઢૌંડિયાલ પોતાના પતિની શહાદતના રસ્તે ચાલી લશ્કરમાં જોડાવવા માટે સારા પગારની કોર્પોરેટની નોકરી છોડી. તેનામાં પણ દેશસેવાના ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા જણાય છે.
ટ્રેનીંગ પછી નીકીતાએ સૈનિકની વર્દી પહેરી લેફ્ટનન્ટ નીકીતા ઢૌંડિયાલ પદવી મેળવી. તેની બહાદુરીને બીરદાવતા લશ્કરના વડાએ તેની વર્દી પર સ્ટાર પહેરાવ્યા. (સામાન્ય રીતે સ્ટાર માતા કે પિતા) પહેરાવે છે. નીકીતા કોલ ઢૌંડિયાલનું પોસ્ટીંગ ભારતીય લશ્કરના ટેકનીકલ વિભાગમાં થયું છે. ત્યાં તે હવે લેફ્ટેનન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
લેફ્ટેનન્ટ નીકીતા કોલ ઢૌંડિયાલ ખાસ સ્ત્રીઓને સંદેશ આપે છે કે સ્ત્રીઓએ પોતાનામા આત્મવિશ્વાસ રાખવો જોઇએ. ઘણીવાર જિંદગી ભારરૂપ લાગે છે. આપણને એ અહેસાસ થાય કે, જિંદગીનો અંત આવી ગયો. મારે માટે કંઇ જિંદગીમાં બાકી નથી રહ્યું. પરંતુ તમારે સમજવું જોઇએ કે, આ જિંદગીનો અંત નથી. કોઈ નવો સૂર્યોદય તમારી રાહ જોઈ રહ્યો છે. તમારે ઊઠવું જોઇએ અને પ્રયત્નો કરવા જોઇએ, એક દિવસ જરૂર તમારી જીત થશે. લેફ્ટનન્ટ નીકીતા કોલ પર આખા ભારત દેશને ગર્વ છે, સૌ વાચકો તરફથી સો સો સલામ.




