Shatdal
ખબર જુદી જુદી પરંતુ અફસોસ એક સરખો...
By GS Team
22 Sep 20265 mins read

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- મંઝિલે પહોંચી જવાની લ્હાયમાં ને લ્હાયમાં નીચે જોયા વગર દોડયા જ કર્યું. કાલે એક મોટું વૃક્ષ બની શકે તેવી કૂંપળ હતી તે પગ નીચે કચડાઈ ગઈ.
આ સંબંધો ઝાંઝવાઓથી ભર્યું શ્રીફળ,
ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
સ્વપ્ન તો સઘળાં જ અંતે નીકળે પોકળ,
ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
રોજ મનમાં એ જ ભીતિ કે ટપાલી દ્વાર,
ખખડાવી અને ચાલ્યો જશે તો શું ?
એમણે ક્યારેય પણ ન્હોતો લખ્યો કાગળ,
ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
સાત જન્મો સાથ રહેવાનો દીધો'તો કોલ,
જેનો હાથ રાખી હાથમાં એ હાથનું
સાવ તકલાદી હશે બાંધેલ એ મીંઢળ,
ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
એ હતું મારું પતન કેવળ તો એનો દોષ,
બીજા કોઈને ક્યાંથી કહો હું દઈ શકું ?
ખૂબ ઊંડી ખીણ છે બસ બેજ ડગ આગળ,
ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
મંઝિલે પ્હોંચી જવાની લ્હાયમાં ને લ્હાયમાં,
દોડયા કર્યું સામે નિહાળી એટલે તો
ક્યાંક પગ નીચે જ કચડાઈ ગઈ કૂંપળ,
ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
- ઉર્વીશ વસાવડા
રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કલાપી.
કોઈ કર્મ થઈ ગયું હોય, પાપ થઈ ગયું હોય તો તેનો પસ્તાવો કરવાથી પુણ્યશાળી બનાય છે. કારણકે પસ્તાવામાં સરેલા આંસુ સ્વર્ગથી ઉતરેલા ઝરણા સમાન હોય છે પણ ખબર મોડી પડે એનો અફસોસ, પસ્તાવો, દિલગીરી અનુભવવી પડે એ કેવી પીડાજનક ઘટના છે. અહીં ખબર મોડી થઈ, બહુ મોડેથી સત્ય જાણી શકાયું તેના અફસોસની વાત થઈ છે એક સંબંધ નહીં, બધા જ સંબંધો ઝાંઝવાઓથી ભરેલા શ્રીફળ જેવા નીકળે. એક નહીં, બધાં જ સપના અંતે પોકળ નીકળે ત્યારે એ સૂની આંખ, સૂનું હૃદય, સૂના જીવનમાં માત્ર અફસોસ ઘૂંટાયા કરતો હોય છે. શ્રીફળ પવિત્ર છે જીવનના પ્રત્યેક કાર્યમાં મહત્વનું છે. પણ એ શ્રીફળને વધેરો અને પાણી ના નીકળે તો જીવનની કપરી ક્ષણે કે પરમ શ્રધ્ધાની પળોમાં એ શ્રીફળમાંથી ઝાંઝવા નીકળે તો કેવું દુ:ખ થાય આમ તો માણસ ક્યારેય કોઈ સંબંધથી ધરાતો નથી એક સંબંધ તૂટે છે અને ફરી આશા બંધાય છે કે હવેનો નવો સંબંધ તો ઝાંઝવા જેવો નહીં હોય. સાચેસાચ તરસ છીપાવશે. પણ ફરી એ સંબંધ પણ ઝાંઝવા જેવો નીકળે. એક સ્વપ્ન તૂટી જાય પણ ફરી બીજા સપના માટે દોડીએ છીએ. અને આમ કરતાં - કરતાં જીવન એક એવા તબક્કે આવીને ઉભું રહે છે કે લાગે છે બધાં જ સંબંધો ઝાંઝવા જેવા, બધા જ સપનાઓ પોકળ. પણ આ ખબર મોડી પડી એનો અફસોસ છે. જીંદગીના કેટલા બધા વર્ષો ચાલ્યા ગયા એનો અફસોસ છે. આ અફસોસ જો ભીતરથી જાગી જવું હોય તો શ્રેષ્ઠ મોકો છે. સમગ્ર ગઝલ આવા મોડા-મોડા થયેલા અફસોસોની ગઝલ છે.
ગઝલના પ્રત્યેક શેર સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતા હોય છે એટલે પહેલાં શેરમાં મિલનની વાત હોય અને બીજા શેરમાં મૃત્યુની વાતે ય હોઈ શકે. બીજા શેરમાં આ જીસ્જી અને ઈસચૈન ના સમયમાં કાગળની, ટપાલની વાત થઈ છે. છેલ્લા પાંચ-સાત વર્ષમાં તો જાણે ટપાલો લખવાનું બંધ જ થઈ ગયું છે. પણ કોઈ ટપાલ લખે પોતાના અક્ષરોમાં, એ ટપાલની આપણે રાહ જોઈએ અને આમ ખબર-અંતર મળે. અહીં ખબરની સાથે અંતર એટલે હૃદય અને ઘૈજાચહબી બંને અર્થ માણવા જેવા છે. રોજ મનમાં થાય કે આજે તો ટપાલ આવશે જ. ટપાલી આવે અને બંધ બારણું જોઈને પાછો ચાલ્યો જાય તો શું થાય ! ટપાલ મોડી મળે. આતુરતાથી જેની ટપાલની ઉંબરો છોડયા વગર રાહ જોઈ હોય એ વ્યક્તિએ જીંદગીમાં ક્યારેય આપણને કોઈ કાગળ જ નથી લખ્યો એ ખબર પડે એ અફસોસ કેવો હોય !
સાત જન્મો સાથે રહેવાનો કોલ આપીને ચોરીના ફેરા ફર્યા હોય, હાથમાં હાથ રાખીને જે કોલ આપ્યા હોય એ હાથમાં બાંધેલું મીંઢળ સાવ તકલાદી નીકળ્યું એ ખબર કેવી હચમચાવી નાંખે તેવી છે. જન્મોના સાથનું સાક્ષી બનનાર મીંઢળ તો એક જન્મમાં પણ છેક સુધી સાથ ન આપી શકે એ કેવી કરુણતા ?
જીવનમાં શિખર ઉપર પહોંચવાની ઉતાવળમાં માણસ આગળ વધતો હોય, મનમાં એક જ ધૂન હોય આગળ વધવાની અને ત્યારે છેક શિખરની ધાર… પછી બે જ ડગલા પછી ઊંડી ખીણ શરૂ થતી હોય અને એની ખબર બે જ ડગલા બાકી રહે ત્યારે પડે, ત્યારે કોને દોષ દેવો ? એટલી ઉંચાઈએથી નીચે પડયા એનો દોષ બીજાને તો ક્યાંથી દઈ શકાય ? કાં તો ભાગ્યને દોષ દેવાનો અને ક્યાં તો પોતે સભાન નહોતા એ સ્વિકારવાનું. સંસારમાં મોટાભાગે આપણે ભાગ્યને જ દોષ દઈએ છીએ. અને આપણો અફસોસ આપણને જગાડી નથી શકતો.
કવિનું હૃદય કોઈ નાનામાં નાના પરાયા દુ:ખને પણ અનુભવી શકે તેવું હોય છે. જીવનમાં આગળ વધવું છે પણ કોઈના ભોગે નહીં. વિકાસ કરવો છે પણ કોઈનો વિનાશ કરીને નહીં. મંઝિલે પહોંચી જવાની લ્હાયમાં ને લ્હાયમાં નીચે જોયા વગર દોડયા જ કર્યું.
કાલે એક મોટું વૃક્ષ બની શકે તેવી કૂંપળ હતી તે પગ નીચે કચડાઈ ગઈ. આંધળી દોડમાં એક ઉજવળ ભવિષ્યનો અંત આવી ગયો. આ ખબર જ્યારે પડે ત્યારે અફસોસ તો થાય જ છે. જીવનના ઘણાં અફસોસ એવા હોય છે કે જ્યાંથી U-Turn લઈ નથી શકાતો એ ઉમ્મરે, એ પરિસ્થિતિમાં માત્ર પસ્તાઈને રહી જવાનું હોય છે.
ઉર્વીશની કન્યા વિદાયની ગઝલ માણીએ. પ્રસંગ આનંદનો છે છતાં આંખ ભીંજવી જતો હોય છે. કન્યા વિદાય આટલું કહેતાની સાથે જ દિકરીના જન્મથી લઈને વિદાય સુધીના કેટલા પ્રસંગો યાદ આવતા હોય છે અને ખાલીપો સર્જી જતા હોય છે.
કંકુ થાપાઓ સૂના રડતા રહ્યા,
સાત તાળીના ફક્ત પડઘા રહ્યા
એક અવસર આંગણે પોંખ્યા પછી,
આપણે આખા મટી અડધા રહ્યા.
એક પળમાં કોકને સોંપી દીધું,
જિંદગીભર શિલ્પ જે ઘડતા રહ્યા.
આંખ સંભવ છે સૂકાઈ પણ જશે,
ભીતરે દરિયા તો ખળભળતા રહ્યા.
આ બધા શરણાઈના કોમળ સૂરો,
લાગણીઓ પર જખમ કરતા રહ્યા.




