Shatdal

...જીન બહાર નીકળી ચુક્યો છે

By GS Team
22 Sep 20266 mins read
...જીન બહાર નીકળી ચુક્યો છે
  • AI નિષ્ણાતો વચ્ચે વૈચારિક યુદ્ધ : AIને પાંખો આપવી કે પીંજરામાં કેદ રાખવું.. પણ હવે કંઈ થાય તેમ લાગતું નથી
  • વિવિધા-ભવેન કચ્છી
  • ''મને હવે મારા જીવનના એઆઈ માટેના પ્રદાન બદલ અફસોસ થાય છે… મને એવો ડર છે કે હું વિશ્વના વિનાશ માટેના સંશોધનનો સહભાગી તો નથી બની ગયો ને ''- AI ના ગોડ ફાધર હિંટન

ટે કનોલોજીના ઇતિહાસમાં આજ સુધી જે પરિવર્તનો આવ્યાં (જેમ કે ઔદ્યોગિક ક્રાંતિ અથવા ઇન્ટરનેટનો આરંભ), તે બધા સાધનો કે માધ્યમો હતા. પરંતુ AI એ માનવ ઇતિહાસની પ્રથમ એવી ટેકનોલોજી છે જે 'નિર્ણય' લઈ શકે છે, 'શીખી' શકે છે અને 'સ્વયંસંચાલિત' રીતે પોતાની ક્ષમતાઓમાં વધારો કરી શકે છે.
જ્યારે આપણે AI ની ઉત્પત્તિ અને તેના પિતાઓની વાત કરીએ છીએ, ત્યારે નોબેલ પ્રાઈઝ વિજેતા જીઓફ્રી હિંટનનું નામ મોખરે આવે છે, થોડા સમય પહેલાં તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું :
''મને હવે મારા જીવનના એ. આઈ. માટેના પ્રદાન બદલ અફસોસ થાય છે… મને એવો ડર છે કે હું વિશ્વના વિનાશ માટેના સંશોધનનો સહભાગી તો નથી બની ગયો ને ''
હિંટને ચેતવણી આપી છે કે ''સુપરઇન્ટેલિજન્ટ AI સિસ્ટમ્સ ટૂંક સમયમાં માનવીઓની બુદ્ધિમત્તાને વટાવી જશે અને માનવજાત માટે અંકુશ બહાર જતી રહેશે.જાતે જ સોફ્ટવેર બનાવવા માંડશે. જ્યારે આ ક્ષેત્રના અગ્રણીઓ જ ડર અનુભવતા હોય, ત્યારે સામાન્ય નાગરિકો માટે ચિંતા થવી સ્વાભાવિક છે.
જો AI પર યોગ્ય વૈશ્વિક નિયંત્રણો ન રાખવામાં આવે અને તેને સંપૂર્ણ છુટ્ટો દોર આપવામાં આવે, તો માનવ સમાજ સામે જે ગંભીર જોખમો ઊભા થઈ શકે છે તેની ઝલક જાણીએ.
રોજગારીનું પતન અને આર્થિક અસમાનતા : ભૂતકાળની ક્રાંતિઓએ શારીરિક શ્રમના કામો લીધા હતા, પરંતુ AI આજે બૌદ્ધિક ક્ષેત્રે (કોડિંગ, કાનૂની દસ્તાવેજો, પત્રકારત્વ, ડેટા વિશ્લેષણ, અને કલા) હસ્તક્ષેપ કરી રહ્યું છે. જો તેને અંકુશમાં ન રાખવામાં આવે, તો કરોડો લોકો ક્રમશ: બેરોજગાર બની શકે છે અને સંપત્તિ માત્ર ગણતરીના ટેકનોલોજી ક્ષેત્રના જાયન્ટ્સના હાથમાં કેન્દ્રિત
થઈ જશે
ડીપફેક અને સત્યનું મૃત્યુ : આજે AI દ્વારા બનાવાયેલા ફોટા, વીડિયો અને અવાજો અસલી કરતાં પણ વધુ અસલી લાગે છે. જો કોઈ રાજકીય નેતાનું ખોટું ભાષણ કે કોઈ યુદ્ધની બનાવટી તસવીર વાયરલ થાય, તો તે વૈશ્વિક અસ્થિરતા, તોફાનો કે યુદ્ધનું કારણ બની શકે છે. લોકશાહીમાં 'સત્ય' શું છે તે ઓળખવું મુશ્કેલ બની જશે. AI થી ખોટો મેસેજ પણ થઈ જાય તો વિશ્વમાં પરમાણુ યુદ્ધ પણ ફાટી નીકળે.
કિલર રોબોટ્સ : લશ્કરી ક્ષેત્રમાં AI નો બેફામ ઉપયોગ માનવ નિયંત્રણ વગર નિર્ણયો લેતી ઘાતક મશીનરી ઊભી કરી શકે છે. જો કોઈ યુદ્ધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ડ્રોન કે હથિયારો માનવ નૈતિકતા વિના દુશ્મનો કે સામાન્ય નાગરિકોને ઓળખીને હુમલો કરવા લાગે, તો તે ત્રીજા વિશ્વયુદ્ધને આમંત્રણ આપી શકે છે.
બાયોટેકનોલોજી અને સાયબર સિક્યુરિટીના જોખમો : AI નો ઉપયોગ કરીને કોઈ હેકર અથવા આતંકવાદી સંગઠન અજાણ્યા અને અત્યંત ખતરનાક વાયરસ અથવા બાયો-વેપન્સની ડિઝાઇન તૈયાર કરી શકે છે. અગાઉ આવી લેબ રિસર્ચ માટે વર્ષો અને કરોડો ડોલરની જરૂર પડતી હતી, જે હવે AI ના માધ્યમથી ગણતરીના દિવસોમાં શક્ય બની શકે છે.
માનવ અસ્તિત્વનો ખતરો : પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્વર્ગસ્થ સ્ટીફન હોકિંગે તેમના જીવનના અંતિમ સમયમાં ચેતવણી આપી હતી : ''સંપૂર્ણ કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિકાસ માનવજાતના અંતની શરૂઆત સાબિત થઈ શકે છે.''
આજે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે : યુરોપિયન યુનિયનના ઘણા અગ્રણી વૈજ્ઞાનિકો, અને માનવાધિકાર સંગઠનો માને છે કે AI પર કાયદાકીય લગામ હોવી જ જોઈએ. જેમ વિમાનો કે દવાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ અને કાયદા હોય છે, તેમ AI ની સલામતી માટે પણ કડક ઓડિટ અને કાયદા બનવા જોઈએ.
મુક્ત વિકાસ સમર્થક જૂથ : કેટલાક ટેકનોક્રેટ્સ અને ઉદ્યોગસાહસિકો માને છે કે જો અમેરિકા કે યુરોપ કડક નિયંત્રણો મૂકશે, તો ચીન અથવા અન્ય દેશો આ રેસમાં આગળ નીકળી જશે. તેમના મતે, નિયંત્રણો કરવાથી નવીનતાને અવકાશ નહીં રહે અને એની વિશ્વ માટે કલ્યાણરૂપ ક્ષમતાથી વંચિત રહીશું. માનવજાત મહાન તકો ગુમાવી દેશે.માનવ જગતને આટલો વિકાસ સાધતા ૨૧ સદીની જરૂર પડી છે પણ એ. આઈ. બીજી દસ સદી આપણને એકાદ વર્ષમાં જ આગળ લઇ જઈ શકે છે. તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. એક હળવી શૈલીની પણ ગંભીર મજાક છે : એકવાર એક વૈજ્ઞાનિકે સુપર-AI ને પૂછયું, ''શું ભગવાન છે?''
સુપર એ. આઈ. જવાબ આપ્યો : ''હજી નથી, પણ હવે હું બનાવીશ!''
આ મજાક જેવી લાગતી વાત આજે વૈજ્ઞાનિકોની ઊંઘ હરામ કરી રહી છે, કારણ કે AI હવે પોતાની જાતને સુધારવાની ક્ષમતા કેળવી ચૂક્યું છે.
માનસિક સ્વાસ્થ્ય કથળશે
આજે લોકો ધીમે ધીમે વાસ્તવિક દુનિયાના સંબંધોને છોડીને AI ચેટબોટ્સ અને વર્ચ્યુઅલ મિત્રો પર વધુ પડતા નિર્ભર થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાનો અને બાળકો માનવ લાગણીઓ, સહાનુભૂતિ અને સામાજિક આંતરવ્યવહારથી દૂર થઈ રહ્યા છે. AI અલ્ગોરિધમ્સ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે કે તે યુઝરને સ્ક્રીન સામે જકડી રાખે, જેનાથી માનસિક ડિપ્રેશન, ચિંતા અને એકલતાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે.
સામાજિક ભેદભાવ સર્જી શકે
AI સિસ્ટમ્સ ભૂતકાળના ડેટા અને માનવ દ્વારા લખાયેલા કોડ પર તાલીમ પામે છે. જો તે ડેટામાં જાતિવાદ, લિંગભેદ કે સામાજિક પૂર્વગ્રહો હોય, તો AI પણ પક્ષપાતી બની જાય છે. બેંક લોન મંજૂર કરતી વખતે, નોકરી માટે ઉમેદવાર શોર્ટલિસ્ટ કરતી વખતે કે અદાલતોમાં સજા નક્કી કરતી વખતે જો AI પક્ષપાતી નિર્ણયો લે, તો તે સામાજિક અસમાનતાને વધુ મજબૂત કરશે અને હાંસિયામાં ધકેરાયેલા વર્ગો સાથે મોટો
અન્યાય થશે.
સર્જનાત્મકતા અને સંસ્કૃતિનું ધોવાણ :
કલા, સંગીત, સાહિત્ય અને ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રોમાં જે સર્જનાત્મકતા માત્ર મનુષ્યના સંવેદનશીલ મન અને અનુભવોમાંથી જન્મી શકે છે, તે હવે AI સેકન્ડોમાં કોપી કરીને પકડી રહી છે. જો આર્ટ અને કલ્ચરનું કામ મશીનો કરવા લાગશે, તો મૌલિકતા મરી જશે અને માનવ સંસ્કૃતિની સદીઓ જૂની પરંપરાઓ અને ભાવનાત્મક અભિવ્યક્તિઓ યાંત્રિક બની જશે.
ઊર્જા અને પર્યાવરણની ભયાનક કટોકટી
મોટા લાર્જ લેંગ્વેજ મોડેલ્સ અને ડેટા સેન્ટર્સને તાલીમ આપવા અને ચલાવવા માટે પુષ્કળ માત્રામાં વીજળી અને પાણીની જરૂર પડે છે. AI ના સર્વર હાઉસ એટલી બધી ગરમી પેદા કરે છે અને વીજળી વાપરે છે કે તે વૈશ્વિક કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગને ખૂબ જ ઝડપથી વેગ આપી રહ્યા છે. ટેકનોલોજીની આ દોડ પર્યાવરણના ભોગે પૃથ્વીના કુદરતી સંસાધનોને ખાલી કરી રહી છે.
લોકશાહીનું
નિયંત્રણ
AI ની અદભૂત ટેકનોલોજી અને ડેટા પર માત્ર ગણતરીની મલ્ટિનેશનલ સિલિકોન વેલીની કંપનીઓનું આધિપત્ય છે. આ ''ટેક જાયન્ટ્સ'' એટલા શક્તિશાળી બની ગયા છે કે તેઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા એટલું જ નહીં પરંતુ સરકારોની નીતિઓ અને ચૂંટણીઓને પણ પ્રભાવિત કરી શકે છે. આ આર્થિક કેન્દ્રીકરણ નાના વ્યવસાયોને ખતમ કરી નાખશે અને લોકશાહી સરકારોની સત્તાને નબળી બનાવીને 'ટેકનોક્રેટિક ઓર્ગેનાઇઝેશન્સ'નું શાસન સ્થાપી શકે છે.
આઝાદી છીનવાઈ જશે :
માનવ આઝાદી નામની કોઈ ચીજ નહીં રહે. દરેક નાગરિકના દરેક પગલા, હૃદયના ધબકારા અને વિચારો પર AI અલ્ગોરિધમ્સની નજર હશે. કોઈ પણ પ્રકારનો વિરોધ કે અસંતોષ વ્યક્ત કરતાંની સાથે જ સિસ્ટમ તેને ખતમ કરી નાખશે. મશીનો માનવીઓને બેટરી તરીકે વાપરીને તેમના મગજમાં એક બનાવટી દુનિયા ચલાવશે.
AI ની દોડ-કોણ પાછળ રહેવા માંગશે : કલ્પના કરો કે અમેરિકા કહે-અમે થોડું ધીમું ચાલીએ.
ચીન કહે-અમે નહીં.
તો અમેરિકા શું કરશે?
અને જો ચીન ધીમું પડે તો કોઈ ત્રીજો દેશ ઝડપથી આગળ વધે તો?
આ જ કારણ છે કે AI નિયંત્રણનો પ્રશ્ન માત્ર ટેકનોલોજીનો નથી રહ્યો. તે અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક શક્તિ સાથે જોડાઈ ગયો છે.પણ સવાલ એ પણ થાય કે વૈશ્વિક નિયંત્રણ લાદે કોણ? અમલની પ્રક્રિયા શું?
ધારો કે આપણે AI ને એમ કામ સોંપીએ કે 'પ્રદુષણના સૌથી મોટા કારણને દૂર કરી દો.અને AI એમ સમજે કે 'માણસ જ પ્રદુષણ માટેનું સૌથી મોટુ કારણ છે. તેનો સફાયો કરો' તો કેવી ખતરનાક સ્થિતિ સર્જાય.
માણસ જે ઇચ્છે છે અને AI જે રીતે તે ઇચ્છા પૂર્ણ કરે છે, બંને એકસરખા રહે તે કેવી રીતે સુનિશ્ચિત કરવું?
ટેકનોલોજી પોતે કોઈ શત્રુ નથી, પણ તેનો ઉપયોગ અને તેના પરના અંકુશો નક્કી કરશે કે ભવિષ્ય સ્વર્ગ બનશે કે નર્ક. જો સમયસર વૈશ્વિક સ્તરે યોગ્ય નીતિઓ અને નૈતિક મૂલ્યો સ્થાપિત નહીં કરવામાં આવે, તો જે મશીનો આપણે આપણી સુવિધા માટે બનાવ્યાં છે, તે જ આપણા માલિક બની બેસશે
જ્ઞાન પોસ્ટ
જો આપણે એવી બુદ્ધિ બનાવીએ જે આપણાથી વધુ બુદ્ધિશાળી હોય, તો તેને હંમેશાં આપણા નિયંત્રણમાં કેવી રીતે રાખીશું?