બીજા વિશ્વયુદ્ધની પાયમાલી અકલ્પ્ય છે

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
૩જી સપ્ટેમ્બર ૧૯૩૯ના શરૂ થયેલું બીજું વિશ્વયુદ્ધ છ વર્ષ ચાલ્યું હતું. આ યુદ્ધમાં ૫ કરોડ લોકો મરી ગયાં હતાં અને કરોડો લોકો શરીર અને મનથી ઘાયલ થયા હતા. દરેક પશ્ચિમના દેશે પોતાની સંસ્કૃતિને અભરાઇએ ચઢાવીને ખેતરો, નિશાળો, મંદિરો અને મસ્જિદોનો વિનાશ કર્યો હતો. સાત ખંડોમાંથી છ ખંડોમાં ચાલેલું આ યુદ્ધ પૂરેપૂરા સાગરોને ખૂંદી વળ્યું હતું. આ યુદ્ધમાં લુણાવાડાના મહારાજા તુર્કી દેશમાં લડવા ગયા હતા. જામનગરના રજપૂતો એબિશિનિયામાં ગયા હતા. મહારાષ્ટ્રના સૈનિકો બર્મામાં લડવા ગયા હતા. બ્રાઝિલિયન લોકો જે આફ્રિકન લોહીમાંથી પેદા થયા તે ઇટાલીમાં ઊતરી પડેલા જર્મનો સામે લડવા ગયા હતા. ઑસ્ટ્રેલિયનો લેબેનોન દેશને પચાવી પાડનારા ફ્રૅન્ચમૅનો સામે લડવા ગયા હતા. અમેરિકનો તેમનો ધનિક પ્રદેશ ટક્સાસને છોડીને રુમાનિયાના તેલના કૂવા પર બોમ્બમારો કરવા ગયા હતા. નેપાળી અને ભારતીય ગુરખાઓ બર્મામાં ઊતરી પડેલા જાપાનીઓ સામે લડવા ગયા હતા. જર્મન સબમરીનો ભારતીય મહાસાગરમાં નોર્વેની નૌકાઓને ઉડાડવા ફરતી હતી. દરેક માઇનો પૂત માદરેવતનથી હજારો માઇલ દૂર ફંગોળાઈ ગયો હતો. બીજા વિશ્વયુદ્ધની પાયમાલીનો કોઈ હિસાબ નથી. રશિયનો જો પાયમાલીનો હિસાબ માંડે તો બીજી લડાઇમાં (૧૯૩૯થી ૧૯૪૫) દરેક ત્રણ બાળકમાંથી એક રશિયન બાળકે લડાઇમાં પોતાનો બાપ ગુમાવ્યો હતો. આજે પણ રશિયન જુવાન પરણે છે ત્યારે નવી પરણેતર તેના બાપ અને સસરાની કબર ઉપર ફૂલનો હાર ચઢાવે છે.
ગાંધીજી અને પ્રામાણિકતા
ગાંધીજીએ પેન્સિલનો ટુકડો ખોઈ નાખ્યો હોય તો જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી શોધતા રહેતા. રૂમાલ ખોવાઈ જાય તો બધાએ શોધવો પડતો. જવાબમાં એ કહેતા કે હું ટ્રસ્ટી છું અને એકેએક પૈસો પ્રજાનું ધન છે. ખોવું મને પોસાય નહીં… નિર્મલ બોઝે ૧૯૩૪નો એક કિસ્સો કહ્યો છે : અમે ચાલતા હતા અને ગાંધીજીએ એમની ધોતીમાં પથરા ભેગા કરવા માંડયા, અમે પણ ભેગા કરવા લાગ્યા. આશ્રમ પર આવીને બધાએ પથરાનો ઢગલો કર્યો. અમે પૂછયું ત્યારે ગાંધીજીએ કહ્યું કે મેઇન રોડ સુધી ખેતરમાંથી એક રસ્તો બનાવવાનો છે અને કોન્ટ્રેક્ટરે કહ્યું છે કે અડધા પૈસા સામાનના લાગશે અને અડધા મજૂરીના. એટલે આપણે માત્ર મજૂરીના જ પૈસા આપવાના રહેશે…! મહાવીર ત્યાગીએ એક વાત કહી હતી. એક પ્રાર્થનાસભા પછી ગાંધીજીએ દાન આપવાની અપીલ કરી. સ્ત્રીઓએ ઘરેણાં પણ ઉતારીને આપી દીધાં. રાત્રે હિસાબ કરવા બેઠા ત્યારે કોઈ સ્ત્રીની એક ઇયરિંગ મળી જે સોનાની હતી. ગાંધીજીએ તર્ક કર્યો, કોઈ સ્ત્રી એક કાનનું આભૂષણ દાનમાં આપે જ નહીં, બીજું ઇયરિંગ હોવું જ જોઇએ. શોધો. જો આપણે ચોક્કસ નહીં રહીએ તો પ્રજા આપણા પર વિશ્વાસ કેવી રીતે મૂકશે? મહાવીર ત્યાગીએ લખ્યું છે કે ફાનસો લઇને અમે મોડી રાત સુધી શોધતા રહ્યા, છેવટે બીજું ઇયરિંગ મળ્યું ત્યારે જ ગાંધીજીને સંતોષ થયો. શાર્દુલસિંહ કવીશ્વરને કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં લેવાની ગાંધીજીએ ના પાડી હતી. શા માટે? કારણ કે શાર્દુલસિંહે એક લેણદારના પૈસા આપવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે મેં પૈસા લીધા જ નથી, અને લીધા પણ હોય તો એ ટાઇમ-બાર્ડ અથવા સમયબંધનથી પર છે. ગાંધીજીને માટે ટાઇમ-બાર્ડવાળી વાત બિલકુલ અનૈતિક હતી, એવું કહેનાર માણસનું કોંગ્રેસમાં સ્થાન ન હતું.
એડિનબર્ગમાં ભિખારીઓએ બનાવી આચારસંહિતા
એડિનબર્ગ, ઇંગ્લેન્ડના ભિખારીઓના સમૂહ પોતાના માટે દસ મુદ્દાની આચારસંહિતા ઘડી કાઢી છે. રાઇટ ટુ બેગ કમિટીએ તેના સભ્યોને જણાવ્યું છે કે ભીખ માગતી વેળાએ ખોટું ન બોલવું અને સોગંદ ન ખાવા. નમ્રતાથી ભીખ માગવી અને કોઈ ભિક્ષા ન આપે તો તેની પાછળ ટટળ્યા કરવું નહીં. ભીખ માગતી વેળાએ રસ્તે ચાલ્યા જતા લોકોને સતાવવા નહીં. ભીખ માગવાની જગ્યાની આસપાસનો કચરો સાફ કરી નાખવો. હિંસાનો કે ધાકધમકીનો આશરો લેવો નહીં. કમિટીએ ભિખારીઓને અપીલ કરી છે કે દુર્વ્યવહાર કરીને ભિક્ષાવૃત્તિના વ્યવસાયની આબરૂ ગુમાવવી નહીં. એડિનબર્ગ નગરની કાઉન્સિલ ત્રાસદાયક ભિખારીઓ સામે સખત કાયદો ઘડવાની તૈયારીમાં હતી તેના આગલા દિવસે રાઇટ ટુ બેગ કમિટીએ કાઉન્સિલને નવી આચારસંહિતાની યાદી સુપરત કરી હતી.
રેસાવાળા ખોરાકની નકારાત્મક બાજુ
આપણે જેટલી વખત ખોરાક ખાઇએ છીએ કે પ્રવાહી પીએ છીએ એ દરેક વખત થોડીક હવા આપણા શરીરમાં પ્રવેશે છે. એ હવા નાના આંતરડામાં જાય છે અને ત્યાં તેનું વાયુમાં રૂપાંતર થાય છે. નાના આંતરડામાં જે ખોરાક પચી શકતો નથી એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે રેસાવાળા પદાર્થોનો અમુક ભાગ પચી ન શકતાં ગેસ થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ રેસાવાળા પદાર્થો ખાવા હિતકારી હોય છે. તે આંતરડાને સક્ષમ બનાવે છે, લોહીમાં સાકર તથા કોલેસ્ટરોલના પ્રમાણનું નિયમન કરે છે. પણ એવા ખોરાકનો અમુક ભાગ પચી ન શકવાથી ગેસ ઉત્પન્ન થાય છે તે રેસાવાળા પદાર્થોની એક નબળી બાજુ છે.
રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબીનું અવનવું
મોસ્કોની એક ગુપ્ત શેરીમાં કે.જી.બી.નું હેડક્વાર્ટર છે. 'લુબીઆન્કા' તરીકે ઓળખાતા આ બિલ્ડિંગમાં જાસૂસો અને સ્ટાફ મળીને દોઢ લાખ જેટલા લોકો છે. કે.જી.બી.નું આખું રશિયન નામ કૉમિટેટ ગોસુદારસ્વેનાઈ બેઝોપાસોનોસ્તી છે. તેનો અર્થ થાય છે : રાષ્ટ્રની સલામતી માટેની સમિતિ કે.જી.બી.ના ટૂંકા નામે ઓળખાતી આ જાસૂસી સંસ્થાની લુબીઆન્કા બિલ્ડિંગમાં દોઢ લાખ જાસૂસો ભલે રહ્યા પણ કુલ પાંચ લાખ સ્ત્રી અને પુરુષો કે.જી.બી. માટે કામ કરે છે. લુબીઆન્કા બિલ્ડિંગમાં માત્ર સાઠ હજાર જાસૂસો કાયમી રીતે કામ કરે છે, બાકીના અવરજવર કરે છે. વિદેશમાં લગભગ ૨૦,૦૦૦ જાસૂસો ૧૨૪ દેશોમાં કામ કરે છે. કે.જી.બી.નું ઓફિશિયલ બજેટ ૩ અબજ ડૉલર છે. આ બધા જ જાસૂસો ઝેરજીન્સ્કી કૉલેજના ગ્રેજ્યુએટો છે. ફેલિક ઝેરજીન્સ્કી નામના લેનિનના જૂના મિત્રે ૯૦ વર્ષ પહેલાં રશિયા માટે 'ચેકો' નામની જાસૂસી સંસ્થા શરૂ કરેલી. તેનું નામ ૧૯૫૪માં બદલીને કે.જી.બી. રખાયું હતું. આ ઝેરજીન્સ્કીના સ્મરણ માટે કે.જી.બી.ના જાસૂસો તૈયાર કરવાની કાલેજનું નામ 'ચેકો' રખાયું છે. ખાખી કપડાં પર બ્લ્યૂ રંગના ધાબા જેવો પોશાક પહેરતો કે.જી.બી.નો જાસૂસ સરકારી તંત્રો પર ચોકી કરે છે ઉપરાંત સામ્યવાદી પક્ષના બિલ્ડિંગની ચોકી કરે છે.




