Shatdal

ભૂમિની લુચ્ચાઈ

By GS Team
15 Sep 20265 mins read
ભૂમિની લુચ્ચાઈ
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • 'હું નમિતા બોલું છું, કાલે આપણે સાથે કોફી પીધી હતી, મજા આવી, હવે ક્યારે મળવું છે ?'

'આ તારા શર્ટ પર લાંબા વાળ કોના છે ? સાચું બોલ ભાવિન, તારી કોઈ માશુકાના જ લાગે છે ?' ભૂમિ તેના પતિ ભાવિનના શર્ટ પર લાંબા સ્ત્રીના બે ત્રણ વાળ જોતાં ગુસ્સે થઈને પૂછી રહી હતી.
'કોઈનો નહીં. મને કોઈ સ્ત્રી ફ્રેન્ડ મળેલ જ નથી, અને છે પણ નહીં, પછી ક્યાંથી આવે?' ભાવિન ગભરાતા ગભરાતા બોલ્યો.
'કાલે સવારથી રાત સુધી ગાડીમાં તારી સાથે કોણ હતું? ગાંધીનગરથી છેક મોડી રાત્રે આવ્યો ત્યારે આખા રસ્તે ગાંધીનગર જઈને કોની સાથે પ્રેમના લફરાં કરી આવ્યો છે ?'
'અરે ! હું મારા ઓફિસના કામે ગયો હતો. આખો દિવસ સચિવાલયમાં જ કામ પતાવતાં નીકળી ગયો. મારી સાથે કોઈ નહોતું. તને ખોટી શંકા જાય છે.- ભાવિને ખુલાસો કરતાં શાંતિથી કહ્યું. તે વિચારમાં પડી ગયો. ભૂમિ મારી ઉપર ખોટા ખોટા આક્ષેપો કરે છે. કોઈ લાંબા વાળ છે જ નહીં.'
ભાવિન અને ભૂમિના લગ્ન હજુ વરસ પહેલા જ થયા હતા. બન્નેના સ્વભાવ અને ગમા અણગમામાં આસમાન જમીનનું અંતર હતું. ભાવિન સીધો, સાદો, ભોળો, કોઈ પણ લફરાં વગરનો યુવાન હતો. જ્યારે ભૂમિ મસ્તાની, મોજીલી, રંગીલી, લફરાબાજ યુવતી હતી. તેને કોલેજમાં અનેક યુવકમિત્રો હતા. બધા તેનો પ્રેમ પામવા ખર્ચા કરવા ઉત્સુક રહેતા, પણ તેને તેના જેવા જ ઉછાંછળો યુવાન ભોગેશ મળી ગયો. પછી તો બન્ને સાથેને સાથે જ હોય. પરંતુ ભૂમિના મમ્મી પપ્પાને ખબર પડતાં તેમણે ભોગેશનાં બેકગ્રાઉન્ડની તપાસ કરાવી. તે તો બેકાર, શરાબી, અને અઠંગ જુગારી હોવાના સમાચાર મળતા ભૂમિના પપ્પા ઊકળી પડયા. 'ભૂમિ, તું કોલેજમાં ભણવા જાય છે, કે રખડવા ?'
'પપ્પા, આવું કેમ પૂછો છો ?' ભૂમિને નવાઈ લાગી.
'મે સાંભળ્યું છે કે તું ભોગેશ નામના યુવક જોડે આખો દિવસ ભણવાને બદલે રખડયા જ કરે છે ?' પપ્પાએ ગુસ્સે થઈ પૂછયું.
'હા,પપ્પા, હું અને ભોગેશ પ્રેમમાં છીએ, અને લગ્ન કરવાના છીએ.' ભૂમીએ નફટાઈથી જવાબ આપ્યો.
તેના મમ્મી પપ્પાએ તાત્કાલિક તેમની જ જ્ઞાતિના સુંદર નોકરી કરતાં સીધા સાદા ભાવિન સાથે લગ્ન કરાવી દીધા. હવે ભૂમિ અને ભોગેશને મળવાનું અઘરું થઈ ગયું.
બીજા અઠવાડીયે ભાવિન ઑફિસેથી આવ્યો અને તેના શર્ટ પરથી લેડિઝ પર્ફ્યુમની સ્મેલ આવે છે, કહીને ભૂમિએ મોટો ઝગડો કરી દીધો.
ભાવિને લગ્ન પછી બીજા જ દિવસે પોતાને કોઈ લફરુ નથી કે અફેર થયો નથી, તે જાહેર કરેલું, પણ તેને તેની કોલેજમાં સાથે ક્લાસમાં ભણતી નમિતા બહુ ગમતી એમ ભૂલથી બોલાઈ ગયેલું.
ત્યાં તો ભાવિનનો મોબાઈલ રણકી ઉઠયો, 'હાય, ભાવિન, કેમ છો ?' મહિલાનો અવાજ સાંભળી બન્ને ચમકી ગયા.
ભૂમિએ ઓર્ડર કર્યો, 'સ્પીકર ઉપર કર.' સ્પીકર ઉપર ભૂમિએ પણ સાંભળ્યું, 'હું નમિતા બોલું છું, કાલે આપણે સાથે કોફી પીધી હતી, મજા આવી, હવે ક્યારે મળવું છે ?'
'હ અઅ.. હવે ખબર પડી. તારી કોલેજની ફ્રેન્ડ નમિતા સાથે કાલે ફરતો હતો, તેના પરફ્યુમની જ સ્મેલ છે.' ભૂમિએ હવે ભાવિનને બરાબર સાણસામા લીધો.
'હું કાલે ઓફિસમાં જ હતો. આ નમિતા કોણ છે, એ મને ખબર જ નથી. તું ખોટો આક્ષેપ મૂકે છે. આ અવાજ પણ જાણીતો નથી,' ભાવિન હવે ઢીલો પડી ગયો.
'તું મને દગો દઈને બીજી જોડે રંગરેલીયા મનાવે છે.' કહીને ભૂમિએ તો રડવાનું ચાલુ કરી દીધું.
'જો તું નહીં સુધરે તો હું આત્મહત્યા કરી લઈશ. અહીંયા જ પેટ્રોલ છાંટીને મરી જઈશ.' ભૂમિનું રડવાનું ચાલુ હતું.
આમ કહીંને તેણે ફોન જોડયો. 'હેલો, મહિલા પોલીસ સ્ટેશન, મારો પતિ બેવફાઇ કરી મારા પર જુલમ ગુજારે છે, હું આત્મહત્યા કરી લઇશ.' એમ કહીને ઠૂઠવો મૂક્યો.
'હેલો હેલો, લેડી પી.એસ.આઈ. પરમાર બોલું છું, તમારા પતિને ફોન આપો.' - સામે છેડેથી અવાજ આવ્યો.
ભૂમિએ રડતાં રડતાં ફોન ભાવિનને આપ્યો. 'જુઓ મિસ્ટર, તમારા લગ્નને હજુ વરસ જ થયું છે, અને જો તમારા પત્ની તમારી બેવફાઇ ને લીધે આત્મહત્યા કરે તો, તે ભયંકર ગુનો બને છે, અને અમે કોઈ પણ પુરાવા વગર તમને કસ્ટડીમાં પૂરી શકીએ છીએ.' પી.એસ.આઈ. પરમાર મેડમે બરાબર તડકાવતા કહ્યું.
મહિલાઓને કાયદામાં અપાયેલી વધારે પડતી તરફેણનો જાણે દૂરપયોગ થઈ રહ્યો હતો.
ભાવિન બિચારો 'મે કાઇ કર્યું નથી, હું કઈ જાણતો નથી' કહેતો રહ્યો અને ફોન કપાઈ ગયો.
ભાવિન હવે ખરેખર ગભરાઈ ગયો તે વિચારે ચડયો, 'આ વાળ અને પરફ્યુમ વિગેરે ક્યાંથી આવ્યા? હું કોઈ નમિતાની સાથે હતો જ નહીં, તો સાથે ફરવાની તો વાત જ કયાં રહી?
હવે તે ભૂલથી ડરીને સહેમીને રહેવા લાગ્યો. ભૂમિ જેમ કહે તેમ કરે, અને તેને જેમ કરવું હોય તેમ કરવા દે, જ્યાં જવું હોય ત્યાં જવા દે.
તેમનું લગ્નજીવન રફેદફે થઈ ગયું. ભાવિન તેની પત્ની ભૂમિથી ગભરાઈને દૂર રહેવા લાગ્યો આમાં પ્રેમ અને સહવાસ કરવાનું તો સૂઝે જ ક્યાંથી ?
હવે ભૂમિને છૂટું મેદાન મળી ગયું. તેના ફ્રેન્ડ ભોગેશ સાથે આનંદ કરવા માટે બન્ને રોજ સાથે ગાર્ડનમાં ફરવા જાય, કોફી પીએ, પીકચર જુએ હાથમાં હાથ રાખીને ! પછી હોટલની લકઝરી રૂમમાં આનંદ કરે અને વટથી ઘરે આવે.
ભોગેશને નવાઈ લાગી. ભૂમિએ શું જાદુ કર્યું છે કે તારો વર તને કઈ પૂછતો જ નથી, કાઈં કહેતો જ નથી.
ભૂમિ હસી પડી. 'મે નાટક કરીને તેને ડરાવી દીધો છે. મારી ફ્રેન્ડને કહી નમિતાના નામનો ફોન કરાવી તેને બદનામ કરી દીધો છે. હવે તે એટલો ડરી અને સહેમી ગયો છે કે આપણે ગમે તે કરીએ, તે આપણું નામ નહીં લે. હા હા હા.. ' કહીને બન્ને હસતાં હસતાં એકબીજાના આલિંગનમાં જકડાઈ મોજ કરવા ઉપડયા હોટેલમાં.
લાસ્ટ સ્ટ્રોક
આ દુનિયામાં બહુ જ સરળ, સીધા અને ભોળા બનવા જેવુ નથી. પતિ અને પત્ની બંને માટે સાચું જાણવાની જરૂર છે, નહીંતર લોકો તમને બનાવીને મનમાની કરશે, નિચોવી લેશે.