Shatdal

કાળિયો કુબડો પતિ ગોરો બની ગયો?

By GS Team
22 Sep 20265 mins read
કાળિયો કુબડો પતિ ગોરો બની ગયો?
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • ભાઈ વીરેન્દ્ર, મારું આ રૂપ એટલું સસ્તું નથી! હું પરણીશ તો કોઈ એનઆરઆઈ મિલિયોનેરના દીકરાને! સમજ્યો ?'

'આ બને જ શી રીતે ?' પંચાવન વરસના વીરેન્દ્રભાઈ ડઘાઈ ગયા હતા ! જ્યારે એક સંસ્થાના કાર્યક્રમમાં મંચ ઉપરથી જાહેરાત થઈ કે :
'આપણી સંસ્થાનેે પુરા એક કરોડ રૂપિયાનું માતબર ધન આપનાર, અમેરિકા નિવાસી દંપતી શ્રી નીલેશભાઈ મહેતા અને શ્રીમતી રેશમાબેન મહેતાનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ.'
તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે રેશમાબેન અને નીલેશભાઈ મંચ ઉપર ચડયા તે જોઈને વીરેન્દ્રભાઈને ઓલમોસ્ટ ચક્કર આવી ગયાં !
'આ નીલેશ ?' એ તો સાવ કાળો, શીતળાનાં ચાંઠાવાળો અને એક પગે લંગડો હતો ને ? એ આટલો ગોરો અને હેન્ડસમ શી રીતે થઈ ગયો ?
રેશમાબેનને જોઈને પણ વીરેન્દ્રભાઈના આશ્ચર્યનો પાર નહોતો :
'આ રેશમા તો એના પતિના ત્રાસથી સાવ માંદી અને સુકલકડી હાડપિંજર જેવી થઈ ગઈ હતી ને ? અને એમનાં બે છોકરાં પણ મા-બાપનાં સતત કંકાસથી ત્રાસીને યુ.એસ. છોડીને ઓસ્ટ્રેલિયા જતાં રહ્યાં હતાં ? એ પણ કદી પાછા ના આવવાનાં સોગંદ લઈને ? તો પછી એ બન્ને….'
વીરેન્દ્રભાઈના બેવડાઈ રહેલા આશ્ચર્ય વચ્ચે મંચ ઉપર એક સુંદર યુવક અને એક નમણી સરખી યુવતી આવી રહ્યાં હતાં. એનાઉન્સમેન્ટ ચાલુ હતું.
'સાથે સાથે સ્વાગત કરીએ એમનાં સુપુત્ર રાજ અને સુપુત્રી રિયાનુ !' વીરેન્દ્રભાઈનું મગજ ચક્કર ખાઈ રહ્યું હતું. 'આ બે છોકરાં અહીં ક્યાંથી ? અને સાલાં, બંને જણાં જાહેરમાં એમનાં માબાપને પગે પણ લાગી રહ્યાં છે ? તો પછી એમણે લીધેલા સોગંદનું શું ?'
મંચ ઉપર જે કંઈ ચાલી રહ્યું હતું તે પંચાવન વરસના વીરેન્દ્રભાઈથી હવે જોઈ શકાય તેવું હતું જ નહીં તે ઝડપથી આખો સમારંભ છોડીને હોલની બહાર નીકળી ગયા.
આ બધું શી રીતે બની ગયું ? આવડો મોટો યુ-ટર્ન ? અરે, બીજું બધું તો છોડો, પેલો નીલેશ, જે કાળો કદરૂપો હતો એ શી રીતે આટલો બધો બદલાઈ ગયો ?
હોલની બહાર નીકળ્યા પછી સૌથી પહેલાં તો નજીકના પાનને ગલ્લે જઈને તેમણે બે સિગારેટો ઉપરાઉપરી ફૂંકી મારી. છતાં હજી ગેડ બેસતી નહોતી.
આખરે એક વિચાર આવતાં જુના મિત્ર શૈલેશને ફોન કર્યો.
'અલ્યા, ક્યાં છે તું ? હજી અમેરિકામાં જ છે કે શું ? તું તો આજકાલમાં ઇન્ડિયા
આવવાનો હતો ને ?'
'તારા ઈન્ડિયામાં જ છું. કાલે જ વડોદરા આવીને તને મળવાનો છું બોલ, અહીં મુંબઈથી કંઈ
લાવવાનું છે?'
'ના પણ શૈલેશીયા, અહીં બહુ મોટી ગડબડ છે ! પેલી રેશમા, જે યુએસમાં હતી એ પાછી આવી છે. અને એનો ધણી પેલો નીલેશ, એમાં તો ડબલ ગડબડ લાગે છે !'
'તારી બધી ગડબડ હું સોલ્વ કરી આપીશ ! શાંતિ રાખ, કાલે મળીએ છીએ….'
વીરેન્દ્રભાઈ માટે એક આખો દિવસ રાહ જોવાનું મુશ્કેલ તો હતું પણ હવે છૂટકો પણ નહોતો. ત્રીજી સિગારેટ ફૂંકતાં ફૂંકતાં એમને કોલેજના દિવસો યાદ આવી ગયા….
એ જમાનામાં વીરેન્દ્રની કોલેજમાં એક જ બ્યુટિ ક્વીન હતી જેનું નામ હતું રેશમા ! બીજા બધા છોકરાઓની જેમ વીરેન્દ્ર પણ એનો આશિક હતો. છતાં વીરેન્દ્ર બધા કરતાં જરા અલગ હતો કેમકે એ કવિ હતો !
રોજ સવાર પડે ને વીરેન્દ્ર પોતાના ઉપનામ 'આશિક' સાથે એક નવી શાયરી રેશમાને સમર્પિત કરવા માટે રચી કાઢતો હતો. રેશમાનાં પગલાંકોલેજમાં પડે કે તરત જ કમ્પાઉન્ડની પાળીએ બેઠેલો વીરેન્દ્ર એનું 'વેલકમ' કરવા માટે આજની શાયરીનું મોટા અવાજે 'પઠન' કરતો!
રેશમા ક્યારેક સ્માઈલ વડે, ક્યારેક હાસ્ય વડે તો ક્યારેક નકલી ગુસ્સાનો છણકારો કરીને જતી રહેતી હતી.
એક દિવસ કવિ વીરેન્દ્રએ રેશમાનો હાથ પકડીને એકરાર કરતાં કહી દીધું હતું 'રેશમા આઈ લવ યુ….તું મારી સાથે લગ્ન કરીશ ?'
રેશમાએ હળવેકથી હાથ છોડાવતાં કહ્યું હતું 'કવિરાજ ! લગ્ન કરીને તમે મને આપી આપીને શું આપશો ? રોજની એક શાયરી ? બે મુક્તકો ? એકાદ ગઝલ ? ભાઈ વીરેન્દ્ર, મારું આ રૂપ એટલું સસ્તું નથી ! હું પરણીશ તો કોઈ એનઆરઆઈ મિલિયોનેરના દીકરાને ! સમજ્યો ?'
તે વખતે વીરેન્દ્રએ રોકડું પરખાવતાં ભવિષ્યવાણી કરી હતી કે 'યાદ રાખજે રેશમા ! પૈસા પાછળની આ દોડમાં છેવટે તો તું નિરાશ જ થવાની છે ! પૈસો તને ભૌતિક સુખ આપે પણ ખરો, પરંતુ જીવનમાં સાચી શાંતિ પ્રેમ વડે જ મળતી હોય છે.'
તે વખતે રેશમાએ આંખો નચાવીને મજાકમાં કહ્યું હતું, 'વાહ ! તારું આ મહાનજ્ઞાન મને જિંદગીભર યાદ રહેશે, હોં !'
એ પછી રેશમાએ કહ્યું હતું તેમ તેનાં લગ્ન કોઈ અમેરિકન મૂરતિયા સાથે થઈ ગયાં હતાં, તે ફોરને જતી રહી હતી.
આ બાજુ વીરેન્દ્ર હવે હતાશ, નિરાશા, પ્રેમભંગ, દગો, બેવફાઈ, જુઠી દંભી દુનિયા જેવા વિષયો ઉપર પોતાનો જીવ બાળી બાળીને શાયરીઓ લખતો થઈ ગયો હતો.
તૂટેલા દિલના સહારા માટે તે દારૂ પીતો થઈ ગયો હતો. રોજનાં બબ્બે પેકેટ સિગારેટોના ધૂમાડા વડે પોતાનાં ફેફસાં કાણાં કરી બેઠો હતો. આમાં ને આમાં તે ટીબીનો શિકાર બની ચૂક્યો હતો.
એ તો સારું થયું કે એક ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં એની લગભગ મફતમાં સારવાર થઈ. એ જ હોસ્પિટલના ડૉક્ટરની ભલામણથી એને એક સહકારી બેન્કમાં નોકરી પણ મળી ગઈ હતી.
એ દિવસોમાં અમેરિકાથી એની સાથે કોલેજમાં ભણેલા શૈલેશનાં ફોન આવવા લાગ્યા હતાં. શૈલેશ વીરેન્દ્રને રેશમાની બધી માહિતી પહોંચાડતો હતો.
'અરે, રેશમાનો પતિ તો સાવ કાળો કૂબડો અને શીતળાનાં ચાઠાંવાળો છે ! રેશમાનાં સાસુ-સસરા તો રાક્ષસ છે રાક્ષસ ! રેશમા પૈસાની લાલચમાં આવીને અહીં ફસાઈ ગઈ છે…એમનાં બન્ને છોકરાં ઘરનાં કંકાસથી ત્રાસીને એમના કાકાને ત્યાં ઓસ્ટ્રેલિયા રહેવા જતા રહ્યા છે….તારી વાત સાચી હતી દોસ્ત….પૈસો કદી સુખ નથી આપી શકતો….'
વીરેન્દ્ર એ યાદોમાંથી પાછો બહાર આવી ગયો. જો એમ જ હતું તો આ કાયાપલટ શી રીતે થઈ ? હજી સમજાતું નહોતું.
બીજા દિવસે જ્યારે શૈલેશ આવીને મળ્યો ત્યારે એણે સૌથી પહેલાં તો ત્રણ સવાલો કર્યાં :
'તું આજે તારી પત્ની અને બાળકો સાથે ખુશ છે ને ? ભાડાની એક રૂમથી શરૂ કરીને આજે તું થ્રી બીએચકે ફલેટમાં રહેતો થયો એ પ્રગતિથી તને સંતોષ છે ને ? અને સાચું કહેજે રેશમા દુ:ખી છે એ વાતે તને દિલમાં ટાઢક થતી હતી ને ?'
વીરેન્દ્ર ત્રણેય સવાલોના જવાબ 'હા'માં આપ્યો. હવે શૈલેશ ભેદ ખોલવા માંડયાં.
'સાંભળ….તને જે હોસ્પિટલમાં મફતના ભાવે સારવાર મળી હતી તેના ટ્રસ્ટી રેશમાના સાસુ-સસરા છે ! તને જે ભલામણથી નોકરી મળી એ સહકારી બેન્ક પણ રેશમાના પતિ નીલેશની માલિકીની છે ! બસ, એટલું સમજી લે કે રેશમા અમેરિકામાં બેઠાં બેઠાં તારું સતત ધ્યાન રાખતી હતી.'
'તો પછી ?' વીરેન્દ્ર હજી ગૂંચવાયેલો હતો 'એનો ધણી કાળો-કુબડો છે, એને મારે છે…એ બધી વાતો….'
'મેં જ તને કરી હતી, રેશમાના કહેવાથી ! જેથી તારા આ અહંકારી કવિ જીવડાને એમ થાય કે આ દુનિયામાં તને 'કવિન્યાય' મળી રહ્યો છે ! બાકી રેશમાનું સુખ જોઈને કે સાંભળીને તું આખી જિંદગી જલી જલીને પોતાની જાતને બાળતો રહ્યો હોત ! કદાચ તેં લગ્ન પણ ના કર્યા હોત….સમજ્યા કવિરાજ ?'
ઊંડા વિચારોમાં ઘેરાયેલા વીરેન્દ્રએ ખિસ્સામાંથી સિગારેટ કાઢીને હોઠ ઉપર મુકી….લાઈટર વડે સળગાવવા જતો હતો…ત્યાં કોઈ વિચારે સિગારેટ હોઠ ઉપરથી કાઢીને ફેંકી દીધી. પછી લાઈટર પણ….