Shatdal

વિરોધ સહન કરવાની શાસકોની શક્તિ દેશે દેશે નોખી!

By GS Team
15 Sep 20265 mins read
વિરોધ સહન કરવાની શાસકોની શક્તિ દેશે દેશે નોખી!
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • વાણી સ્વાતંત્ર્યના નામે રીતસર કીચડ ઊછાળવામાં આવે છે છતાં આ નેતાઓ સામે કોઇ કડક કાયદેસર પગલાં લેવાતાં નથી.

ઇં ગ્લેંડ સાથે ટેસ્ટ મેચ રમવા રવાના થઇ રહેલી પાકિસ્તાની ટીમના સભ્યોને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ઑફિસમાં બોલાવીને સખત શબ્દોમાં ચેતવણી આપવામાં આવી- ખબરદાર, ઇંગ્લીશ મિડિયા સમક્ષ ક્રિકેટર કમ પોલિટિશ્યન ઇમરાન ખાન વિશે કોઇ પ્રશ્નનો જવાબ આપવાનો નથી. જરા પણ ભૂલ થઇ તો તમારી ખેર નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આજે પણ ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે ઇમરાન ખાનની પ્રતિષ્ઠા અકબંધ છે. એક નબળી પળે ઇમરાન ખાને પાકિસ્તાનના રાજકારણમાં ઝુકાવીને જીવલેણ ભૂલ કરી.
શતરંજના એક પ્યાદા તરીકે પાકિસ્તાની લશ્કરે ઇમરાન ખાનને વડા પ્રધાન બનાવ્યો. સત્તાના મદમાં કે પછી દોઢડાહ્યા થવાની લાહ્યમાં ઇમરાન ખાને લશ્કર વિરુદ્ધ બેફામ વિધાનો કર્યા. આજે ઇમરાન ખાન અને એની પત્ની બંને જેલમાં છે. બંને પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. ભ્રષ્ટાચાર તો નવાઝ શરીફે પણ કરેલો. તબીબી સારવારના બહાને નવાઝ દેશ છોડી ગયા અને અત્યારે લંડનમાં મોજ કરે છે. જો કે એને પોતાના ભાઇ શાહબાઝ ખાનની ચિંતા છે. પાકિસ્તાની લશ્કરે અત્યારે શાહબાઝ ખાનને વડા પ્રધાનપદે બેસાડયા છે. જો કે ખરી સત્તા પાકિસ્તાની લશ્કરના હાથમાં છે. શાહબાઝ ખાન તો કઠપૂતળી છે. ગમે ત્યારે એને પદભ્રષ્ટ કરી દેવામાં આવે તો નવાઇ નહીં.
આપણે ઇમરાન ખાનની વાત કરતા હતા. ઇમરાનના ટેકેદારો અને એના કુટુંબીજનોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખેલી કે ઇમરાનની તબિયત સારી નથી. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો કે ઇમરાનને અડિયાલા જેલમાંથી ખસેડીને ઇસ્લામાબાદ ખાતેની સરકારી હાસ્પિટલમાં ખસેડવો. એની સંપૂર્ણ તબીબી તપાસ કરાવીને કોર્ટને રિપોર્ટ આપવો.
લશ્કરના પ્રવક્તાએ ઇમરાનને ઇસ્લામાબાદની હાસ્પિટલમાં તો મોકલ્યો પરંતુ કોઇ તબીબી તપાસ થાય એ પહેલાં એને ગણતરીના કલાકોમાં પાછો અડિયાલા જેલમાં મોકલી દીધો.
ઇમરાનના કુટુંબીજનોએ ફરી સુપ્રીમ કોર્ટમાં ધા નાખી અને લશ્કર સામે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરી દીધી. ઇમરાનનાં બંને પુત્રો જાહેરમાં એવી રાવ કરે છે કે અમારા પિતાને જેલમાં મારી નાખવાની પેરવી થઇ રહી છે. તેમની તબિયત સાવ લથડી ગઇ છે અને બંને આંખે દેખાતું લગભગ બંધ થઇ ગયું છે. આ લખાતું હતું ત્યારે પણ ઇમરાન અને એની પત્ની જેલમાં સબડતાં હતાં. દુનિયાભરની ક્રિકેટ ટીમ્સના ભૂતપૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને જાહેર વિનંતી કરી હતી કે ઇમરાન સાથે માનવતાભર્યું વર્તન કરવામાં આવે.
આવું જો કે લગભગ દુનિયાના બધા દેશોમાં થતું રહ્યું છે. તમને યાદ હોય તો ૧૯૭૫માં અલાહાબાદ હાઇકોર્ટમાં ઇંદિરા ગાંધીની ચૂ્ંટણી રદ કરતો ચુકાદો આવ્યો ત્યારે પોતાની ખુરસી સાચવવા ઇંદિરાએ દેશમાં આંતરિક કટોકટી લાદી હતી. એ સમયે લોકનાયક જયપ્રકાશ નારાયણ (જેપી)ને જેલમાં નાખવામાં આવેલા એટલું જ નહીં પણ જેલમાં જેપીને સિમેન્ટ ભેળવેલા બાજરાના લોટના રોટલા ખવડાવીને તેમની બંને કિડની નકામી કરી નાખવામાં આવેલી. ૧૯૭૭માં કટોકટી ઊઠાવી લેવામાં આવી અને જેપી જેલની બહાર આવ્યા ત્યારે તેમનું સ્વાસ્થ્ય સાવ કથળી ગયેલું. ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના સંચાલક રામનાથ ગોએન્કાએ જેપીને પોતાને ત્યાં આશ્રય આપેલો અને જેપી જીવનના અંતિમ શ્વાસ સુધી ગોએન્કાજીના મહેમાન તરીકે રહ્યા હતા.
ઇમરાન જેવી જ સ્થિતિ અત્યારે અઝરબૈઝાન નામના દેશના બે વિપક્ષી નેતાઓની છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યૂરોપના સીમાડે આવેલું અઝરબૈઝાન આમ તો સેક્યુલર રાષ્ટ્ર હોવાનો દાવો કરાય છે. ત્યાં શિયા મુસ્લિમોની બહુમતી છે અને સુન્ની મુસ્લિમો લઘુમતીમાં છે. જો કે અઝરબૈઝાનને ઔપચારિક રીતે ઇસ્લામી દેશ જાહેર કરાયો નથી પરંતુ ત્યાં મુસ્લિમ દેશ જેવી જ પરિસ્થિતિ છે. સૌથી વધુ જોખમી વાત એ છે કે ત્યાં સેમી-પ્રેસિડેન્શ્યલ સરકાર છે અને એ વંશવારસાગત છે. જે નેતા પ્રમુખપદે હોય એના વારસદારો જ શાસક તરીકે બિરાજી શકે છે. અત્યારે આ દેશના બે- ત્રણ લોકપ્રિય વિપક્ષી નેતાઓ જેલમાં છે. એક છે અલી કરીમલી. એમના દોસ્ત અને આગેવાન મિડિયામેન અલસ્ગાર મમ્મદઅલી બંને જેલમાં છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જાહેર અપીલ કરી છે કે આ બંને સાથે જેલમાં માનવતાભર્યું વર્તન કરવામાં આવે. આ બંને હાલના શાસકનો જોરદાર વિરોધ કરે છે.
આ બંનેને એવી કોટડીમાં રાખવામાં આવ્યા છે જ્યાં એક પણ બારી નથી. વેન્ટિલેશન વિના તાજી હવા તો ક્યાંથી મળે ? ઓરડીમાં જે મૂતરડી અને જાજરૂ છે એ માથું ફાડી નાખે એટલી હદે ગંધાય છે. ઓરડીનો વીજપુરવઠો કાપી નખાયો છે એટલે લાઇટ કે પંખો ચાલતાં નથી. ઓગસ્ટમાં કરીમલીને કોર્ટમાં લાવ્યા ત્યારે એ પોતાના પગ પર ઊભો પણ રહી શકતો નહોતો. આટલું ઓછું હોય તેમ આ બંનેને જેલમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું ચોખ્ખું પાણી પણ અપાતું નથી. એમ્નેસ્ટીએ એવો દાવો કર્યો છે કે આ બંનેની તબિયત સાવ કથળી ચૂકી છે. એમને તાત્કાલિક તબીબી સારવાર નહીં મળે તો આ બંને તરફડી તરફડીને મરી જશે. જો કે સરકારના પેટનું પાણી હાલતું નથી.
અઝરબૈઝાનનો જ ઔર એક લોકપ્રિય નેતા તૌફિક યાકુબ્લુ પણ શાસકના રોષનો શિકાર બન્યો છે. એ પણ જેલમાં છે અને એનાં સંતાનોએ કરેલા આક્ષેપ મુજબ એને જેલમાં ફક્ત બે કલાક વીજળી વપરાશનો લાભ મળે છે. કરીમલી અને તૌફિક પર શારીરિક અત્યાચાર થતો હોવાના પણ આક્ષેપ થયા છે. મિડિયાએ પણ આ અંગે અહેવાલો પ્રગટ કર્યા છે પરંતુ સરકારે કોઇ પ્રતિસાદ આપ્યો નથી.
આવા કિસ્સા જોઇએ ત્યારે એમ થાય કે આપણે ત્યાં વિરોધ પક્ષના નેતાઓ કેટલી બધી સ્વતંત્રતા ભોગવે છે. વડા પ્રધાનને ગાળો આપવામાં આવે છે. વડા પ્રધાનની માતા વિશે એલફેલ બોલવામાં આવે છે. વાણી સ્વાતંત્ર્યના નામે રીતસર કીચડ ઊછાળવામાં આવે છે છતાં આ નેતાઓ સામે કોઇ કડક કાયદેસર પગલાં લેવાતાં નથી. કોંગ્રેસ પૂરતી વાત કરીએ તો રાહુલ ગાંધીને હજુ ગયા પખવાડિયે અલાહાબાદ હાઇકોર્ટે બેવડા નાગરિકત્વના ગુના માટે જવાબદાર ઠરાવ્યા હતા. રાહુલ અને એમની માતા સોનિયા ગાંધી અન્ય આક્ષેપો બદલ હાલ જામીન પર ફરે છે પરંતુ તેમનાં વાણી-વર્તનમાં કોઇ સુધારો થયેલો દેખાતો નથી. અન્ય વિરોધી નેતાઓ પણ ગમે તેવું વર્તન કરી રહ્યા છે.