Shatdal

૨૦૨૭ની ચૂંટણી યોગી માટે સીધાં ચઢાણ જેવી....

By GS Team
22 Sep 20264 mins read
૨૦૨૭ની ચૂંટણી યોગી માટે સીધાં ચઢાણ જેવી....
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • હકીકત છે કે જેટલા મુસ્લિમ ગુંડાઓ માર્યા ગયા એટલી જ સંખ્યામાં હિન્દુ ગુંડાઓનાં પણ એન્કાઉન્ટર થયાં.

૨૦ ૨૬ના ચાલુ વર્ષને પૂરું થવા આડે હવે બે-ત્રણ માસ રહ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માથા પર તોળાઇ રહી છે ત્યારે અત્યારથી વાતાવરણ ગરમ થવા માંડયું છે. છેક હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસીએ યોગીને પડકાર ફેંક્યો છે કે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી તમારા માટે લોઢાના ચણા ચાવવા જેવી થઇ પડશે. યોગીએ એ પડકાર ઝીલી લીધો છે. છતાં એક વાત સાચી કે આ ચૂંટણી ભાજપ માટે ટફ થઇ પડશે. એનાં ત્રણ ચાર સચોટ કારણો છે. આમ તો હજુ વિધાનસભા ચૂંટણીને ઘણો સમય બાકી છે છતાં એક વિહંગાવલોકન કરવા જેવું ખરું.
સૌથી પહેલી વાત તો ખુદ ભાજપમાં અંદર અંદર પ્રવર્તતો અસંતોષ છે. યોગી શાસનને લગભગ દસ વર્ષ થવા આવ્યાં. પક્ષમાં ઘણા નેતા એવા હોય જે પોતાને અમુક તમુક ખાતા માટે યોગ્ય ગણતા હોય. પક્ષના તમામ નેતાઓને પ્રધાનમંડળમાં સ્થાન આપી શકાય નહીં એટલે જેમને પ્રધાનપદું ન મળ્યું હોય એવા લોકો સતત બળ્યા ઝળ્યા રહે અને તક મળે ત્યારે પક્ષને છેહ દેવા તૈયાર થઇ જાય. દસ વર્ષ સાવ નાની મુદત નથી. એટલે જેમને કેબિનેટમાં તક નથી મળી એવા નેતાઓ આડા ફાટે તો નવાઇ નહીં.
બીજું એક મહત્ત્વનું કારણ રામ મંદિરની દાનપેટીનો વિવાદ ગણી શકાય. ઉત્તર પ્રદેશ વસતિની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. છેલ્લી વસતિ ગણતરી મુજબ અહીં ચોવીસ કરોડ ત્રીસ લાખ લોકો વસે છે. દેશની કુલ વસતિના ૧૭ ટકા વસતિ એકલા આ રાજ્યમાં છે. છેક ૧૯૪૭થી એવી માન્યતા રહી છે કે દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ ઉત્તર પ્રદેશના જ હોય. અહીં મોટે ભાગે ભગવાન રામ પ્રત્યે આસ્થા ધરાવતા લોકો વસે છે એટલે રામ મંદિરની દાનપેટીનો વિવાદ મતદારો પર અસર કરે તો નવાઇ નહીં.
ઔર એક મુદ્દો મુસ્લિમ મતદારોનો છે. આશરે ચાર કરોડ મુસ્લિમો વસે છે. છેક ૨૦૧૭થી યોગીએ અહીં માથાભારે બની ગયેલા મુખ્તાર અન્સારી અને અતિક અહમદ જેવા મુસ્લિમ દાદાઓનો ખાતમો શરૂ કરેલો. મુલાયમ સિંઘ યાદવ અને એના પુત્ર અખિલેશ યાદવના સમયમાં બેફામ બની ગયેલા મુસ્લિમ દાદાઓને યોગીએ એક પછી એક એન્કાઉન્ટરમાં પતાવી નાખ્યા. આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો યોગીએ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી અને પોલીસને અપરાધીઓ સામે લડવાની ખુલ્લી છૂટ આપી ત્યારથી ૨૦૨૬ સુધીમાં પોલીસે સત્તર હજારથી વધુ એન્કાઉન્ટર કર્યા છે. એમાં સૌથી વધુ મુસ્લિમ ગુંડાઓ માર્યા ગયા છે. એ બધાંના નામની યાદી અહીં આપવાનો કશો અર્થ નથી. હવે માત્ર આઝમ ખાન જેવા બે ચાર માથાભારે લોકો રહ્યા છે જે માથું ઊંચકી શકે એવી સ્થિતિમાં નથી.
પરંતુ યોગીનું આ પગલું મુસ્લિમ મતદારોને ભાજપથી વિમુખ કરી દે ખરું. સાથોસાથ એ પણ હકીકત છે કે જેટલા મુસ્લિમ ગુંડાઓ માર્યા ગયા એટલી જ સંખ્યામાં હિન્દુ ગુંડાઓનાં પણ એન્કાઉન્ટર થયાં. એવા ગુંડાઓમાં વિનોદ કુમાર, સંજીવ નાલા, રામ નરેશ ઠાકુર, વિશ્વાસ નેપાળી વગેરેનો સમાવેશ થાય છે. એવા દસેક મોસ્ટ વોન્ટેડ હિન્દુ ગુંડાઓનાં એન્કાઉન્ટર પોલીસે કર્યાં. અદાલતોએ ટીકા કરી ત્યાર બાદ યોગીએ પોલીસને મિનિ એન્કાઉન્ટરની સલાહ આપી. મિનિ એન્કાઉન્ટરમાં અપરાધીના પગમાં ગોળી મારીને એને જીવતો ઝાલવાનો સમાવેશ થાય છે.
કેટલાક સ્થળે જેમ કે સંભલમાં તો યોગીએ ખુલ્લે આમ મુસ્લિમ વિરોધી નિવેદન કર્યાં છે. એ સંજોગોમાં મુસ્લિમ મતદારોનો ઝુકાવ અખિલેશ યાદવ તરફ રહે તો નવાઇ નહીં. જો કે અહીં દલીલ ખાતર કહી શકાય કે અખિલેશે બ્રાહ્મણ સંમેલન યોજીને બ્રાહ્મણ મતદારોની લાગણી જીતવાનો પ્રયાસ કર્યો એ પગલું મુસ્લિમોને ચોંકાવી દઇ શકે.ભાજપને રાજી થવાનું એક કારણ માયાવતી છે. જે કામ પશ્ચિમ બંગાળના મમતા બેનરજી ન કરી શક્યાં એ કામ માયાવતીએ કરી દેખાડયું. મમતા પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને દૂર કરી શક્યાં નહીં.
માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને ફરી પાછો કાઢી મૂક્યો. માયાવતીના દલિત મતદારો વિશેના નિવેદનથી અખિલેશ યાદવ વધુ ચિંતિત થયા. આ વખતે અખિલેશ યાદવ કોંગ્રેસ સાથે જોડાણ કરવાના મૂડમાં નથી. છેલ્લી એક કરતાં વધુ ચૂંટણીએ દેખાડયું છે કે કોંગ્રેસ જેની સાથે જાય એને પોતાની જેમ ડૂબાડી દે છે. એટલે અખિલેશ અત્યારે તો દ્વિધામાં છે- યા ઇધર જાઉં યા ઉધર જાઉં… ઓવૈસી સાથે જોડાણ કરવું કે બ્રાહ્મણ મતદારોને સંભાળવા. કોંગ્રેસ માટે તો કપરાં ચઢાણ છે જ. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ ખુદ રાહુલ ગાંધી આ વખતે બરેલી. ઉપરાંત બીજી કોઇ સુરક્ષિત ગણાતી બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે
ઉત્તર પ્રદેશમાં એટલી વધી જાતિ પેટાજાતિના લોકો વસે છે કે કયો સમાજ કઇ તરફ ક્યારે ઢળી પડશે એ કહી શકાય નહીં. યાદવમાં પણ પાછા જુદાજુદા ચોકા છે. સાથોસાથ નિષાદ, કૂર્મી, મલૂહા, વગેરે અનેક નાના મોટા જૂથો છે. ભાજપે આ બધાંને સાથે રાખવાના છે. એ જેવો તેવો પડકાર નથી. જો કે ભાજપ આ વખતે ચૂંટણી પ્રચાર માટે સમગ્ર કેન્દ્રીય પ્રધાનમંડળને કામે લગાડી દે તો નવાઇ નહીં. રાજકીય સમીક્ષકો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ૨૦૨૯માં યોજાનારી સંસદીય ચૂંટણીના ટ્રેલર સમી ગણે છે એટલે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને ખાસ તો યોગી આદિત્યનાથ માટે લિટમસ ટેસ્ટ સમી નીવડે એવી શક્યતા નકારી કઢાય નહીં.