Shatdal

'એ સ્ત્રીએ મારા જીવન-મૃત્યુ વિશેના ખ્યાલો હચમચાવી નાખ્યા'

By GS Team
29 Sep 20264 mins read
'એ સ્ત્રીએ મારા જીવન-મૃત્યુ વિશેના ખ્યાલો હચમચાવી નાખ્યા'
  • કેથરિન પાસે ડો. વાઇસના અંગત જીવનમાં બનેલી આ ઘટના વિશે જાણવાનો કોઈ રસ્તો જ નહોતો, તો પછી એને કેવી રીતે ખબર પડી કે…
  • શું કેથરિનને ખરેખર પૂર્વજન્મો યાદ આવતા હતા? કે પછી, આ બધું હિપ્નોસિસ દરમિયાન એના મનની માયાજાળમાંથી પેદા થયેલી કપોળ કલ્પિત કથાઓ, સૂચનો, યોગાનુયોગ કે અન્ય માનસિક પ્રક્રિયાઓ માત્ર હતી?

આ પણે વાત શરૂ કરી હતી, ડો. બ્રાયન એલ. વાઇસ નામના પ્રતિષ્ઠિત અમેરિકન સાઇકિએટ્રિસ્ટે લખેલા પ્રસિદ્ધ પુસ્તક 'મેની લાઇવ્ઝ, મેની માસ્ટર્સ' નામના પુસ્તકની. તેમાં ખાસ કરીને કેથરિન સાથેની દર્દી સાથે થયેલા અસાધારણ અનુભવ વિશે વિસ્તૃતપણે વાત થઈ છે. પરંપરાગત તાલીમ પામેલા મનોચિકિત્સક ડો. વાઇસ શરૂઆતમાં પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા નહોતા. પરંતુ ગંભીર ચિંતા, ગભરાટ, ફોબિયા, અનિદ્રા અને દુ:સ્વપ્નોથી પીડાતી કેથરિનની સારવાર દરમિયાન હિપ્નોસિસનો ઉપયોગ કરતાં તે પોતાના કહેવાતા પૂર્વજન્મોની ઘટનાઓ વર્ણવવા લાગી.
તેના પાણી અને ગૂંગળામણ જેવા ભયોને તે પૂર્વજન્મોમાં થયેલા આઘાતજનક મૃત્યુ સાથે જોડતી હતી. વધુ આશ્ચર્યજનક રીતે, કેટલીક સેશનમાં તેણે 'માસ્ટર્સ' તરીકે ઓળખાવેલી આધ્યાત્મિક સત્તાઓના સંદેશાઓ પણ કહી સંભળાવ્યા. ડો. વાઇસના જણાવ્યા પ્રમાણે, કેથરિન તેમના પરિવાર વિશે એવી અંગત વિગતો પણ કહેતી હતી જે તેની જાણમાં હોવી મુશ્કેલ હતી. આ અનુભવે ડો. વાઇસની પોતાની માન્યતાઓને હચમચાવી નાખી અને તેમના વ્યાવસાયિક જીવનની દિશા બદલી નાખી.
આ પુસ્તક એક રસપ્રદ અને મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે: શું કેથરિનને ખરેખર પૂર્વજન્મો યાદ આવતા હતા? કે પછી, આ બધું કેવળ હિપ્નોસિસ દરમિયાન એના મનની માયાજાળમાંથી પેદા થયેલી કપોળ કલ્પિત કથાઓ, સૂચનો, યોગાનુયોગ કે અન્ય માનસિક પ્રક્રિયાઓ માત્ર હતી? ગયા બુધવારે આપણે પુસ્તકનો એક ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ વિગતે જાણ્યો હતો.
હવે આગળ…
ધ માસ્ટર્સ
આ પુસ્તક અસાધારણમાંથી ક્રમશ: રહસ્યમય બનવા લાગે છે. એક હિપ્નોસિસ સત્ર દરમિયાન કેથરિન માત્ર પોતાના પૂર્વજન્મનું વર્ણન કરતી નથી. તે 'ધ માસ્ટર્સ' તરીકે ઓળખાવાતી આધ્યાત્મિક સત્તાઓના ઉપદેશો આપવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ સત્તાઓ બે ભૌતિક જન્મોની વચ્ચેની અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તેઓ માનવજીવનના હેતુ અને મનુષ્યએ પોતાના જીવનમાં કયા પાઠ શીખવાના છે તે વિશે વાત કરે છે. આ સંદેશાઓમાં પ્રેમ, કરુણા, ધીરજ, ક્ષમા અને આધ્યાત્મિક વિકાસ જેવા વિષયો પર ભાર મૂકવામાં આવે છે. ધીમે ધીમે ડો. વાઇસ માનવા લાગે છે કે માનવજીવન એ એવી પ્રક્રિયા છે જેમાં આત્મા વારંવાર જન્મ લે છે અને દરેક જન્મમાં નવા પાઠ શીખે છે.
પુસ્તકના વર્ણન પ્રમાણે, કેથરિન એક તબક્કે ડો. વાઇસને કહે છે કે તે અત્યાર સુધીમાં ૮૬ વખત ભૌતિક સ્વરૂપે જન્મ લઈ
ચૂકી છે.
અહીંથી કથામાં એક અુત વળાંક આવે છે. જે મનોચિકિત્સક શરૂઆતમાં એક દર્દીની ચિંતા અને ભય દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે હવે પોતાની જ ક્લિનિકમાં એવી સત્તાઓના સંદેશાઓ સાંભળી રહ્યો છે, જે તેના મતે સામાન્ય માનવજીવનથી પર અસ્તિત્વ
ધરાવે છે.
એમને ડો. વાઇસના મૃત દીકરા વિશે શી રીતે ખબર પડી?
આ કદાચ આખા પુસ્તકનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ છે. હિપ્નોસિસની સ્થિતિમાં કેથરિન ડો. વાઇસના અંગત જીવન વિશે માહિતી આપવા લાગે છે. ડો. વાઇસના પછીના વર્ણન પ્રમાણે, તેમાં તેમના પિતા વિશેની વિગતો, તેમના પિતાનું હિબુ્ર નામ અવ્રોમ, તેમજ તેમના શિશુ અવસ્થામાં મૃત્યુ પામેલા પુત્ર વિશેની માહિતી સામેલ હતી. તે પુત્રનું મૃત્યુ હૃદયની એક દુર્લભ ખામીને કારણે થયું હતું.
કેથરિન આ માહિતીનો સંબંધ ડો. વાઇસની પુત્રી અને તેનું નામ રાખવા પાછળના સંજોગો સાથે પણ જોડે છે.
ડો. વાઇસ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા.
આ માહિતી તેમના માટે માત્ર અંગત નહોતી, બલ્કે તેમને વિશ્વાસ હતો કે કેથરિન પાસે આ વિગતો જાણવાનો કોઈ સામાન્ય રસ્તો જ નહોતો. મનોચિકિત્સક તરીકેની તેમની સમગ્ર વ્યાવસાયિક ઓળખ વાસ્તવિકતા વિશેની ચોક્કસ સમજ પર આધારિત હતી. અને અચાનક તેમની સામે એવી ઘટના ઊભી થઈ, જેને તે સમજણના માળખામાં સરળતાથી બેસાડી શકાય તેમ નહોતું.
આ જ પુસ્તકનું ભાવનાત્મક કેન્દ્ર બની જાય છે.
દર્દી મનોચિકિત્સક પાસે ઉપચાર મેળવવા આવ્યો હતો. પરંતુ ડો. વાઇસના કહેવા પ્રમાણે, અંતે એ જ દર્દીએ મનોચિકિત્સકની જીવન, મૃત્યુ અને ચેતના વિશેની સમજ બદલી નાખી.
તો પછી આ પુસ્તકને આપણે કેવી રીતે જોઈએ?
શું હિપ્નોસિસ ખરેખર પૂર્વજન્મની સ્મૃતિઓ સુધી લઈ જઈ શકે છે - કે પછી માનવમન પોતે જ એવી કથાઓ રચી શકે છે, જે તેને સંપૂર્ણપણે સાચી લાગે?
આ પ્રશ્ન વાચકને સીધું 'પુનર્જન્મ સાચું છે' અથવા 'પુનર્જન્મ બકવાસ છે' એવું કહી દેવા કરતાં ઘણો વધુ વિચાર કરાવે છે.
આ પુસ્તક ૧૯૮૮માં પ્રકાશિત થયું અને પછી ખૂબ લોકપ્રિય બન્યું. પ્રકાશકના જણાવ્યા પ્રમાણે તેની દસ લાખથી વધુ નકલો વેચાઈ હતી અને વૈકલ્પિક મનોચિકિત્સાના ક્ષેત્રમાં તે એક પ્રભાવશાળી પુસ્તક બન્યું હતું.
પરંતુ તે સમયે તેની સામેના અભિપ્રાયો સંપૂર્ણપણે એકસરખા નહોતા. ઉદાહરણ તરીકે, 'પબ્લિશર્સ વીકલી'એ આ કેસનું વર્ણન કર્યું હતું, પરંતુ પૂર્વજન્મની કહેવાતી સ્મૃતિઓના પુરાવા અને તેમના મહત્વ અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
આથી એક તરફ એક પ્રતિતિ મનોચિકિત્સકનો અસાધારણ અનુભવ છે, અને બીજી તરફ તેની પાછળ રહેલો હજુ સુધી અનિણત વૈજ્ઞાનિક પ્રશ્ન છે.
…અને કદાચ આ જ બાબત આ પુસ્તકને એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. (સંપૂર્ણ)