સપનામાં છુપાયેલો એ અજાણ્યો ઓરડો...

- નવી વસ્તુ શોધવા માટે હંમેશાં નવી જગ્યાએ જવાની જરૂર નથી હોતી. ક્યારેક ચિરપરિચિત જગ્યામાં જ એક નવો દરવાજો ખોલવો પડે છે.
- ઘરમાં કોઈ અજાણી જગ્યા મળી આવે તે કદાચ પોતાની ભીતરનો એવો કોઈ ભાગ શોધી કાઢવાનું પ્રતીક હોઈ શકે, જેના વિશે આપણને પહેલાં ખબર નહોતી - કોઈ નવી આવડત, ઈચ્છા, લાગણી, જૂની યાદ અથવા નવી શક્યતા…
આ એક ખૂબ જ રસપ્રદ સ્વપ્ન છે. આ સ્વપ્નમાં આપણને ઘણી વાર એવું લાગે છે કે આપણે જે ઘરને વરસોથી જાણીએ છીએ, એમાં અચાનક એક એવો ઓરડો, માળ, ભોંયરું, રસ્તો કે આખો ભાગ મળી આવે છે, જેના વિશે આપણને ક્યારેય ખબર જ નહોતી. આપણને આશ્ચર્ય થાય છે કે, આટલાં વરસોથી હું આ ઘરમાં રહું છું, છતાં મને આ જગ્યા વિશે ક્યારેય ખબર કેમ ન પડી?
આ સ્વપ્નમાં ખરેખર રસપ્રદ વાત ઓરડો શું છે તેના કરતાં તે આપણને અચાનક મળી આવે છે એ વધારે મહત્વનું છે.
આ સ્વપ્નનો અર્થ
શું હોઈ શકે?
સ્વપ્નમાં ઘર ઘણી વાર આપણા પોતાના વ્યક્તિત્વનું પ્રતીક બની શકે છે-આપણા વિચારો, લાગણીઓ, યાદો, સંબંધો અને આપણા જીવનના જુદા જુદા ભાગોનું.
એટલે ઘરમાં કોઈ અજાણી જગ્યા મળી આવે તે કદાચ પોતાની અંદરનો એવો કોઈ ભાગ શોધી કાઢવાનું પ્રતીક હોઈ શકે, જેના વિશે આપણને પહેલાં ખબર નહોતી.
એ કોઈ નવી આવડત, ઈચ્છા, લાગણી, જૂની યાદ અથવા નવી શક્યતા હોઈ શકે.
કદાચ આપણે આપણા વિશે એક ચોક્કસ માન્યતા બનાવી લીધી હોય- 'હું આવો જ માણસ છું… મારાથી આ કામ નહીં થાય… મને આમાં રસ નથી…' અને અચાનક જીવનમાં કોઈ એવી શક્યતા દેખાય કે આપણને લાગે, અરે, મારી અંદર તો આ પણ હતું!
ક્યારેક આ છુપાયેલો ઓરડો એવી કોઈ વસ્તુનું પણ પ્રતીક હોઈ શકે છે જેને આપણે લાંબા સમયથી અવગણતા આવ્યા છીએ, જેમ કે કોઈ જૂનો શોખ, અધૂરું સપનું, કોઈ સંબંધ કે વ્યક્તિત્વનો કોઈ ભૂલી ગયેલો ભાગ.
સ્વપ્નમાં મળેલી જગ્યા સુંદર અને પ્રકાશથી ભરેલી હોય તો તે નવી શક્યતા અને ઉત્સુકતાનું પ્રતીક હોઈ શકે. જો તે અંધારી કે ભયજનક હોય તો તે આપણા કોઈ અજાણ્યા અથવા અસ્વીકારેલા ભાવ તરફ સંકેત કરી શકે. પરંતુ અંધારું એટલે હંમેશાં કંઈક ખરાબ એવું જરૂરી નથી. ઘણી વાર તેનો અર્થ માત્ર 'હજી અજાણ્યું છે' એટલો જ હોઈ શકે.
આ સ્વપ્નનાં કયા કયા પ્રકાર
હોઈ શકે?
આ સ્વપ્ન ઘણી જુદી જુદી રીતે આવી શકે.
ક્યારેક ઘરમાં એક નવો ઓરડો મળી આવે છે. તેમાં સુંદર વસ્તુઓ હોય, પુસ્તકો હોય, જૂના ફોટા હોય અથવા તે સાવ ખાલી હોય.
ક્યારેક આપણને આખો નવો માળ મળી આવે છે અને આપણને આશ્ચર્ય થાય છે કે આટલી મોટી જગ્યા આપણે અત્યાર સુધી કેવી રીતે જોઈ જ નહીં!
ક્યારેક કોઈ ગુપ્ત સીડી કે રસ્તો મળી આવે છે - કબાટની પાછળ, દીવાલની અંદર, જમીનની નીચે કે એવી જગ્યાએ જ્યાંથી આપણે અનેક વાર પસાર થયા હોઈએ.
ક્યારેક આપણે ભોંયરું શોધીએ છીએ. ત્યાં જૂની વસ્તુઓ, યાદો કે અજાણી જગ્યાઓ જોવા મળે છે.
તેના વિરુદ્ધ, ક્યારેક ઉપરનો માળ, અગાસી કે છત મળી આવે છે, જ્યાંથી આખી દુનિયા એકદમ જુદી દેખાય છે.
અને ક્યારેક આ શોધ એટલી મોટી હોય છે કે આપણું જાણીતું ઘર જ અચાનક બીજા ઘર, બગીચા, શહેર, જંગલ કે કોઈ સુંદર અજાણી દુનિયામાં ખુલી જાય છે.
આ સ્વપ્નમાંથી
શું શીખી શકાય?
આ સ્વપ્નનો સૌથી સુંદર સંદેશ કદાચ આ છે-
આપણી અંદર હજુ એવા ઘણા ઓરડા છે જેમાં આપણે પ્રવેશ્યા જ નથી.
આપણે આપણા ભૂતકાળના અનુભવો પરથી પોતાના વિશે એક ચોક્કસ છબી બનાવી લઈએ છીએ. પરંતુ માણસ ક્યારેય સંપૂર્ણ રીતે 'બની ગયેલો'નથી. નવી આવડત, નવો વિચાર, નવો સંબંધ, સર્જનાત્મકતા કે હિંમત આપણને આપણા પોતાના એવા ભાગ સાથે ઓળખાણ કરાવી શકે છે જેના વિશે આપણે પહેલાં જાણતા નહોતા.
એટલે આ સ્વપ્ન આપણને જિજ્ઞાસુ બનવાનું શીખવી શકે છે.
આપણી અંદર કોઈ અજાણી ઈચ્છા, ડર, પ્રતિભા કે સપનું દેખાય તો તેને તરત દબાવી દેવાને બદલે આપણે તેને થોડું સમજવાનો પ્રયત્ન કરી શકીએ.
આ સ્વપ્ન આપણને એ પણ યાદ અપાવે છે કે પરિચિત વસ્તુઓને પણ નવી નજરે જોવી જોઈએ. આપણે માનીએ છીએ કે આપણે આપણું ઘર, આપણું જીવન અને પોતાને સારી રીતે ઓળખીએ છીએ. પરંતુ ઘણી વાર થોડું ધ્યાન આપવાથી એવી વસ્તુ દેખાય છે જે આપણે અત્યાર સુધી જોઈ જ નહોતી.
અને કદાચ આ સ્વપ્નનો સૌથી ઊંડો સંદેશ છે:
નવી વસ્તુ શોધવા માટે હંમેશાં નવી જગ્યાએ જવાની જરૂર નથી. ક્યારેક આપણે જે જગ્યા વરસોથી ઓળખીએ છીએ, એ જ જગ્યામાં એક નવો દરવાજો ખોલવો પડે છે.
એટલે છુપાયેલો ઓરડો માત્ર રહસ્યનું નહીં, પરંતુ વિસ્તારનું પ્રતીક પણ બની શકે છે - આપણી અંદર રહેલા આપણા જ એક મોટા, અજાણ્યા અને વધુ સમૃદ્ધ સ્વરૂપને શોધવાનો સંકેત.




