Shatdal

હમ્પીને કહો - આવજો, પુન: બોલાવજો

By GS Team
1 Sep 20265 mins read
હમ્પીને કહો - આવજો, પુન: બોલાવજો
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

અજબ-ગજબની બેશુમાર સંરચનાઓનો સંપુટ
ઈશ્વરના આશિષ સમી 'મા' - ધરતીના ખોળે ખૂંદવાના અવસર પ્રાપ્ત થાય તેના જેવો 'પ્રસાદ' બીજો કોઈ નહિ. હમ્પી ગામને ધમરોળી નાખવાનો સંપૂર્ણ પ્રકલ્પ પાર પાડવો હોય તો ગામને ઓશીકે આવેલા એનેગુંડી ગ્રામ્ય વિસ્તારમાં જવું પડે - જ્યાં હરિયાળા ખેતરો જળ મધ્યે હવામાં હિલોળાં ખાતાં હોય. વિશ્વની ડાંગરની ઉત્તમ જાત અહીં રવિ અને ખરીફ પાક સ્વરૂપે મળી આવે. એના ચોખા ચોખ્ખા અને કક્ષા તેની ઉત્તમ ! ખજુરીનાં પર્ણ તેને ચામર ઢોળે. પડખે જ પગથિયાંવાળો ખડક - જેની ટોચે બિરાજે બે મંદિરોની ગાદીઓ. એક તો દુર્ગા દેવી અને બીજા હનુમાનજીની આણ અહીં વરતાય. કહેવાય છે કે હનુમાનજીનું આ જન્મસ્થળ છે. કિષ્કિંધા તરીકે ઓળખાતા આ સ્થળનો મહિમા પણ અપાર છે. બન્ને મંદિરો પ્રાચીન અને કોતરણી-નકશી વાળાં ગુફા મંદિરો ધરાવે છે. અહીંના મોટા મોટા વજનદાર વિવિધ આકારો ધરાવતા પથ્થરોએ અહીંનું મહત્ત્વ જાળવી રાખ્યું છે. હમ્પીના ઈતિહાસનું એ અગત્યનું પાનું છે. આ પાષાણો સ્વયત્ત સ્થાપત્યો જેવા ભાસે ! વહેતી તુંગભદ્રા નદીમાં જેમનાં પ્રતિબિંબ કલાત્મક લાગે છે તે પથ્થરો શિલ્પો અને સ્થાપત્યોના સ્વરૂપમાં ઠેર ઠેર પોતાનું વર્ચસ્વ સ્થાપીને બેઠા છે. હમ્પીમાં આવેલ સ્મારકો અને સ્થાપત્યોમાં એકશિલા શિલ્પ (મોનોલિથિક સ્ટેચ્યુ)નાં અનેક ઉદાહરણો જોવા મળે - જેમાં ગણેશજીની મૂર્તિઓનાં દર્શન એક લ્હાવો છે. કન્નડામાં તેને ''કડલેકલુ ગણપતિ'' કહેવાય. સળંગ એક પથ્થરમાંથી કંડારાયેલા એક મંદિરમાં પ્રતિમા ઉપરાંત ગર્ભગૃહ અને મંડપ પણ છે. પંદરમી સદીની એ મૂર્તિ સાડા ચાર મીટર ઊંચી છે જે સર્વાંગ સુંદર છે.
હમ્પી-સ્થાપત્ય કળાનું અદ્વિતીય સંગ્રહાલય
'શશીવેકળુ ગણપતિ' નામનું શિલ્પ પણ 'એકશિલા' છે. સોળમી સદીનું આ કૌતુક અઢી મીટર ઊંચું છે જેમને ચાર હસ્ત છે - જેમાં દાંત, પાશ, અંકુશ અને મોદક છે. આ સ્વરૂપની મુદ્રાને ''ઉત્કુટિટાસન'' કહેવાય છે. મોટા ઓટલા ઉપર સ્તંભોની ચોકીઓ વચ્ચે પ્રસ્તુત 'પ્રથમ દેવતા' સઘળે અવલોકન કરતા હોય એવી ઉત્સુક આંખો ધરાવે છે. જ્યારે હમ્પી ગામ સ્વયમ્ પોતાના અંકમાં આટલી બધી કલાકૃતિઓ ધરાવે છે ત્યારે વિચાર થાય કે પૃથવી કેટલી સહિષ્ણુ હશે ! ચાલુક્ય રાજાઓએ કેટલાં બધાં સ્થાપત્યો 'ઓપન એર' મંદિરોમાં બનાવ્યાં ! 'ઉગ્ર નરસિંહ' મંદિરમાં નરસિંહ પ્રભુની ખંડિત પ્રતિમા ઋતુના કાળચક્રનો સામનો કરી રહી છે. મૂર્તિની બેઠક આધારે ચાર સ્તંભોના ખુલ્લા મંડપ ઉપર કમાનોનાં રક્ષણ છે. આ ભવ્ય મૂર્તિ ખડકના એક જ પાષાણમાંથી બની છે જેમાં સાથે લક્ષ્મીજી બિરાજ્યાં છે અને બીજી બાજુ શેષનાગ સાત મોઢાં વડે એમને છત્ર અર્પે છે. એક 'યોગપટ્ટ' એમના બન્ને ઘૂંટણને ફરતા દેખાય છે. આ સ્વરૂપને 'યોગલક્ષ્મી નરસિંહ' પણ કહેવાય છે. સોળમી સદીની આ કૃતિ રાજા કૃષ્ણદેવરાયાના સમયમાં શિલ્પી કૃષ્ણબટ્ટ દ્વારા બનાવાઈ હતી. આ શિલ્પના મુખની અભિવ્યક્તિ જ તેઓ ઉગ્ર અર્થાત્ ક્રોધિત છે. એ સાબિત કરે છે. અહીં, ''હઝારા રામ મંદિર'' શાહી પરિસરનું એક મહત્વનું અંગ છે. મંદિરની બાહરી દીવાલો રામાયણનાં પ્રસંગ ચિત્રો અને ભીંત શિલ્પોની શૈલીમાં અલંકૃત કરાયાં છે. ત્રણ સ્તરના આ સ્મારક ઉપર દેવીની બેઠક ઉપરની ભીંત ઉપર ''ઉત્તર રામાયણ'ના સ્મરણોનાં અંકન છે. 'સોપારી બજાર'નું આ સ્થળ રાજાઓની સભાઓથી ગૂંજી ઉઠતું.
મનગમતા રઝળપાટનું સરનામું - હમ્પી
માનવીય કળાનો આવો અને આટલો વૈભવ જ્યાં છે ત્યાં કુદરતે તો કેવી કમાલ કરી હશે !! સળંગ પર્વત શ્રેણીમાં માતંગ પર્વતનો મોભો તો કાંઈ ઓર જ છે. ઉપરાંત નદી-ઝરણાં, ધોધ, તળાવો, વનરાજી, રંગરંગની માટી, પશુ-પંખીઓની લીલા… આ… હા… ખાસ તો કર્ણાટકના આ હિસ્સામાં પથ્થરોના બેલા (બોલ્ડર્સ-મોટા પથ્થરો) જોઈને દંગ થઈ જવાય અને ધન્ય પણ !! હૈયું નીતરે તો કેવું નીતરે…? આવું…
''ગોળિયા પેલા ખડક પથ્થર, ઊંચેથી જુએ જળ ને ખેતર
વળી પાછા જુએ આકાશે, ઈશ્વર લાગે સાવ પાસે
માથે નાના બાળ પાષાણ, ઘડીક ખસે, ભૂસકા મારે ત્રણ જઈ
પડે તળાવ મધ્યે કૂદી કૂદીને, છબછબિયામાં ઉલળે
કોંક પાછું કાઢે ડોકું - ખૂબ હસે ને વળી પલળે
મનમાં ને મનમાં રાજી, મોજ મજાને ચગળે
રેતિયા પથ્થર હસિયા ઘણાંય, મન મૂકીને ઉછળે
પર્વત ઉપર પથરા ને પથરા ઉપર પથરા
નીચે શોભે વનરાજીની હાર, આળ પંપાળ કરે પથરા
ડાંગર ખેતીના એ કંકુ ચોખા, ભેળાં રહે - હોય ભલેને નોખાં
પણે જુઓ, પથ્થરને માથે છે તિલક પથ્થરનું રસીલું મંદિર તે ઘરનું
પાષાણ જબરો ગોળાકાર, ગર્વીલોને ભરાવદાર, ન દડે - જાણે જમીનદાર
ના… ના… શેનો એ જમીનદાર, એ તો છે ક્ષિતિજદાર !
જમીન આકાશને એક કરીને, બની બેઠો છે આકાશદાર !!''
લસરકો :
પાષાણના કદ, આકારોમાં વાસણો, પશુ-પંખી-માનવ આડા-ઊભા વળાંકોમાં દેખાય, સાંકડા-પહોળા પના, લાંબાપટ, અણિયાળા - બુઠ્ઠા નિર્જીવ પથ્થરોમાં સજીવારોપણ કંડારીને કુદરત તેને રંગ-સ્પર્શાનુભૂતિ આપે… ત્યારે માનવીની વિચાર ક્ષમતા-ધારા ક્ષુબ્ધ થઈને ઠીંગરાઈ જાય !!

પથ્થરોમાં કોતરાયેલી રસભર વાર્તાઓ
પંદરમી સદીમાં બંધાયેલું આ રામમંદિર વિજયનગરના રાજાએ સાદું-સીધું બંધાયેલું. પાછળથી એમાં અલંકૃત સ્તંભો ખુલ્લાં શામિયાણાં બંધાણાં. અનેક રીતે આ મંદિર અનન્ય છે. એનું નામ 'હઝારા રામ' છે. એટલે કે એમાં એક હજાર સ્વરૂપો ભીંત પર બિરાજમાન છે. રામ અને કૃષ્ણનાં અહીં બાસ રેલિકસ અર્થાત્ ભીંત પર ઉપસેલાં શિલ્પોની વણઝાર છે. પ્રભુના જીવનના પ્રસંગો પ્રમાણે અહીં શોભાયાત્રા ભીંતો પર જીવંત થાય છે જેમાં ખોડા, હાથી, સેવકો, સૈનિકો અને નૃત્યાંગનાઓનું જાણે કે રાજ છે રાજ ! પ્રસ્તુત મંદિર મૂળ જમીનના ઉત્તર ભાગે ચણાયું છે જેને બે પ્રવેશદ્વારો છે. મંદિર અંદર સ્તંભો શિલ્પોથી ખચિત છે અને કલાત્મક નકશીઓ વડે મહાકાવ્યોનાં મૂલ્ય એણે વધાર્યા છે. ભારતીય હસ્તકલાનો એ ઉત્તમ નમૂનો છે. ભારતીય શૈલીનું આ મંદિર ભારતભરનાં મંદિરોમાં અનોખું સ્થાન ધરાવે છે. અહીં ''હેમકૂટ પર્વત'' ખાતે મંદિરોના મોટા સમૂહનો નજારો અદ્ભુત છે. એની કમાનો અને ખુલ્લાં પરિસરો, કિલ્લા પરના પથ્થરના પગથિયાં દૂર-સુદૂરથી દેખાય અને રસિકો ત્યાં સુધી જવા પ્રેરાય. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની તક લોકો છોડે નહિ. 'હેમકૂટ' એટલે 'સોનાનો પર્વત' તેથી જ તો કહેવાય છે. અહીંનાં ત્રીસ મંદિરો નવમીથી સોળમી સદીના ગણાય. એકકૂટ, દ્વિકૂટ અને ત્રિકૂટ મંદિરો અને મૂળ વિરુપાક્ષ મંદિર આ સ્થળનાં મૂળ વતનીઓ એની શૈલી કમામ્બાનગર શૈલી હતી તેની નોંધ અચૂક લેવી પડે. હા, ગુજરાતમાં અતિ પ્રચલિત એવા તોરણો (દ્વાર) જેવું એક તોરણ ''તુલભદ્ર તોરણ અહીં છે જે પથ્થરની કમાન ધરાવે છે. એની ઉપર પ્રાચીન સમયમાં ત્રાજવાં મૂકાતાં - જે આપણા ધર્મકાંટાની ગરજ સારતાં. અહીં નાની-મોટી દરેક વસ્તુ તોલી શકાતી. એના સ્તંભ પર રાજવી ઘરાનાના દંપતીનું શિલ્પ છે.''