Shatdal

ટેઇક ધ ક્રો રોડ : મરવું

By GS Team
21 Jul 20264 mins read
ટેઇક ધ ક્રો રોડ : મરવું

શબ્દસંહિતા-પરેશ વ્યાસ
મૃત્યુ અને તે પછીની ઘટના સાથે સંકળાયેલું પક્ષી કોઈ હોય તો એ કાગડો જ છે


શબ્દ ક્યાં પહોંચે છે તે
જાતે નિરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને
પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઊઠી જાય
તો મૃત્યુ ન કહો.

  • હરીન્દ્ર દવે
    શ બ્દની સૃષ્ટિ સાવ નોખી છે. સમજણ અવારનવાર ખોળિયું બદલે છે. ઓક્સફોર્ડ ડિક્સનરી ત્રિમાસિક નવા શબ્દ ઉમેરણ કરે છે. અથવા જૂના શબ્દોનાં નવા અર્થ કરે છે. 'ઇંડિયન એક્સપ્રેસ' અનુસાર તાજેતરમાં જ ઉમેરાયેલા નવા નવસો શબ્દો પૈકી આપણો આજનો શબ્દ સ્કોટલેન્ડમાં બોલાતો શબ્દ છે. બે જગ્યાઓ વચ્ચે સીધી લીટીમાં અંતર માપવાની વાત આવે ત્યારે 'એઝ ધ ક્રો ફ્લાઈઝ' શબ્દો આપણે વાપરીએ છીએ. એમ કે કાગડો સીધી લીટીમાં જ ઊડે. જો બે જગ્યાઓ વચ્ચે કોઈ રસ્તો સાવ સીધો જ હોય, ન કોઈ વળાંક, ન કોઈ અંતરાય તો એવો રસ્તો ક્રો રોડ (Crow Road) કહેવાય. હવે આ અર્થમાં નવીન ઉમેરણ છે : ટૂ ટેઈક ધ ક્રો રોડ. સીધો રસ્તો લેવો, એવો શબ્દાર્થ ચોક્કસ થાય પણ લાક્ષણિક અર્થ થાય : મરી જવું અથવા મરવાની આખરી ઘડી ગણાતી હોય એવી સ્થિતિ. જીવ જવું જવું થતો હોય એ કાગ રસ્તો લીધો, એવું કહેવાય. દા.ત. નાઇટ્રાઈટ અને ફોસ્ફેટયુક્ત શહેરી ગંદા નાળાનું પાણી અને કેમિકલયુક્ત ઔદ્યોગિક નાળાનું પાણી સઘળું આખરે દરિયામાં જ જઈ ભળે એટલે દરિયાની માછલીઓ તો કાયમ ક્રો રોડ પર જ છે- એવું કહેવાય. આપણે માછલીઓનાં મોતની વાત કરી પણ સંસ્કૃત શ્લોકમાં મૃત્યુની વાત કાંઈ જુદી જ છે. કેશવ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને પડેલા જોઈને પાંડવો હર્ષવિભોર થઇ ગયા અને બધા કૌરવો 'હા હા કેશવ, કેશવ' કહીને રડવા લાગ્યા. આ અર્થઘટન અલબત્ત નોનસેન્સ છે. પણ સંસ્કૃતનાં એક અલગ અર્થમાં જોઈએ તો 'કે' એટલે પાણી. 'કે શવ' એટલે પાણીમાં પડેલું શબ(મડદું) જોઈને પાંડવ એટલે માછલાંઓ આનંદમાં આવી ગયા. ચાલો, ખાવાનું મળી ગયું. પણ કૌરવો ઉર્ફે કાગડાઓ કાગારોળ કરવા માંડયા હાય રે! શબ પાણીમાં ગયું, શબ પાણીમાં ગયું. મૃતદેહ ચૂંથીને ઉજાણી કરે એ કાગડાની જમાત છે. આજનો શબ્દસમૂહ 'ટૂ ટેઈક ક્રો રોડ' કાગડાને મૃત્યુના અર્થમાં જોડે છે. સમય જતાં, એક અંતિમ, અનિવાર્ય અને એકદમ સીધો માર્ગ અપનાવવાનો આ વિચાર મૃત્યુ માટેના એક નમ્ર સંકેત(વ્યંજના) તરીકે વિકસિત થયો. જેવી રીતે કાગડાનો માર્ગ અંતિમ અને અટલ હોય છે, તે જ રીતે મૃત્યુને એક એવા અંતિમ સીધી રેખા જેવા પ્રવાસ તરીકે જોવામાં આવે છે, જે દરેક જીવંત આત્માએ વહેલામોડો ખેડવો જ પડે છે.
    ભારતીય સંસ્કૃતિમાં કાગડાને મૃત્યુ, પિતૃઓ અને પરલોક સાથે જોડતી એક પવિત્ર કડી માનવામાં આવે છે, એથી એનું સ્થાન વિશેષ છે. કાગડો બુદ્ધિશાળી પક્ષી છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, કાગડાને મૃત્યુના દેવતા યમરાજના દૂત માનવામાં આવે છે. જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે, ત્યારે કાગડાને તે જીવની સ્થિતિ અને તેના કર્મોની માહિતી હોય છે. કાગડા સાથે જોડાયેલું રામાયણ અને રામચરિતમાનસનું એક અમર પાત્ર કાકભુશુંડી પરમ જ્ઞાની વ્યક્તિ છે. તેઓ એક મનુષ્ય ષિ હોવા છતાં કાગડાના સ્વરૂપમાં રહે છે. એ ચિરંજીવી છે. કાળ બંધનોથી મુક્ત છે. એ ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. મૃત્યુ અને તે પછીની ઘટના સાથે સંકળાયેલું પક્ષી કોઈ હોય તો એ કાગડો જ છે. રોમન પૌરાણિક કથામાં પણ ભવિષ્યવાણી, સત્ય અને પ્રકાશના દેવતા અપોલોના પવિત્ર પક્ષીઓ તરીકે કાગડાઓ જ હતા. તેઓને સફેદ પીંછાવાળા સત્ય બોલનારા પક્ષી તરીકે સન્માન આપવામાં આવતું હતું. સફેદ કાગડો?! યસ. રોમન કવિ ઓવિડના મહાકાવ્ય મેટામોર્ફોસિસ અનુસાર અપોલોએ એની ગર્ભવતી પ્રેમિકા કોરોનિસનું ધ્યાન(!) રાખવા માટે એક સફેદ કાગડાને મોકલ્યો હતો. એ સફેદ કાગડાએ આવીને સમાચાર આપ્યા કે પ્રેમિકા તો અન્ય પુરુષને સાથે પ્રેમ કરે છે. પ્રેમિકાની બેવફાઈની તડ અને ફડ વાતથી ક્રોધિત અપોલોએ તીર ચલાવીને એની પ્રેમિકાને મારી તો નાંખી પણ પછી એને અફસોસ થયો. જો કે પ્રેમિકા તો ત્યારે મરી ચૂકી હતી. અપોલોએ સંદેશવાહક પક્ષી સફેદ કાગડાને શ્રાપ આપ્યો, જેનાથી તેના પીંછા હંમેશ માટે બળીને કાળા થઈ ગયા. અને ત્યારથી આ કાગડાની બોલી ખરાબ સમાચાર, દગો અને મોત સાથે જોડાઈ ગઈ. ઇંગ્લિશ ભાષામાં કાગડાની જમાતને માટે રસપ્રદ શબ્દ છે : મર્ડર. દા.ત. અ મર્ડર ઓફ ક્રોઝ (કાગડાઓનું ટોળું) પેલા જૂના વડના ઝાડ પર આવીને બેઠું, અને તેમના કાં-કાંના અવાજે શાંત પંથકને ગુંજવી મૂક્યો. મોત સાથે કાગડો સંકળાયેલો છે, એનું આ વધારાનું પ્રમાણ.
    ગીતા જ્ઞાન કહે છે કે શરીર મર છે અને આત્મા અમર છે. મૃત્યુ એટલે એક શરીર છોડીને બીજું ધારણ કરવું તે. પશ્ચિમી ફિલસૂફી જેમ કે સ્ટોઇસિઝમ અનુસાર બીજા લોકોનું વર્તન અને આપણો ભૂતકાળ, ભવિષ્ય, બીમારી કે મૃત્યુ આપણા નિયંત્રણમાં નથી. જે વસ્તુ આપણા હાથમાં નથી, તેની ચિંતા છોડી દેવી જોઈએ. 'મિમેન્ટો મોરી'નો અર્થ થાય : યાદ રાખો, મરવાનું બધાને છે. મૃત્યુ એ કુદરતી નિયમ છે. એનાથી ડરવાનું નથી. પણ આપણે ડરીએ છીએ. પ્રિય કવિ મનોજ ખંડેરિયા લખી ગયા કે : ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત, સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા. મૃત્યુ રૂપ રૂપનો અંબાર છે પણ આપણે ડરી જઈએ છીએ. અને મરતા પહેલાં એટલે આપણે મરી જઈએ છીએ. દરરોજ છાપામાં અવસાન નોંધ અચૂક જોઈ લેવી. જો એ ફૂલ ગયું 'ને ફોરમ રહી-વાળી યાદીમાં આપણું નામ નહીં હોય તો રોજનાં કામ પર ચઢી જવું! તઇં શું?
    શબ્દશેષ
    ''એક સુવ્યવસ્થિત મન માટે મૃત્યુ એક મહાન આગામી સાહસ સિવાય બીજું કાંઇ નથી.''
  • બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગ