Shatdal

સાપના ઝેરની હરાજી : એક ગ્રામના 56 હજાર રૂપિયા!

By GS Team
14 Jul 20264 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 250થી વધુ અને વિશ્વમાં 3,000થી વધુ પ્રજાતિના સાપ જોવા મળે છે. વલસાડના ધરમપુરમાં આવેલું સર્પ સંશોધન કેન્દ્ર સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા એન્ટિ-સ્નેક વેનમ બનાવી રહ્યું છે. અહીં 471 સાપ રાખવામાં આવ્યા છે, અને ઝેરનું ઔક્શન કરી દવા બનાવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપના ઝેરની હરાજી : એક ગ્રામના 56 હજાર રૂપિયા!
  • સેલિબ્રેશન - ચિંતન બુચ
  • સાપ પોતાની બે ભાગમાં વહેંચાયેલી જીભ વડે આસપાસની ગંધ અને શિકારની દિશા ઓળખે છે
    ભગવાન શંકરે તેને પોતાના ગળામાં ધારણ કર્યો છે, ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ તેની શય્યા બનાવી ત્યાં પોઢે છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જન્મકુંડળીમાં જ્યારે બધા જ ગ્રહો છાયાગ્રહ રાહુ અને કેતુની એક જ તરફ આવી જાય ત્યારે તેનો યોગ સર્જાય છે, કોઇ વ્યક્તિ પર વિશ્વાસ રાખ્યો હોય અને તે ડંખી જાય તો તેના માટે તેની ઉપમા આપવામાં આવે છે, તેના અંગે વિવિધ કહેવતો છે, માન્યતા છે અને ગેરમાન્યતા પણ. આપણે વાત કરી રહ્યા છીએ સાપની, જેની વિશ્વમાં ૩ હજારથી વધુ તો ભારતમાં ૨૫૦થી વધારે પ્રજાતિઓ છે. સાપનું આપણને જેટેલું આકર્ષણ છે એટલો જ સાપનો ડર પણ છે. અન્ય કોઇ જીવ કરતાં સાપ આપણને વધારે આકર્ષે છે. તે પાછળનું મુખ્ય કારણ સાપ સાથે સંકળાયેલી વિવિધ દંતકથાઓ છે. આજે આપણે સાપ અંગેની આવી જાણી-અજાણી વાતો કરીશું.
    સાપને અનેક દાંત આવેલા હોય છે, જે સતત ઘસાતા જાય છે અને તેમના સ્થાને નવા દાંત ઉત્પન્ન થતા હોય છે. ઝેરી સાપના આગળના દાંત પોલી નળી જેવા હોય છે. તે ઝેરી ગ્રંથિ સાથે સંકળાયેલા હોય છે.
    સાપને બાહ્ય કાન તો હોતા નથી પણ જમીન સાથે અથડાતાં ધ્વનિમોજાંના તરંગો નીચલા જડબા સાથે અથડાય છે અને તે શ્રવણેન્દ્રિયની ગરજ સારે છે.
    તેઓ પોતાના શિકારને ચાવતા નથી પણ આખેઆખો ગળી જાય છે અને પછી ધીમે ધીમે પચાવે છે. સાપની કેટલીક પ્રજાતિઓ મગર જેવાં મોટાં જનાવરને પણ ગળી શકે છે.
    જેમ આપણે આપણા શરીરનું કદ વધે ત્યારે જૂના કપડાં કાઢી નાખીએ છીએ અને પોતાના માટે નાવા કપડાં લઈએ છીએ તેવી જ રીતે સાપમાં પણ આમ જોવા મળે છે. સાપની ચામડીની પર જામેલી પરત સખત થઈ જાય છે અને તેની નીચે એક નવું પડ બને છે ત્યારે તે તેની ચામડીનું જૂનું પડ કાઢી નાખે છે. સાપ પોતાની કાંચળી છોડવા માટે ખરબચડી સપાટી પર શરીર ઘસે છે. તેનાથી સાપના શરીર પરના પટલ પર એક તિરાડ રચાય છે. આ તિરાડમાંથી સાપ પોતાનું જૂનું કવચ ત્યજી બહાર નીકળે છે. આને ચક્ર તોડવું એમ કહેવાય છે.
    સાપ પોતાની બે ભાગમાં વહેંચાયેલી જીભ વડે આસપાસની ગંધ અને શિકારની દિશા ઓળખે છે.
    સાપના જડબા ખૂબ લવચીક હોવાથી પોતાના માથા કરતાં મોટા શિકાર ગળી શકે છે.
    પગ ન હોવા છતાં સાપ બહુ ઝડપથી ચાલે છે. બ્લક મામ્બાની ઝડપ ૧૯ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે એક બાજુથી સરકતા રેટલસ્નેકની ઝડપ ૨૯ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
    કુદરતી રીતે સાપ ચુસ્ત, પ્રમાદી, શાંત અને બીકણ પ્રાણી છે. બને ત્યાં સુધી તે મનુષ્યથી દૂર રહે છે. છંછેડાયેલો સાપ પણ સામાન્ય સંજોગોમાં નાસી છૂટવાનો જ પ્રયત્ન કરતો હોય છેત પરંતુ આક્રમણ તીવ્ર થતાં સામો થઈ કરડવા પ્રયત્ન કરે છે. તેના દંશના નિશાન પરથી સાપ ઝેરી છે કે નહિ તે જાણી શકાય છે.
    આપણે ત્યાં ખોટી માન્યતા પ્રવર્તે છે કે સાપ ઉડી શકે છે, દૂધ એ સાપનો પ્રિય ખોરાક છે, સાપનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે, સાપને મારી નાખીએ કે નર કે માદા તેનો બદલો અવશ્ય લે છે, સાપના માથા પર મણિ હોય છે, સાપ મોરલી કે વાંસળીની ધૂન પર નાચે છે, સાપ ઈચ્છાધારી હોય છે અને માનવનું રૂપ ધારણ કરી શકે છે.
    દક્ષિણ અમેરિકામાં જોવા મળતા વિશાળકાય સાપ એટલે કે એનાકોંડામાં માદા સંવનન બાદ નરને ખાઇ જાય છે.
    સાપ પર્યાવરણ માટે ખૂબ જ મહત્ત્વનો છે. સાપ ઉપરાંત તમામ પ્રાણીનું ઊર્જા સાંકળમાં અનિવાર્ય સ્થાન છે. ખાસ કરીને સાપ સર્વભક્ષી હોવાથી ઘણાં પ્રાણી-પક્ષીનો ભોગ લે છે અને અન્ય જીવોને નિયંત્રણમાં રાખે છે. સાપ સંપૂર્ણપણે પ્રોટીન સજીવ હોવાથી અન્ય પ્રજાતિઓનો પણ શિકાર કરે છે. સાપ ખેતીની જમીનમાં 'કુદરતી જંતુનાશક' તરીકે કામ કરે છે. ખેતીની ઇકો-ફ્રેન્ડલી જમીનમાં ઉંદરડા અને સાપ નુકસાનકારક પ્રજાતિઓના નિયંત્રણનું કામ કરે છે.
    સાપ કરડયા પછી કેટલા સમયમાં મૃત્યુ થાય છે તેનો ચોક્કસ સમય નથી. સામાન્ય રીતે કોમન ક્રેઇટ પ્રજાતિમાં લક્ષણો ઘણીવાર ૧-૬ કલાકમાં શરૂ થાય છે. સારવાર મળે નહીં તો શ્વાસની ગંભીર તકલીફ થઇ શકે છે. કેટલાક કેસમાં ૬થી ૨૪ કલાકમાં મૃત્યુ થાય છે. આ સિવાય ભારતમાં જોવા મળતી પ્રજાતિમાંથી ઇન્ડિયન કોબ્રા, રસેલ્સ વાઇપર, કિંગ કોબ્રા કરડયા બાદ તાકીદે ડોક્ટર પાસે સારવાર જરૂરી છે.
    તમામ સાપોમાં સૌથી ખતરનાક અને ઝેરી સાપ સૉ-સ્કેલ્ડ વાઇપર છે. તે પશ્ચિમ એશિયાના કેટલાક ભાગો ઉપરાંત આફ્રિકા અને એશિયન દેશોમાં પણ મળી આવે છે.'
    મૅક્સિકોમાં સાપની લગભગ ૪૩૮ પ્રજાતિઓ છે. આ દેશમાં સૌથી વધુ સાપની વસતી ધરાવતા વિસ્તારોમાં દર દસ ફૂટે એક સાપ હોય છે. એકલા મૅક્સિકોમાં જ રેટલસ્નેકની ૨૦થી વધુ
    પ્રજાતિઓ છે.
    વલસાડના ધરમપુરમાં સર્પ સંશોધન કેન્દ્ર ખાતે એન્ટી સ્નેક વેનમ બનાવાઇ રહ્યું છે. જેનાથી સર્પદંશથી થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાશે. આ સેન્ટરમાં ગુજરાતમાં જોવા મળતી મહત્વની મુખ્ય પ્રજાતિના ૪૭૧ સાપ રાખવામાં આવેલા છે.
    સર્પ દંશની દવા માટે સાપના ઝેરનું ખાસ ઓક્શન પણ કરવામાં આવે છે. જેમાં પ્રતિ ગ્રામ રૂપિયા ૪૪ હજારથી રૂપિયા ૫૬ હજાર સુધીના ભાવ મળે છે.