મહાપુરુષોની વાતો

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- આપણી એક આખી પેઢી ઉધારી આધ્યાત્મિકતા પર ઉછરી છે
ત મે હાથમાં ઉપાડીને હેરફેર કરી શકો, ચાહો તો - જ્યોર્જટાઉનને ચાહો તો જાફરાબાદ, ચાહો તો લોનાવાલાને ચાહો તો લંડન, ચાહો તો ઘરનાં આંગણામાં કે ચાહો તો જાહેર બગીચામાં તમે સાથે ફેરવી શકો, તમારી સૂટકેસ જેમ ઉઘાડ-બંધ કરી શકો એવાં ઘર, હીંચકા, બેસવા માટેની ખુરશી, સ્ટૂલ જેવી અનેક ચીજો મળે છે, જેને ''ફોલ્ડિંગ'' કહેવાય. ''ફોલ્ડીંગ'' છત્રી તો હવે ખૂબ જાણીતી વસ્તુ છે. આવું જ ''રેડિયો-કિટ''ની બાબતમાં છે. રેડિયોના છૂટક ભાગોનું પેકેટ મળે. તમને ઠીક લાગે ત્યારે જોડાણ કરી (અંગ્રેજીમાં અને સામાન્ય જનભાષામાં આ પ્રક્રિયાને ''એસેમ્બલીંગ'' કહે છે) પારકી મૂડીએ વેપાર કરનારા લહિયાઓ આ પ્રક્રિયાને ''સંકલન''નું રૂપાળું નામ આપી શકે. પછી એ રેડિયોને તમે તમારાં નામની મહોર લગાડી શકો !
આ ''ફોલ્ડિંગ'' અને ''એસેમ્બલીંગ''ની પ્રક્રિયા જોઈએ ત્યારે મહાન વિચારકો અને ફિલસુફોનો ભરપૂર દુરુપયોગ યાદ આવે ! તમને રોજબરોજની જિન્દગીમાં એવા ''સૂડો-ફિલસુફો'' ભેટે છે ખરા ? જે કૃષ્ણમૂર્તિ, રજનીશ કે દાદાનાં મંતવ્યોનો ''ફોલ્ડિંગ હીંચકા'' તરીકે ''ઉપયોગ'' (કે ''વાપરવું'' કહેશું ?) કરતા હોય ? તમે એવા લેખો કે પ્રવચનોથી અકસ્માત અથડાવ છો ખરા જેમાં બર્ટ્રાન્ડ રસેલ, મહાવીર, બુદ્ધથી માંડીને ઓશો સુધીના મૌલિક ચિન્તકોનું ઘરેલું ''એસેમ્બલીંગ'' કરીને એક યા બીજાં બહાનાં હેઠળ પોતાનાં નામની મહોરની ગુસ્તાખી કરવામાં આવી હોય ? (આ પ્રવૃત્તિ-ચિંતનક્ષેત્રની ''સફેદ કોલર'' શું કહેશું ?)
કદાચ પ્રત્યુત્તરમાં તમે મોઢું વકાસીને જોઈ રહેશો. કારણ કે જ્યાં આખી બજારમાં બાપ જન્મારે ''એસેંબલીંગ''ના માલમાં જ તમારો વાચન-ઉછેર કે ''શ્રવણ-ઉછેર'' થયો હોય ત્યાં તમારો પણ વાંક નથી. આપણી એક આખી પેઢી ઉધારી આધ્યાત્મિકતા પર ઉછરી છે. જેમ ભેળસેળિયું પાણી પીનારાને અચાનક અતિશુદ્ધ જળ પેટમાં જાય તો એ સાંખી શકે નહીં એમજ વિચારો, લેખો અને પ્રવચનોની બાબતમાં થતું હોય છે. શોધ અને પ્રતીતિ- કબીર, રસેલ, કૃષ્ણમૂર્તિ કે ઓશોનાં હોય, કોઈપણ આલિયો માલિયો થોડું ઈધરઉધર કરીને પોતાની દરિદ્ર દુકાનના શણગાર અર્થે વાપરે તો આ ભ્રષ્ટાચાર ઓળખનાર વાચકો કે શ્રોતાઓ ક્યાં છે ? ખૂબ ગોત્યા પછી પણ જડે ખરા ?
મોટાભાગના ''મીડિયોકર'' વાચકો કે શ્રોતાઓ કૃષ્ણમૂર્તિ, ઓશો કે વિવેકાનંદથી માંડીને અત્યારના જાણીતા વિચારકોની વાતોને ''ફોલ્ડિંગ'' હીંચકા, તૈયાર ખાદ્યપદાર્થ કે ઔષધની તૈયાર ગોળીઓ (નુસખા કે ''ફોર્મ્યુલા'') માનતા હોય છે. હકીકત સાવ જુદી છે. રજનીશની આંતરિક શોધનું શિખર કદાચ એમની સાથે જિન્દગીભર ચોવીશ કલાક રહેનારને પણ પ્રાપ્ત ન થાય, ને રજનીશનો એક અક્ષર પણ ન વાંચનાર ગામડાની કોઈ અબુધ દાતણ વેંચનારી ડોશીના શબ્દોમાં રજનીશ જેવાં ઊંડાણ કે પ્રતીતિના ચમકારા મળે !
કોઈપણ (દુનિયાનાં ગમે તેટલાં મોટા નામ ગણી લો) વિચારકને મિત્ર ગણો, ફોલ્ડિંગ હીંચકો નહીં જ, કારણ કે મનોયાત્રા તમારે જાતે જ કરવી પડશે. બની શકે કે અનેક તબક્કે તમને કૃષ્ણમૂર્તિ, ઓશો કે વિવેકાનંદ પણ કાચા જણાય ! અને ''એસેમ્બલીંગ'' કે પારકી મૂડીએ 'ચિંતન'થી તો ખૂબ દૂર રહેવું, એ તો અધમ કૃત્ય છે.




