Shatdal

લાલ થોભાવે છે, લીલી આગળ વધારે છે... રંગોની આ ભાષા આખી દુનિયા કેવી રીતે સમજી ગઈ?

By GS Team
4 Aug 20265 mins read
લાલ થોભાવે છે, લીલી આગળ વધારે છે... રંગોની આ ભાષા આખી દુનિયા કેવી રીતે સમજી ગઈ?
  • સેલિબ્રેશન-ચિંતન બુચ
  • જાપાને ટેક્નોલોજીને માનવતા સાથે જોડીને બતાવ્યું છે કે સ્માર્ટ શહેર એટલે માત્ર કમ્પ્યુટર નહીં, પરંતુ સંવેદના પણ.

સ વારે આઠ વાગ્યાનો સમય. કોઈ બાળક શાળાની બસ પકડવા દોડી રહ્યું હોય, કોઈ યુવાન ઇન્ટરવ્યૂ માટે મોડો પડતો હોય, કોઈ ડાક્ટર હોસ્પિટલ તરફ દોડી રહ્યો હોય, કોઈ વૃદ્ધ મંદિરે જવા નીકળ્યા હોય… હજારો વાહનો, હજારો ચહેરા, હજારો ગંતવ્ય…પણ શહેરના એક ચોક પર પહોંચતાં જ બધાની ઝડપ એકસાથે થંભી જાય છે.કોઈ પોલીસ સીટી વગાડતો નથી. કોઈ હાથ ઊંચો કરીને રસ્તો રોકતો નથી. છતાં કરોડોની કિંમતની કાર હોય કે સામાન્ય સાયકલ- બધા એકસાથે અટકી જાય છે.કારણ?માત્ર એક લાલ લાઇટ.
થોડી ક્ષણો પછી પીળી ઝબકે છે. જાણે કહે છે, 'હવે તૈયાર થઈ જાવ …' અને પછી લીલી થાય છે. રસ્તાનો તે ભાગ ફરી ધબકવા
લાગે છે.
આ ત્રણ રંગો માત્ર ટ્રાફિકના સંકેત નથી. આ તો આધુનિક નાગરિક સંસ્કૃતિની સૌથી સફળ ભાષા છે 'જેને દુનિયાના લગભગ દરેક દેશમાં, દરેક ભાષાના લોકો કોઈ અનુવાદ વિના સમજી જાય છે.પરંતુ આ ભાષાનો જન્મ ક્યાં થયો? અને આજે આ ત્રણ રંગો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી કેવી રીતે પહોંચી ગયા?
ચાલો, તેના માટે ૧૬૦ વર્ષ પહેલા ના ફ્લેશબેકમાં જવું પડશે. લંડનમાં ઘોડાગાડીઓની અવરજવર વધી રહી હતી. રસ્તા પર ભીડ વધી રહી હતી. અકસ્માતો પણ વધી
રહ્યા હતા.
રેલવે એન્જિનિયર જોન પીક નાઇટના મનમાં એક વિચાર આવ્યો 'જો ટ્રેનને સિગ્નલથી નિયંત્રિત કરી શકાય, તો રસ્તાને કેમ નહીં? વર્ષ ૧૮૬૮માં લંડનની પાર્લામેન્ટ બહાર વિશ્વનું પ્રથમ ટ્રાફિક સિગ્નલ ઊભું થયું. જેમાં વીજળી નહોતી, ગેસથી ચાલતો દીવો હતો. દિવસ દરમિયાન હાથથી ચલાવાતા સેમાફોર અને રાત્રે લાલ તથા લીલી લાઇટ. લોકો આશ્ચર્યથી જોતાં રહ્યા.પરંતુ નસીબે સાથ ન આપ્યો. થોડા જ અઠવાડિયામાં ગેસ લીકેજથી થયેલા વિસ્ફોટે આ પ્રયોગ બંધ કરાવી દીધો.
શોધ નિષ્ફળ ગઈ, વિચાર નહીં
અમેરિકાએ ત્રણ રંગોની ભાષા આપી. તેના વર્ષો પછી અમેરિકાના ક્લીવલેન્ડ શહેરે દુનિયાને પ્રથમ સફળ ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટ આપી.શરૂઆતમાં માત્ર બે રંગ હતા - લાલ અને લીલો. પછી એક પ્રશ્ન ઊભો થયો.જો લાલ પહેલાં થોડી ચેતવણી મળી જાય તો? અને ત્યાં જન્મ્યો પીળો રંગ…આજે દુનિયાના દરેક ટ્રાફિક સિગ્નલમાં આ ત્રણ રંગો છે. કદાચ વિશ્વની સૌથી વધુ સમજાતી ભાષા કોઈ અંગ્રેજી કે ચીની નથી, પરંતુ લાલ, પીળી અને
લીલી છે.
ભારતે પણ સમય સાથે પગલાં ભર્યા
૧૯૨૮માં કલકત્તાના એસ્પ્લાનેડ વિસ્તારમાં ભારતનો પ્રથમ ટ્રાફિક સિગ્નલ લાગ્યો.તે સમયે મોટરકારો ઓછી હતી, પરંતુ શહેર વધતું હતું. આજે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં હજારો સ્માર્ટ સિગ્નલ દરરોજ લાખો લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડે છે.અમદાવાદમાં તો છૈં આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ તરફના પ્રયાસો શહેરને નવી દિશા આપી રહ્યા છે.
જાપાન… જ્યાં ટ્રાફિક સિગ્નલ પણ નમ્ર હોય છે
જો ટ્રાફિક શિસ્તને કોઈ દેશે કળામાં ફેરવી હોય તો તે જાપાન છે. ટોકિયોના વ્યસ્ત ચોક પર હજારો લોકો રસ્તો ઓળંગતા જોવા મળે. લાઇટ લાલ હોય તો કોઈ વ્યક્તિ એક પગ પણ આગળ ન મૂકે - ભલે રસ્તો સંપૂર્ણ ખાલી કેમ ન હોય.અહીં ટ્રાફિક સિગ્નલ માત્ર નિયમ નથી, સંસ્કાર છે. દ્રષ્ટિબાધિત લોકો માટે અવાજ આપતા સિગ્નલ છે. વૃદ્ધો માટે વધુ સમય આપતી પદયાત્રી લાઇટ છે. વાહનોની ભીડ પ્રમાણે પોતે સમય બદલતી સ્માર્ટ સિસ્ટમ છે. જાપાને ટેક્નોલોજીને માનવતા સાથે જોડીને બતાવ્યું છે કે સ્માર્ટ શહેર એટલે માત્ર કમ્પ્યુટર નહીં, પરંતુ સંવેદના પણ.
ચીન… જ્યાં સિગ્નલ પણ વિચાર કરે છે
ચીનના કેટલાક શહેરોમાં ટ્રાફિક લાઇટ હવે માત્ર બલ્બ નથી. તે એક પ્રકારનું કૃત્રિમ મગજ છે.હજારો કેમેરા સતત વાહનોની ગણતરી કરે છે.છૈં વિચારે છે - પાંચ મિનિટ પછી ક્યાં ભીડ વધશે? કયા માર્ગને વધુ સમય આપવો? અને પછી સિગ્નલ પોતે નિર્ણય લે છે. ડ્રાઇવર હજુ જંક્શન સુધી પહોંચ્યો પણ નથી અને સિસ્ટમ પહેલેથી જ તેની રાહ જોઈ રહી હોય છે.એમ્બ્યુલન્સ નીકળે એટલે આખો માર્ગ લીલો થઈ જાય.જાણે આખું શહેર એક જ મગજથી સંચાલિત થતું હોય.
અમેરિકા… જ્યાં રસ્તા પણ સમજદાર બન્યા છે
અમેરિકામાં હવે ટ્રાફિક લાઇટ એકલી કામ કરતી નથી. રસ્તાની નીચે સેન્સર છે, આસપાસ કેમેરા છે. ઉપર સેટેલાઇટની માહિતી છે. બધું મળીને નક્કી કરે છે કે કોને કેટલો સમય આપવો.કેટલાક શહેરોમાં છૈંના કારણે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટયો છે.અહીં ટ્રાફિકને રોકવામાં નહીં, વહેતો રાખવામાં વિશ્વાસ છે.
૨૦૫૦… કદાચ ત્યારે લાઇટ નહીં, સંવાદ હશે
કલ્પના કરો… તમારી કાર તમને કહે - 'આગળનું સિગ્નલ ૧૪ સેકન્ડમાં લીલું થશે. ઝડપ ૪૫ કિલોમીટર પ્રતિ કલાક રાખશો તો રોકાવું નહીં પડે.' એમ્બ્યુલન્સ પાંચ કિલોમીટર દૂર હશે અને આખો રસ્તો પહેલેથી જ લીલો થઈ ગયો હશે.કદાચ કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક લાઇટ હશે જ નહીં.વાહનો એકબીજા સાથે વાત કરશે. રસ્તા વાહનોને ઓળખશે. શહેર પોતે વિચારે અને નિર્ણય લે - એવું ભવિષ્ય હવે કલ્પના કરતાં હકીકતની વધુ નજીક છે.
ત્રણ રંગ… જીવનના પણ
ટ્રાફિક લાઇટ રસ્તા પર જ નથી હોતી. આપણા જીવનમાં પણ હોય છે.ક્યારેક પરિસ્થિતિ આપણને લાલ સંકેત આપે છે- થોભો, ઉતાવળ ન કરો.ક્યારેક પીળી કહે છે - વિચારો, નિર્ણય પહેલાં એક ક્ષણ રોકાવ અને પછી એક દિવસ લીલી લાઇટ મળે છે - હવે આગળ વધો.
કદાચ એટલા માટે જ આ ત્રણ રંગો દોઢ સદીથી બદલાયા નથી.કારણ કે તે માત્ર ટ્રાફિકના નિયમ નથી સમજાવતા, જીવનની લય પણ શીખવે છે.
દર વર્ષે ૫ ઓગસ્ટે ઉજવાતો ઇન્ટરનેશનલ ટ્રાફિક લાઇટ ડે આપણને માત્ર એક શોધની યાદ અપાવતો દિવસ નથી. તે યાદ અપાવે છે કે માનવજાતે વ્યવસ્થા, શિસ્ત અને બુદ્ધિથી અસ્તવ્યસ્તતાને પણ નિયંત્રિત કરવાની કળા શીખી છે. અને કદાચ એટલા માટે… શહેરની કરોડો ધબકારાઓ વચ્ચે ઊભેલી એ નાની ટ્રાફિક લાઇટ, આધુનિક સંસ્કૃતિનો સૌથી શાંત પણ સૌથી શક્તિશાળી - ચોકીદાર છે.