POV: કલ્પના કરો કે તમે સુપરસ્ટાર છો

- નેટ-બોલી
- આજના ઇન્ટરનેટ પીઓવીમાં હંમેશાં કોઈ એક પાત્રની આંખે જ દ્રશ્ય દેખાડવામાં આવે તેવું જરૂરી નથી હોતું. કેટલીકવાર તે માત્ર એક રમૂજી સૂચના હોય છે
જો તમે ક્યારેય સોશિયલ-મીડિયા પર 'પીઓવી' (POV)થી શરૂ થતું કેપ્શન જોયું હોય, તો સમજી લો કે તમને કોઈ બીજાની દુનિયામાં પ્રવેશવાનું આમંત્રણ
મળ્યું છે.
પીઓવીનો અર્થ થાય છે 'પોઇન્ટ ઓફ વ્યુ' (દ્રષ્ટિકોણ). સાદી ભાષામાં, તેનો અર્થ થાય છે, કોઈ ચોક્કસ દ્રષ્ટિબિંદુ. ફિલ્મોમાં, પીઓવી શોટ એવી રીતે બતાવાય છે જાણે કેમેરો કોઈ પાત્રની પોતાની આંખોથી બધું જોઈ રહ્યો હોય. જોકે, ઇન્ટરનેટ પર આનો અર્થ ઘણો વિસ્તરી ગયો છે- 'પીઓવી' તમને કોઈ ખાસ પરિસ્થિતિ કે અનુભવમાં તમારી જાતની કલ્પના કરવા માટે
કહે છે.
'પીઓવી'નો ઉપયોગ કેવી રીતે થાય?
કોઈ ક્રિએટર આવું કંઈક પોસ્ટ કરી શકે કે-
પીઓવી: તમને ગમતી વ્યક્તિ (ક્રશ) આખરે તમને સામેથી મેસેજ કરે છે.
આથી જોનાર વ્યક્તિએ એવી કલ્પના કરવાની હોય છે કે હું જ એ વ્યક્તિ છું જેને આ મેસેજ મળ્યો છે.
અથવા તો-
પીઓવી: તમે તમારા પોતાનાં જ લગ્નમાં મોડા પડો છો.
પીઓવી: તમારા મમ્મી તમારા મોબાઈલની સર્ચ હિસ્ટ્રી પકડી
પાડે છે.
પીઓવી: તમે ૨૦ વર્ષ પછી તમારા સ્કૂલના મિત્રને મળો છો.
ત્યારબાદ તે વીડિયોમાં તે કાલ્પનિક પરિસ્થિતિનું નાટયાત્મક રૂપાંતર રજૂ કરવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે આજના ઇન્ટરનેટ પીઓવીમાં હંમેશાં કોઈ એક પાત્રની આંખે જ દ્રશ્ય દેખાડવામાં આવે તેવું જરૂરી નથી હોતું. કેટલીકવાર તે માત્ર એક રમૂજી સૂચના હોય છે, જેનો મૂળ અર્થ એવો થાય છે: 'કલ્પના કરો કે આવું તમારી સાથે બની રહ્યું છે.'
પીઓવીમાં વૈવિધ્ય
પીઓવી વીડિયો: દર્શકને કોઈ ખાસ પરિસ્થિતિમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવેલો વીડિયો.
પીઓવી મીમ: કોઈ કાલ્પનિક દ્રશ્ય કે પરિસ્થિતિની આસપાસ રચાયેલું મીમ.
પીઓવી યુ…: કદાચ આ સૌથી વધુ લોકપ્રિય ફોર્મેટ છે- પીઓવી: તમે હમણાં જ લોટરી જીત્યા છો.'
પીઓવી રોલપ્લે: ક્રિએટર પોતે એક પાત્ર ભજવે છે, જ્યારે દર્શકને બીજું પાત્ર સોંપવામાં આવે છે.
આ ઉપરાંત મનોરંજક પ્રકારો પણ છે જેમ કે 'પીઓવીથ મી', જ્યાં લોકો દર્શકને દ્રશ્યમાં મૂકવાને બદલે પોતાના જ વર્તનનું વર્ણન કરે છે.
શરૂઆત
ક્યાંથી થઈ?
આમ તો 'પોઇન્ટ ઓફ વ્યુ' શબ્દપ્રયોગ સદીઓ જૂનો છે, જ્યારે તેનું ટૂંકું રૂપ 'પીઓવી' ૧૯૬૦ના દાયકાના અંતથી નોંધાયેલું છે. વાર્તાશૈલી, સાહિત્ય અને ફિલ્મ નિર્માણમાં તેના થયેલા ઉપયોગે તેને સોશિયલ મીડિયાના આગમન પહેલાંથી જ પેઢીઓ સુધી જાણીતો બનાવી દીધો હતો. ઇન્ટરનેટ શૈલીનું આ ખાસ પીઓવી ફોર્મેટ ૨૦૧૯ની આસપાસ ટિકટોક પર ધૂમ મચાવી ગયું. ટિકટોક પર સૌથી જૂના નોંધાયેલા પીઓવી વીડિયો પૈકીનો એક ફેબુ્રઆરી ૨૦૧૯નો છે, અને ત્યારપછી આ ફોર્મેટ ટિકટોક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, રેડિટ અને અન્ય પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફેલાઈ ગયું. ખુદ ટિકટોકે ૨૦૧૯ના સૌથી પ્રભાવશાળી મીમ્સમાં #POVનો સમાવેશ કર્યો હતો.
પીઓવીએ સોશિયલ મીડિયા વીડિયોને 'મને જુઓ'માંથી બદલીને 'કલ્પના કરો કે તમે હું છો' બનાવી દીધા છે. આ ત્રણ અક્ષરોનું નાનકડું સંક્ષિપ્ત રૂપ જોનાર વ્યક્તિને માત્ર એક દર્શક મટાડીને એક પાત્ર બનાવી દે છે.
એક લીટીમાં કહેવું હોય તો-
પીઓવી = 'કલ્પના કરો કે તમે અમુક તમુક પરિસ્થિતિમાં મૂકાયા છો તો…'




