Shatdal

ગુમશુદા મહિલાનો પોલીસ કેસ

By GS Team
29 Sep 20264 mins read
ગુમશુદા મહિલાનો પોલીસ કેસ
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • સાહેબ, હરિયાણાના સોનેપત જિલ્લા પોલીસે જે ગુમ થયેલી મહિલાનો ફોટો અને સીસીટીવી ફૂટેજ મોકલ્યા હતા ને, એ બાઈ મળી આવી છે!

હ રિયાણાના મુંડા ગામમાં રાત પડી રહી હતી. પણ સાંજથી જ કજરીને ફફડાટ થઈ રહ્યો હતો.
જ્યારે એનો ધણી કેરોસીનના બે મોટા કેરબા લઈને ઘરમાં આવ્યો ત્યારે જ કજરીની છાતીમાં ધ્રાસકો પડયો !
આ તો મને જીવતી સળગાવી મારવાનો પ્લાન લાગે છે ! બાકી ઘરમાં ક્યારેય બે બાટલાથી વધારે કેરોસીન રહેતું જ નહોતું. છતાં આજે બબ્બે કેરબા ભરીને કેરોસીન ?
રાત પડી ત્યાં સુધીમાં કજરીનો જીવ અધ્ધર ને અધ્ધર જ રહ્યો. આ ઘરમાં તે જ્યારથી પરણીને આવી ત્યારથી તેના માટે આ ઘર નરક સમાન હતું.
એનો પતિ સાવ બાયલા જેવો હતો. એનો જેઠ જબરો હતો. જેઠની પત્ની યાને કે એની જેઠાણીનું શરીર સાવ હાડપિંજરના માળખા જેવું હતું. કજરી અહીં પરણીને આવી ત્યારથી તેનો જેઠ તેના શરીરને બળજબરીથી ભોગવતો હતો.
હમણાં હમણાંથી તો કજરીનો સસરો પણ રાતના એની પથારીમાં ઘૂસી આવતો હતો. કજરી ત્રાસીને પોતાને પિયર જતી રહે તો આ રાક્ષસ જેવા મરદો પાછળ પાછળ આવીને કજરીના બાપૂજી આગળ કકળાટ કરી મુકતા હતાં.
તમારી દીકરી તો કુંભારની છે. ઉપરથી બોલવાનું કંઈ ભાન નથી ! જબાનની ગંદી તો છે જ, ઉપરથી બદનથી પણ ગંદી છે, ગામમાં સત્તર જુવાનિયાઓ સાથે આંખો લડાવે છે. એટલે જ અમે એને ઘરમાં ગોંધી રાખીએ છીએ…
એ તો ઠીક, દર વખતે દહેજના નામ પર નવી નવી માગણીઓ ચાલુ જ રહેતી હતી : લગ્ન વખતે તો તમે રીતસર ભિખારીવેડા કરીને તમારા જમાઈને કંઈ આપ્યું જ નથી. એક સ્કૂટરથી શું વળે ? હવે પાંચ લાખ રૂપિયા આપો નહિંતર તમારી દિકરીનું જીવતું મોઢું નહીં ભાળો….
કજરીનો બાપ પણ સ્વભાવનો ડરપોક હતો. જેટલી વાર કજરી પિયર ચાલી આવતી તેટલી વાર તેનો બાપ જેમ તેમ કરીને વીસ પચ્ચીસ હજારનો જોગ કરીને તેને પાછી સાસરે મોકલી આપતો હતો. ઉપરથી મોં બગાડીને કહેતો : 'હવે તારું કાળું મોં ફરીથી અહીં બતાડવા આવતી નહીં !'
કજરી આ નરકમાંથી છૂટવા માગતી હતી પણ છૂટવં શી રીતે ? જઈ જઈને જવું તો ક્યાં ?
પણ આજે કજરી મોત ભાળી ગઈ હતી. જો આજે નહીં તો ક્યારેય તે અહીંથી છૂટી શકશે નહીં…
રાત પડી ચૂકી હતી, જમીને વાસણ માંજ્યા પછી કજરી પેશાબ કરવાને બહાને ઘરની બહાર નીકળી ગઈ….
તે ગામની ગલી વટાવીને સીધી ખેતરો તરફ ચાલવા માંડી. થોડાં ખેતરો પછી તેને સડક દેખાઈ. કજરી કશુંય વિચાર્યા વિના ચાલજી જ રહી.
હવે તેણે ચાલવાની ઝડપ વધારી દીધી. થોડીવાર પછી તો તે લગભગ દોડી રહી હતી. ક્યાં જવાનું છે ? કશી જ ખબર નહોતી.
આખરે તેને દૂરથી એક પ્રકાશ દેખાયો. આ એક રેલવે સ્ટેશન હતું. કજરી ત્યાં પહોંચી ત્યારે એક ટ્રેન ત્યાં ઊભી હતી. કજરી કશું પણ પૂછ્યા ત્રાધ્યા વિના ટ્રેનમાં બેસી ગઈ….


દોઢેક મહિના પછી સુરતના ઉધના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જ્યારે ઇન્સ્પેક્ટર જગદીશ પંચાલ દાખલ થયા કે તરત હેડ કોન્સ્ટેબલે સલામ મારીને ખબર આપી:
'સાહેબ, હરિયાણાના સોનેપત જિલ્લા પોલીસે જે ગુમ થયેલી મહિલાનો ફોટો અને સીસીટીવી ફૂટેજ મોકલ્યા હતા ને, એ બાઈ મળી આવી છે ! અહીં ઉધનાની એક ઝૂંપડપટ્ટીમાં એ છેલ્લા એક મહિનાની રહે છે !
'ક્યાં છે એ બાઈ ?'
'એનું ભાડાનું ઘર આપણે માર્ક કરીને રાખ્યું છે. દિવસભર એ ક્યાંક ને ક્યાંક મજુરી કરવા માટે ભટકતી રહે છે. પણ રાત્રે જરૂર એની ખોલીમાં પાછી આવે છે.'
'ઠીક છે, આપણે રાત્રે રેડ મારીશું.'
અત્યંત ગંદકીથી ઉભરાતી એ ઝૂંપડપટ્ટીના સાવ છેડાના ભાગે, જ્યાં ગંધાતી ગટરનું મોં ખુલતું હતું એની બાજુમાં તાડપત્રી અને ઈંટ-લાકડીઓ વડે બનેલી એક કંકાલ સમી ખોલી હતી.
'આ જ જગ્યા છે?'
'હા, સાહેબ, હેડ કોન્સ્ટેબલે ખાતરી આપી. હમણાં એ આવતી જ હશે.
થોડીવારે એ આવતી દેખાઈ. પરસેવાથી રેબઝેબ થઈ રહેલા ચહેરાને તે પોતાની મેલી સાડી વડે વાંરવાર લૂછી રહી હતી. તેના હાથમાં એક બ્રેડનું પેકેટ હતું.
એમાંથી બ્રેડની જે ચાર પાંચ સ્લાઈસ દેખાઈ રહી હતી તે જોતાં લાગ્યું કે કોઈના એંઠવાડમાંથી તેણે આ બધું ઉપાડયું હશે.
બ્રેડની સાથે એક પ્લાસ્ટિકની કોથળી હતી. એમાં પણ કોઈના ઘરમાંથી ફેંકી દેવાયેલી એંઠી શાકભાજી જ હશે, તેવું ઇન્સ્પેક્ટર પંચાલને સમજાઈ ગયું.
તે નજીક આવી કે તરત જ હેડ કોન્સ્ટેબલે તેના બે હાથ ખેંચીને પાછળથી પકડી લીધી. ઇન્સ્પેક્ટરે પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તેનો ચહેરો જોયો. પોતાના મોબાઈલમાં હરિયાણા પોલીસે જે ફોટા મોકલ્યા હતા તેની સાથે આ ચહેરો પરફેક્ટ મેચ થતો હતો.
હેડ કોન્સ્ટેબલ બોલી ઊઠયો. 'જુઓ સાહેબ, એ જ છે ને ? મેં તો ઓલરેડી સોનેપત જિલ્લા મથકને મેસેજ પાઠવી દીધો છે કે તમારી કજરી મળી ગઈ છે. ટૂંક સમયમાં તમારે હવાલે કરી દઈશું.'
આ સાંભળતાં જ કજરીના ડોળા ફાટી ગયા ! તે જોરજોરથી હરિયાણવી બોલીમાં ચીસો પાડવા લાગી :
'ના સાહેબ ના ! મને ફરી એ નરકમાં ના ધકેલશો ! એ લોકો મને કેરોસીન છાંટીને બાળી મુકશે ! એના કરતાં તમે જ મને અહીં ગોળી મારીને ખતમ કરી દો ! હા…મારી નાંખો મને ! પણ મને પાછી ના મોકલતા….મારી નાંખો !! મને મારી નાંખો સાહેબ, મારી નાંખો !
ઇન્સ્પેક્ટર પંચાલે મોબાઈલની ટોર્ચ બંધ કરી દીધી. કજરીની ચીસો અચાનક અંધારું થતાં જ થોડી ક્ષણો માટે બંધ થઈ ગઈ.
હવે ા અંધારામાં ગટરની ગંધાતી હવામાં માત્ર તેના હાંફવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
'શું કરીએ સાહેબ આનું ?'
ઈન્સ્પેક્ટર પંચાલે મોબાઈલ ખિસ્સામાં મુકતાં કહ્યું : 'ચહેરો પરફેકટલી મેચ થતો નથી. સોનેપત જિલ્લા પોલીસને મેસેજ આપી દેજો, આઈડી નોટ મેચિંગ….મિસિંગ પરસન નોટ ફાઉન્ડ.'