Shatdal

પ્લમ્બિંગ-ફિટિંગ અને વિદ્વત્તા

By GS Team
29 Sep 20263 mins read
પ્લમ્બિંગ-ફિટિંગ અને વિદ્વત્તા
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

સૌ પ્રથમ તો આ અંગ્રેજી શબ્દોના ઉપયોગ માટે ક્ષમા ચાહું છું. અમુક શબ્દોની ધારેલી અસર અનુવાદમાં રહેતી નથી. ''પ્લમ્બિંગ-ફિટિંગ'' એટલે મશીન કે નળ ના પુરજા ગોઠવીને રિપેરિંગ કરીને, અહીં તહીંથી પુરજા જોડી ને ખખડી ગયેલ ચીજને નવી જેવી કરી દેવી. હા…. આ અર્થ પણ કદાચ પૂરો ઈશારો સ્પષ્ટ ન કરે, ને પછી દેશમાં એ પુરજા જોડીને મશીન બનાવવામાં આવે, એને ''રીએસેમ્બલીંગ'' કે ''એસેમ્બલિંગ'' કહેવાય.
આપણે ત્યાં ''સંત'' અને ''વિદ્વાન'' શબ્દો પણ શિંગદાણાનાં ફોતરાં ફેંકાય એમ ફેંકાતા રહ્યાં છે.રીંગણાં, બટાટા, કેરી જેને બાહ્ય લક્ષણો દ્વારા તપાસાય એમ આપણે ''સંત'' ઇલ્કાબ માટે પણ કોષ્ટકો કે બાહ્ય નિશાનીઓ ગોખી રાખી છે. એવી જ હાલત ''વિદ્વાન'' શબ્દના દુરુપયોગની છે. વિદ્વાન શબ્દનું મૂળ સંસ્કૃત ધાતુ ''વિદ્''માં રહેલું છે. ''વિદ્'' એટલે ''જાણવું''. એક યુવાન સેલ્સ કે માર્કેટિંગનો કોર્સ કરી લાવે, એમાં સુવર્ણચન્દ્રક પણ લાવે, પણ એ ચોપડિયા અભ્યાસ અને હકીકતમાં દુકાનના ગલ્લા પર બેસીને વેપારમાં સફળતા મેળવવા વચ્ચે નો ફરક તમને સમજાય છે ? કાલિદાસના શ્લોકો મોઢે હોવા અને કાલિદાસનાં સર્જનનું સૌન્દર્ય સમજવું એ બન્ને વચ્ચેનો ફરક સમજાય છે.
ગીતા કે ઉપનિષદોના ધબકારા ઝીલવા અને ગીતા કે ઉપનિષદોના શબ્દાર્થ મોઢે હોવા એની ગાઈડ લખવી એ બન્ને વચ્ચે જબરદસ્ત ફરક છે. તકલીફ એ છે કે આપણે ત્યાં શબ્દોની સપાટી પરની સમજને પણ વિદ્વત્તામાં ખપાવી દેખાય છે. ખાસ કરીને વિદ્વત્તાને ચોપડિયા માહિતી અને પદવી (ડિગ્રી) વગેરે સાથે જોડી દેવાની હરકત પછી કોઈપણ આલિયો માલિયો સારી સ્મરણ શક્તિ, ''પ્લમ્બિંગ, ફિટિંગ'' વગેરેની મદદથી ''વિદ્વાન'' તરીકે ઓળખ ઊભી કરી શકે ! અને જો લોકરંજક વક્તા તરીકે કરામતો આવડે તો પુસ્તકો અને શાસ્ત્રોનું જૂનું પ્રવાહી જાતજાતની નવી બાટલીઓમાં ભરીને કે ચોપડિયા માહિતીના પુરજા જુદી જુદી રીતે ગોઠવીને ''એસેમ્બલીંગ'' કરીને બજારમાં ઊભા રહી શકાય.
અને ગ્રાહકો કોણ ? જેમાંના બહુ ઓછાને માહિતી અને વિદ્ (પ્રતીતિપૂર્વક જાણવું) એ વચ્ચેના ફરકની ખબર પડે. ''ગાંડી સાસરે જાય અને ડાહીને શીખામણ દે'' ગાયનેકોલોજી, ગીતા, પાકશાસ્ત્ર, સંગીત, નૃત્ય, ચિત્રકળા વગેરે એવા વિષયો કે ક્ષેત્રો છે જેમાં જીવનની સરાણે ચડાવીને જાતઅનુભતિની પરીક્ષા પસાર કર્યા વિના જાણવું શબ્દ વાપરી જ ન શકાય. તકલીફ એ છે કે મંડપો, સભાગૃહો વગેરે સ્થળે એવાં ઘણા લોકો જમા થતાં હોય જેમાંના મોટા ભાગનાને અનુભતિ તો બાજુ પર રાખો, અમુક વિષયો વિષે બુનિયાદી, સપાટી પરની માહિતી પણ હોતી નથી ને એ લોકો વિદ્વાન જેવા ઇલ્કાબો ફેંકતા હોય !
વિદ્વાન કે સંત અને એમને ઓળખનાર આ બન્નેની લાયકાત માત્ર સપાટી પરનાં છબછબિયાં નથી. વિદ્વત્તા કે સંતત્વ મરજીવાનાં ક્ષેત્રો છે અને એક મરજીવો જ બીજા મરજીવાને ઓળખી શકે. તમે કોઈને સાંભળો કે વાંચો,ત્યારે વિદ્વત્તાની તમારી સમજ શી છે ? બહુશ્રુતતા ? ભારે સ્મરણશક્તિ ? શબ્દરમત ? જરા જાતતપાસ તો કરી જુઓ !