Shatdal
કલેજાનો ટુકડો
By GS Team
14 Jul 20264 mins read
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હોટલ માલિક અશોકભાઈનું લીવર ફેઈલ થતાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી. દીકરી અનામિકાનું લીવર મેચ થયું, પરંતુ તેણે ના પાડી. આખરે, ભત્રીજી આહનાએ પોતાનું લીવર આપી કાકાનો જીવ બચાવ્યો. આ ઘટનાથી અશોકભાઈના પત્ની અરુણાબેનને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ ભાવુક થયા.
00:00
00:18
Summarized by AI; it may make mistakes. Check important info
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હોટલ માલિક અશોકભાઈનું લીવર ફેઈલ થતાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી. દીકરી અનામિકાનું લીવર મેચ થયું, પરંતુ તેણે ના પાડી. આખરે, ભત્રીજી આહનાએ પોતાનું લીવર આપી કાકાનો જીવ બચાવ્યો. આ ઘટનાથી અશોકભાઈના પત્ની અરુણાબેનને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ ભાવુક થયા.
00:00
00:18
Summarized by AI; it may make mistakes. Check important info

- વહેતું જીવન - ડૉ. હર્ષદ કામદાર
- 'શું તમેય આ બંનેને આપણે ઘેર ઉપાડી લાવ્યા છો? હું કેટલાનું ધ્યાન રાખું?'
'પપ્પા, મારો મોબાઈલ બે વરસ જૂનો થઈ ગયો છે. બધા પાસે આઇફોન છે. મારે પણ લેવો છે. તેના રૂપિયા આપશો?' અનામિકાએ લાડ લડાવતાં તેના પપ્પાને પુછયું.
'પણ આ મોબાઈલ સારો ચાલે છે, પછી નવા માટે ખર્ચો કેમ ?' અશોકભાઈને દીકરીની વાત સાચી ન લાગી.
'પપ્પા, તમે આટલી મોટી હોટલના માલિક અને તોય નવો મોબાઈલ અપાવવા ચીકાશ કરો છો?' અનામિકા બગડી.
'શું તમેય દીકરી એક જ વસ્તુ માગે છે, અને તેનીય ના પાડો છો?' અરુણાબેને તેની દીકરીનો પક્ષ લેતા કહ્યું.
'જો આપણને પોસાતું હોય તો પણ આવા ખોટા દેખાડા માટે ખર્ચો તો ના જ કરાય ને.!' અશોકભાઈએ બંનેને સમજાવતા કહ્યું.
ત્યાં તો તેમની ભત્રીજી આહના આવી, અને ઉદાસ સ્વરે કહ્યું, 'અશોકકાકા, મારી કોલેજની ફીના રૂપિયા ભરવાનો આજે છેલ્લો દિવસ છે.'
'કેટલી ફી છે, બેટા?' અશોકભાઈએ તરત જ ઊભા થઈ કબાટમાથી ફીના રૂપિયા કાઢી આહનાને આપી દીધા. અનામિકા અને અરુણાબેન જોતાં જ રહી ગયા.
અશોકભાઈને સેટેલાઈટ વિસ્તારમાં મોટી હોટલ અને રેસ્ટોરન્ટ હતી. તે સરસ ચાલતી હતી. તેમને એક દીકરી અનામિકા અને એક દીકરો આરવ હતા. પૈસાની આવક સારી હોવાથી સુખમાં દિવસો પસાર થતાં હતા.
તેમના મોટાભાઇ પ્રવીણભાઈની રિટેઈલ ગ્રોસરીની દુકાન ઓછી ચાલતી હતી. લોકો હવે બધી જ ખરીદી ઓનલાઈન કરતાં હોવાથી તેમની આવક ઘટી ગઈ હતી. તેની ચિંતામાં જ ફક્ત બાવન વર્ષની ઉમરે તેમને ઊંઘમાં જ હાર્ટ-અટેક આવી ગયો, સવારે ઉઠયા જ નહીં. ઘરમાં રોકકળ મચી ગઈ, મહિનો તો બધા સગા હોવાથી ખબર ના પડી, પણ પછી તેમના વિધવા પત્ની તન્વીબહેન અને દીકરી આહના એકલા પડી ગયા. માં અને યુવાન દીકરી બે જ સ્ત્રીઓએ આ સમાજમાં રહેવું મુશ્કેલ છે. તેમના નાનાભાઈ અશોકભાઈને આ ખ્યાલ આવી ગયો, અને તે માનપુર્વક તેમના ભાભી અને ભત્રીજીને સમજાવીને પોતાને ઘેર લઈ આવ્યા. તન્વીબહેન ના ના કરતાં રહ્યા,પણ અશોકભાઈના આગ્રહ આગળ તેમનું કાઇ ના ચાલ્યું.
અશોકભાઈના પત્ની અરુણાબેન અને પુત્રી અનામિકાને આ જરાપણ ન ગમ્યું. 'શું તમેય આ બંનેને આપણે ઘેર ઉપાડી લાવ્યા છો? હું કેટલાનું ધ્યાન રાખું?' ગુસ્સે થઈ અરુણાબેને રાત્રે તેમના બેડરૂમમાં અશોકભાઈને કહ્યું.
'અરુણા, એ મારા મોટાભાઇ હતા. ભાઈ હોવાને નાતે તેમની વિધવા અને દીકરી હવે આપણી જવાબદારી કહેવાય.' અશોકભાઇએ સમજાવતા કહ્યું.
'તમને કાઇ સમજણ તો પડતી નથી.' કહેતા અરુણાબેન મોઢું ફુલાઈને સૂઈ ગયા.
અશોકભાઈને મન તો પુત્રી અનામિકા અને ભત્રીજી આહના સમાન હતા. પણ અરુણાબેન કોઈને કોઈ બહાને જેઠાણી તન્વીબેન અને ભત્રીજી આહનાને હેરાન કરતાં જ રહ્યા.
તેમણે રસોડાના કામકાજનો તમામ ભાર જેઠાણી પર નાખી દીધો. પોતે આખો દિવસ ટીવી જોવા અને કીટીપાર્ટીમાં જ વ્યસ્ત રહેવા લાગ્યા.
શનિવારે બપોરે તેમના ઘરે કીટીપાર્ટીનું આયોજન હતું. ફેશનેબલ આધુનિક કપડામાં એક પછી એક મહિલાઓ આવતી રહી. તીન પત્તિના જુગારની બાજી જામી હતી. ત્યાં કામિનીબેનને તરસ લાગી. અરુણાબેને બૂમ પાડી, 'આહના, ફ્રીજમાથી ઠંડુ પાણી અને ઓરેન્જ જ્યુસ લાવજે.'
રૂપાળી કામવાળી જોઈ કામિનીબેન બોલ્યા, 'વાહ, નવી કામવાળી સરસ છે.' આહના ગુસ્સામાં તમતમી ઉઠી. તેના હાથમાથી પાણીનો ગ્લાસ છટક્યો, અને પડયો. કામિનીબેનની સાડી બગડી. અરુણાબેન ચિડાયા, 'આહના, જોતી નથી, આ શું કર્યું ?' કામિનીબેન ચિડાયા, 'રૂપાળા કામવાળા આવા જ હોય!'
આહના દોડીને તેના રૂમમાં જતી રહી. 'મમ્મી, કાકાનું ઘર છોડીને આપણે આપણા ઘેર જતાં રહીએ.' 'ના, બેટા, આપણે અહીં જ રહેવું પડશે.' તન્વીબેને તેને સમજાવી.
અશોકભાઈની તબિયત બગડવા લાગી. તેમને પેટમાં દુખાવો અને અપચાની તકલીફ થવા લાગી. તપાસને અંતે ડોકટરોએ જાહેર કર્યું, 'તેમનું લીવર ફેઇલ થયું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે.
લીવર ડોનરની શોધ ચાલી. ઘરના બધાના મેચિંગ માટે ટેસ્ટ લેવાયા. અરુણાબેન ચિંતામાં પડી ગયા. નવા લીવર વગર તેમનું મોત નક્કી હતું.
'વાહ! અનામિકાનું મેચિંગ તેના પપ્પા સાથે પરફેક્ટ થાય છે. તેના લિવરનો ટુકડો લેવો પડશે.' ડોક્ટરે કહ્યું.
'હજુ મારે તો લગન કરવાના પણ બાકી છે. હું મારૂ લીવર ના આપું.' કહી ગુસ્સે થઈને તે જતી રહી. અરુણાબેન જોતાં રહ્યા.
બીજા દિવસે ખુશખબર આપતા ડોક્ટરે કહ્યું, 'અશોકભાઇ માટે ડોનર મળી ગયેલ છે.'
અરુણાબેને ખુશ થઈને ડોક્ટરને પુછયું 'કોણ છે એ ડોનર ? મારે એમને મળવું છે'
'ડોનરે નામ બહાર પાડવાની ના પાડી છે.' ડોક્ટરે કહ્યું, અરુણાબેન નવાઈ પામી જોઈ રહ્યા. કોણ હશે, મારા પતિનું જીવન બચાવનાર તારણહાર.
અશોકભાઈને ધીમે ધીમે સારું થવા લાગ્યું, આહના પેટમાં દુખતું હોવાથી કોલેજ જતી નહોતી. તેના પેટે પાટો બાંધેલો જોઇ અરુણાબેનને નવાઈ લાગી. તે પૂછવા તેમનાં રૂમ તરફ જતાં હતા, ત્યાં તો રૂમની વાતો સાંભળી.
'બેટા, તે તારા કાકાને મદદ કરી સારું કામ કર્યું છે.' તન્વીબેન આહનાને કહી રહ્યા હતા. 'મમ્મી, મારા કાળજાનો ટુકડો આપી., કાકાની જિંદગી બચાવવી, એ તો મારી ફરજ હતી.' આહના દુઃખતા અવાજે બોલી.
આ સાંભળી દરવાજે ઊભેલા અરુણાબેનની આંખોમાથી ટપક-ટપક આંસુઓ પાડવા લાગ્યા. મેં ખોટા માં-દીકરીને હેરાન કર્યા, મારી સગી દીકરીને બદલે ભત્રીજીએ કાળજાનો ટુકડો આપી મારા પતિની જિંદગી બચાવી લીધી.
લાસ્ટ-સ્ટ્રોક
જીવનમાં કેટલીક વખત પોતાના કરતાં પારકા માણસો અણીના સમયે મદદ આવી જાય છે. માણસને ઓળખતા આવડવું જોઈએ.




