ફૂટબોલના ગ્રાઉન્ડ પર ફીઝિક્સનો ક્લાસ : જાણો મગજ ચકરાવે ચડાવતું ઘૂમરી લેતા દડાનું મજેદાર વિજ્ઞાાન !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અનાવૃત - જય વસાવડા
- ફૂટબોલમાં જ ન્યુટનના ગતિના નિયમો છે.દોડવું, અચાનક દિશા બદલવી, બોલને લાત મારવી કે તેને કંટ્રોલ કરવો… આ બધું પ્લેયર્સ,બોલ અને ટર્ફ (મેદાન) વચ્ચે લાગતા ફોર્સ અને 'ફ્રિક્શન' પર આધાર રાખે છે
2026નો ફિફા વર્લ્ડ કપ નોર્થ અમેરિકામાં છે. ગુજરાતી વસતિ ધરાવતા ન્યુ જર્સીમાં એનો ફાઈનલ છે. આપણે ત્યાં સોકર ઉર્ર્ફે ફૂટબોલ કરતા વધુ ધ્યાન એ જોવા આવેલી રમણીઓ પર વધુ હોય છે. એક ઈરાકી સુંદરીએ તો મેચ જીતી લીધો માત્ર શરમાઈને મુસ્કુરાઈને ! પણ એ જાણવામાં કેટલા ટીચર્સને પણ રસ છે કે મેદાન પર થતા દરેક ગોલ પાછળ 'ફિઝિક્સ'નો એક જોરદાર ક્લાસ ચાલતો હોય છે!
બ્રાઝિલના રોબર્ટો કાર્લોસે ફ્રાન્સમાં ૧૯૯૭માં રમાયેલી એક ટુર્નામેન્ટમાં એક એવો કરિશ્મા કરેલો જે એ જોનારા ફૂટબોલરસિકો આજે પણ યાદ કરે છે. ગોલપોસ્ટથી લગભગ ૩૦ મીટર દૂર અને સહેજ જમણી બાજુથી એણે એવી જોરદાર ફ્રી-કિક મારી કે બોલ જમણી બાજુ ઊડયો. ડિફેન્ડર્સે રચેલી માનવ દીવાલથી બોલ ઓછામાં ઓછો એક મીટર દૂર હતો. ગોલપોસ્ટથી દૂર ઉભેલા બોલ-બોયને તો એમ કે બોલ સીધો એના મોઢા પર જ આવશે એટલે એણે બિચારાએ માથું પણ ઝુકાવી લીધું! પણ પછી, હવામાં જ એક જાદુ થયો! બોલ અચાનક રાજકોટના બાઈકસવારની જેમ ડાબી બાજુ વળ્યો અને ગોલપોસ્ટના જમણા ખૂણામાં જઈને ધનાધન ગોલ થયો!… બધા સ્તબ્ધ!
એવું કહેવાય છે કે કાર્લોસ ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર આ જ કિકની રાત-દિવસ પ્રેક્ટિસ કરતો હતો. એને સહજ રીતે જ ખબર હતી કે બોલને કેટલી સ્પીડ અને કેવી સ્પિન સાથે ફટકારવાથી એ હવામાં આવો વળાંક લેશે. પણ હા, કદાચ એને આ બધા પાછળના 'ફિઝિક્સ'ની કોઈ ખબર નહોતી! એ જાદૂનું નામ હતું ઃ 'મેગ્નસ ઇફેક્ટ'!
કોઈ સ્પિન થઈને ગોળ ફરતી વસ્તુ હવામાં કેમ વળાંક લે છે, એનો પહેલો સાયન્ટિફિક ખુલાસો ૧૮૫૨માં જર્મન ફિઝિસિસ્ટ ગુસ્તાવ મેગ્નસે કરેલો. જોકે, એ ભેજાબાજ તો એ શોધવા નીકળ્યા હતા કે તોપના ગોળા કે બંદૂકની ગોળીઓ હવામાં કેમ વળાંક લે છે, પણ એનો આ નિયમ બોલને પણ મસ્ત રીતે લાગુ પડે છે! ફૂટબોલ હોય, બેઝબોલ હોય, ગોલ્ફ, ક્રિકેટ કે ટેનિસ… હવામાં વળાંક લેતા બોલનું મિકેનિઝમ એકસરખું જ
હોય છે.
કલ્પના કરો કે એક બોલ હવામાં ગોળ ગોળ ફરતો આગળ વધે છે. બોલની જે બાજુની સપાટી હવાના પ્રવાહની દિશામાં ફરતી હોય, ત્યાં હવાની ગતિ વધી જાય છે. બર્નોલીના સિદ્ધાંત મુજબ હવાની ગતિ વધે એટલે ત્યાં હવાનું દબાણ ઘટી જાય. બોલની બીજી બાજુ આનાથી બરાબર ઊલટું થાય! ત્યાં હવા બોલની સપાટીથી વિરુદ્ધ દિશામાં ટકરાય એટલે હવાની ગતિ ધીમી પડે અને દબાણ વધી જાય. બસ, આ બંને બાજુના દબાણના તફાવતને લીધે ફોર્સનું ઇમ્બેલેન્સ (અસંતુલન) ઊભું થાય છે અને બોલ હવામાં એક તરફ ધકેલાય છે. ૧૯૧૦માં સર જે. જે. થોમસને એકદમ મજેદાર ભાષામાં કહેલું કે 'સ્પીડમાં ગોળાકાર દડો બસ પોતાના નાકની દિશાને ફોલો કરે છે!' બોલના હવામાં આ રીતે ડિફ્લેક્ટ થવાને સાયન્સની ભાષામાં 'મેગ્નસ ઇફેક્ટ' કહેવાય છે.
હવામાં ઊડતા સ્પિનિંગ બોલ પર મુખ્યત્વે બે ફોર્સ કામ કરતા હોય એક 'લિફ્ટ ફોર્સ' (જે મેગ્નસ ઇફેક્ટ માટે જવાબદાર છે) અને બીજું 'ડ્રેગ ફોર્સ' (હવાનો અવરોધ, જે બોલને પાછળ ધકેલે છે).માની લો કે તમે જબરદસ્ત ફ્રી-કિક મારી! બોલની સ્પીડ ૨૫-૩૦ મીટર પ્રતિ સેકન્ડ છે અને એની સ્પિન સેકન્ડે ૮-૧૦ ચક્કરની છે. તો એના પર લાગતો લિફ્ટ ફોર્સ અંદાજે ૩.૫ ન્યૂટન જેટલો થાય. પ્રોફેશનલ ફૂટબોલનું વજન ૪૧૦ થી ૪૫૦ ગ્રામ વચ્ચે હોય, એટલે તેનું એક્સલરેશન ૮ મીટર/સેકન્ડ સ્ક્વેર થાય. ૩૦ મીટરના અંતરમાં બોલ માંડ ૧ સેકન્ડ હવામાં રહે છે, અને છતાંય આ ફોર્સ બોલને એની સીધી રેખામાંથી છેક ૪ મીટર જેટલો વળાંક આપી શકે છે! બોસ, કોઈ પણ ગોલકીપરને ગોટે ચડાવવા આટલો વળાંક કાફી છે!
હવે સમજો આ 'ડ્રેગ ફોર્સ' (હવાનો અવરોધ) કેવી ગેમ રમે છે. બોલની સ્પીડ વધે એમ ડ્રેગ ફોર્સ સ્ક્વેરમાં વધે. પણ આમાં 'ડ્રેગ કોએફિશિયન્ટ' બોલની સ્પીડ અને સપાટી પર આધાર રાખે છે. જ્યારે બોલની સપાટી પર હવાનો પ્રવાહ શાંત મટીને અસ્તવ્યસ્ત થાય, ત્યારે હવાનો અવરોધ અચાનક ઘટી જાય છે! ગોલ્ફના બોલ પર ખાડા હોય એટલે એ ખરબચડો હોય, જેથી એમાં ઓછા સ્પીડે જ હવાનો પ્રવાહ ટર્બ્યુલન્ટ થઈ જાય. પણ આપણો ફૂટબોલ સુંવાળો હોય છે! એટલે એમાં ટર્બ્યુલન્ટ ફ્લો લાવવા બોલને બહુ જ ઊંચી સ્પીડથી ફટકારવો પડે. ધીમા ફૂટબોલ પર હવાનો અવરોધ વધુ લાગે છે. પણ જો તમે એને પૂરી તાકાતથી એવી ફાસ્ટ કિક મારો કે હવાનો પ્રવાહ ટર્બ્યુલન્ટ થઈ જાય, તો બોલ પર હવાનો અવરોધ ઘટી જશે. આવો ફાસ્ટ બોલ ગોલકીપર માટે ડબલ ખતરો છે ઃ એક તો એની સ્પીડ વધારે છે, અને બીજું કે હવાનો અવરોધ ઓછો હોવાથી એ ધાર્યા કરતાં ઓછો ધીમો પડશે!
૧૯૭૬માં લંડનની ઇમ્પીરીયલ કોલેજના પીટર બિયરમેને પ્રયોગો કરીને જોયું કે બોલની સ્પિન (ભમરડાની જેમ ધરી પર ઘુમવું ) વધારવાથી મેગ્નસ ફોર્સ મોટો થાય છે. પણ જો સ્પીડ વધારો તો આ વળાંક આપતો ફોર્સ ઘટે. ફૂટબોલ માટે આનો સીધો અર્થ એ કે ફાસ્ટ બોલ કરતાં ધીમા પણ વધુ સ્પિન થતા બોલ પર સાઇડવેઝ વળાંક વધુ લાગે છે! એટલે જ જ્યારે ફ્રી-કિકનો બોલ ગોલપોસ્ટ નજીક પહોંચીને હવામાં ધીમો પડે છે, ત્યારે તેનો વળાંક એકદમ કાતિલ અને જાદુઈ થઈ જાય છે!
તો, રોબર્ટો કાર્લોસની એ જાદુઈ કિકનો ફિઝિક્સ પ્રમાણેનો ખુલાસો કંઈક આવો છે ઃ કાર્લોસે એના ડાબા પગની બહારની બાજુથી બોલને જોરદાર કિક મારી, જેનાથી બોલ એન્ટી-ક્લોકવાઈઝ (ઘડિયાળની વિરુદ્ધ દિશામાં) ગોળ ફરવા લાગ્યો. વાતાવરણ સૂકું હતું એટલે સ્પિન જબરદસ્ત મળી (સેકન્ડે લગભગ ૧૦ ચક્કર!). કિક એટલી પાવરફુલ હતી કે સ્પીડ ૩૦ મીટર/સેકન્ડને પાર ગઈ. આ હાઈ-સ્પીડને કારણે શરૂઆતમાં હવાનો પ્રવાહ ટર્બ્યુલન્ટ રહ્યો અને અવરોધ બિલકુલ ઓછો રહ્યો. લગભગ ૧૦ મીટર પછી (જ્યાં ડિફેન્ડર્સની હ્યુમન વોલ હતી), બોલની સ્પીડ ઘટી અને હવાનો પ્રવાહ પાછો લૅમિનર (શાંત) થઈ ગયો. હવાનો અવરોધ વધ્યો એટલે બોલ વધુ ધીમો પડયો. બસ, આ જ એ ક્ષણ હતી જ્યારે 'મેગ્નસ ફોર્સ' પોતાના અસલી ફોર્મમાં આવ્યો! બોલ ધીમો પડતા મેગ્નસ ફોર્સ એને ડાબી તરફ ધકેલવાનું શરૂ કર્યું. બોલ ગોલપોસ્ટ પાસે જઈને વધુ ધીમો પડયો, વળાંક વધારે કાતિલ બન્યો અને સીધો નેટમાં ધૂમધડાકો!
આજે સાયન્ટિસ્ટ્સ માત્ર બોલ પર રિસર્ચ નથી કરતા, એ પણ શોધે છે કે માણસ બોલને લાત મારે છે કેવી રીતે! યુ.એસ.માં સ્ટેનલી પ્લેગનહોફ અને એલિઝાબેથ રોબર્ટસ જેવા રિસર્ચરો કિક મારવાની સ્ટાઇલ અને ફોર્સનું એનાલિસિસ કરે છે.જાપાનની યામાગાતા યુનિવર્સિટીના તાકેશી અસાઈ અને ટાકાઓ અકાત્સુકાની ટીમે તો કમ્પ્યુટર પર 'વર્ચ્યુઅલ ફૂટબોલ પ્લેયર્સ' બનાવી, ૪૫૦૦ ફ્રેમ/સેકન્ડ વાળા હાઈ-સ્પીડ કેમેરાથી જોયું કે જો તમે બોલના બરાબર વચ્ચેના ભાગે સીધી લાત મારો, તો બોલ સીધો જ જશે. પણ, જો તમે તમારા પગના પંજાને ૯૦ ડિગ્રીએ (અંગ્રેજી 'એલ' શેપમાં) વાળીને બોલના સેન્ટરથી સહેજ સાઇડમાં (ઓફ સેન્ટર) કિક મારો… તો બોલમાં ટોર્ક પેદા થાય છે, સ્પિન મળે છે અને મેગ્નસ ઇફેક્ટ બોલને હવામાં મસ્ત વળાંક આપે છે!
ખેલાડીના બૂટ અને બોલ વચ્ચે ઘર્ષણ જેટલું વધારે, સ્પિન એટલી વધુ મળે. પણ જો તમે બોલના સેન્ટરથી બહુ વધારે જ દૂર કિક મારો તો પગ અને બોલનો સંપર્ક બહુ ઓછા સમય માટે થાય, જેથી સ્પિન અને સ્પીડ બંને ફૂસ્સ થઈ જાય! વરસાદમાં જ્યારે બૂટ અને બોલ વચ્ચે ઘર્ષણ નહિવત હોય, ત્યારે પણ બોલને સાઇડમાંથી ફટકારવાથી બોલ સહેજ દબાય છે અને થોડીઘણી સ્પિન તો મળે જ છે.
ફૂટબોલમાં જ ન્યુટનના ગતિના નિયમો છે.દોડવું, અચાનક દિશા બદલવી, બોલને લાત મારવી કે તેને કંટ્રોલ કરવો… આ બધું પ્લેયર્સ,બોલ અને ટર્ફ (મેદાન) વચ્ચે લાગતા ફોર્સ અને 'ફ્રિક્શન' પર આધાર રાખે છે. જો ફ્રિક્શન જ ન હોત ને, તો ફૂટબોલ પ્લેયર્સ મેદાન પર કશું જ ના કરી શકત!જ્યારે કોઈ ખેલાડી પોતાના શૂઝથી મેદાન પર પાછળની તરફ ધક્કો મારે છે, ત્યારે મેદાન ખેલાડીને આગળની તરફ ધક્કો મારે છે, જેનાથી પ્લેયર દોડી શકે છે અને કિક મારી શકે છે.ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું બેસ્ટ એકઝામ્પલ ઃ દરેક ક્રિયાની સામે હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા!
કિક માર્યા બાદ ફૂટબોલને આટલી સ્પીડ ક્યાંથી મળે છે?જવાબ છે ઃ 'મોમેન્ટમ' (વેગમાન). મોમેન્ટમ એટલે કોઈ વસ્તુમાં કેટલી ગતિ (મોશન) છે તે, અને તે બે વસ્તુઓ પર આધાર રાખે છે ઃ તેનું દળ (માસ) અને તેની સ્પીડ. જ્યારે કોઈ ખેલાડી ફૂટબોલને લાત મારે છે, ત્યારે ખેલાડીના ફરતા પગનું મોમેન્ટમ બોલમાં ટ્રાન્સફર થાય છે.પણ જ્યારે બોલ અટકી જાય છે, ત્યારે એનું મોમેન્ટમ ગાયબ નથી થઈ જતું! એ મોમેન્ટમ ગોલની નેટ, મેદાન કે આસપાસની હવામાં ટ્રાન્સફર થઈ જાય છે.
બોલની સપાટીનું ટેક્સચર (ખરબચડાપણું), સિલાઈ (સીમ્સ) અને ખાંચા (ગૂ્રવ્ઝ) નક્કી કરે છે કે બોલ હવામાં કેવી રીતે રિએક્ટ કરશે. ડિઝાઇનમાં નાનકડો ફેરફાર પણ બોલની એરોડાયનેમિક્સ બદલી શકે છે, જેનાથી બોલ કેટલો વળાંક લેશે અને ખેલાડીઓ માટે તેનો અંદાજ કાઢવો કેટલો સહેલો કે અઘરો રહેશે તે નક્કી થાય છે. એટલું જ અગત્યનું મેદાન છે. ૨૦૨૬ ફિફા માટે મિશિગન સ્ટેટ યુનિવર્સિટી સહિતના ઘણા રિસર્ચર્સ અને ટર્ફગ્રાસ એક્સપર્ટસ એવી સિસ્ટમ બનાવી રહ્યા છે કે જેથી અસલી ઘાસને ઉગાડી, ટ્રાન્સપોર્ટ કરી અને સ્ટેડિયમમાં લગાવી શકાય, અને છતાંય એના મૂળિયા મજબૂત રહે અને રમવાની મજા બગડે નહીં. આનાથી ફાયદો એ થાય કે મેચ ગમે તે સ્ટેડિયમમાં હોય, ખેલાડીઓને રમવા માટે એકસરખી જ કન્ડિશન મળશે.પ્લેયર્સ પાસે પૂરતી ગ્રીપ (પકડ) હોવી જોઈએ જેથી તેઓ ફાસ્ટ દોડી શકે, અચાનક ઉભા રહી શકે અને ફટાફટ દિશા બદલી શકે.
પણ જો ગ્રીપ બહુ વધારે પડતી હોય તો ઇજા થવાનું રિસ્ક વધી જાય છે, કારણ કે ટકરાતી વખતે કે અચાનક ફરતી વખતે ખેલાડીનો પગ જમીનમાં ચોંટી જઈ શકે છે.એક પરફેક્ટ ગ્રાઉન્ડ એ છે જેમાં ટ્રેક્શન (પકડ), સ્ટેબિલિટી (સ્થિરતા) અને કુશનિંગ (નરમાશ) નું બેસ્ટ બેલેન્સ હોય, જેથી પ્લેયર્સનું પર્ફોર્મન્સ મેક્સિમમ રહે અને ઇજાઓ ઓછામાં ઓછી થાય. ખેલાડીઓને હંમેશા નેચરલ ઘાસ પર રમવું જ વધારે ગમે છે, કારણ કે તેમને એની આદત હોય છે અને તેમાં ટ્રેક્શન અને કુશનિંગનું બેસ્ટ બેલેન્સ મળે છે.
મેદાનમાંથી એના પર રમનારા મેન તરફ જઈએ. એક ગમ્મતભર્યો સવાલ. સુપરસ્ટાર લિજેન્ડ લિયોનાલ મેસ્સી કે એના પહેલા ડિયાગો મેરેડોના ( કે એડન હેઝાર્ડ અને કાન્ટે જેવા ખેલાડીઓ) ની ઊંચાઈ ઓછી હતી પણ મહાન બન્યા, કેમ ? એ બધાની હાઈટ પાછળ ફિઝિક્સનું 'લો સેન્ટર ઓફ ગ્રેવિટી' (નીચું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર) કામ કરે. તેમનું શરીર જમીનથી વધુ નજીક હોવાથી તેમનું બેલેન્સ એકદમ પરફેક્ટ રહે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવામાં ૭૮ સેમી સુધી કૂદી શકે છે, જે સામાન્ય બાસ્કેટબોલ પ્લેયર્સ કરતાં પણ વધુ છે આ માત્ર મસલ્સની તાકાત નથી, પણ મોમેન્ટમ અને ફિઝિક્સનું પરફેક્ટ કોમ્બિનેશન છે. તે કૂદતી વખતે પોતાના હાથને ઉપરની તરફ જોરથી વીંઝે છે, અને એક પગથી જોરદાર ધક્કો મારે છે. હવામાં ગયા પછી તે પોતાના ઘૂંટણને વાળી લે છે જેથી તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર જાય છે.
એક આઇકોનિક મેચમાં તે હવામાં ૧.૫ સેકન્ડ સુધી રોકાયો હતો, જે બાસ્કેટ બોલના બચ્ચનથી પણ ઊંચા આઇકોન માઈકલ જોર્ડન (૦.૯૨સેકન્ડ) કરતાં પણ વધારે છે! કૂદતી વખતે રોનાલ્ડોના પગ ફાઈવજી જેટલો ફોર્સ જનરેટ કરે છે, જાણે કોઈ રોકેટ લોન્ચ થતું હોય. નકલબોલ શબ્દ સાંભળ્યો છે ? જેમાં બોલને એવી રીતે મારવામાં આવે છે કે તે બિલકુલ સ્પિન ન થાય. સ્પિન વિના બોલ હવામાં મનફાવે તેમ ડાન્સ કરે છે અને ગોલકીપર માટે એ પકડવો લગભગ અશક્ય બની જાય છે. ગારેથ બેલ અને રોનાલ્ડો આ ટ્રીકમાં માસ્ટર છે.
અને છેલ્લે દડો ખુદખુદ. જાપાનની ડિઝાઇન કંપની નેન્ડોઅને બોલ બનાવતી કંપની મોલ્ટન, બેઉએ મળીને એક એવો ફૂટબોલ બનાવ્યો છે જેને હવા ભરવાની જરૂર નથી ! ગયા વર્ષે ગ્લોબલ એકસ્પોની ઓસાકા જઈ મુલાકાત લીધી ત્યારે એ ફૂટબોલને હાથમાં લેવાનો ને કિક મારવાનો લ્હાવો મળેલો.
એ ડીઆઈવાય ( ડુ ઈટ યોરસેલ્ફ) ટાઈપ બોલ છે. જાતે પાર્ટસ જોડીને બનાવી શકાય એટલે ટ્રાન્સપોર્ટ કરવો સહેલો પડે. નાના બોક્સમાં પેક થાય. બોલ ૫૪ અલગ-અલગ ઇન્ટરલોકિંગ (એકબીજામાં ફસાઈ જાય તેવા) વેસ્ટેજમાંથી બનેલા ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક જેવા મટીરિયલના ટુકડાઓથી બને છે. તમારે જાણે કોઈ પઝલ સોલ્વ કરતા હોય એમ આ ટુકડાઓને જોડીને આખો બોલ બનાવવાનો હોય છે.બોલની અંદર કોઈ ટયુબ કે બ્લેડર હોતું જ નથી જેમાં હવા ભરવી પડે.
બસ, જે ૫૪ ટુકડાઓ છે, તે એવા ખાસ મટિરિયલ અને ડિઝાઇનથી બન્યા છે કે તે ભેગા મળીને અસલી ફૂટબોલ જેવો જ 'બાઉન્સ' (ટપ્પો) આપે છે. એને લાત મારો તો એ જરાય કઠણ કે પોલું નહિ લાગે, અસલી બોલ જેવી જ ફીલ આવશે!અંદર હવા જ નથી, તો પંચર પડવાનો સવાલ જ ક્યાં છે? કાંટા વાગે, કાચ વાગે કે કોઈ ગમે તેટલી જોરથી લાત મારે, આ બોલ ફાટે જ નહિ. જો રમતા-રમતા બોલનો કોઈ એક ટુકડો તૂટી જાય, તો તમારે આખો બોલ ફેંકી દેવાની જરૂર નથી. ફક્ત એ તૂટેલો ટુકડો કાઢો અને નવો ટુકડો ફિટ કરી દો! બોલ પાછો નવો-નક્કોર!આ જાપાની શોધ પાછળ મુખ્ય હેતુ કોઈ વર્લ્ડ કપ રમાડવાનો નથી, પણ દુનિયાના એવા ગરીબ અને પછાત વિસ્તારોના બાળકોને ખુશી આપવાનો છે, જ્યાં બાળકો પાસે અસલી ફૂટબોલ ખરીદવાના કે તેને મેઈન્ટેઈન કરવાના પૈસા નથી હોતા. બાળકો આ બોલના અલગ-અલગ રંગના ટુકડાઓ ભેગા કરીને પોતાની મરજી મુજબનો કલરફુલ બોલ બનાવી શકે છે !
તમે તમારા સોફા પર ધબ્બ દઈને મેચ જોવા બેસશો ને, ત્યારે પણ તમારા અને સોફા વચ્ચે ન્યૂટનનો આ જ ત્રીજો નિયમ લાગુ પડી રહ્યો હશે!
ઝિંગ થિંગ
સ્પોર્ટ્સમાં બાયોલોજી ઃ તમે ઘણીવાર જોયું હશે કે ફૂટબોલ, ટેનિસ કે એવી મેચ વચ્ચે ખેલાડીઓ ગ્લુકોઝવાળું સ્પોર્ટ્સ ડ્રિંંક મોંમાં ભરે છે અને ગળ્યા વગર જ થૂંકી દે છે. આ કોઈ સ્ટાઈલ કે ખરાબ આદત નથી, પણ 'કાર્બોહાઇડ્રેટ રિન્સિંગ' નામની એક સ્માર્ટ સ્પોર્ટ્સ ટ્રિક છે. મોંમાં ડ્રિંંક આવું ડ્રિંંક ફેરવો ત્યારે જીભના રિસેપ્ટર્સ મગજને સિગ્નલ મોકલે છે કે, 'બોડીમાં નવી એનર્જી આવી રહી છે!' દિમાગ તરત એક્ટીવ થાય છે. પણ ઇન્સ્યુલીન સ્પાઈક કરી હેલ્થ બગડતું કે પેટ ફૂલાવતું પીણું ગળામાં ઉતરતું જ નથી ! આને કહેવાય દિમાગના જોરે દિમાગને જ ઉલ્લુ બનાવવું
!




