Shatdal

પાર્લામેન્ટ : ઉલ્લુકા ઝુંડ

By GS Team
4 Aug 20264 mins read
પાર્લામેન્ટ : ઉલ્લુકા ઝુંડ
  • શબ્દસંહિતા-પરેશ વ્યાસ
  • ઘુવડને જ્ઞાન, બુદ્ધિ અને ફિલોસોફીનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. અજ્ઞાનતાનો અંધકાર ચીરીને સત્ય તરફ લઇ જાય તે ઘુવડ

बर्बाद गुलिस्तां करने को बस एक
ही उल्लू काफी था,
हर शाख पे उल्लू बैठा है अंजाम-ए-गुलिस्तां क्या होगा ।

  • शौक बहराइची
    જે રીતે જિરાફનાં ઝુંડને 'ટાવર', ગેંડાનાં ઝુંડને 'ક્રેશ', વરુનાં ઝુંડને 'પેક', હાથીનાં ઝુંડને 'હર્ડ', કીડીનાં ઝુંડને 'કોલોની', માછલીનાં ઝુંડને 'સ્કૂલ', સિંહનાં ઝુંડને 'પ્રાઇડ' અને કાગડાનાં ઝુંડને 'મર્ડર' કહે છે એ જ રીતે ઘુવડનાં ઝુંડને 'પાર્લામેન્ટ' (Parliament) કહે છે. ઇંગ્લિશ ભાષામાં આ બધા જ શબ્દોનાં પોતાનાં અર્થ તો છે જ, પણ એક કરતા વધારે પશુ પક્ષી માટે એક ચોક્કસ અર્થમાં આ શબ્દો અધિકૃત ગણવામાં આવ્યા છે. દા.ત. ટાવર ઊંચું હોય એમ જિરાફ પણ ઊંચા હોય. ગેંડા ભારે હોય એટલે ક્રેશ, કીડીઓ માટે કોલોની અને સિંહ માટે પ્રાઈડ એટલે ગર્વ. ઇંગ્લિશ ભાષા અવૈજ્ઞાનિક તો નથી. તો પછી ઘુવડનાં ઝુંડને પાર્લામેન્ટ? સંસદસભ્યને 'ઉલ્લુ' કહો અને સંસદને 'ઉલ્લુકા ઝુંડ' કહો તો…? પોલિસ પકડી જાય! લોકશાહી સાચી, અભિવ્યક્તિની આઝાદી સાચી, પણ માનમર્યાદા પણ કોઈ ચીજ છે, હેં ને? અને છતાં આ અર્થમાં પાર્લામેન્ટ શબ્દ ઇંગ્લિશ ભાષામાં છે. આજે 'પાર્લામેન્ટ' શબ્દની વાત કરવી છે કારણ કે પાર્લામેન્ટનું મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે. અથવા એમ કહીએ કે ચાલે છે એના કરતા વધારે અટકે છે, લંગડાય છે, ખોડંગાય છે, ઢસડાય છે. પ્રથમ ૮૩ કલાક કોઈ કામ જ ન થયું. ૧૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ નકામો ગયો. સમય અને નાણાં બેયની બરબાદી. આ આપણા ટેક્સનાં પૈસા છે. આપણી ગાંઠનું ગોપીચંદન થાય છે અને સાંસદો હોહા દેકારા કરીને કાર્યવાહી સ્થગિત કરે છે. ધારદાર સેન્સ ઓફ હ્યુમર ધરાવતા પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ચર્ચિલ કહેતા કે સંસદ સભ્યોને બોલતા રાખવા. જો એ બોલવાનું બંધ કરે તો પછી વિચારવા માંડશે અને પછી….!!! એક અઠવાડિયું સ્થગિત રહ્યા પછી પ્રિવેન્શન ઓફ પબ્લિક ઍક્ઝામ લીક બિલ પર આખરે જ્યારે ચર્ચા થઇ ત્યારે જેન ઝીના શબ્દો ડીલુલુ (ભ્રમણા), ક્લોક ઈટ (સાચી વાત પકડીને સચોટ જવાબ આપવો), એમઆઈએ (મિસિંગ ઈન એક્શન) પહેલી વાર પાર્લામેન્ટમાં સાંભળવા મળ્યા. પણ આપણે આજે શબ્દ 'પાર્લામેન્ટ'ની વાત કરવાની છે.
    પાર્લામેન્ટ શબ્દનું મૂળ લેટિન શબ્દ 'પેરાબોલેર' અને એ પરથી આવેલો ફ્રેન્ચ શબ્દ 'પાર્લેર' છે. અગિયારમી સદીમાં જેનો અર્થ થતો હતો : વાત કરવી, બોલવું, ચર્ચા કે વાટાઘાટ કરવી. 'મેન્ટ' પ્રત્યય એટલે ક્રિયા. તેરમી સદીની શરૂઆતમાં સાધુઓ પોતાના આશ્રમમાં રાત્રિભોજન પછી અનૌપચારિક ચર્ચા કરતા હતા એ માટે અને તે પછી રાજા પોતાના ઉમરાવો સાથે જે ચર્ચા કરતા એ માટે પાર્લામેન્ટ શબ્દ વપરાવા લાગ્યો. ચૌઉદમી સદીમાં ઇંગ્લેન્ડનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા જે કાયદાઓ ઘડે તે પાર્લામેન્ટ કહેવાઈ. 'પાર્લર' શબ્દ આપણે જાણીએ છીએ. બ્યુટી પાર્લર, ટેટૂ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર, પાન પાર્લર એવા પાટિયાં આપણે વાંચીએ છીએ. આ પાર્લર શબ્દ પાર્લામેન્ટ શબ્દનો કઝિન છે. ફેર એટલો કે અહીં કામ તો થાય છે. સંસદમાં તો .. બાય ધ વે, સંસદ શબ્દમાં ઉપસર્ગ : સમ્ જેનો અર્થ 'સાથે' અને સદ્ એટલે 'બેસવું'. સંસ્કૃત શબ્દ સંસદ એટલે લોકો એકસાથે બેસે છે તે જગ્યા. ના, સંસ્કૃતમાં આ શબ્દ ઘુવડોનાં ઝુંડ સાથે જોડાયેલો નથી. એનું ય કારણ છે. પૌરાણિક કથાઓમાં, પશ્ચિમી અને પૂર્વીય દ્રષ્ટિકોણ અનુસાર ઘુવડના બે તદ્દન વિરોધી અર્થો મળે છે. પશ્ચિમી વિચારધારામાં ઘુવડને જ્ઞાન, બુદ્ધિ અને ફિલોસોફીનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. ઘુવડ જ્ઞાન, વ્યૂહરચના અને બુદ્ધિની દેવી અથેનાનું પક્ષી છે જે અંધારામાં પણ જોઈ શકે. અજ્ઞાનતાનો અંધકાર ચીરીને સત્ય તરફ લઇ જાય તે ઘુવડ. આ એ જ કારણ છે કે ઘુવડોનાં સમૂહને પાર્લામેન્ટ કહેવામાં આવે છે. તાર્કિક રીતે એ એકદમ બરાબર છે. જો કે પૂર્વીય વિચારધારાઓમાં ઘુવડને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે-તેને સંપત્તિ, ભ્રમ અથવા અપશુકન સાથે જોડવામાં આવે છે. આમ તો દેવી લક્ષ્મીજીનું વાહન છે સફેદ ઘુવડ પણ દિવસ દરમ્યાન એ જેમ અંધ થઇ જાય, એમ આપણે પણ ધન પાછળ આંધળી દોટ લગાવીએ તો બરબાદ થઇ જઈએ. સામાન્ય લોકજીવનમાં 'ઘુવડ' (ઉલૂ) શબ્દ મૂર્ખતાનું પ્રતીક છે. વળી, કેટલીક જગ્યાએ તેને અલક્ષ્મી (જે દરિદ્રતા લાવે છે) અને યમરાજ (મૃત્યુના દેવ) સાથે જોડવામાં આવે છે, જે નકારાત્મક સંકેત છે. જો કે જાપાનમાં ઘુવડને 'ફુકુરો' એટલે કે બુદ્ધિશાળી અને નસીબદાર પક્ષી ગણીને તેના ચાર્મ્સ (નસીબદાર પ્રતીકો) રાખવામાં આવે છે. શબ્દસંહિતાનાં સુજ્ઞા વાંચકો સાંપ્રત પરિસ્થિતિમાં પોતાની સમજદારી અનુસાર પાર્લામેન્ટ શબ્દનો યથેચ્છ અર્થ કરી શકે છે.
    ચર્ચિલ સાચું કહેતા હતા. સંસદ સભ્યોએ પક્ષ પ્રત્યે આંધળી વફાદારી રાખવાને બદલે પોતાના સ્વતંત્ર નિર્ણયનો ઉપયોગ કરવો જોઈએ. સંસદનું કામ માત્ર મંત્રીઓની વાતોનું પુનરાવર્તન કરવાનું નથી, પરંતુ જનતા સમક્ષ સત્ય લાવવાનું છે. ભારત દેશમાં સાંસદોની આચારસંહિતા સુધારણા વિધેયક લાવવાની તાતી જરૂર છે. આપણી સંસદ ન ચાલે, એ ન ચાલે. જો સાંસદો સખણાં ન રહે, ચર્ચા ન કરે, માત્ર હલ્લા-ગુલ્લા કરે, હોહા-દેકારા કરે તો… ફૂટબોલ ખેલાડીઓની જેમ તેઓને પણ યલો કાર્ડ, રેડ કાર્ડ આપવાની સુવિધા હોવી જોઈએ. અથવા ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે એમ અહીં સુપ્રીમ કોર્ટને ડિસિશન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) માટે વિડીયો ફૂટેજ સોંપી શકાય. તેઓ પછી ઓનફીલ્ડ અમ્પાયર ઉર્ફે સ્પીકરને પોતાનો નિર્ણય જણાવી શકે. અને રીઢા સાંસદને રુખસદ આપી દેવાય. હવે તો જેન ઝી છે, નવનિર્માણ છે અને…. કોક્રોચ હૈ તો મુમકીન હૈ! અને…. હું જાગી જાઉં છું. ઓહો! આ તો સપનું હતું. સપનાં તે કાંઈ સાચા પડતા હશે…!
    શબ્દશેષ
    'સંસદનું કામ ફક્ત રોજબરોજની ચર્ચાઓ, બેઠકો કે નિયમો બનાવવાનું જ નથી. તે દેશના દરેક નાગરિકના હકો અને સ્વતંત્રતાને સુરક્ષિત રાખતું રક્ષાચક્ર છે.' - જ્હોન ડાયફેનબેકર