Shatdal

પાકિસ્તાનમાં અણુબોંબ છે, 'પાણી' નથી, બોલો !

By GS Team
14 Jul 20265 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે, જેના માટે ભારત નહીં, પાકિસ્તાન પોતે જ જવાબદાર હોવાનું વૈશ્વિક સમીક્ષકો માને છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર રદ કર્યો અને કેટલીક નદીઓનું પાણી અટકાવ્યું, જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી. પાકિસ્તાને 75 વર્ષમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા કોઈ પગલાં લીધા નથી, પરિણામે ત્યાંની પ્રજા પીવાના પાણીથી વંચિત છે અને આંતરવિગ્રહનો ભય ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં અણુબોંબ છે, 'પાણી' નથી, બોલો !
  • ટોપ્સીટર્વી - અજિત પોપટ
  • વૈશ્વિક સમીક્ષકો દ્રઢપણે એવો અભિપ્રાય ધરાવતા થયા છે કે પાકિસ્તાનની પાણીની અછત માટે ભારત નહીં, પાકિસ્તાન પોતે જવાબદાર છે
    છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનના ડંફાસખોર અને નપાણિયા નેતાઓ છાશવારે ભારતને અણુહુમલાની ધમકી આપ્યા કરે છે. પરંતુ ઘરઆંગણે ગમે ત્યારે આંતરવિગ્રહ ફાટી નીકળશે એની ચિંતા કરતા નથી. એક તરફ પીઓકે (પાક કબજા હેઠળના કશ્મીર)માં આક્રોશનો ચરૂ ઉકળે છે અને બીજી તરફ બલોચ લિબરેશન આર્મી લગભગ રોજ પાકિસ્તાની પોલીસ અને આર્મી જવાનોને ઠાર કરે છે. એવા સમયે પાકિસ્તાની નેતાગીરી સ્થાનિક પ્રજાજનો ગમે ત્યારે હિંસક આંદોલન કરી બેસે એવા ભયથી ફફડે છે. આમ થવાનું કારણ એ છે કે મોંઘવારી, જીવન જરૂરી ચીજોનો આસમાની ભાવવધારો અને બેફામ ભ્રષ્ટાચાર પૂરતાં ન હોય તેમ હવે પ્રજા પાસે પીવાનું પાણી નથી. પાણી વિના જનજીવન ક્યાં સુધી ટકી શકે ?
    વાત એવી છે કે જમ્મુ કશ્મીરના પહલગામમાં પર્યટકો પર પાકિસ્તાને આતંકવાદી હુમલો કરાવ્યો ત્યારે ભારતની ધીરજ અને સહનશીલતાનો અંત નજીક આવી ગયો હતો. ભારતીય લશ્કરે એક તરફ સિંદૂર નામ હેઠળ જબરદસ્ત જડબાતોડ લશ્કરી જવાબ તો આપ્યો જ. સાથોસાથ પાકિસ્તાનને મળતું કેટલીક નદીઓનું પાણી પણ અટકાવી દીધું. પાકિસ્તાને દુનિયાભરના દેશોની સહાય માગી પરંતુ હવે મોટા ભાગના દેશો સમજી ગયા છે કે જિહાદી આતંકવાદનું મૂળ પાકિસ્તાન છે. એટલે કોઇએ દાદ આપી નહીં. અમેરિકા દાદ આપી શકે પરંતુ એ ઇરાન સાથેના સંઘર્ષમાં વ્યસ્ત છે એટલે અમેરિકાએ પણ સાનુકૂળ પ્રતિભાવ આપ્યા નહીં. પોતાની પ્રજાના બળવાથી ડરતા પાકિસ્તાની નેતાઓ અને ખાસ તો બિલાવલ ભુટ્ટો વારેવારે અણુબોંબનો હુમલો કરવાની પોકળ ધમકી ઉચ્ચાર્યા કરે છે. આ છોકરમત નેતાને અણુહુમલો એટલે શું એનો ગૂઢાર્થ કોઇએ સમજાવવાની તાતી જરૂર છે.
    આપણે પાણીની તકરારને સમજવાનો પ્રયાસ કરીએ. ૧૯૪૭માં ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાનનો જન્મ થયો એ પહેલાંથી એટલે કે અખંડ ભારત હતું ત્યારેજ ભારતના પંજાબ અને પાકિસ્તાનમાં ગયેલા સિંધ પ્રાંત વચ્ચે પાણીની વહેંચણીના મુદ્દે ઝઘડા થતા હતા. બંને દેશો આઝાદ થયા ત્યારબાદ ૧૯૪૭માંજ બંને દેશોના એંજિનિયર્સ વચ્ચે સ્ટેન્ડસ્ટીલ સમજુતી એટલે કે જૈસે થે જેવી સમજુતી થતાં બંને દેશોને બે મુખ્ય નહેરો દ્વારા પૂરતું પાણી મળતું રહ્યું. આ સમજુતી ૧૯૪૮ના માર્ચની ૩૧મી સુધી અમલમાં રહી.
    અહીં ઔર એક મુદ્દો સમજવા જેવો છે. એશિયા ખંડની છ નદીઓ ચાર દેશો વચ્ચે વહેંચાયેલી હોય એવો સિનારિયો છે. આ છ નદીઓ એટલે સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, સતલજ અને બિયાસ. આ નદીઓનો તટ વિસ્તાર કુલ ૧૧.૨ લાખ વર્ગ કિલોમીટરમાં વિસ્તરેલો છે. આ વિસ્તારમાં ૪૭ ટકા જમીન પાકિસ્તાનમાં, ૩૯ ટકા જમીન ભારતમાં, આઠ ટકા જમીન ચીનમાં અને બાકીની છ ટકા જમીન અફઘાનિસ્તાનમાં છે. આ કાંઠાળ વિસ્તારોમાં ચારે દેશોના આશરે ત્રીસથી પાંત્રીસ કરોડ લોકો વસે છે.
    ૧૯૪૮ના એપ્રિલથી જૈસે થે સમજુતી ન રહેતાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતને નહેરો દ્વારા મળતુંપાણી બંધ થઇ ગયું પરિણામે ૧૭ લાખ એકર જમીન પરની ખેતીવાડી સમૂળી નાશ પામી. ફરી એક ટૂંકી સમજુતી થઇ. ૧૯૫૧માં વિશ્વ બેંકે મધ્યસ્થી કરી અને ૧૯૫૧થી ૧૯૬૦ સુધી બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી. છેક ૧૯૬૦ના સપ્ટેંબરમાં ભારતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના લશ્કરી પ્રમુખ અય્યુબ ખાને સિંઘુ જળ કરાર કર્યા. આ જળ કરાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી થઇ. આ કરાર હજુ ગઇ કાલ સુધી ચાલુ હતા અને ભારત એનો નિયમ મુજબ અમલ કરતું રહ્યું.
    અત્યાર અગાઉ એટલે કે ૨૦૧૩ સુધી ભારતમાં કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસી સરકારોએ પાકિસ્તાન દ્વારા કરાવાતા આતંકવાદી હુમલાને રોકવા કોઇ નક્કર પગલાં લીધાં નહીં. ૨૦૧૪માં દેશમાં પહેલીવાર ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા ત્યારબાદ

આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ થયું. એકવાર ઊરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ અને ૨૦૨૫ના પહેલગામ હુમલા બાદ સિંદૂર ઓપરેશન હાથ ધરાયું. એ પછી પણ પાકિસ્તાન સુધરવા માગતું નથી એવું ભારતને લાગતાં ભારતે સિંધુ જળ કરારનો અમલ રદ કર્યો. પાકિસ્તાને જગચૌટામાં એવી ફરિયાદ કરી કે ભારત જળ આતંકવાદ દ્વારા અમને તરસે મારવા માગે છે પરંતુ કોઇ કહેતાં કોઇ દેશે પાકિસ્તાનની ભેર તાણી નહીં.
હવે તટસ્થતાથી જોઇએ તો મોટા ભાગના વૈશ્વિક સમીક્ષકો દ્રઢપણે એવો અભિપ્રાય ધરાવતા થયા છે કે પાકિસ્તાનની પાણીની અછત માટે ભારત નહીં, પાકિસ્તાન પોતે જવાબદાર છે. શી રીતે એ સમજવા જેવું છે. ભારતે છેલ્લાં ૭૫ વર્ષમાં મોટા મોટા બંધ અને સરોવરો બાંધીને પાણીનો પૂરતો સંગ્રહ કરવાની ક્ષમતા વધારી. બારે માસ લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે એ માટે આવી સંગ્રહ વ્યવસ્થા (સ્ટોરેજ કેપેસીટી) વિકસાવવી જરૂરી છે. પાકિસ્તાને પાણીની સ્ટોરેજ કેપેસીટી વિકસાવવા આઝાદી પછી કોઇ નક્કર પગલાં લીધાં નથી. એથી ઊલટું લાહોર સહિત કેટલાક વિસ્તારોમાં હદ બહાર ભૂગર્ભ જળ વાપર્યે રાખ્યું. એજ રીતે ઘરઆંગણે જળ વહેંચણીના મુદ્દે સચોટ વહીવટી વ્યવસ્થા પણ અમલમાં મૂકી નહીં. પરિણામે વગદાર અને શ્રીમંત લોકો બેફામ જળ વપરાશ કરતા રહ્યા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અપૂરતી વહીવટી વ્યવસ્થાને કારણે ખૂબ ઓછું પાણી મળતું રહ્યું. શ્રીમંત ખેડૂતો મોટર દ્વારા પાણી ખેંચતા રહ્યા અને પોતાની જમીનમાં મબલખ પાક લેતા રહ્યા.
બીજી બાજુ વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થઇ શકે, એની સહાયથી જળવિદ્યુત યોજનાઓ કરી શકાય એવા ક્ષેત્રમાં પણ પાકિસ્તાને કોઇ મૂડી રોકાણ કર્યું નહીં કે જળ યોજના જ બનાવી નહીં પરિણામે કટોકટી ઊભી થાય ત્યારે ઘણા વિસ્તારોમાં પાણીની બૂમ ઊઠે એવી પરિસ્થિતિ સર્જાઈ. પહલગામ આતંકવાદી હુમલા પછી થોડા દિવસમાં ભારતે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું. ચિનાબ નદી પરના બાગલિહાર અને સલાલ ડેમ બંધ કર્યા. એનું પરિણામ પાકિસ્તાની પંજાબને ભોગવવાનું આવ્યું. આ બંને ડેમ સક્રિય હતા ત્યારે પાકિસ્તાની પંજાબના મરાલા હેડવર્ક્સમાં ચિનાબનું પાણી લગભગ ૮૭ હજાર ક્યૂસેક્સ જેટલું પહોંચતું હતું. આ બંને ડેમ બંધ થતાં પાણીનો પ્રવાહ ઘટીને માત્ર ૪૩૦૦ ક્યૂસેક જેટલો થઇ ગયો. ક્યાં ૮૭ હજાર ક્યૂસેક અને ક્યાં ૪૩૦૦ ક્યૂસેક ! ૨૦૨૫ના ડિસેંબરમાં આ પ્રવાહ એથી પણ વધુ ઘટીને માત્ર ૮૭૦ ક્યૂસેક થઇ ગયો. આ તો દસ વર્ષના કુલ પ્રવાહનો દસમો ભાગ પણ ન થયો.
પાકિસ્તાને વોટર ટેરરીઝમની બૂમાબૂમ શરૂ કરી. એ બૂમાબૂમ અરણ્યરૂદન જેવી બની રહી. દુનિયા આખીની નજર ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ અને યુક્રેન -રશિયા જંગ તેમ જ પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાત પર અટકેલી હોય ત્યાં પાકિસ્તાનની ચિંતા કોણ કરે ? પાકિસ્તાનના આગેવાન દૈનિક ડાનના એક અહેવાલ મુજબ પાકિસ્તાનની સરફેસ વોટર સ્ટોરેજ કેપેસીટી માત્ર દસ દિવસ પાણી પુરવઠો મળે એટલી છે. ભારતની સરફેસ વોટર સ્ટોરેજ કેપેસીટી ૧૨૦ દિવસની અને ઇજિપ્તની સરફેસ વોટર સ્ટોરેજ કેપેસીટી એક હજાર દિવસની છે. બીજી બાજુ નહેરોમાં કેટલુંક પાણી લીકેજથી, કેટલુંક પાણી ભૂગર્ભમાં શોષાઇ જવાથી અને કેટલુંક પાણી બાષ્પીભવનથી ઊડી જવાથી પૂરતા પ્રમાણમાં જળ પુરવઠો રહેતો નથી. આમ પાકિસ્તાને ઘરઆંગણે લેવાં જોઇતાં પગલાં લીધાં નથી અને હવે કટોકટી સર્જાઈ છે ત્યારે કલ્પાંત કરે છે. એટલે મથાળામાં કહ્યું કે પાકિસ્તાનમાં 'પાણી' નથી. અવતરણ ચિહ્નો દ્વારા શ્લેષ અભિપ્રેત છે.