માઇક પકડીને ઊભો રહી ગયેલો દરેક માણસ મહાત્મા નથી

- ગેસ્ટ પોસ્ટ
- તમારાં બાળકોને પૂછો કે તેઓ કોને ફોલો કરે છે? શું એ લોકો સાચું કામ કરે છે? શું તેઓ સમાજ માટે કંઈ સારું કરે છે? કે ફક્ત મોંઘી ગાડી, મોંઘાં કપડાં દેખાડે છે અને મોટી મોટી વાતો જ કરે છે?
સમાજ જ્યારે સંકટના સમયમાં હોય છે ત્યારે સૌથી ખતરનાક બહારથી આવતો શત્રુ નથી હોતો, પરંતુ અંદરથી ઉગેલો દંભ, લોભ અને નકલી મહાનતા હોય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં 'ઇમ્ફલુએન્સર' શબ્દ એક જવાબદારીમાંથી ધીમે ધીમે એક ખોખલું હથિયાર બની ગયો છે. કેટલાક લોકો પોતાના હાથમાં મોબાઇલ અને મોઢામાં મોટી મોટી વાતો રાખીને પોતાને સમાજનો માર્ગદર્શક, યુથનો આઇકન અને સફળતાનો સરદાર સમજવા લાગ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ સમાજના સૌથી મોટા પરજીવી સાબિત થઈ રહ્યા છે. આવા લોકો પોતાની જાતને બ્રાન્ડ કહે છે, પરંતુ બ્રાન્ડ શું છે તેની મૂળભૂત સમજ પણ એમને નથી.
આ પ્રકારના લોકો કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ વગર પહોંચી જાય છે, મેસેજ કરીને અથવા ફોન કરીને એવું દર્શાવે છે કે જાણે સમગ્ર શહેર તેમના પગ નીચે હોય. 'મારી પાસે આટલા ઇમ્ફલુએન્સર છે…. હું તમારું માર્કેટિંગ કરાવી દઈશ' જેવી લાઈનો બોલીને સામે પક્ષને માનસિક દબાણમાં મૂકે છે. પછી શરત માત્ર એટલી જ કે ફ્રીમાં જગ્યા આપો, ફ્રીમાં ખાવાનું આપો, ફ્રીમાં પાસ આપો. એટલે કે પોતાનું કોઈ રોકાણ નહીં, કોઈ જવાબદારી નહીં, પણ ફાયદો આખો પોતાનો.
આ લોકોનો સાચો ધંધો માર્કેટિંગ નથી, આ લોકોનો ધંધો છે લોકોની સરળતાનો ફાયદો ઉઠાવવાનો. બેરોજગાર યુવાઓને ફોન કરીને કહે છે કે, 'મારું સુરતમાં બહુ ચાલે છે, મારી સાથે આવો, તમને બધું ફ્રી મળશે.' પછી ૫૦-૧૦૦ લોકોને ભેગા કરીને કોઈ ઇવેન્ટમાં ઘુસાડી દે, ત્યાં ફોટા પડાવે, વીડિયો બનાવે અને સોશિયલ મીડિયા પર એવી છાપ ઊભી કરે કે જાણે આ બધું તેમની મહેનતનું પરિણામ હોય. હકીકતમાં આ લોકો કોઈ બ્રાન્ડ ઊભી કરતા નથી, કોઈ આટસ્ટને ઊંચાઈ પર લઈ જતા નથી, કોઈ ઓર્ગેનાઇઝરના બિઝનેસમાં મૂલ્ય ઉમેરતા નથી. આ લોકો માત્ર પોતાનો ચહેરો દરેક જગ્યાએ ચોંટાડવા માંગે છે. આજે અહીં, કાલે ત્યાં, પરમ દિવસે બીજી જગ્યાએ. ક્યાંય કોઈ સ્ટેન્ડ નથી, ક્યાંય કોઈ વિચારધારા નથી, કોઈ સ્થિરતા નથી.
આવા કહેવાતા ઇમ્ફલુએન્સર પોતાના પોડકાસ્ટ, લાઈવ અને ઇન્ટરવ્યુમાં એક જ વાતને ત્રણ અલગ અલગ રીતે ફેરવે છે. એક જ મોઢામાંથી ત્રણ પ્રકારના સ્ટેટમેન્ટ નીકળે છે. ક્યારેક કહે છે કે, 'અમારી પાસે તો મોટા મોટા સ્ટાર ભીખ માંગવા આવે છે', ક્યારેક કહે છે કે, 'ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કંઈ નથી'. અને પાછા ક્યારેક એ જ ફિલ્મના પ્રીમિયર પર ફ્રી પાસ માટે લાઈનમાં ઊભા રહે છે. આ શું છે? આ આત્મવિશ્વાસ નથી, આ ગંભીર માનસિક ખોખલાપણું છે.
આ લોકો નવરાત્રીના ઓર્ગેનાઇઝરો વિશે બોલે છે કે 'આ લોકો મોંઘા પાસ કેમ વેચે છે?' પરંતુ એ જ લુખ્ખા લોકો ફ્રીમાં પહોંચી જાય છે, હાથ ફેલાવીને પાસ માગે છે. પછી પાછું સ્ટેટમેન્ટ ફેરવે છે કે, 'એ લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે એટલે પાસ મોંઘા હોય.' ભાઈ, તું નક્કી કરી લે કે તારે શું બોલવું છે. આ પ્રકારના લોકોનો બીજો ખતરનાક ચહેરો છે, યુવતીઓ સાથેનો વ્યવહાર. ફોટા માટે ખભા પર હાથ, નકલી મીઠાશ, ખોટાં વચનો, અને પછી ધીમે ધીમે પૈસાની માંગ. કોઈને ઇવેન્ટમાં મોકલવાના બહાને, કોઈને બ્રાન્ડ ડીલ અપાવવાના બહાને, કોઈને પોડકાસ્ટમાં બોલાવવાના બહાને. અંતે થાય શું? પૈસા જાય છે, કામ કશું થતું નથી. ઘણાં ગામોના, ઘણાં શહેરોના લોકો આ પ્રકારની ઠગાઈના શિકાર બન્યા છે. ઘણા ઓર્ગેનાઇઝરોને ડબલ ગેમમાં ફસાવ્યા છે. એક તરફ કલાકાર પાસેથી પૈસા, બીજી તરફ ઓર્ગેનાઇઝર પાસેથી સુવિધા. વચ્ચે પોતે મહાન બનીને ફરતા રહે છે.
સમસ્યા એ નથી કે આવા લોકો છે. સમસ્યા એ છે કે આપણે એમને માથા પર બેસાડયા છે. આપણે એમને ફોલો કરીએ છીએ, એમના વીડિયો શેર કરીએ છીએ, એમનાં ખોટાં સ્ટેટમેન્ટને તાળી આપીએ છીએ. પછી આશ્ચર્ય થાય છે કે યુવાધન ખોટી દિશામાં કેમ જઈ રહ્યું છે? જે વ્યક્તિ પાસે કોઈ શિક્ષણ નથી, અનુભવ નથી, નક્કર કામ નથી, પરંતુ માત્ર બોલવાની કળા છે, તે વ્યક્તિ યુથ માટે રોલ મોડલ બની જાય અને આ સમાજની સૌથી મોટી હાર છે. ઇમ્ફલુએન્સર હોવું એટલે ફક્ત ફોલોઅર્સ હોવું એમ નહીં. ઇમ્પ્લુએન્સર હોવું એટલે જવાબદારી હોવી. તમે જે બોલો છો તે કોઈનું જીવન બદલી શકે છે, તે વાત સમજીને સ્વીકારવાની જવાબદારી.
આજે કેટલાક લોકો આલ્કોહોલ-ફ્રી ઇવેન્ટના નામે ફેક કાર્યક્રમ કરે છે, ફેક વેડિંગના નામે લોકોની ભાવનાઓ સાથે રમે છે, ખોટી કહાની ઘડીને સહાનુભૂતિ મેળવે છે. આ બધું માત્ર પૈસા માટે. આવા લોકો પાસે મૂલ્ય નથી, કોઈ સિદ્ધાંત નથી, કોઈ સંસ્કાર નથી. સમાજે હવે સમજવું પડશે કે દરેક માઇક પકડનાર માણસ મહાત્મા નથી. દરેક કેમેરા સામે બોલનાર વ્યક્તિ માર્ગદર્શક નથી. કેટલાક લોકો માત્ર અવાજ ઊંચો કરે છે, પરંતુ અંદરથી સંપૂર્ણ ખાલી હોય છે.
તમારાં બાળકોને પૂછો કે તેઓ કોને ફોલો કરે છે. શું એ લોકો સાચું કામ કરે છે? શું એ લોકો સમાજ માટે કંઈ સારું કરે છે? કે ફક્ત મોંઘી ગાડી, મોંઘા કપડાં અને ખાલી વાતો બતાવે છે? ઈજ્જત એક દિવસમાં બનતી નથી, પણ એક જ દિવસમાં જઈ શકે છે. જે લોકો આજે ખોટા રસ્તે પૈસા કમાઈ રહ્યા છે, તેમને લાગતું હશે કે તેઓ બહુ ચાલાક છે, પરંતુ ખોટા રસ્તે ચાલનારનું પતન નિશ્ચિત છે.
- મેહુલ જયાણી




